લાંચ – રતિલાલ બોરીસાગર 5


ત્યાર પછી એક સરકારી કર્મચારીએ કહ્યું, અમને ‘લાંચ’ વિશે કહો.

ત્યારે તે બોલ્યા – લાંચ એ ઋણાનુબંધનું ફળ છે. તમે એને પાપ ન સમજો.

અમુક સ્થાન પર તમારું હોવું, પ્રજાજનોમાંથી કોઈને તમારું કામ પડવું, એ ઋણાનુબંધ સિવાય સંભવિત જ નથી એ યાદ રાખો. કખગને કામ પડ્યું ત્યારે તમે જ એ સ્થાને કેમ ? ચછજ કે ટઠડઢ કેમ નહીં ? માટે કશો સંકોચ રાખ્યા વગર લાંચ લો.

‘કામ કરવા માટે મને પગાર મળે છે, પછી લાંચ શા માટે ?’ આવો સવાલ તમારો આત્મા પ્રારંભમાં કરશે. આવા સવાલો કરવા એ આત્માનો સ્વભાવ છે, એને એવા સવાલો કરવા દો. યુનિવર્સિટીના પ્રશ્નપત્રોમાં પણ પચાસ ટકા ઑપ્શનની જોગવાઈ હોય છે. આત્માની પ્રશ્નાવલીમાં ઑપ્શનનું પ્રમાણ પંચોતેર ટકા રાખવું. આ કારણે પ્રારંભમાં આત્મા કચવાશે પણ પછીથી પરમ સુખને પામશે.

કામ કરવા માટે તમને પગાર મળે છે એ ખરું, કિન્તુ તમે સરકાર પાસેથી પગાર ઉપરાંત માત્ર ભથ્થાંઓ જ લો છો. જ્યારે લાંચ તો તમે પ્રજાજન પાસેથી લો છો. લાંચના નાણાંનો બોજો સરકારી તિજોરી પર પડવા દેતા નથી. સરકાર પ્રત્યેની તમારી સંનિષ્ઠાની આ સાબિતી છે.

લાંચ એ પ્રસન્ન થયેલા આત્માનો પ્રસન્ન થવા તત્પર એવા આત્મા સાથેનો સંવાદ છે. સરકારી નિયમોનું વિઘ્ન દૂર કરવા માટે આવો સંવાદ અનિવાર્ય બને છે. માટે આત્માની બીજી વાતો વચ્ચે લાવી તમારા અને તમારા આત્માની વચ્ચે વિસંવાદ પેદા ન કરો.

લાંચ એ પ્રસન્નતાની સાધના છે. પ્રસન્ન થવા ઈચ્છતો જીવાત્મા તમને લાંચ આપે એ. લાંચ મળવાથી તમે પ્રસન્ન થાઓ છો, તમારું કુટુંબ પ્રસન્ન થાય છે. પોતાનું કામ સરળતાથી થઈ જવાને કારણે જીવાત્મા પ્રસન્ન થાય છે, એનુ કુટુંબ પ્રસન્ન થાય છે. આમ, લાંચને કારણે વિશ્વની કુલ પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે.

લાંચ એ સમાજવાદી પ્રવૃત્તિ છે. પટાવાળાથી માંડી ઉપરી અધિકારી સુધીના સૌ પોતપોતાની શક્તિ મુજબ કામ કરી આપે છે અને સૌને પોતપોતાની યોગ્યતા મુજબ લાંચ મળી રહે છે.

લાંચથી સામાજિકતાની ભાવના વધે છે. લાંચ લેનાર જ્યારે પકડાઈ જાય છે ત્યારે એ લાંચ લેનાર મટી લાંચ આપનાર બને છે. એને પકડનાર લાંચ લેનારની ભૂમિકા નિભાવે છે. એ પણ એમ કરતાં પકડાય એટલે એ પાછો લાંચ આપનારની ભૂમિકામાં આવે છે અને એને પકડનાર લાંચ લેનારનો પાઠ અદા કરે છે, આમ લાંચને કારણે મનુષ્યજાતિની સામાજિકતામાં વૃદ્ધિ થાય છે.

વિશ્વના બધા જીવાત્માઓ એક છે. તેથી ‘લાંચ આપનાર પણ હું છું અને લાંચ લેનાર પણ હું છું, વળી લાંચ લેતા પકડનાર પણ હું છું અને લાંચ લઈને લાંચ લેનારને છોડી મૂકનાર પણ હું છું’ એમ સમજી લાંચ લેવામાં કદી ઉદ્વેગ ન કરશો.

સાચને આંચ આવી શકે પણ લાંચને આંચ નહીં આવે એવી શ્રદ્ધા રાખજો.

– રતિલાલ બોરીસાગર

(‘જ્ઞ થી ક સુધી’ પુસ્તકમાંથી સાભાર. પ્રકાશક – ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, અમદાવાદ. પૃષ્ઠ ૧૨૪, કિંમત – ૭૫ રૂ./-)

પ્રસિદ્ધ તત્વચિંતક ખલિલ જિબ્રાનના પુસ્તક ‘ધ પ્રોફેટ’નું સ્વ. શ્રી કિશોરલાલ મશરૂવાળાએ કરેલ સુંદર ભાષાંતર ‘વિદાય વેળાએ…’ ની શૈલીમાં લખાયેલી હાસ્યકટાક્ષ રચનાઓનું શ્રી રતિલાલ બોરીસાગરનું પુસ્તક ‘જ્ઞ થી ક સુધી’ એક સાદ્યાંત મલકાવતું, કટાક્ષો રૂપી ચાબખા વીંઝતું ખલિલ જિબ્રાને જે વિષયોનું તત્વચિંતન કરેલું એ જ વિષયોના વિશાળ વિષયરસને આવરી લઈને, ‘લગ્ન’ થી ‘મૃત્યુ’ સુધીના વિષયો વિશે વ્યંગની ધારથી લખ્યું છે. અને એકે એક શબ્દ માણવાલાયક, વિચારવ્યસન લાયક બન્યો છે. આ જ પુસ્તકમાંથી આજે પ્રસ્તુત છે ‘લાંચ’ વિશે ચિંતનનું વજન દૂર કરીને નિપજતુ હાસ્ય.

બિલિપત્ર
આજના સમયમાં લાંચથી ખરીદાયેલો રાજકારણી પોતાના સોદાને વળગી રહે તો એ પ્રામાણિક રાજકારણી જ કહેવાય.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “લાંચ – રતિલાલ બોરીસાગર

 • parmar

  There should be Telephone number of vigilance officer so that sufferer may contact and complain.Aii the people in this world are not bribe taker.

 • amirali khimani

  લાન્ચ નુ સમ્ર્જ્ય અઝાદિ પછિ અતિશ્ય ફેલાય ગયુ છે ખાસ કરિને હિન્દ્-પાક્મા કોય પણ કામ લાન્ચ વગર્ થઇ સક્તુ નથિ અને લગભગ્ બધાજ સરકારિ ખાતા ઓ લચ્યા બનિ ગયા છે.આઝાદિનિ ચળ વળ વખતે જે આશા હતિ તે સદન્ત્ર નિશફ્લ થઇ ગય છે.જોકે બ્રિટિશ રાજ્ય સમ્યે પ્ણ આ દુશણ તો હ્તુ પણ મામુલિ હ્તુ હવે તો હદ થઇ ગઇ છે.નિતિ નિય્મ ક્યાય દેખાતાજ નથિ.એક પ્ર્માણિક માણસ ને તો બેવ્કુફ સ્મ્જ્વામા આવેછે.રાજદ્વારિ પોતાના ઘરભરવા મા પડેલા છે.હવે ગાન્ધિજિ જેવા નેતા ક્યા છે જે આવા દુશ્ણ રોકિ શ્કે? અને ક્યા છે ન્યાય?

 • shirish dave

  “વિશ્વના બધા જીવાત્માઓ એક છે. તેથી ‘લાંચ આપનાર પણ હું છું અને લાંચ લેનાર પણ હું છું, વળી લાંચ લેતા પકડનાર પણ હું છું અને લાંચ લઈને લાંચ લેનારને છોડી મૂકનાર પણ હું છું’” એમ સમજી લાંચ લેવામાં કદી ઉદ્વેગ ન કરશો.
  some thing yet need to be added.
  Besides this I am the money of bribe.

 • Ankita Solanki

  સરસ જાણવા માળીયું , હવેથી તો લાંચ લેવીજ પડશે, લાંચ લેવાથી આટલા બધા ફાયદા થતા હોઈ તો , દરેકે લેવી જોઈં અને સાથે એટલા ઉત્સાહ થીજ આપવી પણ જોઈં , પણ લાંચ પેમ, સદભાવના, વિશ્વાશ, સ્વચતા,એકતા, પુરુષાર્થ જેવા રોકડ રકમોની હોય તો તો વધુ સારું નહિ !