કર્ણ વૃષાલી મિલન – શિવાજી સાવંત, અનુ. પ્રતિભા દવે 7


સ્પર્ધાની રાતે મને સત્યસેન ગંગાકાંઠે મળ્યો હતો. ‘મને મળજે’ એવું મેં એને કહ્યું હતું. એ મુજબ તે મને ત્રીજે દિવસે મળ્યો. મેં દુર્યોધન પાસે એનાં થોડાં વખાણ કર્યાં. એમના સૈન્યમાં સત્યસેનને ક્યાંક ગોઠવી દેવા સૂચન કર્યું અને એમણે તરત જ  પોતાના રાજરથના સારથી તરીકે નિમણૂક કરી દીધી. સત્યસેનની આજીવિકાનો પ્રશ્ન હલ થયો. થોડા જ દિવસોમાં એણે પોતાની નિપૂણતાથી દુર્યોધનની કૃપા સંપાદન કરી લીધી. હું, પિતા અને શોણે યુદ્ધશાળા છોડી રાજમહેલમાં રહેવા ગયા. હું અંગરાજા થયો હતો. મારે સ્વતંત્ર મહેલ હતો, દાસદાસી હતાં અને સૌથી વધુ મહત્ત્વની વાત એ હતી કે મારા પાર દુર્યોધનનો સવિશેષ પ્રેમ હતો!

હું રાજમહેલમાં રહેવા ગયો છતાં રોજનો મારો પ્રાત:કાળે ગંગાનદીએ જવાનો નિત્યક્રમ ચાલુ જ હતો. ત્યાંથી છેક બપોરે પાછો ફરતો. જતાં પહેલાં બે કટોરા ભરીને ગાયનું દૂધ પીતો. ગંગાનદીએ જઇ સૂર્યપૂજા કરવી એ મારો નિત્યક્રમ હતો.

નિત્યક્રમ પ્રમાણે એક દિવસ હું ગંગાનદીએ ગયો. સ્નાન કરીને મેં રોજની જેમ અર્ઘ્ય દેવા અંજલિ ભરીને પાણી લીધું. મારાથી વીસ-પચીસ ડગલાં જ દૂર જમણી બાજુએ ગંગાનદીનો ઘાટ હતો. એનાં પથ્થરનાં પગથિયાં ધૂંધળાં પ્રકાશમાં સ્પષ્ટ દેખાતાં નહોતાં. મારી હથેળીમાંનું પાણી ટીપે ટીપે ફરી ગંગાના પાણીમાં એકરૂપ થતું હતું. ખાલી થયેલી હથેળી હું ફરી પાણીથી ભરી દેતો હતો. મારા ગુરુને હું શ્રદ્ધાથી અર્ઘ્ય આપી રહ્યો હતો.

છેલ્લાં કેટલાંય વર્ષોથી હું શ્રદ્ધાપૂર્વક આમ કરતો હતો. જીવનની છેલ્લી ઘડી સુધી હું આમ જ કરવાનો હતો. શ્રદ્ધા એ કાંટાળા જીવનની હરિયાળી છે. મારી ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું મેં જીવથી જતન કર્યું હતું અને છેક સુધી હું એને જાળવી રાખવાનો હતો. આખું હસ્તિનાપુર આ વાત સારી રીતે જાણતું હતું. સવારના ત્રણ પહોર સુધી કર્ણ ક્યાં છે?’ એવો પ્રશ્ન હસ્તિનાપુરમાં કોઇ પૂછે તો દરેક નિશ્ચિંતપણે ઉત્તર આપે કે ‘ગંગા તટે !’

તે દિવસે પણ હું એક એક અંજલિ ભરીને મારી શ્રદ્ધાનો કળશ છલકાવી રહ્યો હતો. પૂર્વ દિશા આછી લાલાશ પકડતી હતી. થોડીવારમાં તો નીલવર્ણી સામ્રાજ્યના સોનેરી સમ્રાટ પોતાના રથનાં કિરણો રૂપી હજારો અશ્વ દોડાવતાં પૂર્વદિશામાં આવીને હસતા ઊભા રહ્યા ! પશુ પક્ષીઓએ કલરવ દ્વારા સ્વાગત કર્યું. ગંગાને સામે કાંઠે હર્યુંભર્યું સુકોમળ  ઘાસ અંગ મરોડતું જાગી ઊઠ્યું. એના પર સૂઇ રહેલાં લીલાં લીલાં તીડનાં ટોળાં ઘાસની સુંવાળી શય્યા છોડી તરત જ અહીંતહીં ઊડવાં લાગ્યાં. ઘાસ-પાંદડાંપર ઝાકળનાં રૂપેરી બિંદુ ચમકવાં લાગ્યાં. ગોચરભૂમિમાં ગાયોનાં સુંદર વાછરડાં ડોક ઊંચી કરીને, આળસ મરડીને ઊછળવાં લાગ્યાં. પક્ષીઓએ પાંખ ફફડાવતાં, કિલબિલ કરતાં ચણવાં માળામાંથી પ્રયાણ કર્યું. કેટલાંય કારંડવ પક્ષી પાંખો ફફડાવતાં ગંગાનાં પાણી પર ઉડાન ભરવાં લાગ્યાં. પાંખ પાણીમાં ભીંજાવી ફરી ઊંચે કૂદકા મારી આકાશમાં ઊડવાં લાગ્યાં. મંદિરના કળશ સોનેરી રંગોમાં ઝળહળી ઊઠ્યાં. ગંગાની અસંખ્ય લહેરો સોનેરી વસ્ત્ર ધારણ કરી ઝળહળાટ સાથે નૃત્યગીત ગણગણતી એકમેકની સાથે ફૂદરડી ફરીને નાચવા લાગી ! સમસ્ત સૃષ્ટિ કેવી ચૈતન્યથી સ્પંદિત થઇ ઊઠી !

જગતને ઉજાળનાર તે અક્ષયદીપ મારા કાનનાં કુંડળો ને ઝુલાવતો હતો. મારી સાથે કોઇ અજ્ઞાત ભાષામાં ગોષ્ઠિ કરવા લાગ્યો. વિસ્ફારિત આંખે એકીટશે જોતો હું એનું આકંઠ પાન કરવા લાગ્યો. આ તેજરસને આંખો દ્વારા પીવાની મારી ઇચ્છા કેમ તૃપ્ત થતી નથી એ મને ક્યારેય સમજાયું નહિ. કેટલીયવાર તે તેજને મેં દિવસભાર ઊભા રહીને આંખોથી પાન કર્યું હતું ! છતાં હજીયે એ અતૃપ્ત જ રહી હતી. મારા હ્રદયને લાગેલી તેજની આ તૃષા કેવા પ્રકારની હશે તે હું જાણી શક્તો નહોતો ! કદાચ જીવનના અંત સુધી મને નહિ સમજાય ! આ સૂર્યદેવનાં દર્શન કરવાની સતત ટેવને લીધે મારી આંખની કીકીઓ અવશ્ય તેજસ્વી બની હતી ! એટલે જ અશ્વત્થામા મને કહેતો હતો. કર્ણ, તારી નીલવર્ણી આંખોમાં ચમકતી સોનેરી-રૂપેરી કીકી એ નીલા આકાશમાં સૂર્ય-ચંદ્ર જ જોઇ લો ! મારું આ પ્રકારનું સૂર્યાઅરાધનાનું વ્રત રોજ ચાલુ હતું. ક્યારેક એ તેજવલયોને અનિમેષ જોઇ મને સહજ ભાવસમાધિ થઇ જતી. દેહનું ભાન રહેતું નહિ. મન હળવાશ અનુભવતું. તે દિવસે મારી એ જ મન:સ્થિતિ હતી. ત્યાં એકાએક ઘાટ તરફથી એક આર્ત ચીસ સંભળાઇ. કોઇક બચાવો… બચાવોની પ્રાણઘાતક બૂમ મારી રહ્યું હતું. મેં તરત જ પાછળ ફરીને ઘાટ તરફ જોયું. આખો વિશાળ ઘાટ નિર્જન હતો. એક માટીનો ઘડો ઊંધો વળીને ગંગાનાં પાણીમાં ડોલતો ડોલતો દૂર વહી રહ્યો હતો. સોનેરી-રૂપેરી મોજાંમાં કેળના થંભ જેવા નિર્મળ હાથ પાણીની ઉપર છટપટી રહ્યા હતા. કંકણ ચમકતાં હતાં. એટલામાં એ હાથ ક્યાંક ખોવાઇ ગયા. કાંઠા પરનાં લીલવાળાં પગથિયેથી પાણી ભરતી લલનાએ ગંગામાં સમતોલપણું ગુમાવ્યું હતું. રોજ દૂરથી આકર્ષક દેખાતું ઊંડું પાણી આજે કોઇકને પોતાના ઉદરમાં સદાને માટે સમાવી દેવા માગતું હતું ! આ હાથની છટપટ પાણી બહાર નીકળવા માટેની, મદદ માટેની કરૂણ પોકાર હતી.

મેં અંગ પરનું ઉત્તરીય ઠીક કર્યું અને ઘાટ તરફ દોડવા લાગ્યો. ઘાટ પર પહોંચતાં જ મેં સીધું ગંગાના પાણીમાં ઝુકાવ્યું. ક્યાંય સુધી પાણીમાં હું ખુલ્લી આંખે જોતો રહ્યો. કેટલીય નાની નાની માછલીઓ મારાં કુંડળને ખેંચવાનો વ્યર્થ પ્રયત્ન કરતી હતી. એટલામાં ઊંડા પાણીમાં ડૂબતો એક માનવદેહ દેખાયો. એની નજીક જતાં જ એ દેહ મને જોરથી વળગી પડ્યો. મૃત્યુના દ્વાર પાસે જીવ કેવો લાચાર બની જાય છે ! તે નાત-જાત-ગોત્ર, સમાજ, ધર્મ, પ્રતિષ્ઠા કંઇ જ જોતો નથી. એ જુએ છે કેવળ સ્વ નું અસ્તિત્વ ! તે સ્ત્રી હતી છતાં મને જોરથી વળગી પડી હતી. મૃત્યુના દ્વારે ઘૂંટાતા એક જીવની બીજા જીવને ‘મને તારે શરણે લઇ લે’ કહીને એણે દીધેલું એ આલિંગન હતું ! આ આલિંગન મને ગંગાના તળિયે લઇ જાય  તેવું હતું. આથી પહેલાં હું એની પકડમાંથી છૂટ્યો. પછી તેના છૂટા વાળના જથ્થાને હાથમાં પકડી લઇ કિનારા તરફ જવા પાણી સડસડાટ કાપવા લાગ્યો. આવી સ્થિતિમાં પણ મારા મનમાં એક વિચાર ઝબકી ગયો. મારી ગુરુ પૂજા અધૂરી રહી હતી.પાણી કાપતાં કાપતાં ગંગાનદીમાંથી સૂર્યદેવનાં દર્શન કરતાં મેં મનોમન માફી માગી, ‘ગુરુદેવ, ક્ષમા કરો, ક્યારેક નિયમમાં અપવાદ ચલાવી લેવાય.’ વાળ સહિત સ્ત્રી ખેંચાઇ રહી હતી. હું કિનારે પહોંચ્યો. પેલી મૂર્છિત સ્ત્રીને ગમે તેમ કરીને પાણીમાંથી ઉગારી. એનો ચહેરો જોઇ હું સ્તબ્ધ બની ગયો. ઘડીભર કંઇ સૂઝયું નહિ. તે વૃષાલી હતી! સત્યસેનની બહેન ! તરત જ પ્રયાગનું દૃશ્ય આંખ સામે ખડું થઇ ગયું. ત્યારે એનો ઘડો ફૂટતાં મારાં વસ્ત્રો ભીંજાઇ ગયાં હતાં. એ જોઇને તે કેવી શરમાઇ ગઇ હતી ! તેણે મારી સામે ફક્ત એકવાર જોઇને તરત જ દૃષ્ટિ ઢાળી દીધી હતી. ફરી ઊંચું મોં કરીને જોયું જ નહોતું. એણે પગના નખથી જમીન ખોતરી ખોતરીને ઊંડો ખાડો કરી નાખ્યો હતો ! તે સમયની વૃષાલી કેવી હતી ? પવનથી લજાઇને પાંદડાં આડે મુખ છુપાવતી એક લજામણી વેલ હતી. જ્યારે આજની વૃષાલી એક ડાળી પર ખીલેલું ફૂલ ! એ ઝાકળના બિંદુથી ભીંજાયેલા પારિજાત વૃક્ષ સમી દેખાતી હતી. એનો ચહેરો ભાવશૂન્ય હતો. ગાઢ નિદ્રામાં સૂતેલા બાળક જેવી એની શાંતમુદ્રા હતી. એ નિખાલસ હતી. મને થયું કે ભૂલથી હું નદીમાંથી જલપરી તો નથી લઇ આવ્યોને ! જે હાથે અર્ઘ્ય દેતો હતો એ જ હાથમાં એનો નિશ્ચલ દેહ લઇને પૂર્વ દિશા તરફ સહેજવાર ઊભો રહ્યો. એક અજબ કલ્પના મનમાં સૂઝી. આ જ સ્થિતિમાં રમણીય સૂર્યોદય થાય. વૃષાલી મારા બાહુમાં આજ રીતે હોય. હું પણ ભીંજાયેલો અને તે પણ ભીંજાયેલી ! કાળની ગતિ થંભી જાય. ગંગાનાં તરલ પાણીમાં અમારાં બંનેનાં પ્રતિબિંબ આમ જ તરતાં રહે ! કારંડવ પક્ષી મધુર ગીત ગાતાં રહે.

પરંતુ બીજી જ ક્ષણે અંગ પરથી ગરોળીને એક ઝાટકે ફેંકી દે તેમ એ વિચારને એક ઝાટકે ફેંકી દીધો. મને અતિશય ગ્લાનિ થઇ. ગમે તે હોય પણ તે એક પરસ્ત્રી હતી. તેના નિશ્ચેષ્ટ દેહને મેં એક સ્વચ્છ પગથિયા પર હળવેકથી મૂકી દીધો. એના દેહ પરથી નીતરતું પાણી પગથિયે થઇને ફરી ગંગામાં ભળી જતું હતું ! તે એને શું કહેવા માગતો હતો ! થોડીવાર સુધીએ બેશુદ્ધ રહી. કેટલી નિર્મળ દેખાતી હતી ! ભીનાં વસ્ત્રો એનાં અંગ પર ઠેકઠેકાણે ચોંટી ગયાં હતાં. પાણીનાં બિંદુ એના ગૌર ગોળ મુખકમળ પર ઠેર ઠેર ચમકી રહ્યાં હતાં.એનાં પર સૂર્યકિરણો પરાવર્તિત થઇને એના ગાલ પર વિખરાઇ ગયાં હતાં ! તે સમયે એની દેહલતા મને ગંગાથી ગર્વીલી રૂપેરી લહેર સમી લાગી !

કિનારે મૂકેલું કોરું ઉત્તરીય મને યાદ આવ્યું. હું ઉત્તરીય લેવા તરત દોડ્યો. પાછો ફર્યો ત્યારે એનો શ્વાસ ધીમો ધીમો ચાલતો હતો. ઘાટ પર કોઇ જ નહોતું. મેં એના મુખ પરનાં જલબિંદુંને મારા હાથનો સ્પર્શ ન થાય એ રીતે ઉત્તરીયથી લૂછ્યાં. એણે એની ગરદન સહેજ હલાવી અને હળવેકથી આંખો ખોલી ! પ્રથમ તો પોતે ક્યાં છે? હું કોણ છું? એનું એને ભાન નહોતું ! ગભરાયેલી આંખે એ મને એકીટશે જોઇ રહી ! કુંડળ પર લટકતાં બે જલબિંદુ ટપકીને મારા ખભા પર પડતાં એણે જોયાં ! અને એક જ ક્ષણમાં તે પોતે ક્યાં છે? હું કોણ છું? એનું ભાન થયું. તે સફાળી ઊભી થઇ ગઇ. અંગ પરનાં ભીનાં વસ્ત્રો ઠીક કરવાનો પ્રયત્ન કરવા લાગી. એણે મોં નીચે ઢાળી દીધું. સાચવીને ઊભી થયા પછી એણે મારું ઉત્તરીય જ પોતાના અંગ પર લપેટી દીધું ! ગંગાનાં પાણીમાં દૂર વહેતાં પાણીના ઘડા તરફ આંગળી ચીંધતાં મેં કહ્યું. ‘પહેલા પ્રયાગમાં તમારો એક ઘડો ફૂટી ગયો હતો. આજે હસ્તિનાપુરમાં ગંગાએ બીજો ઘડો કાયમને માટે તમારી પાસેથી છીનવી લીધો ! શા માટે એ તમે એને જ પૂછો.’

થરથર ધ્રૂજતા એણે ગંગાનદીમાં દૂર જઇ રહેલા ઘડા તરફ દૃષ્ટિ કરી. શરમાઇને તે નીચું જોઇને ઘાટ તરફ વળી અને એક પગથિયું ચડીને દૂર નીકળી ગઇ ! એનાં ભીંજાયેલાં પગનાં સ્પષ્ટ ચિહ્નો ઘાટનાં પગથિયાં પર અંકાઇ ગયાં હતાં. જતી વખતે ગભરાટમાં મારું ઉત્તરીય પણ એ લેતી ગઇ ! એના ગભરાટપણા પર હું મનમાં ને મનમાં હસી પડ્યો. ગંગાનદીના એ ઘડાને હું ક્યાંય સુધી જોતો ઊભો રહ્યો. પાછળ કોઇ ઘાટનાં પગથિયાં ઊતરી રહ્યું હોય એવો ભાસ થતાં મેં પાછળ ફરીને જોયું . તે ભીષ્મ પિતામહ હતા ! મને જોતાં જ તેમણે સહજભાવે પૂછ્યું., ‘કર્ણ, આજ અત્યાર સુધી તું અહીં છો ?’

હું ચૂપ રહ્યો. શું બોલું ?

’મારી સાધના કોઇ કારણથી આજે અધૂરી રહી છે !’ એવું હું એમને શી રીતે કહું ? અંગ પરનાં કેવળ ભીનાં વસ્તો સાથે ગંગાનદીએથી પાછા ફરતાં કર્ણને કેટલાય નગરજનો તે દિવસે આશ્ચર્યથી જોઇ રહ્યા.

(‘મૃત્યુંજય’ – શિવાજી સાવંત, અનુવાદ : પ્રતિભા. મ. દવે, માંથી સાભાર.)

શ્રી શિવાજી સાવંત (૩૧ ઓગસ્ટ, ૧૯૪૦ – ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૨) રચિત મરાઠી નવલકથા ‘મૃત્યુંજય’ પોતે એક સદાબહાર મહાકાવ્યસમ બની ચૂકી છે. દાનવીર અંગરાજ કર્ણના જીવન વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક સંશોધન પછી લખાયેલી મૃત્યુંજય વાંચવી એક લહાવો છે. તેમની આ કૃતિનો અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે, જેમાં હિન્દી, કન્નડ, મલયાલમ, અંગ્રેજી વગેરે ભાષાઓ સહિત ગુજરાતીમાં ૧૯૯૧માં આ અનુવાદ પ્રસિદ્ધ થયો જે પ્રતિભા દવેની કલમે લખાયો છે. મૃત્યુંજય જેવી જ તેમની અન્ય સદાબહાર કૃતિઓ ‘યુગાન્ધર’ જે કૃષ્ણના જીવન પર આધારિત છે અને બીજી છે છાવા, જે છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજી પર આધારિત છે. દરેક સાહિત્યપ્રેમીના પુસ્તકસંગ્રહમાં અવશ્ય હોવી જ જોઈએ એવી આ નવલકથાનો એક નાનકડો ભાગ આજે અહીં પ્રસ્તુત છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “કર્ણ વૃષાલી મિલન – શિવાજી સાવંત, અનુ. પ્રતિભા દવે

  • Priti shah

    ંમ્ર્ત્યુજય્’ શિવાજિ શાવન્ત નઇ અધ્ભુત રચના. ઍક વાર હાથ મા લિધા પચ્ચિ મુકવનુ મન ના થાય્.

  • meena

    મ્રુત્યુન્જય ગુજરતિમ મને બલેવનિ ભેટ વર્શો પહેલ આપિ હતિ.આજે વેબ પર આ પુસ્તક જોયિને ખૂબ આનન્દ થયો.મરથિમ આ પુસ્તક કાઈં કેટ્લિયે વાર વાન્ચુ દરેક સમયે નવિ અનૂભુતિ થૈ .
    આપનિ આ વેબ્સઐટ ગમિ.

  • chandralekha rao

    પ્રથમ પાન થી છેક.સુધી સળંગ વાંચ્યા જ કરવાનું મન થાય તેવું …ફરી ફરી વાંચવું ગમે તેવુઁ પુસ્તક………………

  • PH Bharadia

    હેમેન ભાઈ, ગુજરાતી પુસ્તકો વેંચતા ઘણા સ્થળો સુરત,વડોદરા , અમદાવાદ,રાજકોટ,ને મુંબઈમાં છે.અગર તમે વિદેશમાં વસતા હો તો ‘AMAZON ‘પણ ગુજરાતી પુસ્તક મેળવી આપે પણ
    તે મોઘું પડે, તમારા કોઈ મિત્રનો સંપર્ક કરીને પણ માહિતી કે પુસ્તક મંગાવી શકાય.

  • ભાવિન સંગોઇ

    મ્રુત્યુન્જય નો ગુજરતિ અનુવદ મે વાંચ્યો છે, ખરેખર ખુબજ સુંદર પુસ્તક છે. એક વાર પુસ્તક હાથમાં લો તો જ્યાં સુધી પુરું વાંચી ન લો ત્યાં સુધી પુસ્તક મૂકી શકાતું નથી એવું પુસ્તક છે. આ પુસ્તકનો એક ભાગ અહીં મુકવા માટે આભાર.