આશિર્વાદ – રૂપેન પટેલ 20


ઉત્તર ગુજરાતના મહેસાણા તાલુકાના માણેકપુરા નામના નાના પણ સંપુર્ણ સગવડભર્યા ગામમાં મણીલાલ મોહનલાલ શેઠની બોલબાલા હતી. શેઠને ગામના લોકો “બાપાલાલ શેઠ” કહીને માનપૂર્વક બોલાવતા. ગામના તમામ નિર્ણયોમાં શેઠની અભિપ્રાય લેવાતો. સરપંચ, તલાટી, મામલતદાર અને કલેકટર સુધી શેઠની પહોંચ હતી. ગામના વિકાસમાં શેઠ પોતાની જાત ઘસી કાઢતા. ગામના લોકોની સુખાકારીની ચિંતા શેઠને ભારોભાર રહેતી.

શેઠને ગામમાં કરીયાણાની દુકાન, ખેતીવાડી અને શહેરમાં પણ મોટો ધંધો ચાલતો હતો. શેઠનો વેપાર અને નફો પણ વર્ષે દહાડે વધતો જ જતો હતો. શેઠ વિકાસ, આરોગ્ય, શિક્ષણ એમ તમામ ક્ષેત્રમાં જરૂરીયાતમંદોને મદદ કરતાં. શેઠનું દિલ વિશાળ હતું પણ મન સંકુચિત અને જાતિવાદમાં માનનારુ હતું. શેઠ જુનવાણી વિચારો ધરાવતા હતાં, તમામ ગ્રામજનોને મદદ કરતાં પણ દલિતોને મદદ કરવામાં મન કચવાવતા હતાં.

એક દિવસ પ્રાથમિક શાળાના માસ્તર વેણીચંદ શેઠને મળવા આવ્યા. માસ્તરને પેઢી પર આવતા જોઈ તરત શેઠ બોલી ઉઠ્યા, “આવો માસ્તર”. માસ્તરે શેઠને પ્રણામ કર્યા અને કહ્યું, “શેઠ તકલીફ જોઇ એટલે સૌ પ્રથમ તમે જ યાદ આવો છો.”

શેઠે કહ્યું, “બોલો માસ્તર તમારી તકલીફ તરત જ દુર કરી દઈએ.”

માસ્તરે શેઠને આનંદિત જાણી વાત શરુ કરી, “શેઠ આપણા ગામમાં અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ હોંશિયાર અને કાબિલ વિદ્યાર્થી ધ્યાનમાં નથી આવ્યો, એવો વિદ્યાર્થી નજરમાં આવ્યો છે. આ વિદ્યાર્થી ગામ, જીલ્લા અને રાજયનું નામ રોશન કરે તેવી આગવી શક્તિ તેનામાં છે. તકલીફ એવી છે કે ભીલવાસમાં રહેતા સવજીનો નાનો છોકરો હરિયો ભણવામાં હોંશિયાર છે પણ આર્થિક તંગીના કારણે તેનું ભણતર છોડાવી દીધું છે. આપ જો હરિયાને ભણવામાં મદદ કરો તો તેને ઉચ્ચ શિક્ષણ મળી જાય.

શેઠે ભીલવાસ અને સવજીનું નામ સાંભળી કહ્યું, “માસ્તર હું વિચારીને જવાબ મુનીમ જોડે મોકલી આપીશ.”

માસ્તરે આજ સુધી આવો જવાબ શેઠના મોઢે સાંભળ્યો ન હતો. શેઠ દરેક તકલીફ નો ઉકેલ તાત્કાલિક કરી નાખવામાં માનતા હતા અને આજે, ‘પછી જવાબ મોકલી આપીશ’ એમ કહ્યું તે સાંભળી માસ્તરે વિચાર્યું કે નક્કી શેઠ જાતિ અને જ્ઞાતિવાદમાં માને છે માટે મદદ નહી કરે.

થોડા દિવસ સુધી શેઠનો જવાબ ના આવતા માસ્તરને દુઃખ થયું કે એક હોંશિયાર બાળકની જીંદગી વ્યર્થ થઇ જશે. શેઠ પાસે તમામ સમસ્યાનું સમાધાન તરત થઇ જતું પણ આ વખતે ઘણું મોડું થઇ ગયું હતું. માસ્તરે આખરે આખી વાત સરપંચને જણાવી અને કહ્યું કે શેઠને સામુહિકપણે સમજાવીએ કદાચ માની જાય.

સરપંચે પંચાયતના ચોકમાં બધા આગેવાનો અને શેઠને આવવા સંદેશો મોકલ્યો. સંદેશો મળતા બધા આગેવાનો, માસ્તર અને શેઠ આવી પહોંચ્યા. પંચાયતમાં બધા આગેવાનોની ઉપસ્થિતિ જાણી શેઠ આખી પરિસ્થિતિ સમજી ગયા. સરપંચે બધાનો આવવા માટે આભાર માન્યો અને કાર્યક્રમના વિષયની જાણકારી આપી.

સરપંચે ઉભા થઇ બે હાથ જોડી શેઠને વિનંતી કરી, “શેઠ આપ ભામાશા છો. આપની મદદથી એક બાળકની જીંદગી સુધરી જશે. આપની મદદથી ગામ અને રાજયનું પણ નામ રોશન થાય તેમ છે. આજ દિન સુધી આપના દ્વારેથી કોઈ મદદ વગર પરત ફર્યું નથી તો આજે આપ મદદ જરૂર કરશો. શેઠ આપની મદદ ઉગી નીકળશે એવો માસ્તરને વિશ્વાસ છે.”

શેઠે પંચાયતમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને માસ્તરના વિચારોને વશ થઇને અને પોતાની આબરુ માટે થઈને પોતાની માનસિકતા વિરુદ્ધ મદદ કરવાની જાહેરાત કરી. શેઠે મુનીમજીને કહ્યું કે, “હરિયાને શિક્ષણ માટે જે મદદ જોઈએ તે તરત મળી જવી જોઈએ.” શેઠની જાહેરાતથી આખા ગામે તાળીઓથી શેઠનું અભિવાદન કર્યું.

માસ્તરે શેઠનો આભાર માન્યો. માસ્તરે શેઠને જણાવ્યું કે, “હરિયો તથા તેનો બાપ સવજી પણ આપનો આભાર અને ‘આશીર્વાદ’ લેવા માંગે છે”. શેઠે સમય નથી નું બહાનું કાઢી ‘આશીર્વાદ પછી ક્યારેક’ કહી ઝડપથી નીકળી ગયા. તેમને મનમાં પોતાની માનસિકતા વિરુદ્ધ મદદ કરવાનું દુઃખ હતું.

સમય સમયનું કામ કરે છે. સંજોગોવસાત શેઠની પરીસ્થિત બદલાઈ અને પેઢીને અચાનક મોટું નુકશાન આવી ગયું. શેઠ પાયમાલ થઇ ગયા. શેઠના દીકરા પણ કપાતર નીકળ્યા. શેઠ વેપારીમાંથી એક ગરીબ ખેડૂત થઇ ગયા, કંટાળીને ગામ છોડી બીજા સગાના ગામ રહેવા જતા રહેવું પડ્યું.

હવે શેઠની જીંદગી મહાજન મંડળ અને જૂના મિત્રોના ભરોસા પર હતી. શેઠ ખૂબજ ચિંતામાં અને માનસિક તાણમાં રહેતા હતાં. વધુ પડતા તણાવના લીધે તેમને કોઈ અસાધ્ય રોગ થઇ ગયો. આ રોગમાં સ્નાયુઓ અને નસ જકડાઈ જતા હતાં. શેઠની જમણી બાજુની રક્તવાહિનીઓમાં લોહીનું ભ્રમણ ધીમું થઇ ગયું હતું. જીલ્લાની હોસ્પિટલમાં આ રોગની સારવાર માટે વ્યવસ્થા નહોતી. વધુ સારવાર માટે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં આ રોગનું પરીક્ષણ થયું પણ અધ્યતન સારવાર માટે ડોક્ટર ન હતા. શેઠનું દર કલાકે મોનટરીંગ થતું હતું, તેમની તબિયત વધુ ખરાબ થઇ ગઈ હતી .

અને એવામાં એક દિવસ સાંજે શેઠની જમણી બાજુના શરીરનું અંગ લકવાગ્રસ્ત થઇ ગયું અને તબિયત વધુ ગંભીર થઇ ગઈ. હવે તાત્કાલિક શેઠને અમદાવાદની સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મહાજન મંડળના મિત્રોએ શેઠને બચાવવા વધુ ભંડોળ એકઠું કરવા માંડ્યું. સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના એક્સપર્ટ ડોક્ટરે શેઠનું પરીક્ષણ કરી રીપોર્ટની અનેક પ્રતો બનાવી ભારતની તમામ મોટી હોસ્પિટલના અગ્રણ્ય ડોક્ટરોને અભ્યાસ માટે મોકલી આપી અને આ રોગના જાણકાર ડોક્ટરોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું. મુંબઈના એક ડૉ હરજીવન આ રોગના નિષ્ણાંત હતા તેઓ અમદાવાદ આવવા તૈયાર થયા.

હોસ્પિટલ સ્ટાફે મહાજન મંડળને જાણ કરાઈ કે આ રોગના નિષ્ણાંત ડૉકટર અમદાવાદ કાલે વહેલી સવારે આવી જશે અને વહેલી તકે પાંચ લાખ રૂપિયા જમા કરાવવા. સવાર પડતાંજ મહાજન મંડળના મિત્રો ચારેક લાખ રૂપિયા લઇ હોસ્પિટલના રિસેપ્શન પર જમા કરાવા આવ્યા પણ ત્યાં પુરા પાંચ લાખ જમા કરાવવા જણાવવામાં આવ્યું.

હોસ્પિટલના રિસેપ્શન પર પૈસા જમા કરાવવા આવનાર મિત્રોનું ટોળું ભેગું થઇ ગયું હતું. નર્સ બધાને સમજાવી રહી હતી કે ડૉકટર ગમે ત્યારે આવી પહોંચશે, તમે પુરી રકમ જલ્દી જમા કરાવો. મંડળના પ્રમુખે ‘સારવાર ત્વરિત ચાલુ કરો, બાકી રૂપિયા લઈને બીજા માણસો માણેકપુરાથી નીકળી ગયા છે’ એમ કહ્યું.

એવામાં જ ડૉ. હરજીવન હોસ્પિટલમાં પ્રવેશે છે અને તેમના કાને માણેકપુરા ગામનું નામ આવે છે. ડૉ . હરજીવન ઉતાવળે એકાઉન્ટ વિભાગની ઓફિસમાં પ્રવેશે છે અને પોતાનો પરિચય આપે છે. ડોક્ટરનું સ્વાગત માટે ત્યાં સ્ટાફ હાજર જ હતો અને તેમનું સ્વાગત કરવામાં આવે છે, મુંબઈથી આવવા માટે આભાર માનવામાં આવે છે . ડોક્ટરને દર્દીની માહિતી અને રીપોર્ટ આપવામાં આવે છે. ડોક્ટર એ જોતા જોતા બહાર દર્દીના સગાની રિસેપ્શન પર ચાલી રહેલ વાત વિશે પૂછે છે. સિનિયર ડોક્ટરે રિસેપ્શન ફોન કરી માહિતી મેળવી ડૉ હરજીવનને જણાવ્યું કે, “આ એજ દર્દી મણીલાલ ના સગા છે જેમના માટે આપને બોલાવવામાં આવ્યા છે.”

ડૉ. હરજીવન તરત ઉભા થઇ દર્દી પાસે આઈ સી યુ વોર્ડમાં પ્રવેશે છે અને તરત દર્દીને ઓપરેશન થિયેટરમાં લઇ જવા સુચના આપે છે. સિનિયર ડોક્ટર પુરી રકમ જમા નથી થઇ માટે થોડીવાર રાહ જોવા જણાવે છે, ત્યાં તો ડૉ .હરજીવન બોલી ઉઠે છે, “આ દર્દી મારું અંગત છે.” તરતજ નર્સ દર્દીને ઓપરેશન થિયેટરમાં લઇ જાય છે અને ઓપરેશન ચાલુ કરવામાં આવે છે.

ઓપરેશન થિયેટરમાં સિનિયર ડોક્ટરની ટીમ સતત ચાર કલાક મહેનત કરી ઓપરેશન પુરું કરે છે. દર્દીની હાલત પણ સુધારા પર હતી અને ડોક્ટરોને પણ સફળતા મળી તેનો આનંદ હતો. ડૉ હરજીવન ઓપરેશન થિયેટર બહાર આવીને દર્દીના મિત્રોને ઓપરેશન સફળ થયું તેની જાણ કરે છે .

ડૉ. હરજીવન મુંબઈ ફોન કરી તેમના સેક્રેટરીને આગળની તમામ એપોઈન્ટમેન્ટ રદ કરવાની સુચના આપે છે અને એક અઠવાડિયું અમદાવાદમાં જ રહેવાના છે તેમ જણાવે છે. ડૉ. હરજીવન અતિ વ્યસ્ત અને એક્સપર્ટ ડોક્ટર હોવાથી તેઓ ઓપરેશન માટે ભારત ભરની હોસ્પિટલમાં જતા હતા ડૉ. હરજીવન માટે હોસ્પિટલના ક્વાટર્સમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

ડૉ. હરજીવન દર્દીના શરીરમાં થતા તમામ ફેરફારની નોંધ રાખવામાં વ્યસ્ત છે. ડૉક્ટરની ટીમ પણ સતત દર્દીનો પળ પળનો ડેટા એકઠો કરતા રહે છે. દર્દી ભાનમાં આવતા તરત ડૉ. હરજીવનને જાણ કરવામાં આવે છે. દર્દીના મિત્રો પણ ખુશ થઇ જાય છે અને દર્દીને મળવા માટે આઈ સી યુ બહાર ભેગા થાય છે. સિનિયર ડોક્ટર દર્દીને સ્પેશ્યલ રૂમમાં ટ્રાન્સફર કરે છે. રૂમમાં દર્દીના મિત્રો એકઠાં થયેલા જોઈ દર્દી પણ ખુશ થાય છે. હવે દર્દી જમણું અંગ હલાવી શકે છે અને મિત્રોને ઓળખી શકે છે . દર્દીના મિત્રો ભગવાન અને ડૉ. હરજીવનનો આભાર માનતા હોય છે અને ડૉ. હરજીવન રૂમમાં પ્રવેશે છે.

ડૉ. હરજીવન રૂમમાં પ્રવેશે છે ત્યાંજ શાંતિ છવાઈ જાય છે. ડૉ. હરજીવન ધીમા સ્વરે બોલે છે, “કેમ છો બાપાલાલ શેઠ ?” બાપાલાલ શેઠ નામ સાંભળતાજ ત્યાં ઉપસ્થિત તમામ લોકો ડોક્ટર સામે ચોંકાવનારી નજરે જોવે છે. ડૉ. હરજીવને શેઠનો જમણો હાથ ઉંચો કરી પોતાના માથે મુક્યો અને રડતા રડતા બોલ્યા “બાપાલાલ શેઠ આજે તો આપની પાસે સમય છે ને મને ‘આશીર્વાદ’ આપો .” મારે તમારા આશીર્વાદની જરૂર છે અને વર્ષોથી આશીર્વાદ માટેની તકની રાહ જોઈ રહ્યો છું .

શેઠે આશીર્વાદ આપતા ધ્રુસકે ધ્રુસકે રોવા મંડ્યા. ડોક્ટરે શેઠને શાંત કર્યા અને આશીર્વાદ મેળવ્યા. રૂમમાં ઉપસ્થતિ મિત્રો અને હોસ્પિટલ સ્ટાફ આ પરીસ્થિતિ સમજવામાં અસમર્થ હતા. શેઠે જૂની વાત યાદ કરતા ડોક્ટરને પૂછ્યું, “સાહેબ આપનું નામ?” ત્યાં તો ડૉ. હરજીવન શેઠના પગમાં પડી અને કહે છે, “શેઠ હું તમારા ગામનો હરિયો. હું માણેકપુરાના ભીલવાસમાં રહેતા સવજીનો દિકરો હરિયો છું.” હરિયો નામ સાંભળી ગામના લોકો વાત સમજી જાય છે.

એક અઠવાડિયા પછી શેઠને રજા આપવામાં આવે છે. ડૉ. હરજીવન મુંબઈ પોતાના ઘરે શેઠને સાથે લઇ જાય છે. ઘરે પહોંચતા પહેલા ડૉ. હરજીવન શેઠને પૂછે છે, “બાપાલાલ શેઠ, દલિતના ઘર આંગણે આવશો કે મારા સવર્ણ મિત્રના ઘરે આપના રહેવાની વ્યવસ્થા કરું.” ડોક્ટરનું વાક્ય પુરુ થતાં જ શેઠ ડોક્ટરને ભેટી પડે છે અને બોલે છે, “ભાઈ મેં દુનિયાની દરેક ઠોકર ખાઈ લીધી છે અને મને સાચા ખોટાની પરખ થઇ ગઈ છે.” શેઠ અને ડોક્ટરનો પરિવારે ગામની જૂનીપુરાણી વાતો યાદ કરી અને શેઠના મોઢા પર સ્ફૂર્તિ આવી ગઈ. શેઠ ઘણા દિવસે આટલા ખુશ જણાતા હતા. શેઠે પોતાના પરિવાર અને ધંધાકીય નુકશાનની પણ વાતો કરી.

ડૉ. હરજીવન ઘણા દિવસે મુંબઈ પરત ફરતાં તેમના સેક્રેટરી મળવા આવ્યા. સેક્રેટરીએ ડૉ. હરજીવનને આગળની એપોઈન્ટમેન્ટ માટે શું કરવું તે જણાવા કહ્યું અને ડોક્ટરને ઘણા દિવસનું બાકી કામ પુરુ કરવાનું યાદ કરાવ્યું. તેણે ડોક્ટરને જણાવ્યું કે વિધાર્થીઓ ઘણા દિવસથી મળવા માંગે છે, અત્યારે કોઈ એપોઈન્ટમેન્ટ નથી તો તેઓને મળવાનો સમય આપી દઉં? ડોક્ટર તરત બોલી ઉઠ્યા, “બધા વિદ્યાર્થીઓને મળવાનો સમય પાકી ગયો છે.” સેક્રેટરી કહે, “સાહેબ આપ સમય અને સ્થળ નક્કી કરી મને જણાવશો તો તરત બધા વિદ્યાર્થીઓને જાણ કરી દઈશ.” ડોક્ટરે કહ્યું, “સમય અને સ્થળ નક્કી કરશે બાપાલાલ શેઠ. હું આટલા દિવસથી સૌ પ્રથમ ખુદ પોતે શેઠના આશીર્વાદ અને આભાર માનવા તક શોધતો હતો પછી બીજા વિદ્યાર્થીઓને મળવા માંગતો હતો. હવે મને બાપાલાલ શેઠના આશીર્વાદ મળી ગયા છે, હવે બાપાલાલ શેઠ જ બધા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપશે.”

બાપાલાલ શેઠને આ વાત સાંભળીને આશ્ચર્ય થયું. ડોક્ટરની લાગણીને વશ થઈને શેઠ આશીર્વાદના કાર્યક્રમ માટે તૈયાર થાય છે. બાપાલાલ શેઠ વિધાર્થીઓને આશીર્વાદ આપવા માટે સ્થળ નક્કી કરે છે ગામનો એજ પંચાયતના મકાનનો ઓટલો કે જ્યાં હરિયાને આશીર્વાદ આપ્યા વિના નીકળી ગયા હતા. સેક્રેટરી બધા વિધાર્થીઓને સ્થળ અને સમય નક્કી કરી ભવ્ય કાર્યક્રમનું આયોજન ગોઠવી દે છે.

બાપાલાલ શેઠ ગામના પંચાયત મકાન પાસે ઘણા સમય પછી આવવાથી થોડા લાગણી વશ થઇ જાય છે. શેઠ કાર્યક્રમની શરૂઆત ગામના લોકો અને વિદ્યાર્થીઓને હરિયાના પરિચય થી કરાવે છે. શેઠ વર્ષો પહેલા થયેલ પોતાની ભૂલનો જાહેરમાં સ્વીકાર કરે છે. ડૉ. હરજીવનનો પોતાની જીન્દગી બચાવા માટે આભાર માને છે અને વર્ષો પહેલા બાકી રહેલા આશીર્વાદ આપી ડૉ. હરજીવનનું સન્માન કરે છે. શેઠે લોકોને જીવનમાં નાત જાતના બંધનોથી દુર રહેવા સલાહ આપી. શેઠ પોતાનું અંગત મંતવ્ય જણાવે છે, ” જો સમાજ શિક્ષીત હશે તો સમાજનો વિકાસ સરળતાથી થશે.” શેઠે પોતાના ખરાબ સમયમાં મદદ કરવા બદલ ગામના લોકો, મિત્રો અને મહાજન મંડળનો આભાર માન્યો.

ડૉ. હરજીવન પણ શેઠ અને ગામના લોકોનો, માસ્તર સાહેબનો આભાર માને છે. ડૉ. હરજીવન પોતે આ ગામના હોવાનું ગૌરવ અનુભવે છે તેમ જણાવે છે. ડૉ .હરજીવન વિધાર્થીઓને શેઠનો પરિચય કરાવે છે, “આ મહાન વ્યક્તિએ પોતાના અંગત વિચારો બાજુ મુકીને મદદ ના કરી હોત તો હું અને તમે સૌ આટલી સફળતા ના મેળવી હોત.” ડૉ. હરજીવને કહ્યું, શેઠની મદદ સફળતાની મધ્ય સુધી લઇ ગઈ અને ત્યાંથી સરકારી સહાય અને અન્ય શિષ્યવૃતિની મદદથી જ સફળ ડોક્ટર બની શક્યો છું. ડૉ હરજીવન વિદ્યાર્થીઓને શીખ આપે છે કે, “માત્ર ઉંચી ફી ચૂકવવાથી જ ઉચ્ચ અભ્યાસમાં સફળતા નથી મળતી, જો તમારામાં ઉચ્ચ શિક્ષણ માટેની લાયકાત હશે તો તક પણ તમારા સુધી આવશે જેને તમારે ઓળખીને ઝડપી લેવાની જરૂર છે.”

ડૉ. હરજીવન એક નવી શૈક્ષણિક સંસ્થાની જાહેરાત કરે છે . આ સંસ્થાના મુખ્ય દાતા તરીકે બાપાલાલ શેઠની નિમણુંક કરે છે. ડૉ . હરજીવન જાહેરાત કરે છે, હવે પછી કોઈને પણ શિક્ષણ માટે સહાય જોઈએતો તેઓ બાપાલાલ શેઠનો સમ્પર્ક કરજો. બાપાલાલ શેઠ તમામને શિક્ષણ માટે શક્ય તેટલી મદદ કરશે.

બાપાલાલ શેઠ પ્રત્યેક વિધાર્થીને આશીર્વાદ આપે છે. શેઠ અને ડૉ. હરજીવન કાર્યક્રમને અંતે સમાજને શીખ આપે છે, “સમાજમાં દરેક વિધાર્થીને શિક્ષણ મળવું જ જોઈએ અને શિક્ષણ માટે જરુર પડે તો સહાય સમાજના મોભીઓએ કરવી જોઈએ તથા આ જોવાની ફરજ જાગૃત સમાજની છે.”

– રૂપેન પટેલ

શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત નવલીકા ‘આશિર્વાદ’ જીવનના સંજોગોમાં થતા ફેરફારને લીધે ક્યારે કોની જરુરત પડે એવી અનિશ્ચિતતાઓનિ વચ્ચે મહેકતા માનવધર્મને, સમાજવ્યવસ્થાને લીધે જળવાઇ રહેલિ વર્ણવ્યવસ્થા અને તેને લઇને નિપજતિ વિષમ પરિસ્થિતિઓ વિશેનો અહેસાસ લઈને આવે છે. પ્રસ્તુત નવલિકા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “આશિર્વાદ – રૂપેન પટેલ

 • HEMAL VAISHNAV

  વાર્તા સળંગ રીતે પકડ જમાવી નથી શકતી…ઘણી જગ્યાએ રસ ભંગ થાય છે…ફક્ત અભિપ્રાય છે…ખોટું ન લગાડશો..શક્ય છે કે મારી મુલવણી પણ ખોટી હોય.

 • રૂપેન પટેલ

  નીરવ ભાઈ , સોહમ , જુગલ દાદા , દીપકભાઈ , ગોવિંદકાકા , કિશોરભાઈ સાહેબ , અશોકભાઈ , હિરલ , માનવ , લત્તાબહેન , સંજયભાઈ , હસમુખભાઈ , નિશેન્દુ આપ સૌ વડીલો અને મિત્રોનો પ્રતિભાવ આપીને પ્રોત્સાહિત કરવા બદલ આભાર .

 • hasmukhpatel

  રૂપેનભાઇ ખૂબ જ સુંદર વર્તા આ વાર્તા વાંચી દિલ અને દિમાંગમાં એક વિચાર આવેશે આજે શું સમાજમાં આવી પરિસ્થિ નથી ? આજે પણ સમાજમાં નાત-જાતના ભેદમાં મોટા પરિવર્તનો આવેલા જોવા મળે છે આ વાર્તા સામજને દિશાનિર્દેશમાં ઉપયોગી છે.
  રૂપેન ભાઇને ખૂબ ખૂબ અભિનંદન

 • અશોકકુમાર-'દાદીમા ની પોટલી'

  ભાવસભર વાર્તા. સામાજિક અને શૈક્ષણિક બાબતને ખૂબજ અસરકારક રીતે વાર્તામાં વણેલ છે. ઊંચ-નીચ, જાત-ભાત ના ભેદભાવ મટાવી આપણે બધાજ ઈશ્વરની દેન છે જો તે સમજાય જાય તો સમાજમાં ઘણી સરળતા અનુભવી શકાય.

  ખૂબજ સુંદર પ્રસંગ.

  અભિનંદન !

 • ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  આદરણીયશ્રી.

  આપની સુદર કરૂણ ” આશીર્વાદ ” ઘટના વાંચી આંખોમાં પાણી આવી ગયા

  સાહેબ, ભાઈશ્રી. રૂપેનભાઈ મને વાર્તા શેર કરી આપનો ખુબ ખુબ આભાર

  સાહેબ.

  આપ લેખિત મંજુરી આપો તો મારા બ્લોગ પર આપની સંમતિથી આ

  ” નવલિકા ” મુકવા માંગુ છું સાહેબ…!

  કદાચ આપ સંમતિ ન આપશો તો પણ મને ખોટુ લાગશે નહિ. સાહેબ

  આ રીતે લેખિત મંજુરી એટલે માંગુ છુ કે કોઈ મારી ટીકા ન કરે સાહેબ.

  આપનો ખુબ ખુબ આભાર..ધન્ય છે એ શિક્ષકને…..!

  લિ.કિશોરભાઈ

 • GOVIND PATEL

  શ્રી રુપેનભાઇ,
  આશીર્વાદ અક્ષરનાદ પર ખુબ વરસ્યા ને નવલિકા રૂપે શબ્દ દેહ ધારણ કર્યો.
  અભિનંદન સમાજ ઉપયોગી દ્રષ્ટાંત રૂપી વાત ગમી ખુબ ગમી.
  આવી હજારો નવલકથા પ્રગટ થાય એવા શુભાશિષ

 • Deepak

  દરેક લાયક માણસને એની લાયકાત મુજબ ભવિષ્ય મળવું જોઈએ…ભગવાન કદાચ ભુલ કરી દે, પણ બીજા માણસો તો મદદ કરીજ શકે ને? સરસ રૂપેનભાઈ…

 • jjugalkishor

  ભાવસભર વાર્તા. અક્ષરનાદ પર ‘આશીર્વાદ’નું પ્રગટવું એ પણ એક મહત્વની બાબત છે.

  સાનંદ,

  – જુ.

 • નટખટ સોહમ રાવલ

  મિત્ર રુપેનભાઇ,
  આપની આ વાર્તા ખુબ સરસ છે.ગમી હોં…
  આપ પણ ધીમે ધીમે નવલિકા લખતા થયા એ ખુબ સારી વાત છે.આમ જ લખવાનું ચાલુ રાખશો…