ટેકનોલોજીનાં દબાણ નીચેનો સમાજ – આર્નોલ્ડ ટૉયન્બી (અનુ. તખ્તસિંહ પરમાર) 2


વકાઈઝુમી –

સમાજ વધારે વિશાળ અને વધારે સંકુલ બનતો જાય છે. સામાન્ય વૈયક્તિક નાગરિક પોતાનો કારોબાર અસરકારક રીતે ચલાવી શકે, તેમાં હિસ્સો લઈ શકે તેવાં માર્ગો અને સાધનો આપણે ઊભા કરી શકીએ ખરાં? વિશાળતા અને સંકુલતાનો ખ્યાલ કરીએ છીએ ત્યારે વ્યવહાર-સંચાલન, યંત્ર નિષ્ણાત અને નોકરશાહીમાં માનનાર અમલદાર કરી શકે તેવું માનવું પ્રાપ્ત થાય. યુવાનો, ગરીબો અને શાસિતોનો અજંપો કોઈ વખતે ઊકળી ઊઠીને હિંસાનું રૂપ ધરે છે. આ નવા સંકુલ સમાજમાં માનવ પોતાનું કર્તવ્ય સ્વેચ્છાપુર્વક અદા કરે તેવું આપણે તેને કેવી રીતે બનાવી શકીએ? આ પદ્ધતિમાંથી મુક્ત થયા સિવાય પોતાનું સ્વાતંત્ર્ય તે સાચવી શકે ખરો?
વળી બંડના પ્રતિભાવરૂપે સરમુખત્યારશાહી આવે તે જોખમ કેટલું મોટું છે? જગતની પ્રત્યેક વ્યક્તિને વાસ્તવિક રીતે સ્વતંત્રતા મળી શકે તેવું સમગ્ર જગતનું એક રાજ્ય સ્થાપી શકાય? જુલમી સરમુખત્યારશાહીનાં ભય સ્થાનો, દુઃખો નિવારવા શું કરી શકાય?

ધર્મનાં સ્થાપિત સ્વરૂપોની માફક જાતીય સંબંધોના સ્થાપિત નિયમોની પકડ ઓછી થતી જાય છે. સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ આધ્યાત્મિક અને સંસ્થાકીય સંબંધ સ્થાપ્યા વિના માત્ર ભૌતિક વાસનાવૃતિને સંતોષે તેવો સંબંધ કેટલે અંશે યોગ્ય ગણાય? લગ્ન અને કુટુંબસંસ્થા અનિવાર્ય છે? આજ સુધી એક કે બીજા પ્રકારના કુટુંબ ઢાંચામાં બાળકને વિકસવાની જે તક મળે છે, તે ઢાંચાથી તેને વંચિત કરવામાં આવે તો તેનો વિકાસ સામાન્ય અને સુખદ બને? સ્ત્રીઓ આવતી કાલના સમયમાં કેવો ભાગ ભજવશે? જીવનના યાંત્રિકરણની અસર સ્ત્રીના કાર્યક્ષેત્ર ઉપર કેવો પ્રભાવે વ્યક્ત કરશે? સાંપ્રત ટેકનોલોજી અને સામાજિક પરિસ્થિતિમાં સ્ત્રીની શારીરિક સંપત્તિ અને તેનાં કાર્યને લક્ષમાં લેતાં સ્ત્રીનું જીવન કઈ રીતે સંચાલિત થશે? સમૃદ્ધ અને ગરીબ દેશો વચ્ચે કે એક જ દેશમાં સમૃદ્ધ અને ગરીબ વચ્ચે આજે સંપત્તિની અસમાન વહેંચણી છે તેમાં માનવજાતની બહુસંખ્ય ગરીબ જનતાનું ભાવિ કેવું હશે? નાગરીકરણ અને સ્વયંસંચાલીત યંત્રોને કારને ગરીબાઈ વધી જતી હોય તેમ લાગે છે? તો ટેકનોલોજી પ્રગતિની વિરોધી છે તેમ કહી શકાય?

વિજ્ઞાનની સહાયથી ટેકનોલોજીએ માનવની કુશળતા અને સંપત્તિ બંનેમાં વધારો કર્યો છે તેવા સંયોગમાં આપણાં સાધનો કયા ક્રમમાં યોજવાં જોઈએ? માનવ જાતનો મોટો સમૂહ ગરીબાઈમાં સબડે છે. ત્યારે આપણાં સાધનો અવકાશ સંશોધન પાછળ ખૂબ ખૂબ ખર્ચાય છે. તેને પરિણામે માનવ અગ્રતાક્રમનો પ્રશ્ન ઊભો થાય છે.

એટમયુગમાં સમગ્ર જગતનું એક રાજ્ય હોય તે આવશ્યક છે કે નહિ? આવશ્યક હોય તો, એ સિદ્ધ થી શકે તેમ છે કે નહિ? જગતવ્યાપી રાજકીય સંગઠન તેના માર્ગમાં આવતા સંસ્કૃતિભેદ, ભાષાભેદ, રાષ્ટ્રીયતા અને જાતિ અંગેની લાગણી, જાગતિક નહિ પણ પ્રાદેશિક સંગઠન જેવા અવરોધોનું અતિક્રમણ કરી શકે કે નહિ? સંયુક્ત રાષ્ટ્રસંઘ જગત-રાજ્યનું બીજ બની શકે કે નહિ?

ટૉયન્બી –

માનવ સામાજિક પ્રાણી છે. આપણા પૂર્વજો આજ સુધીના કોઈ સમાજના અંગભૂત થયા ન હોત તો સંભવ છે કે તે માનવ પણ બન્યા નહોત ! માનવ બનતાં પહેલાં તેમને સામાજિક બનવું પડ્યું હતું. અને તેમના વારસો આપણે પ્રકૃતિગત રીતે અને આર્થિક જરૂરતને પરીણામે સામાજિક પ્રાણીઓ છીએ. એક બીજાના સહકાર વિના આપણે આપણી આજીવિકા મેળવી શકીએ નહિ. કેટલાક સાધુઓ કે કેટલાક હિપ્પીઓને, તેઓ સંત ફ્રાન્સિસ બનવાના હો કે ન બનવાના હો, સમાજથી અલગ પડવા છતાં, સમાજ ટકી શકે. તેમને અલગ કર્યા પછી પણ તેઓ સમાજના સભ્યો તો રહે જ છે. તેમનો સ્વીકાર ન કરવો હોય તો તમે તેમને પરોપજીવી સભ્યો કહી શકો. પણ, તેઓ નવી સામાજિક સંસ્થાના સ્થાપક બની શકે. મને લાગે છે કે ભાગેડવૃતિ એ આંધળુકિયા વૃત્તિ છે, લક્ષહિન પ્રવૃત્તિ છે. વૃત્તિઓના પ્રવર્તનનું પરિણામ પલાયનવાદમાં આવવાનું હોય તો સાંપ્રત સમાજ સામેનો તેમનો વિરોધ નિરર્થક છે.

ટેકનોલોજી અને વસ્તીવિસ્ફોટને પરિણામે જે સાંપ્રત પરિસ્થિતિ પેદા થઈ છે તેમાં વ્યક્તિ માટે સમાજ – જીવનમાં ભાગીદાર બનવાનું કાર્ય વિશેષ મુશ્કેલ બની ગયું છે. ભાગીદારીનું કાર્ય સહેલાઈથી શક્ય બને તેવો સુધારો આપણા સમાજમાં કે આપણી રાજકીય પદ્ધતિમાં કેવી રીતે કરવો તે જોવાનું કાર્ય ખૂબ ખૂબ મુશ્કેલ છે.

હું એમ માનું છું કે પાગલ કે અપરાધી ન હોય તેવી પ્રત્યેક પુખ્ત વયની વ્યક્તિનો રાજ્ય-સંચાલનમાં ભાગીદાર થવાનો, માનવ સંબંધોનું સંચાલન કઈ રીતે કરવાનું છે તેમાં હિસ્સો આપવાનો (અને આનું જ નામ ‘સરકાર’ ને !) કુદરતી માનવીય અધિકાર છે.

રાજકીય ભાગીદારી, ઘણાં જુદાં જુદાં સ્વરૂપની હોઈ શકે. ગ્રીક નગરરાજ્ય કે ઉત્તર પાષાણયુગનું ગામડું કે આજનાં સ્વિસ સંધરાજ્યનાં નાનાં એવાં ઘટક- મહાલફેન્ટન – જેવા રાજકીય સમાજમાં આ ભાગીદારી પ્રત્યક્ષ હોઈ શકે. મારા ખ્યાલ પ્રમાણે સ્વિસ સંઘરાજ્યમાં કેટલાક એવાં નાનાં ઘટકો છે કે જ્યાં પ્રત્યેક વયપ્રાપ્ત પુરુષ પોતાનાં હથિયાર સાથે ધારાસભામાં હાજર રહે છે.

ઇથોપિયાના એક ગામમાં પ્રત્યક્ષ-રૂપની લોકશાહીની કાર્યવાહી મેં નિહાળી છે. આગલી રાતે એક ઘર બળી ગયુ હતું. પ્રશ્ન એ હતો કે આગ આકસ્મિક હતી કે કોઈએ લગાડી હતી? ગામના ધર્મગુરુ અધ્યક્ષસ્થાને હતા. ગામના એકે એક પુરુષ, સ્ત્રી અને બાળક ત્યાં એકઠાં થયાં હતાં. આગ આકસ્મિક હતી કે હેતુપૂર્વકની હતી તે શોધી કાઢવા તે સૌ ચર્ચા કરતાં હતાં. આને પ્રાકૃતિક સ્વરૂપની પ્રત્યક્ષ લોકશાહી કહી શકાય. ગામલોકોની સંખ્યા ખૂબ ઓછી હતી એટલે એ શક્ય હતી. કામકાજ કરવા સૌ એક જ સભામાં મળી શકે – અલબત્ત, આમાં અમુક પ્રકારના અનુશાસનની આવશ્યકતા ખરી. પ્રમુખસ્થાને રહેલ ધર્મગુરુનો દરજ્જો, તેની શક્તિ, અને તેની ન્યાયપ્રિયતા પ્રત્યે લોકો આદર પર તેનો આધાર હતો.

મોટા સમાજમાં આનો વિકલ્પ પ્રાતિનિધિક હોઈ શકે. પાર્લામેન્ટ પદ્ધતિવાળી રાજ્યપદ્ધતિમાં હોય છે તે રીતે. આ રાજ્ય-તંત્રમાં પ્રજાકીય બાબત અંગેનો નિર્ણય વ્યક્તિ પોતે કરતી નથી, પણ તે પોતાનો પ્રાતિનિધિ ચૂંટે છે. આ પ્રતિનિધિ તેના વતી રાજકારણમાં હિસ્સો લે છે. લોકશાહીને વધુમાં વધુ અવકાશ આપતા પ્રાતિનિધિક રાજ્યતંત્રમાં ય, પ્રત્યેકના જીવન-મરણને આવરી લે તેવા રાજકીય નિર્ણયો પણ – વાસ્તવમાં અલ્પસંખ્ય મુત્સદ્દીઓ કરે છે. સંભવ છે કે હજી સુધી અમલમાં ન આવ્યાં હોય તેવાં અન્ય પ્રકારનાં પ્રાતિનિધિક સ્વરૂપનાં રાજકીય બંધારણો હોય. છતાં મને તો ઐતિહાસિક રીતે જેનું અસ્તિત્વ હોય તેવાં લોકશાહી રાજ્ય-બંધારણોનો વિચાર કરતાં પ્રત્યક્ષ લોકશાહી કે પ્રાતિનિધિક સ્વરૂપની લોકશાહીનો જ ખ્યાલ આવે છે. છરીનો આકાર, કીટલીનો આકાર કે ટેકનોલોજીએ નીપજાવેલાં બીજાં ભૌતિક સાધનોના આકારનો વિચાર કરૂ છું ત્યારે તેમાં ડઝન જેટલા વિવિધ આકારો હોઈ શકે તેનો હું સ્વીકાર કરું છું. પણ, હું રાજબંધારણોનો વિચાર કરું છું ત્યારે એના પ્રકાર ખૂબ ઓછા જોવા મળે છે. અરે, બિનલોકશાહી રાજસંસ્થાઓનો સમાવેશ કરું તો પણ ભેદરેખાવાળાં બંધારણોની સંખ્યા અત્યંત વિરલ છે. આપણી કલ્પના અને સૂઝ ટેકનોલોજીનાં ક્ષેત્ર જેટલાં પ્રવર્તે છે તેટેલાં માનવ-વ્યવહારો અંગે પ્રવર્તતાં નથી.

ભવિષ્ય ભાખવું હંમેશ અઘરું છે. ૧૯૧૪ પછીનો સમાજ મારાં માબાપની કલ્પના અને ધારણા બહારનો હતો. એ વખતે હું મોટો થતો હતો એટલે મારા અંગે પણ એમ જ હતું. સત્તરમા સૈકાના અંત પહેલાં જે સામાજિક વલણો હતાં તે ટકી રહેશે અને પૂર્વના દેશોમાં પણ પોતાનો પ્રભાવ વ્યક્ત કરશે એવી અમારી ધારણા હતી. સમગ્ર જગતમાં જીવન વિશેષ બુદ્ધિપ્રવણ, વિશેષ માનવતાવાદી, વિશેષ લોકશાહી-પરાયણ બનશે અને ધીમે ધીમે પણ મક્કમ પણે રાજકીય લોકશાહી વિશેષ સામાજિક ન્યાયની જન્મદાત્રી બનશે તેવી અમારી ધારણા હતી. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને પરિણામે માનવજાત વધારે સંપન્ન બનશે અને આ સંપત્તિનો પ્રવાહ લઘુમતી તરફથી ધીમે ધીમે બહુમતી તરફ વહેશે તેવી પણ ધારણા અમારી હતી. અમે એમ માન્યું હતું કે આ બધું શાંતિમય માર્ગો દ્રારા થશે. વાસ્તવમાં, અમે માનતા હતા કે માનવજાત ધરતી પર સ્વર્ગ અનુભવવાના પંથે પળી છે; અને આ લક્ષ્ય તરફની આપણી ગતિ ઐતિહાસીક જરૂરતમાંથી નિર્ધારિત થઈ છે એવું પણ અમે માનતા હતા. (જોઈ શકશે કે ઇષ્ટ લક્ષ્ય તરફ પ્રગતિની ગતિની અનિવાર્યતાનો સ્વીકાર, જાણ્યે-અજાણ્યે માર્કસવાદ તરફ આપણને લઈ જાય છે.)

ભૌતિક સંપત્તિ આપણને અપેક્ષા પ્રમાણે પ્રાપ્ત થઈ છે – અને તે પણ અપેક્ષા કરતાં ઘણી ઝડપથી અને ઘણા વધારે પ્રમાણમાં. સંપત્તિની વહેંચણીમાં સામાજિક ન્યાય થોડો વ્યાપક બને એ રીતનું વલણ પણ જોઈ શકાશે, અલબત્ત, બીજા પક્ષે સમૃદ્ધ દેશોમાં લઘુમતી અને ગરીબ દેશોમાં બહુમતી પ્રમાણમાં વિશેષ ગરીબ માનતી જાય છે. લોકોના એકબીજાના પ્રત્યેના વર્તનમાં જે પરાગતિનો અનુભવ થયો એની કલ્પના નહોતી કરી. ઈ.સ.૧૬૦૦ કરતાં ઈ.સ. ૧૭૦૦માં પશ્વિમનું જગત વિશેષ માનવતાપૂર્ણ હતું. રાજકીય કે ધાર્મિક કારણોસર લોકો એકબીજાનાં માથાં કાપતાં નહોતાં કે જીવતાં બાળી મૂકતાં નહોતાં. પણ ૧૯૧૩ કરતાં ૧૯૭૧માં જગત ખૂબ ઓછું માનવતા-વિહોણું બનશે એવી સંભાવના આપણી સામે પ્રત્યક્ષ થાય છે.

શસ્ત્રોના યાંત્રિકરણે યુદ્ધસંહાર પહેલાં કરતાં વધારે મોટો બન્યો છે. આકાશમાંથી બોમ્બ ફેંકી શકવાની શોધ થઈ છે એટલે તો સૈનિક અને અ-સૈનિક વચ્ચેની ભેદરેખા – ૧૭મા શતકના અંત સુધી હતી તેવી ભેદરેખા – નાબૂદ થઈ છે. પશ્વિમ જગતમાં ઈ.સ. ૧૭૦૦ સુધીમાં યુદ્ધ એ બે સૈન્યો વચ્ચેનો સંઘર્ષ હતું. એ સરકારો વચ્ચેની રમત હતી, લોક-નાગરિકો વચ્ચેની લડત નહિ. એક સરકાર બીજી સરકાર પાસેથી કોઈ પ્રદેશ જીતી લેતી, ત્યારે એ પ્રદેશના વતનીઓના અંગત જીવન પર તેની ઘેરી અસર પડતી નહિ. તેમણે માત્ર રાજકીય વફાદારી બદલવી પડતી તેમને ઘર ખાલી કરવાં નહોતાં પડતાં કે તેમની સંપત્તિ ઝૂંટવાતી નહિ. ઉ.ત. પોલાન્ડના ભાગલા પડ્યા તે રાજકીય ગુનાખોરી હતી. પણ પોલાન્ડ-લિથુઆ-નિયાના પ્રદેશના લોકોનું જીવન પૂર્વવત ચાલું રહ્યું. ઈ.સ. ૧૯૭૧માં સમગ્ર જગત, સોળમા અને સત્તરમા શતક દરમિયાન પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક સમ્પ્રદાય વચ્ચે જે યુદ્ધ થતાં ને જે વાતાવરણ ઊભું થતું, તેવા વાતાવરણમાં જીવતું હોવાનો આપણે અનુભવ કરીએ છીએ.પ્રત્યેક સાર્વભોમ રાજ્યની આંતરિક બબતમાં કે બે રાજ્યોના સંબંધની દ્રષ્ટિએ આપણે ફરી પાછા અસહિષ્ણુતા, વેર-ઝેર, અશાંતિ અને હિંસાના યુગમાં પ્રવેશ્યા છીએ. વધતા જતા સામાજિક આતંકની સ્થિતિ ટેકનોલોજીના તકાદા સાથે અસંગત છે એમ મને લાગે છે. કારણકે ટેકનોલોજી જીવન વિશેષ સુગઠિત, વિશેષ વ્યવસ્થિત અને વિશેષ નિયમ-પરસ્ત બને તેવી અપેક્ષા રાખે છે. ટેકનોલોજીની આવશ્યકતાઓ; તેની માગણીઓ અને સાંપ્રત સમયના માનવમિજાજ વચ્ચેનો તણાવ વિશેષ તીવ્ર બનતો જાય છે. આ સમજી શકાય તેવી બાબત છે. પણ આ તણાવ લાંબો સમય ચાલી શકે નહિ. તેનો ઉકેલ લાવવો જ જોઈએ. આ ઉકેલના જે સંભવિત વિકલ્પો છે તે મને ખૂબ આકરા લાગે છે.

વ્યવહારુ પ્રશ્ન એ છે કે ઝડપથી પરિવર્તિત થતા આ યુગમાં, કે આવું ઝડપી પરિવર્તન અનુભવતા કોઈ પણ યુગમાં, કોઈપણ પ્રકારની ભાગીદારીના તત્વવાળું રાજ્યતંત્ર ટકી શકે ખરું? ભાગીદારીના તત્વવાળું રાજ્યતંત્ર, પછી એ ભાગીદારી તદ્દન સંકુચિત હોય, થોડી વ્યક્તિઓની ય હોય તોપણ, ધીમી ગતિવાળું અને બિન-કાર્યક્ષમ હોય છે. વિલંબ અને ભૂલ માટેની સલામતીના ગાળાને અવકાશ હોય તો જ પ્રતિનિધિત્વયુક્ત રાજ્યતંત્ર કાર્યક્ષમ બની શકે. મુશ્કેલીનો સમય સરમુખત્યારશાહીને નિમંત્રે. માણસને પોતા પર આપખુદ શાસન લદાય એ ગમતું હોતું નથી, પણ, અતંત્રતા કરતાં ઊતરતા પ્રકારનું અનિષ્ટ છે એમ ગણી સંતોષ માને છે.

– આર્નોલ્ડ ટૉયન્બી કૃત ‘ભાવિમાં ટકી રહેવા માટે’ માંથી સાભાર (અનુ. તખ્તસિંહ પરમાર)

માનવ જીવનનું અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન પ્રત્યેક યુગમાં વિચારાયો છે, ચર્ચાયો છે. કાળના પ્રબળ પ્રવાહ સામે, વિશ્વના પ્રત્યેક પળે પલટાતા સંયોગોમાં અર્થાત ભાવિમાં ટકી રહેવા માટે, આમ તો બધા વર્ગને, ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન મળે, તેઓનું દ્રષ્ટિબિંદુ કેળવાય તેવી, બે દેશો વચ્ચેના વિદ્વાનો – પશ્ચિમના ટૉયન્બી અને પૂર્વના વકાઈઝુમી વચ્ચેના સંવાદ દ્વારા સર્જાયેલી આ ઉદબોધક પ્રશ્નોત્તરી પ્રગટ કરાયેલી, શ્રી તખ્તસિંહ પરમાર દ્વારા તેનો ગુજરાતી અનુવાદ કરાયેલો છે. ટેકનોલોજીની ક્રાંતિના પરીણામે ઉભા થયેલા પ્રશ્નો અને યુદ્ધ જેવા માનવ અસ્તિત્વને પડકારતા પ્રશ્નોને પ્રસ્તુત લેખમાં ટોયન્બી સ્પર્શે છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ટેકનોલોજીનાં દબાણ નીચેનો સમાજ – આર્નોલ્ડ ટૉયન્બી (અનુ. તખ્તસિંહ પરમાર)

  • pragnaju

    “કાળના પ્રબળ પ્રવાહ સામે, વિશ્વના પ્રત્યેક પળે પલટાતા સંયોગોમાં અર્થાત ભાવિમાં ટકી રહેવા માટે…”

    વિજ્ઞાનની કસોટી ઉપર ખરી સાબિત થયેલી પ્રાર્થનાની સાવ સાદા શબ્દોમાં સમજૂતી આપીએ તો ભકિતભાવપૂર્વક ઈશ્વર સાથે સંપર્ક-સેતુ સાધવાની ક્રિયા એટલે પ્રાર્થના. આપણી ઉપર એક સર્વોચ્ચ શકિત કાર્યરત છે, તેવો સ્વીકાર કરીને તેનો આભાર માનવો એ જ પ્રાર્થના. પૂજા-અર્ચના-પ્રાર્થના અને સાધનાથી મનને શાંતિ મળે છે