બે કૃષ્ણ કાવ્યો – હરિન્દ્ર દવે 4


૧). વાંકમાં

પહેલવહેલો આવ્યો છે વાંકમાં, વ્હાલમ
હવે વેણના વણાટે વાત ઢાંક માં.

રાધાએ યમુનાના વહેણને ચૂમ્યું
ને એની ચોરીછૂપીથી લીધી અંજલિ
ગોપીના શ્વાસને હવામાંથી ઘૂંટીને,
સૂરભરી છલકાવી વાંસળી

આંખડીના પલકારે ગોપવ્યું તે ખૂલ્યું,
તારા હસતા આ હોઠના વળાંકમાં

રાધાએ આંખ જરા મીંચી ત્યાં ચૂમીને
ચહેરા પર છાંટ્યો લાલ રંગ.
ગોપીને અંતર વલોવાતી વાત,
ફરી વહેતી તે વાંસળીને સંગ.

ચંપાને ફૂલ લીધી કેશની સુગંધ,
કેફ છલકાતાં નેણ હવે ઢાંક માં.

૨). રથના ચીલામાં આંખ પૂરો

તમે ગોકુળની સીમે જઈ ઝૂરો
કે કાન, હવે મથુરામાં મ્હાલશે.
તમે રથના ચીલામાં આંખ પૂરો
કે ભાન હવે ઓસરવા લાગશે.

ચાલ્યા, તો એવી સમાધિ દઈ ચાલ્યા,
કે આઠે પહોર એની એ લગન,
કાનકુંવર સંગે જરા ચાલીને પાછું,
એના ઠેકાણે આવી ઉભું વન.

મનનો આ ઘાટ છે અધૂરો કે
કોણ એને અધરસ્તે માગશે?

રથના ચીલામાં થોડી ઉડે છે ધૂળ,
થોડી કાંકરીઓ આંખડીમાં ખૂંચે
ઊતરીને ઢાળ ગયો નંદનો કુંવર
હવે ચિતનો હિલોળ વધુ ઉંચે

જુઓ, લથડે છે પાય ભર્યા મેળે
કે કોણ હાથ મારગમાં ઝાલશે?

– હરિન્દ્ર દવે

શ્રી હરિન્દ્ર દવેની અનેકો રચનાઓમાં કૃષ્ણપ્રેમ અચૂક ઝળકે છે. તેમની આવી જ કૃષ્ણના રંગે રંગાયેલ રચનાઓનો સંગ્રહ એટલે સંગ્રહ ‘મારગે મળ્યા’તા શ્યામ’. આ સુંદર સંગ્રહમાંથી આજે પ્રસ્તુત છે બે કૃષ્ણપ્રીતીની રચનાઓ. પ્રથમ રચનામાં જ્યાં કૃષ્ણના વાંક દેખાડીને ગોપીઓ તેમની હાજરીને ઝંખે છે તો બીજી રચના, ‘રથના ચીલામાં આંખ પૂરો’ તેમના મથુરા ચાલ્યા ગયા પછીની રાધા અને ગોપીઓની મનોસ્થિતિનું પ્રભાવી વર્ણન કરી જાય છે. સુંદર ઉપમાઓને લીધે આ કાવ્ય પણ માણવાયોગ્ય અને મનભાવન થયું છે. તો સાથે એ જ પુસ્તકમાંથી કાંગડા શૈલીમાં અંકિત થયેલી રાધા કૃષ્ણની છબી મૂકી છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “બે કૃષ્ણ કાવ્યો – હરિન્દ્ર દવે