રમ્મફાસ્ટ કાકા – હાર્દિક યાજ્ઞિક 14


સ્વર્ગસ્થ રમ્મફાસ્ટ કાકા

કેમ ચોંકી ગયા ને ?

મારા ઘરે દિવાલ પર લટકાવેલ મારા પિતાજી સ્વ. આંનદરાય સુમનરાય શેઠના ફોટાને લગોલગ એકદમ સામાન્ય ચહેરાવાળા વ્યકિતના ફોટાની ની્ચે લખેલ આ ઉદબોધન ને વાંચનારા લગભગ આમજ ચોંકી જાય છે. આશ્ચર્યથી મારી સામે જોનારને હું બહુજ ગર્વથી ઓળખ આપુ છુ કે એ મારા રમ્મફાસ્ટ કાકાનો ફોટો છે.

રમ્મફાસ્ટ કાકા, એમની કામ કરવાની ઝડપ જોઇને પિતાજી એમને “રમ્મફાસ્ટ” ના ઉપનામથી બોલાવતા અને કદાચ એટલેજ હું અને મારી બહેન પણ નાનપણથીજ તેમને રમ્મફાસ્ટ કાકા કહી ને બોલાવતા.

તેમનું મૂળ નામ હતુ શ્રી….

જવા દો ને, મારા રમ્મફાસ્ટ કાકા તો તમારા માટેય એ જ રાખોને, આમેય વ્હાલથી પાડેલા નામ ફોઈએ પાડેલ નામો કરતા હંમેશા વધુ ગમતા હોય છે. રમ્મફાસ્ટ કાકા મારા ઘરના શું હતા તેનો જવાબ કદાચ હું નાનપણથી શોધી શકયો નથી. કયારેક પિતાજીની ઓફિસમાં તેમને મે હિસાબનામું તપાસતા જોયા હતા. તો કયરેક મારી માને પૂછી ને ઘરનું શાક લેવા જતાંય મેં તેમને જોયેલા. ઘરનો નોકર રજા ઉપર હોય ત્યારે ઘરના કચરા-પોતા પણ એ કરતા હોય તો કયારેક પિતાજી ની ગાડીના ડ્રાઇવર હોય.

મોટાભાગે લાખ રૂપિયા જેવી માતબર રકમ કોઇને પહોચાંડવા માટે પણ પિતાજીનો કોઇ સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય તો તે મારા રમ્મફાસ્ટ કાકા..

એટલે તમારી ભાષામા એ નોકરથી માંડી ને ગુમાસ્તા સુધીનું બધુંજ હતા. અમારા વિશાળ બંગલાની ડાબી બાજુ ના સર્વન્ટ ક્વાટરમા પહેલી જ ઓરડી તેમનું નિવાસ સ્થાન. કાકાને કુંટુબ મા જોઈએ તો કોઇ જ નહીં. કયારેય કોઇ સગાવ્હાલા તેમને મળવા આવ્યા હોય તેવુ જોયુ ન હતું. બસ મારા પિતાજીને તે મોટાભાઇ કહેતા અને અમારૂ કુંટુબ એટલે કાકાનુ પોતાનુ કુટુંબ. નાનપણથી મને અને મારી બહેનને તેમણે જ મોટા કર્યા હતા.

દરેક વસ્તુ મા ઉતાવળ તેમની ઓળખ હતી અને લીધેલ કામ ઝડપથી પુરું કરવુ એ તેમની નેમ. અને એટલે જ તેમનુ નામ પડ્યુ હતું, “રમ્મફાસ્ટ”

એ જમવા બેસે તો લગભગ પાંચ મિનિટમાં તો જમવાનુ પુરૂ થઇ જાય. સ્વભાવે ખૂબ ઓછા બોલા પણ મારી સાથે નાનપણથી ખૂબ બને. એક લાલ કલરનુ અને બીજુ ભુરું, બે ખીસ્સાવાળુ ખમીસ તેમની ઓળખ અને મિલ્કત.

એ ક્યારેય પગાર પણ ન લેતાં, કહેતા કે “મોટાભાઇ, તમે રહેવા ઘર આપ્યુ છે. ભાભી માંની જેમ પ્રેમથી જમાડે છે અને સૌથી વધુ તો તમારો મારી ઉપર કરોડ રૂપિયાનો વિશ્વાસ છે તે બહુ છે. પછી મારે પગારનું શું કરવું છે? મારે જોઈશે તો કો’ક દી’ લઈ લઇશ”

પિતાજી તેના નામે ઍકાઉન્ટ ખોલાવીને દર મહિને એક ચોક્કસ રકમ જમા કરાવતા, પણ ધંધાની પાઇ પાઈ નો હિસાબ જીભના ટેરવે રાખતા આ ઓલીયાને પોતાનુ કઇ બેન્કમાં ખાતુ શેઠે ખોલાવ્યું છે તે પૂછવાની પણ ફિકર ન હતી.

એક વાર હુ રમ્મફાસ્ટ કાકા માંટે નવો ઝભ્ભો અને લેંઘો લઇને આવેલો, અને તેમને તે પહેરવા ફરજ પાડેલી, ત્યારે હસીને તેમણે કહ્યુ કે, “ભયલુ, ભાઈ તમે પ્રેમથી લાવ્યા છો તો તમારા જ કોઇ પ્રસંગે પહેરીશ, બસ !” અને ફરી પાછુ એમના એજ બે ખમીસ અને કાળા બે પાટલુનમાં સજ્જ થઇ પોતાના કામે ઝટ લાગી ગયા હોય.

એમની નિર્લેપતા ખબર નહીં કેમ પણ તેમના વ્યક્તિત્વને વધારે દિપાવતી હતી. બે જોડ કપડામાં પણ તે હંમેશા ચોખ્ખા અને સુજ્ઞ જ લાગતા. આમ બોલે નહિ પણ તેમને મળનાર લોકોને તેમનામાં એક ઉંડો લાગણીનો દરિયો ઘૂઘવતો અનુભવાતો. ઘરમાં કોઇ બીમાર હોય તો અરધી રાત્રે પણ ઓટલે બેઠા બેઠા બહુજ ઝડપથી હનુમાન ચાલીસાના પાઠ કરતા એ ચોક્કસ દેખાય. ઘરની વ્યક્તિ સાજી ન થાય ત્યાં સુધી તેમને ચેન ન પડે.

એક સમયે મને અચાનકજ પેટમાં અસહ્ય દુખાવો ઉપડયો. ખૂબ જ ઝડપથી તેમણે મને નજીકની હોસ્પીટલે પહોચાંડ્યો અને મારા પિતાજીને જાણ કરી. કેસ કોમ્પલીકેટેડ હોવાથી મોટી હોસ્પીટલ મા જવુ પડ્યુ. પિતાજીની સાથે ને સાથે મૌન રહી મનમાં હનુમાન ચાલીસાનો ઝડપથી પાઠ કરતા રમફાસ્ટ કાકા પાંચ દિવસ હોસ્પીટલ માંથી ખસ્યા ન હતા. પાંચમા દિવસે નીદાન આવ્યુ કે અલ્બુન હિપોટ્રીટ ફેલીયર.

ડોકટર સાથેની પિતાજી ની વાત પરથી તેમણે એટલુ જાણ્યું કે એક લાખ લોકો એ એક જણને થતો આ રોગ છે અને એનો એક જ ઇલાજ શકય છે કે કોઇ વ્યક્તિની કિડની અને યકૃત જો મેચ થતા હોય અને તે વ્યક્તિનું મરણ થાય તો જ તરત તે શરીરમાંથી અંગોનું પ્રત્યારોપણ મારા શરીરમાં શકય બને અને મને જીવતર મળે. તે સમયે અંગોનુ પ્રત્યારોપણ ભારત માંટે નવુ નવુ હતુ. દેહદાન મા આવેલ મૃતદેહ જુનો થઇ ગયેલ હોવાથી તે શકય ન હતુ. ખબર નહિ કેમ પણ તે દિવસે મારા રૂમમાંથી રમ્મફાસ્ટ કાકા ગુમ થઇ ગયા. લગભગ સાંજે સાત વાગે તે એક પાંચ મીનીટ માટે મારા રૂમમાં આવ્યા હતા. મારા માથા પર ઝડપ થી હાથ ફેરવી તેમની એ જ જાણીતી ઝડપી ચાલે રૂમમાંથી બહાર નીકળી ગયા હતા.

બીજા દિવસે સવારે તેમનો મૃતદેહ તેમના રૂમમા મળ્યો. તેમણે મારા આપેલા કપડા પહેર્યા હતા. બાજુમાં ડોકટર ના ટેસ્ટ રીપોર્ટ હતા જેમા છેક ઉપર સર્ટીફીકેટ હતુ કે તેમના અંગો મારા પ્રત્યારોપણ માટે અનુરૂપ છે. અને એક ચીઠ્ઠી હતી કે “સવારના નવ વાગ્યે જઉં છું, એટલે બપોરના બાર પહેલા પ્રત્યારોપણ પતાવી દેજો. ભઇલુ ભાઇને કહેજો તમારો પ્રસંગ છે એટલે તમારા આપેલા નવા કપડા પહેરૂં છું. ખુશ રહેજો”

એક જ દિવસમાં પોતાના જીવનનું દાન મારા માટે લેવાનો ફાસ્ટ નિર્ણય રમ્મફાસ્ટ કાકા જ લઇ શકે.

આજે ખબર નહી પણ કેમ હું પણ ખૂબ ઝડપથી કામ કરતો થઇ ગયો છું ! કદાચ…….

– હાર્દિક યાજ્ઞિક

હાર્દિકભાઈનું નામ અક્ષરનાદના વાંચકો માટે હવે નવું રહ્યું નથી. તેમની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર આવી ચૂકી છે. આજે પ્રસ્તુત વાતમાં હાર્દિકભાઈ એક પાત્રની, નામે ‘રમ્મફાસ્ટ કાકા’ની વાત કરવા તેમનું એક આબેહૂબ પાત્રચિત્ર ઉપસાવે છે. તેમના ગુણોને અને પોતાના પર કરેલા ઉપકારને વર્ણવે છે. વાર્તાનો અંત તેની સતત જકડી રાખતી પ્રવાહિતા જેટલો જ સુંદર આપ્યો છે. આવી સુંદર કૃતિઓ તેમની કલમ થકી અક્ષરનાદને મળતી રહે તેવી અપેક્ષા સાથે હાર્દિકભાઈનો આ રચના અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “રમ્મફાસ્ટ કાકા – હાર્દિક યાજ્ઞિક

  • Rana Babu

    કોઇ શબ્દ નહિ….કોઇ વાક્ય નહિ…..
    દરેક લગની ને શબ્દ દ્વ્રારા કહિ શકાય ..તેમ હુ નથી માનતો…..
    વાંચી ને જે મેહશુસ થાય છે…તે ફક્ત મેહશુસ જ કરી શકાય…
    વાસ્તવીક સમાજ થી દુર ખુબ મોટી વાત લખી નાખી છે……વાસ્તવીક સમાજ માં જો આના થી નાનો પણ તેના જેવુ જ મેહશુસ કરી શકય તેવો પ્રસંગ જો જોવા મલે તો …..હું તો લાગની ના આઘાત થી જ મરી જાવ…

  • PRAFUL SHAH

    EXCELENT WAY TO SAY STORY. PROMOTION OF GIFT OF KIDNEY-ON WORLD KIDNEY DAY OR MONTH 1ST MARCH.CONGRATULATIONS.

    DONATE BLOOD WHEN YOUNG, EYES AND BODY AFTER DEATH TO HELP NEEDY IS THE MESSAGE OF THE STORY. GOD GIVEN GIFTS YOU CAN DONATE WITHOUT ANY COST TO YOUR PURSE . YOUR HEIRS WONT OBJECT OR CANT OBJECT..THINK.THINK AND DO IF YOU CAN

  • PH Bharadia

    હાર્દિક યાજ્ઞિકની આ સુંદર વાર્તા વાંચી રોમાંચની અનુભૂતિ થઇ કે જાણે ઓ O ‘Henry ની નવલિકા વાંચતો હોઉ એવું લાગ્યું !!!
    અમેરિકન લેખક O ‘Henry તેમની ટૂંકીવાર્તાઓમાં ચમત્કૃતિ લાવવા માટે ખુબજ પ્રખ્યાત હતા,હાર્દિક યાજ્ઞીકે પણ તેમની વાર્તામાં આવીજ રીતે અણધાર્યો અંત લાવીને વાંચકને દિગ્મૂઢ કરી દીધા.
    ગુજરાતી વાંચકો આવા લેખકોની કદર કરે છે અને ઉતરોત્તર સરસ નવલિકા આપતા રહે તેવી ઉપેક્ષા.
    હાર્દિક યાજ્ઞિકને પણ અમારા અભિનંદન.