મોહમયી મુંબાઈ (ભદ્રંભદ્ર) – રમણભાઈ નીલકંઠ 14


સ્ટેશન પર કોઈ તેડવા આવ્યું નહોતું તેથી અમે વગર કહે જ નીચે ઉતર્યા. મજૂરો સામાન ઉંચકવાનું પૂછી જવાબ સાંભળવા થોભ્યા વિના એક પછી એક અગાડી ચાલ્યા જતા હતા. પીઠ કરી ઊભેલા માણસોને પાછું ફરીને જોવાનીય જિજ્ઞાસા થતી નહોતી. ઉતાવળે ચાલતા લોકો વચમા કોણ ઉભું છે તે જોવા અટક્યા વિના હડસેલા મારી ચાલ્યા જતા હતા. તેડવા આવનારા દરેક ગાડી આગળ આવી પરોણાને ખોળવા બૂમો પાડતા નહોતા.

આ બેદરકારી જોઈ ભદ્રંભદ્ર બોલ્યા, “શો મોહમયીનો મોહ ! એ મોહ ઉતારવા માટે હું હજારો અને લાખો ગાઉ ઓળંગી અહીં આવ્યો છું.”

મેં કહ્યું, “બરોબર એટલા ગાઉ નથી એમ હરજીવનના કહેવાથી જણાય છે.”

ભદ્રંભદ્ર કહે, “એટલા ગાઉ નહીં તો ગજ કે તસુ તો હશે જ ! એમાં ભિન્નતા દેખાય તે માયા છે. પરમાર્થ દ્રષ્ટિએ તો સર્વ એક જ છે. આ મોહમયીનો મોહ દૂર કરવો, તેનો મદ ઉતારવો એ મેં માથે લીધું છે. યુદ્ધ દારુણ થનાર છે.”

એવામાં એક ઘૂંટણ લગી પહોંચતા, ખભા આગળથી લટકાવેલા દોરડા નીચેથી ફાટેલા, બેવડી ખાદીના બદનવાળો અને માથે ઉંચી લાલ ટોપી પર કાળી કામળીના કકડાવાળો અને ઠીંગણો મજૂર મારા હાથમાંનું પોટલું ખેંચી બોલ્યો, “સેટ, ઘેઉ કાય?”

પોટલી જશે એ શંકાથી ભદ્રંભદ્ર મને ખેંચી પચાસ કદમ પાછા હઠી ગયા. પણ મજૂરને શાંત ઉભેલો જોઈ હિમ્મત લાવી કંઈક પાસે આવી ક્રોધમય મુખ કરી બોલ્યા, “પિશાચ, શ્રોત્રિય બ્રાહ્મણને વૈશ્ય વ્યાપારીનું ઉપનામ આપી પાપમાં પડતાં બીતો નથી ? તે સાથે વળી પરદ્રવ્ય હરણ કરવા તત્પર થાય છે ? ચૌર્ય સત્પુરુષને નિષિદ્ધ છે, હેય વ્યસનસપ્તકમાં ગણેલું છે; તેની અવગણના કરે છે ? આર્યધર્મની આજ્ઞાઓ સાંભળવા માધવબાગ સભામાં આવજે.”

પેલો મજૂર ડોકું એક તરફ વાંકુ કરી કંઈ બબડી ચાલતો થયો. ભદ્રંભદ્રના બોધ કે માધવબાગ સભાના નામે તેના મન પર જાદુઈ અસર કરી હોય તેમ લાગતું હતું, કેમ કે તે ઘડી ઘડી પાછો ફરી અમારી તરફ મોં કરી જોતો હતો.

ઉતારુની ભીડમાં ભચડાતા અને હડસેલા ખાતા અમે ટિકીટ આપી દરવાજેથી બહાર નીકળ્યા. ત્યાં બેસનાર ગાડી ખોળતા હતા ને ગાડીવાળા બેસનારા ખોળતા હતા. એક ઘોડાગાડીવાળાએ પૂછ્યું, “શેઠ લાવું કે ? કાં જશો ?” બીજો ભદ્રંભદ્ર પર ઘોડો લાવી બોલ્યો, “શેઠ, આ ગાડી છે, કાં જશો?” બીજો ભદ્રંભદ્ર પર ઘોડો લાવી બોલ્યો, “શેઠ, આ ગાડી છે.” ત્રીજાએ મારી પાસે આવી મારો હાથ જોરથી ખેંચી કહ્યું, “પેલી મહોટી સગરામ છે, સામાન પણ બધો રહેશે. તમારે કાં જવું?” આંચકાથી વેદના પામી ગૂંચવણમાં હું ભદ્રંભદ્ર સામું જોવા લાગ્યો. ભદ્રંભદ્ર મારી સામું જોવા લાગ્યા. અમે બન્ને ગાડીઓ સામે જોવા લાગ્યા. અંતે ભદ્રંભદ્રે ઉત્તર દીધો કે –

“સર્વના પ્રશ્ન માટે અત્યંત ઉપકૃત છું. આમાંથી કોઈ વાહન માધવબાગ સભાના દર્શનાર્થીજનો સારુ વિશિષ્ટ છે?”

કોઈએ ઉતર દેવાની તસ્દી લીધી નહિં, સહુ ગાડીવાળા નવા ઘરાક શોધવા ચાલ્યા ગયા, અમને ગૂંચવણમાં જોઈ એક આદમીએ કહ્યું, “પેલો રેંકડો કરો, પછી તે ય નહીં મળે.” તેથી અમે તે તરફ ગયા. જેમતેમ કરી તેમાં ચઢી ઉછળતા અને ખખડતા ભૂલેશ્વર ભણી ચાલ્યા.

રસ્તામાં ગાડીઓ દોડધામ કરતી જતી હતી. પગે જનારા લોકો ધસધસ્યા ચાલ્યા જતા હતા, કોઈ કોઈ માટે વાટ જોતું જણાતું નહોતું તે જોઈ ભદ્રંભદ્ર કહે કે, “આ સર્વ માધવબાગમાં જતા હશે?”

રેકડાવાળાને પૂછ્યું, “માધવબાગમાં સભા કેટલા વાગે ભરાવાની છે?”

રેંકડાવાળો કહે, “કહીં ? માધવબાગમાં ?”

ભદ્રંભદ્ર કહે, “હા, માધવબાગમાં આજે આપણા વેદધર્મનું રક્ષણ કરવા માટે મહોટી સભા મળનારી છે, આ નગરીમાં સર્વને તે વિદિત હશે.”

રેંકડાવાળો કહે, “કોણ જાણે, અમારે તો રેંકડાના લેસન માટે પોલીસમાં જઈ આવવાનું છે.”

ભદ્રંભદ્ર કહે, “ત્યારે શું તમે લોક માધવબાગમાં નહીં આવો?”

“ઘરાક મળે તો માધવબાગે ય જઈએ ને સોનાપુરે ય જઈએ.”

ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, “સોનપુર ! સુવર્ણપુરીમાંય જે ન થઈ શકે તે આ અલૌકિક સભામાં થવાનું છે. સુવર્ણપુરીનો મોહ એ મોહમયીની માયા છે. સુવર્ણ એ પાર્થિવ સુખ છે, માયા છે. તેના કરતા સહસ્ત્રગણા સુખનું સાધન માધવબાગ સભામાં પ્રાપ્ત થવાનું છે.” મારી તરફ જોઈ કહે કે, “અંબારામ, જોઈ આ મોહમયી નિવાસીઓની ભ્રમણા ! સુવર્ણની લંકા લુપ્ત થઈ ગયા પછી પણ કલ્પિત ભૂગોળોમાં તથા ભૂમિરેખાચિત્રોમાં હજી લંકા છે એવું અસત્ય વર્ણન કરી આપણા ધર્મ વિરુદ્ધ કેળવણી આપે છે. અને વળી, અહીં જ સુવર્ણપુરી નામે સ્થાન વસાવ્યું છે. કેવું આપણા આર્યધર્મનું અપમાન !”

મેં રેકડાવાળાને પૂછ્યું, “સોનાપુર જુદુ ગામ છે કે આ શહેરમાં જ છે?”

રેંકડાવાળો અમારા બેની સામું થોડીક વાર જોઈ રહ્યો. ભદ્રંભદ્રના મુખ ભણી તાકી રહ્યો. પગથી માથા સુધી આંખ ફેરવી રહ્યો. ‘પૂંછડેથી જ જોતરેલા!’ એમ વાંકુ મ્હોં કરી બોલી પાછો ફરી ઉતાવળે ગાડી દોડાવવા લાગ્યો. તેની જવાબ દેવાની ઈચ્છા જણાઈ નહીં તેથી અમે તેની જોડે વધારે વાતચીત કરી નહીં.

ઘણાં રસ્તા ભૂલ્યા પછી ભૂલેશ્વર આવ્યું. મહામહેનતે પૂછતાં મોતી છગનનો માળો જડ્યો. રેંકડાવાળાને પૈસા આપી અમે નીચે ઉતર્યા. માળામાં જઈ પૂછ્યું કે ‘શંકરભાઈ ગોકળભાઈ ક્યાં રહે છે?’ કેટલાકે જવાબ દીધો નહીં, કેટલાકે કહ્યું, ‘ખબર નથી.’ કેટલાકે કહ્યું, ‘ઉપર પૂછો.’ ઉપલે માળા ગયા ત્યાં પણ એવા જ જવાબ મળ્યા. માળ ઉપર માળ ચઢ્યે ગયા ત્યાં પણ પતો લાગે એમ જણાયું નહીં. આજે પાંચ છ દાદર ચડ્યા પછી છેક ઉપલે માળે કોઈએ કોઈએ કોટડી બતાવી ત્યાં ગયા. શંકરભાઇને ઓળખાણ આપી અમે મુકામ કર્યો.

જમીને શંકરભાઈ સામા માળામાં પતા ખેલવા ગયાં. ભદ્રંભદ્ર સભામાં જવા સારું સજ્જ થયાં. પગે પાવડીઓ પહેરી, કમરે ધોતીયા પર મૃગચર્મ બાંધ્યું. ઓઢેલા ધોતીયાની કોર પર ચપરાસીના પટા માફક ભગવા રંગની પટી ટાંકી. ગળામાં રૂદ્રાક્ષની માળા બાંધી. હથેલીઓ પર શંખ, ચક્ર, ગદા, પદ્મ ઇત્યાદી ચીતર્યા. ગાલ પર કંકુની આડી ઉભી લીટીઓ કહાડી. ખાનાઓમાં એક સ્થાને ‘શિવ’ ‘શિવ’ એ શબ્દો લખ્યા, બીજે ગાલે ‘રામ’ ‘રામ’ એ શબ્દો લખ્યાં. કપાળે સુખડની અર્ચા કરી અને એક એડે ગણપતિનું ચિત્ર કહાડ્યું. બીજે છેડે સૂર્યનું ચિત્ર કહાડ્યું. એક હાથમાં ગૌમુખી લીધી. માળા ગળે પહેરી હતી તેથી ગૌમુખીમાં સોપારી તથા પૈસા મૂક્યા. બીજા હાથમાં (પરશુને ઠેકાણે) શંકરભાઈના ઘરની કુહાડી ઝાલી ખભા ઉપર ટેકવી. પાઘડીમાં તુળસીની ડાળીઓ ખોસી. શંકરભાઈના ઘાટી ચાકરને કોઈ ઠેકાણે ઢોલ લાવવા કહ્યું. તે ઢોલ લઈ આવ્યો અને કોણ જાણે શાથી જોડે પંદર-વીસેક ઘાટી ચાકરોને લેતો આવ્યો. માળામાંના કેટલાક બૈરા છોકરાં પણ તેમની પછાડી આવ્યાં. ઢોલ મારા હાથમાં આપવાને બદલે ઘાટીઓએ જ વગાડવા માંડ્યુ. શૂરના આવેશમાં ભદ્રંભદ્ર સાક્ષાત જામદગ્ન્ય પ્રગટ થયા હોય તેવા જણાવા લાગ્યા. મને કહે, “મેં આભરણો સહિત પ્રથમ કદી ભાષણ આપ્યું નથી. તેથી આ મંડળ સમક્ષ ભાષણ આપું તો અભ્યાસથી લાભ થાય. તું સભાપતિ થા.”

ભદ્રંભદ્ર બોલ્યા, “જિજ્ઞાસુ સભ્યજનો, મારું પધારવું અત્રે શા અર્થે થયું છે તે તમને વિદિત થઈ ગયું હશે. આપણા સનાતન આર્યધર્મની છિન્નભિન્ન અવસ્થાને સકલ સ્વદેશાભિમાની આર્યોને ઉત્સાહયુક્ત કર્યા છે. સુધારાવાળાઓના ઉપાયોએ આર્યોને મુખરિત કર્યા છે. શત્રુદળની અલ્પ સંખ્યાએ આર્યોને શૂરવીર કર્યા છે. સ્વદેશની દોષગણનાએ આર્યોને દોષરહિત કર્યા છે. પરદેશની વિવૃદ્ધિએ આર્યોને પરદેશ ગુણ આગ્રહી કર્યા છે. ધર્મનિષ્ઠ આર્યો, સંસાર સુધારણા વિરુદ્ધ થયા છે. સંસાર હિતેચ્છુ આર્યો, સંસારસુધારણા વિરુદ્ધ થયા છે. દેશ હિતેચ્છુ આર્યો દેશ સુધારણા વિરુદ્ધ થયા છે. અધમ દશામાં આવેલા ભારતવર્ષનું સ્વદેશાભિમાની આર્યો સુધારકોના ઉપાયોથી રક્ષણ કરી રહ્યા છે. આપણા આર્યદેશમાં હાલ એકે સુધારો કરવાની, એક પણ રૂઢી બદલવાની, એક પણ નવો અંશ આણવાની અગત્ય છે, એમ કહેવું એ ઘોરતર પાપ છે ! અહા, પૂર્ણ કળાએ પહોંચેલા આપણા આર્યદેશની કેવી દુર્દશા થઈ છે ! આપણો આર્યદેશ કેવો શ્રેષ્ઠ, કેવો અચલ ! આર્યજનો ! આવા મહાન કાર્યો સાધવા આજ માધવબાગમાં સભા મળનાર છે. ત્યાં ભાગ લેવો એ સર્વનું કર્તવ્ય છે.”

એવામાં શ્રોતાજનોમાં પછાડી ગરબડ થવા લાગી. કેટલાક દાદર ઉતરી નાસવા લાગ્યા, કેટલાક રવેશમાં ભરાવા લાગ્યા, કેટલાક બારણા પાછળ સંતાવા લાગ્યા. શંકરભાઈ આવી પહોંચ્યા હોય એમ જણાયું. એમણે કેટલાકને થપ્પડ લગાવી, કેટલાકને લાત લગાવી, કેટલાકને ધક્કા માર્યા. કોલાહલ થઈ રહ્યો. ભદ્રંભદ્રને આવીને કહે, ‘તમે પારકે ઘેર પણ આવું ધાંધલ કરો છો? આવા ભામટાઓને ઘરમાં એકઠાં કરો છો?’ ચાકરને કહે કે ‘માળીયા પરથી કુહાડી કેમ ઉતારી?’ તે કહે કે, ‘માગી તે હું શું કરું?’ સ્વામી સેવકનો વિરોધ શમાવવા ભદ્રંભદ્રે ધીમે રહી કુહાડી નીચે મૂકી દીધી. તે બે જણ ખુલાસાથી વાત કરી શકે તે માટે હું તથા ભદ્રંભદ્ર નીચે ઉતરી ગયાં. નીચે ઉભેલા ટોળાની તાળીઓ, હર્ષના પોકાર, ‘હુરીયો’, ‘એઈ ચોર’, ‘લીજીયો’ ઇત્યાદી જયધ્વનિ શ્રવણ કરતા અને મુદિત થતા અમે માધવબાગમાં જઈ પહોંચ્યા.

– રમણભાઈ નીલકંઠ

[સપ્ટેમ્બર ૧૯૦૦માં સૌપ્રથમ વખત પ્રકાશિત થયેલી અને હવે ક્લાસિક હાસ્યનવલ ગણાતી ગુજરાતી નવલકથા “ભદ્રંભદ્ર” હાસ્યલેખનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર કોઈ પણ લેખક માટે એક સીમાસ્તંભ છે. તેની પ્રસ્તાવનામાં જ ગ્રન્થકર્તાએ લખ્યું છે, “મહાત્માઓના જીવનચરિત્ર લખનારને ક્ષમા માગવી પડતી નથી કારણકે તેવા લેખમાં સકલ ગુણ સંપૂર્ણ હોય છે. અને તે ગુણસંપતિ લખનારને પણ પ્રાપ્ત થાય છે પણ વાંચનારે પોતાની અપૂર્ણતા લક્ષમાં લઈ એવા લેખ હાથમાં લેતા પહેલા ક્ષમા માંગવી એ કર્તવ્ય છે.” તો પ્રસ્તાવનામાં અંતે લખ્યું છે, “જેને આ પુસ્તક સમજાય નહીં અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી, એ વર્ગને માટે બીજા ઘણાં પુસ્તકો છે !” સંસ્કૃતપ્રચૂર શબ્દો અને લાંબા ભાષણો છતાં ભદ્રંભદ્ર રસનું, હાસ્યરસની નિષ્પન્નતાનું જાગતું ઉદાહરણ છે અને આપણી ભાષાની ગૌરવશાળી સર્જનયાત્રાનું તે આવશ્યક દિશાચિહ્ન છે. આજે આ જ પુસ્તકમાંથી એક પ્રકરણ અત્રે ઉદધૃત કર્યું છે.
– જિજ્ઞેશ અધ્યારૂ ]


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “મોહમયી મુંબાઈ (ભદ્રંભદ્ર) – રમણભાઈ નીલકંઠ

  • Gautam

    Bhadrambhadra is an all time classic in Gujarati lit. Shri Ramanbhai was a visionary and waaaay ahead of his time. I must have read this book over and over again so many times and enjoyed it immensely. I never get tired or bored.

    As such, humorous writing in India – at least in my opinion is not so highly successful and Shriman
    Ramanbhai is a true exception above all. The original writing is more than a century old (I think reading “prastavana” in on edition, I saw first one written in 1900.

    It is a true work of art and cultural tug of war between conservatives and progressive minded liberals. Even with passing of a century, I suppose we are still having same war going on whether in West (where I am in USA) or East.

    Love Ramanbhai’s beautiful, never dying, fabulous work. None has followed him that can fill his shoes.

  • Nirav Joshi

    આ લેખને વાચિને ખરેખર મઝા પડી. બિજા આવા હાસ્ય સભર કોઇ લેખ હોઇ તો અવશ્ય અપ-લોડ કરસો.

  • Shailesh Mehta

    મારી પાસે ‘ભાદ્રંભદ્ર’ તથા ર વ દેસાઈ ના વીસ પુસ્તકો અમદાવાદ માં પડ્યા છે.. દરેકે દરેક મહા મુલા મોતી સમાન છે..
    અહીં અમેરિકા માં બેઠા પી ડી એફ વાંચવા મળે છે તેનો આનંદ અનેરો છે..

    હું કઈરીતે પી ડી એફ પુસ્તકનું યોગદાન કરી શકું તથા પુસ્તકને કઈરીતે અપ-લોડ કરી શકું? તે પ્રત્યે નિર્દેશ કરજો..

    ગમતા નો ગુલાલ કરવા હું ઉત્સુક છુ..

    શુભં અસ્તુ,

    શૈલેશ મેહતા

  • ધવલ સુ. વ્યાસ

    વર્ષો પહેલા વાંચેલી અને મારી પ્રિય ‘ભદ્રંભદ્ર’નો અંશ અજે ફરી માણવા મળ્યો, તે માટે આપનો આભાર માનવો ઘટે. અનાર્યો જે ગુજરાતી ભાષા (અને જોડણી)માં સુધારા સુચવી રહ્યાં છે તેની સામે ભદ્રંભદ્રને ફરી સફાળા બેઠા કરી માધવબાગ સભાનું આયોજન કરવું જોઈએ એવું મહારું માનવું છે, તે આપ સહુને વિદિત કરું છું.

    ભદ્રંભદ્રનો અન્ય એક અંશ થોડા સમય પહેલાં PDF સ્વરૂપે ક્યાંકથી મળ્યો હતો, ધ્યાને આવતાં જણાવીશ અથવા જો મારી પાસે હજુ સોફ્ટકોપી પડી હશે તો ક્યાંક અપલોડ કરીશ જેથી અન્યોને લાભ મળી રહે.

  • Nikhil N. Trivedi

    What a unique way to start a day by reading your email ? You made my day by providing Bhadram Bhadra thru email. I felt as if I came across my favorite toy that I used to play with during my childhood.

  • shirish dave

    ભદ્રંભદ્ર અને બીજા ઘણા પુસ્તકોને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કરવા જોઇએ જેથી લોકો શુદ્ધ ભાષાનું અવગમન કરી શકે.

  • જયેન્દ્ર ઠાકર

    રમણભાઈ નીલકંઠે લખેલ ભદ્રંભદ્ર આજે ૫૦-૬૦ વરસે વાંચવા મળ્યુ! આનંદ થયો. આશા છે કે આના વધુ પ્રકરણો વાચવા મળશે. આભાર!

  • HEENA BAKARANIA

    ખુબ મજા આવી, સ્કુલ મા હતા ત્યારે ભણવમા આવતુ હતુ ! આજે આટલા વષો પછી પાછુ વાચવા મલ્યુ તે માટે અભિનન્દન્.

  • SANATKUMAR DAVE

    dear BHADRAMBHADRA WAS A STUDY BOOK IN MY F.Y.B.A. IN GUJARATI IN MSU AND SHRI RAMANBHAI NILAKANTH AUTHOR LIKE THAT ONE SHRI RAMANLAL VASANTLAL DESAI WAS A NOVELIST FROM BARODA…
    YES THIS BOOK IS THE PIONEER OF HUMOUR IN GUJARATI LANGUAGE AND SO MANY HAD ASPIRES FROM THIS…
    THNKS FOR POSTING THIS..THOUGH ONLY ONE ARTICLE FROM BOOK..ENJOYED…YAANDE TAZI HO GAYI…JSK..