અફસોસ! – રૂપેન પટેલ 24


ગુજરાતના એક નાનકડા ગામડામાં નવઘણ નામનો બાહોશ અને મહેનતુ માણસ રહેતો હતો. નવઘણ ખેતીની સાથે સાથે ખેત પેદાશો બીજા ગામડા અને શહેરમાં વેચવાનો વેપાર પણ કરતો હતો. તે સ્વભાવે ચિડીયો, લાલચુ અને મતલબી હતો. નવઘણ વેપાર અર્થે ઘણા ગામડા અને શહેરમાં ફરતો હોવાથી તેનું મિત્ર વર્તુળ પણ મોટું હતું. અવળા રસ્તે ચડેલા કેટલાક મિત્રો હોવાથી તેમની સંગતે તે પણ થોડો વ્યસની અને જુગારી થયો હતો.

એકવાર નવઘણ પોતાની ખેત પેદાશના ગાડા ભરીને બીજા શહેર વેચવા નીકળ્યો, એવામાં જ તેની ઘરડી અને બીમાર માએ રોક્યો. મા એ કહ્યું, ‘મને ખરાબ સ્વપ્ન આવ્યું છે કે તું સફરેથી વર્ષો સુધી ઘરે પાછો નહિ આવી શકે.’ નવઘણ તેના સ્વભાવ મુજબ તેની માંની વાતને અવગણીને સફર માટે નીકળી પડ્યો. માએ તેની પત્ની અને નાના બે બાળકોની યાદ અપાવીને ધ્રૃસકે ધ્રૃસકે રોવા માંડી, છતાં નવઘણ ના જ માન્યો .

નવઘણની મુસાફરીમાં વચ્ચે ચાર ગામ આવતા હતા. મુસાફરીમાં આરામ કરવા માટે તે એક પૌરાણિક મંદિરમાં ગયો. મંદિરમાં પૂજારી સિવાય કોઈ ન હતું. મંદિર પણ ગામથી થોડું દૂર હતું. નવઘણ પાસે રાતવાસો કરવા માટે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો . નવઘણે મંદિરમાં જઈ ભગવાનના દર્શન કર્યા અને પૂજારી પાસે રાતવાસો કરવાની પરવાનગી આપવા માટે આજીજી કરી. પૂજારીએ તેને પરવાનગી આપી. વાતવાતમાં પૂજારીએ તેનો પરિચય મેળવ્યો અને જણાવ્યું, ‘સારું થયું કે તમે અહીં જ રોકાઈ ગયા, આગળ ઘણે દૂર સુધી કોઈ ગામ નથી આવતું અને આગળનો રસ્તો પણ સતંદર સૂમસામ છે. પૂજારીએ મંદિરની, ગામની અને રાજાની વાતો કરતા કરતા કહ્યું કે આ મંદિરમાં વહેલી સવારે રાજા નિયમિત સૌ પ્રથમ દર્શને આવે છે .

નવઘણે ગાડા અને બળદ છૂટા કર્યા, બળદને નીરણ અને પાણીની વ્યવસ્થા કરી. સવારે વહેલા સફરે નીકળવાનું હોવાથી તે થાક્યો પાક્યો સૂઈ ગયો. પૂજારી પણ પોતાની અલગ ઓરડીમાં જઈને સુઈ ગયા.

નવઘણ બીજા દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલાં જ ઊઠી ગયો. તેણે બળદ અને ગાડા જોડી સફર માટેની તૈયારી કરી. નીકળતા પહેલા તે પૂજારીની ઓરડી તરફ ગયો અને ત્યાં જ તેને વિચાર આવ્યો કે અત્યારે પૂજારી ગાઢ ઊંઘમાં હશે, તેમની ઊંઘ ખરાબ નથી કરવી. તેણે વિચાર્યું કે ધંધાથી પરત આવતા પૂજારીને મળી આભાર વ્યક્ત કરીશ અને પૂજારીને મળ્યા વગર જ ત્યાંથી નીકળી ગયો.

સુર્ય ઉગતા થોડીક વાર તે આરામ માટે એક ઝાડ નીચે ઉભો રહ્યો. બળદને નીરણ નાંખ્યા અને પાણી માટે આમતેમ જોતો હતો. એવામાં જ દૂરથી તેણે ઘોડેસવાર આવતા જોયાં. ઘોડેસવાર સિપાઈઓની નજર નવઘણ પર પડતાં જ બધા તેને ઘેરી વળ્યા. તેમણે નવઘણની ઉલટ તપાસ કરી કે ક્યાંથી આવો છો, ક્યાં જવાના અને રાતવાસો ક્યાં કર્યો હતો. સવાલ જવાબ પૂરા થતાં જ સિપાઈઓએ નવઘણને પકડી બંદી બનાવી દીધો. એ તો સ્તબ્ધ થઇ ગયો અને પોતાની સાથે શું થઇ રહ્યું છે સમજી ન શક્યો. અચાનક આવી પડેલી આ કપરી પરિસ્થિતિમાં તે દુઃખી થઇ ગયો .

સિપાઈઓએ તેને રાજાના દરબારમાં હાજર કર્યો. નવઘણ પર મંદિરના પૂજારીની હત્યાનો આરોપ હતો. તે પોતાની ઉપર લગાવાયેલ ખોટા આરોપ સાંભળી ધ્રુસકે ધ્રુસકે રોવા મંડ્યો, બૂમો પાડવા માંડ્યો કે તે નિર્દોષ છે. રાજાએ નવઘણને નિર્દોષ હોવાનો પુરાવો આપવા જણાવ્યું પણ નવઘણ કોઈ પુરાવા રજૂ ના કરી શક્યો. રાજાએ જાહેર કર્યું કે તે રાત્રે નવઘણ સિવાય કોઈ અન્ય મંદિરમાં ન હતું અને રસ્તામાં પણ સિપાઈઓને નવઘણ સિવાય કોઈ મળ્યું નથી. નવઘણે ખુદ સિપાઈઓને જણાવ્યું હતું કે પૂજારી અને તે બંને એકલાંજ મંદિરમાં હતા. રાજા વહેલી સવારે મંદિરે ગયા હતા અને રાજાએ જ સૌ પ્રથમ પૂજારીની લાશ જોઈ હતી. રાજાએ નવઘણને પૂજારીની હત્યા માટે વીસ વર્ષની કારાવાસની સજા જાહેર કરી.

નવઘણને કારાવાસમાં ખસેડવામાં આવ્યો. તેણે પરિવારને એકવાર મળવા દેવા આજીજી કરી. રાજાએ તેની આજીજી માની તેના ઘરે સંદેશો મોકલાવ્યો. સંદેશો મળતાં જ તેના પરિવાર પર આભ ફાટી નીકળ્યું. નવઘણની મા અને પત્ની આ વાત માનવા તૈયાર ન હતા. ગામના મિત્રો નવઘણના થોડા ખરાબ સ્વભાવથી પરિચિત હતા પણ તે ખૂન કરે એવી વાત માનવા તૈયાર ન હતા. નવઘણની પત્ની કારાવાસમાં તેને મળવા આવી. નવઘણે પોતે નિર્દોષ છે અને તે રાત્રે શું બન્યું તે ઘટનાની તમામ જાણકારી તેની પત્નીને જણાવી. નવઘણની પત્ની રાજાને ફરી આજીજી કરી કે તેનો પતિ નિર્દોષ છે પણ તેની વાત રાજાએ માની નહિ .

નવઘણે હવે બધી આશાઓ છોડી દીધી અને સજા માટે માનસિક તૈયાર થઇ ગયો. તે સમયે નવઘણની ઉંમર ચાલીસ વર્ષની હતી. નવઘણ વિચારે ચડી ગયો કે સજા પૂરી થશે ત્યારે તે જીવતો હશે કે કેમ ? જેલમાંથી છુટ્યા બાદ મિત્રો, પરિવાર તેને સ્વીકારશે કે કેમ ? નવઘણ મોટેભાગે કારાવાસમાં એકાંતમાં જ રહેતો હતો, બીજા કેદીઓ સાથે કોઇપણ સબંધ ન રાખતો. ધીમે ધીમે તેનો ગુસ્સો શાંત થતો ગયો અને તે પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયો. નવઘણનો ઘણો સમય પ્રભુ ભક્તિમાં જ પસાર થઇ જતો. તેના ચાલચલન અને સ્વભાવથી કારાવાસમાં બીજા કેદીઓ અને સિપાહીઓ પણ પ્રેરાઈ ગયા હતા. થોડા વર્ષો બાદ બીજા કેદીઓ તેને મોટોભાઈ, દાદા તરીકે સંબોધન કરતા. કારાવાસમાં શાંતિ જાળવી રાખવી અને દરેક કેદીઓ વચ્ચે સુમેળ જાળવી રાખવાની જવાબદારી નવઘણના શિરે હતી. બધા કેદીઓ નવઘણની વાતને માન આપતા. તેની સજા ઓછી કરવા માટે કારાવાસના પ્રધાને રાજાને આજીજી કરવાનું પણ વિચારી રાખ્યું હતું.

એવામાં જ આજુબાજુના ગામડામાં હુલ્લડ ફાટી નીકળ્યા. કેટલાંય ગામોમાં કેટલાંય નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી. આ હુલ્લડનો મુખ્ય સુત્રધાર જોરાવરને પકડી આ જ કારાવાસમાં લાવવામાં આવ્યો. જોરાવરના કારાવાસમાં આવવાથી ગામડાઓમાં શાંતિ થઇ ગઈ હતી પણ કારાવાસનું વાતાવરણ તંગ થઇ ગયું. જોરાવર કારાવાસમાંથી છટકવાના પ્રયાસમાં જ રહેતો હતો. કારાવાસની શાંતિ ડહોળવાના તમામ પ્રયત્નો તે કરી ચુક્યો હતો. જોરાવરે પોતાની દાદાગીરી કારાવાસમાં પણ ચાલુ કરી. ધીમે ધીમે બધા કેદીઓના પરિચય મેળવતો આમ જ જોરાવરને નવઘણની વાત ધ્યાનમાં આવી.

જોરાવર નવઘણને મળવા તેની કોટડીમાં ગયો અને તેને મળતાં જ શાંત બની ગયો. બંને વચ્ચે મિત્રતા બંધાઈ. જોરાવરે નવઘણ પાસેથી તેના ગુનાની જાણકારી જાણી. નવઘણ ધીમે ધીમે સ્વરે પોતે નિર્દોષ હતો તે આખી વાત જણાવી. હજુ વાત પૂરી થાય તે પહેલાં જોરાવર નવઘણના પગમાં પડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રોતા રોતા બૂમો પાડવા માંડ્યો કે , ‘આપ ખરેખર નિર્દોષ છો .’ આવી રીતે જોરાવરને પ્રથમ વાર રોતા જોઈ તમામ કેદીઓ અને નવઘણ સ્તબ્ધ થઇ ગયા .

જોરાવરે રાજાને મળવા માટે આજીજી કરી અને રાજાએ જોરાવરને રાજાના દરબારમાં હાજર કરવામાં આવ્યો. જોરાવરે નવઘણ નિર્દોષ હોવાની વાત રાજા સમક્ષ કરી. રાજાએ જોરાવરને પુરાવા આપવા જણાવ્યું. જોરાવરે રાજાને તે રાત્રે થયેલ ઘટનાની વાત રાજાને કરી .

જોરાવરે રાજાને જણાવ્યું કે તે રાત્રે તેને સમાચાર મળ્યા કે મંદિરમાં કોઈ વેપારી બહારગામથી આવ્યો છે અને રાતવાસો કરવાનો છે . હું જયારે વેપારીને લુંટવા મંદિરમાં પ્રવેશ્યો પણ અંધારામાં ભૂલથી મારાથી પૂજારીની હત્યા થઈ ગઈ . પૂજારીની હત્યા થવાથી અને બળદના ગળામાં બાંધેલ ઘંટડીઓના અવાજથી પકડાઈ જવાના ડરથી ભાગી ગયો . બીકમાં બીકમાં વેપારી સુધી ગયો જ નહીં.

રાજાને જોરાવરની વાત આધારભૂત લાગી અને તથ્યો પણ યોગ્ય લાગ્યા . રાજાએ જાહેર કર્યું કે ખરો ગુનેગાર જોરાવર છે અને નવઘણ નિર્દોષ છે . રાજાએ નવઘણની સજા માફ કરી અને જોરાવરને સજા કરવાનું જાહેર કર્યું . રાજાએ ભૂલથી નવઘણને સજા થઇ તે માટે જમીન આપવાની પણ જાહેરાત કરી . આ સમગ્ર ચુકાદાની જાણ નવઘણને કરવામાં આવી .

નવઘણ પાછલા વર્ષોમાં ખોવાઈ ગયો. નવઘણે વિચાર્યું કે હવે માફીથી શું , જયારે સજામાં માત્ર બે વર્ષ જ બાકી છે . નવઘણનો સ્વભાવ એકદમ જ બદલાઈ ગયો . નવઘણને પોતાની જાત પર ધ્રુણા થવા લાગી કે જે જોરાવર સાથે મિત્રતા કરી તે જ સાચો ગુનેગાર છે . જેને સુધારવા માંગતો હતો તે જ તેને લુંટવા આવ્યો હતો અને ફસાઈને ભાગી ગયો . નવઘણ પોતે જોરાવરને ન ઓળખી શકવાના આઘાતમાં અને જિંદગીમાં પોતાની જાતને નિર્દોષ ન સાબિત કરવાના અફસોસમાં મૃત્યુ પામ્યો .

નવઘણના મૃત્યુની જાણ રાજાને અને જોરાવરને થઈ . રાજા કારાવાસમાં નવઘણ પાસે આવ્યા. જોરાવર નવઘણની લાશને જોઈ આઘાતમાં ડૂબી ગયો . એક નિર્દોષ માણસે પોતાના ગુનાની સજામાં જાન ગુમાવી આ વાતથી જોરાવરને પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો. જોરાવરને પોતાના મિત્ર જેવા નવઘણને નિર્દોષ સાબિત ન કરી શક્યો અને જીવ ના બચી શકવાનો અફસોસ થયો .

રાજાએ એક નિર્દોષ વ્યક્તિની વાત ન માની અને થોડી વધુ તપાસ ન કરી. નવઘણને સજા કરવાનું દુઃખ થયું. રાજાને, પોતાના ખોટા નિર્ણય માટે પ્રજા કેવું વિચારશે તે વિચારથી જ પોતાની જાત પર ઘૃણા થઇ, પોતાના ખોટા નિર્ણય માટે અફસોસ થયો.

રાજા અને જોરાવર પાસે માત્ર અફસોસ કરવા સિવાય કશું જ ન હતું. રાજાના ખોટા નિર્ણય અને જોરાવરના ખોટા કામની સજા એક નિર્દોષ નવઘણે મોતથી ચૂકવવી પડી. નવઘણના પરિવારને પણ નવઘણને સફર માટે ન રોકી શકવાનો અફસોસ થયો.

જીવનમાં ધીરજ રાખવાથી કદાચ અફસોસ કરવાની તક આવતી નથી.

– રૂપેન પટેલ

શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત નવલીકા ‘અફસોસ !’ જીવનના અનેક પ્રસંગોને લઈને નિપજતિ વિષમ પરિસ્થિતિઓ અને ઉતાવળીયા નિર્ણયોથી થતી તકલીફોનો અહેસાસ લઈને આવે છે. પ્રસ્તુત નવલિકા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

24 thoughts on “અફસોસ! – રૂપેન પટેલ

  • ARVIND PATEL

    અતિ સુંદર વાર્તા. એટલે જ ન્યાય કરતા પહેલા સો વખત વિચારવું જોઈએ. ભલે ગુનેગાર બચી જાય પણ નિર્દોષ ને સજા ન થવી જોઈએ.

  • હિરેન મોઢવાડીયા

    રૂપેનભાઈ ખુબ મસ્ત વાર્તા છે.
    જીવનમાં ધીરજ તો રાખવી જ પણ આવી કોઈ ભુલ થઈ જાય તો તેનો અફસોસ ન કરતા ફરીથી બીજી ભુલ ન થાય તેની કાળજી રાખવી જોઈએ.

  • રૂપેન પટેલ

    ગૌરાંગી બહેન , અંકિતા બહેન , હિરેનભાઈ , દવે સાહેબ , મનસુખભાઈ , મેવાડા સાહેબ , પ્રવીણભાઈ સાહેબ , હર્ષદભાઈ , સોહમ , માનવ , વિરેનભાઈ , અશોકભાઈ ,કિશોરભાઈ આપ સૌ વડીલો અને મિત્રોનો પ્રતિભાવ આપીને પ્રોત્સાહિત કરવા બદલ આભાર .

  • અશોકકુમાર-'દાદીમા ની પોટલી'

    શ્રી રૂપેનભાઈ,

    હકીકતમાં લાગણીના આવેશમાં આપણે સૌ પહેલી નજરે વિચારીએ કે નવઘણને અન્યાય થયો છે. અને જેને કારણે તેને પોતાનું શેષ જીવન કારાવાસમાં વિતાવવું પડ્યું અને અકારણ મોતને ભેટ્યો.

    વાર્તામાં અનેક મુદ્દાઓ એક સાથે સંકળાયેલા જોવા મળે છે.

    ૧. ઘેરથી નીકળ્યો ત્યારે માની ના હોવા છતા નાવ્ઘને પોતાનું ધાર્યું જ કર્યું., જે બતાવે છે કે અંતર આત્માના આવાજ ણે હંમેશાં સાંભળવો જોઈએ. જે આપણે મોટેભાગે સાંભળતા હોતા નથી.

    ૨. કર્મની ગતિ ન્યારી છે. જે કોઈ જાણી શકતું નથી. ઈશ્વર તેણે ક્યારેય કળવા દેતો નથી.

    ૩. આપણને થાય કે તે બધું બરોબર પરંતુ નવઘણે ક્યા પાપ કરેલ કે ખોટું કરેલ ? તો તેણે શેની સજા ?
    કર્મના સિદ્ધાંત વાંચીએ તો તેના પહેલા જ પ્રકરણમાં આપણને જાણવા મળશે કે આપણા સંચિત કર્મોની સજા પણ આપણે ભોગવવાની હોય છે.
    આપણે જોઈએ છે કે બાળ મરણ, કોઈ જ કર્મ જન્મ બાદ કરેલ ના હોવા છતાં ભયંકર રોગથી / કે આકસ્મિક મોત આવતાં હોય છે તે શું છે ? આમ પૂર્વે કરેલ કર્મનું ફળ પણ ભોગવવું પડતું હોય છે.

    ઈશ્વર નો હિસાબ ન્યારો છે, ત્યાં કોઈ પણ કર્મનો જવાબ આપવો પડતો હોય છે અને દરેક કર્મને ભોગવવું પડે છે. ઉપર કોઈ સ્વર્ગ કે નર્ક નથી.

    સરસ વાર્તા.

  • Pravin Shah

    સરસ વાર્તા. કોઈ બાબતની પૂરી તપાસ કર્યાં પછી જ નિર્ણય લેવો જોઈએ.
    સારો બોધ મળે છે.
    પ્રવીણ

  • Dr P A Mevada

    “જીવનમાં ધીરજ રાખવાથી કદાચ અફસોસ કરવાની તક આવતી નથી.” આ સત્યને સમઝાવતી તમ્મારી આ નવલિકા ખરેખર દાદ માગી લે છે. અભિનંદન, રુપેનભાઈ!

  • Markand Dave

    પ્રિય શ્રીરૂપેન ભાઈ,

    અભિનંદન.

    બસ આપની કલમનો લાભ સર્વે સાહિત્યપ્રેમીઓને આપતા રહો તેવી શુભેચ્છાસહ,

    માર્કંડ દવે.

  • Hiren

    અતિ સુંદર… “અફસોસ!” મને આ વાર્તાની પ્રસંશા કરવા માટે સારા શબ્દો નથી મળી રહ્યા!!! 🙂

  • Ankita Solanki

    સરસ વાર્તા છે, પણ કોઈ બોધ પર પહોચવું અઘરું થઇ જાય છે જયારે આવી કોઈ ઘટના માં જો આપડે ફસાઈ જિયા છીએ ત્યારે,છેલ્લે તો મારી એક મિત્ર કહે છે તેમ જ , આજ જીંદગી છે, પણ વાર્તા સરસ છે. આભાર.