ઘેરૈયાનો ઘેરો – વેણીભાઇ પુરોહિત 2


ધૂળેટીનો સપરમો દહાડો છે, ઘેરૈયાઓના ટોળા મળ્યાં છે અને આવતા જતા બધાંયને વિવિધ રંગોએ રંગવા ઘેરૈયાઓ તૈયાર થઈ ઉભા છે, તેમણે ઘેરો ઘાલ્યો છે. આવા જ અર્થની વાત શ્રી વેણીભાઈ પુરોહિત પ્રસ્તુત કાવ્યરચના અંતર્ગત કહે છે. નવા ઇલાલને સંબોધીને કહેવાયેલી આ વાતઆજના તહેવાર સાથે કેટલી બંધબેસતી આવે છે?

સર્વે વાંચક મિત્રોને અક્ષરનાદ તરફથી હોળી – ધૂળેટીની અનેક શુભકામનાઓ.

ચકલામાં ચેતીને ચાલો, નવાઇલાલ !
હોળીનો પૈસો આલો, નવાઇલાલ !

આજે છે રંગ રંગ હોળી, નવાઇલાલ !
આવી ઘેરૈયાની ટોળી, નવાઇલાલ !

ખાવાં છે સેવને ધાણી, નવાઇલાલ  !
દાણ માગે છે દાણી, નવાઇલાલ !

આવ્યા  નિશાળિયા દોડી, નવાઇલાલ !
શાહીની શીશીઓ ઢોળી, નવાઇલાલ !

ઝાલી છે હાથમાં ઝોળી, નવાઇલાલ !
સિકલ તમારી છે ભોળી, નવાઇલાલ !

જૂની તે પોતડી પ્હેરી, નવાઇલાલ !
લાગો છો રસિયા લ્હેરી, નવાઇલાલ !

ભારે હિમ્મત તમે કીધી, નવાઇલાલ !
ભાભીએ કિમ્મત કીધી, નવાઇલાલ !

ઊંધી તે  પ્હેરી ટોપી, નવાઇલાલ !
હસશે ગામની ગોપી, નવાઇલાલ !

ચશ્માની દાંડી વાંકી, નવાઇલાલ!
આંખોની આબરૂ ઢાંકી, નવાઇલાલ !

ચાલોને ઘેરમાં ફરશું, નવાઇલાલ !
નદીએ નાવણિયા કરશું, નવાઇલાલ !

કોરા રહેવાની વાત મૂકો, નવાઇલાલ!
આજે દિવસ નથી સૂકો નવાઇલાલ !

લાગો છો રસિયા લ્હેરી, નવાઇલાલ !
ભારે હિમ્મત તમે કીધી, નવાઇલાલ !

મૂછોમાં બાલ એક ધોળો, નવાઇલાલ !
કાળા કલપમાં બોળો, નવાઇલાલ  !

કૂવા કાંઠે તે ના જાશો, નવાઇલાલ !
જાશો તો ડાગલા થાશો, નવાઇલાલ !

આજે સપરમો દા’ડો, નવાઇલાલ !
લાવો ફાગણનો ફાળો. નવાઇલાલ!

ચકલામાં ચેતીને ચાલો, નવાઇલાલ
હોળીનો પૈસો આલો, નવાઇલાલ !

– વેણીભાઈ પુરોહિત


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ઘેરૈયાનો ઘેરો – વેણીભાઇ પુરોહિત