સાંતીડુ જોડીને – અખો 2


સાંતીડુ જોડીને સમજાવીએ,
રૂડા રામના બીજ લઈ વાવ.

દયા-માયાના ડોળિયા પ્રાણી ! પ્રેમના જોતર વાળ,
પ્રાણી પ્રેમના જોતર વાળ;
રાશ લેજે ગુરૂજ્ઞાનની, તારે સંત પરોણો હાથ. … સાંતીડુ

પહેલી ગણ પધોરની, પ્રાણી ! કાળના ગૂંડાં કાઢ,
પ્રાણી કાળનાં ગૂંડાં કાઢ;
બીજી ગણ બહુનામીની, તારાં પાપ સમૂળાં જાય. … સાંતીડુ

ત્રીજી ગણ ત્રિભોવનની, પ્રાણી ! ત્રષ્ણા બેડી ટાળ,
પ્રાણી ! ત્રષ્ણા બેડી ટાળ;
ચોથી ગણ ચત્રભુજની, તારાં ખેતર આવ્યાં તાર. … સાંતીડુ

ત્રાટકની આવી વાવણી, ભાઈ ! સત્યની ઓરણી બાંધ,
પ્રાણી ! સત્યની ઓરણી બાંધ,
પાંચ આંગળીએ પૂરજે, ત્યારે લાખે લેખાં થાય. … સાંતીડુ

ઊગીને જ્યારે ઓળે ચઢ્યું, પ્રાણી ! વાડની મ કર ફેલ,
પ્રાણી ! વાડની મ કર ફેલ;
ચારે દિશાએ રાખ સુરતા, એથી પાકશે રૂપારેલ. … સાંતીડુ

પોંક આવ્યો હવે પાકશે, પ્રાણી ! મનનો મેડો નાખ.
પ્રાણી ! મનનો મેડો નાખ;
ગોફણ લેજે જ્ઞાનની ભાઈ ! પ્રેમના ગોળા ફેંક. … સાંતીડુ

ઢાળીયો આવ્યો ઢાળવા પ્રાણી ! ઢાળ ભરેલી થાય,
પ્રાણી ! ઢાળ ભરેલી થાય;
ખાઓ પીઓ ધન વાવરો, એનો ભોગ ભગવાનને જાય. … સાંતીડુ

ગાણું ગાજે હવે જ્ઞાનનું, ભાઈ ! હૈયાની હુંપદ હાર,
પ્રાણી ! હૈયાની હુંપદ હાર;
ાખો ભગત કહે પ્રભુ ભજ્યા વિના, નહીં ઉતરો ભવપાર.

સાંતીડુ જોડીને સમજાવીએ,
રૂડાં રામના બીજ લઈ વાવ.
– અખો

આપણા આદ્ય સાહિત્યકારોએ સામાન્ય જીવનપ્રવૃત્તિઓનો સહારો લઈને તેની પ્રવૃત્તિઓમાં સમજણના સૂર કેવા પ્રગટાવ્યા છે તેનું ઉદાહરણ અખાની આ સુંદર રચના છે. ખેડૂત ખેતી કરવા સાંતીડુ જોડે છે, ત્યારથી લઈને વાવણી સુધીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેને સતત માનવતા અનુભવવા, શ્રદ્ધા રાખવા અને મહેનત કરવાની શીખ કેવી માર્મિક રીતે અહીં અપાઈ છે ! અખંડ આનંદ સામયિકમાં કાવ્યકુંજ વિભાગમાં શ્રી હરિકૃષ્ણ પાઠક સાહેબ દ્રારા સંપાદિત આ રચના સાભાર અહીં લીધી છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સાંતીડુ જોડીને – અખો