શે’ર સમૃદ્ધિ – સંકલિત 8


પ્રેમ નામે ગ્રંથનો ફેલાવ વધવો જોઈએ,
પ્રત કદી ખૂટી પડે તો સંસ્કરણ કરતા રહો.
– હિતેન આનંદપરા

હ્રદયનો સાથ હોય તો રિવાજ અન્ય છોડ તું,
રમેશ પાંપણોથી પણ અહીં પ્રણામ થાય છે.
– રમેશ પારેખ

તારું નામ લીધું તો વચ્ચેથી
આપમેળે ખસી ગઈ દુનિયા.
– નૂરી પોરબંદરી

થીજી ગયેલા શહેરમાં તડકાને વેચવા,
ઊંચકીને સૂર્ય કોઈ નીકળતા નથી.
– સાદિક કાદરી

ઘવાયો છે અહં સૂરજનો કેવળ એ જ બીના પર,
રઝળતા આદમીએ ભરબપોરે ચાંદની માંગી.
– અગમ પાલનપુરી

તારાથી છે વિશેષ છતાં પામવા તને,
મૂકી દીધું છે હોડમાં મારું સ્વમાન પણ.
= કૈલાસ પંડિત

જ્યાં સૂકાવા નાંખી એણે ઓઢણી,
લીમડાની ડાળ મીઠી થઈ ગઈ.
– અદમ ટંકારવી

ઠોકર અસંખ્ય મારી હું સીધું કરી દઈશ,
હદથી વધુ નસીબ જો મુજને સતાવશે.
– જલન માતરી

સલ્તનત છે કલમની-શાહીની,
અમને આદત છે બાદશાહીની.
– નિર્મિશ ઠાકર

જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી તૈસી
– અશરફ ડબાવાળા

આવાસ દોમદોમ અનાયાસ થઈ ગયો,
વર્તુળની વચાળે સીધો વ્યાસ થઈ ગયો.
– ફારુક શાહ

શબ્દ, ઉર્મિ, રંગ, સૌરભ તેજ ને થોડી ભીનાશ,
લ્યો, અમે બેસી ગઝલની પાલખીમાં નીકળ્યા.
– ભગવતીકુમાર શર્મા

પગરવોની શક્યતા ડમરી બની ઉડ્યા કરે,
પાંપણોની પાદરે ભીનાશનું રણ સંભવે.
– સંદીપ ભાટિયા

કદી કોઈથી એ ન જાણી શકાયું,
રહે આંખમાં એક આંસુ પરાયું.
– વિમલ અગ્રાવત

મળવાનું હોય તો એ સમય પર મળે તો ઠીક,
નહીંતર દયાના રૂપે મહોબ્બત અનુભવાય.
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

ભીતરે છે ભાર ઈચ્છાનો કહેવાનો સમય ક્યાં છે?
આવવા દે કોઈ અવસર ખૂબ લાંબી વારતા છે.
– બી. કે. રાઠોડ

જે ઉઠ્યું તોફાન ભીતર, નોંધ એની ક્યાં મળે ?
સહેજ બસ નયનો ઢળ્યાંની નોંધ તો લીધી હશે.
– સુધીર પટેલ

આજે પ્રસ્તુત છે વિવિધ સંદર્ભોમાંથી મેળવેલા અને મને ગમતાં શે’રોનું એક નાનકડું સંકલન. આ શે’ર સંકલન વિવિધ વિષયોને આવરી લે છે અને વિવિધ ગઝલકારોના શે’ર અહીં સાભાર લીધાં છે. ક્યાંક વસંતનો વૈભવ તો ક્યાંક તૂટેલા હૈયાની વેદના, વિષયવૈવિધ્ય પણ આપોઆપ જળવાયું છે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “શે’ર સમૃદ્ધિ – સંકલિત