પ્રણય ત્રિકોણ – હરજીવન થાનકી 4


ના – પ્રણય ત્રિકોણના ખૂણા સાથે ત્રણ બાજુઓ પણ ખરી. પ્રણય ત્રિકોણ શબ્દ ભારે છેતરામણો છે. આ પ્રણયમાં એકે ખૂણાને સ્થાન નથી, ત્યાં ત્રણની તો વાત જ શી કરવી?

રેલવેના બે પાટા સમાંતરે, યોગ્ય અંતર જાળવી કેટલે લાંબે સુધી ચાલ્યા જતા હોય છે ! જો તેઓ ખૂણો બનાવવા રોકાય તો ડબ્બા પાટા પરથી ઊથલી જ પડે.

આ સંદર્ભે દામ્પત્ય જીવનમાં જ્યારે બેની વચ્ચે ત્રીજી વ્યક્તિ પ્રવેશે છે ત્યારે પાર વગરની મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. એક સ્ટેશનેથી છૂટેલી ગાડી બીજા સ્ટેશને સહીસલામત પહોંચી શક્તી નથી.

બે પર્વતની વચ્ચે એક ખીણ શોભે, પણ જો પર્વતની બે ટોચ એકમેક સાથે જોડાવાનો પ્રયત્ન કરે તો આપમેળે ઉંધો ત્રિકોણ રચાઈ જાય.

સંસારમાં પતિ પત્નીએ યોગ્ય અંતરે રહેવામાં જ ડહાપણ છે, શાણપણ છે. બન્નેના કાર્યક્ષેત્ર અલગ છે. આ બન્ને આખરે તો રેલવેના બે પાટા જેવાં છે કે જે દેખીતી રીતે મળતા ન હોવા છતાં આંતરિક રીતે તો મળતા જ રહે છે.

સમજુ પતિ-પત્નીએ એકમેકની આંતરીક બાબતોમાં દખલ ન કરવી જોઈએ જેથી ખૂણો બનતો અટકાવી શકાય. ખૂણા ખાંચામાં કચરાને ભરાવાની ટેવ અનાયાસ જ પડી જતી હોય છે. ભારતીય લગ્ન વ્યવસ્થાએ દામ્પત્ય જીવનમાં ખૂણાને કદી મંજૂરી આપી નથી. પતિ-પત્નીએ યોગ્ય અંતર જાળવીને જ રહેવુ રહ્યું. બહુ નજીક તેમ જ બહુ દૂર જવામાંયે પૂરું જોખમ ખરું, જેમ પૃથ્વી સૂર્યથી યોગ્ય અંતર જાળવીને રહે છે તેથી ઠરી કે બળી જતી નથી; પણ સૂર્યનો પૂરેપૂરો લાભ મેળવી શકે છે. આજના જમાનામાં પતિ-પત્ની મિત્ર બની રહે તે જ ઈચ્છવાયોગ્ય ગણાય. કોઈ Superior કે Inferior નથી. બન્ને સમાન, ન તો કોઈ નાનું કે ન મોટું ! કેમ કે તેમણે જિંદગીની ગાડીને દોડાવવાની છે, તેને જનમપુરથી મરણપુર સુધી પહોંચાડવાની છે. તેના ડબ્બાઓમાં સ્ટેશને-સ્ટેશને પેસેન્જરોની ચડ ઊતર તો થતી જ રહેવાની. પ્રત્યેકને પોતાનો સ્વાર્થ હોવાનો.

આ ત્રિકોણ આમેય બહુ ખતરનાક ચીજ છે. ફિલ્મના પડદે ગવાતું-સંભળાતું ગીત કેટલું કર્ણપ્રિય અને સુંદર લાગે છે ! કેમ કે તેની અસલીયત આપણે જાણતા નથી. ગીતનો લેખક એક, તેને ગાનાર બીજો અને પડદે દેખાતો, હોઠ ફફડાવતો ત્રીજો ! બોલો, આમાં એકતા ક્યાં રહી ? એક ગીત છે,

પંછી બનું, ઉડતી ફીરું, મસ્ત ગગનમેં…
આજ મેં આઝાદ હું અપને ચમન મેં.

આ ગીત લખનાર જ જો પડદા ઉપર ઉપસ્થિત રહીને ગાય તો અવશ્ય ગમે, પણ માત્ર અભિનય જ કરે એ કેમ ચાલે? ગીત હ્રદયમાંથી સ્ફૂરવું જોઈએ. જેને સ્ફૂરે તેણે તે ગાવું જોઈએ કે જેથી પ્રેક્ષકો ડોલી ઉઠે, પણ અહીં તો પ્રણય નહીં – પ્રપંચ ત્રિકોણો રચાતા હોય છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પ્રણય ત્રિકોણ – હરજીવન થાનકી

 • જયેન્દ્ર ઠાકર

  સંસારિક જિવનને ત્રિકોણ કે રેલ્વેના બે પાટા સમાન parallel સમજવુ કે સરખાવવુ તે નકામી વાતો છે.
  આવા સરળ ઉદ્દાહરણોથી જો જિવન સમજાતુ હોત તો રામાયણો કે મહાભારતો ન રચાત!

 • DR Pravin Sedani

  ભાઈ શ્રી હરજીવન થાનકી ની અહીં દરેક વાત વિરોધાભાસ થી ભરેલી છે.
  પ્રણય ત્રિકોણ અને બાજુ ની વાત માં કશું નક્કર વિધાન નથી.
  પતિ પત્ની ની વાત માં રેલ્વે ના પાટા નું ઉદાહરણ બંધ બેસતું જ નથી.
  પતિ પત્ની અમુક અંતર રાખીને એક મેક ના કામ માં દખલ ના દે તો
  ઉલટાનું ત્રીજી વ્યક્તિ ની શક્યતા વધી જાય! જીવન માં એક મેક થી અંતર નહિ
  રાખતા એકરસ બની જવાની જરૂર હોય છે. અંત માં ”પંછી બનું ઉડતી ફિરું
  મસ્ત ગગન મેં” ગીત ”મધુમતી” નું નહિ ”ચોરીચોરી ” નું છે.
  ડો. સેદાની

 • pragnaju

  ‘ગીત હ્રદયમાંથી સ્ફૂરવું જોઈએ. જેને સ્ફૂરે તેણે તે ગાવું જોઈએ કે જેથી પ્રેક્ષકો ડોલી ઉઠે, પણ અહીં તો પ્રણય નહીં – પ્રપંચ ત્રિકોણો રચાતા હોય છે.”
  ભલે પ્રપંચ હોય
  પણ
  મધુમતી’નું ગીત –
  ‘પંછી બનું, ઊડતી ફિરું મસ્ત ગગન મેં,
  આજ મૈં આઝાદ હું દુનિયા કે ચમન મેં-’
  જરુર સાંભળજો. શકય છે

  મુક્તિનો કેફ માણવા તમારા પગ પણ થનગની ઊઠશે.