તમે કદી માંદા પડ્યા છો? ગંભીર રીતે માંદા પડ્યા છો? તમને સ્ટ્રેચરમાં સુવાડી, એ સ્ટ્રેચર એમ્બુલસમાં નાખી એકદમ અચાનક તમને હૉસ્પિટલે લઈ જવાયા છે? ત્યાં એક નર્સ તમારી નસ શોધી તેમાં પૉલી સૉય ભોંકી તે વાટે ગ્લુકોઝ ચડાવે, બીજી તમારા બંને નસકોરામાં નળીઓ નાખી તમને પ્રાણવાયુ – ઑક્સિજનનો પુરવઠો પૂરો પાડવાની ગોઠવણ કરે, ત્રીજી પરિચારિકા પરીક્ષણ માટે તમારું લોહી લેવા ધસી આવે અને ચોથી નર્સ તમારા હદયના ધબકારા માપવાના યંત્ર સાથે તમારા કોઈ અંગનું જોડાણ કરે… આવો અનુભવ તમને થયો છે ખરો?
તમે આવી પરવશ દશામાં હો, તમારા પત્ની કે માતા તમારી બાજુમાં ચિંતાતુર વદને બેઠા હોય અને એ હૉસ્પિટલની નાનકડી ઓરડીમાં એક સામટા તમારા અર્ધો ડઝન શુભેચ્છકો આવી ચડે એવો અનુભવ તમને થયો છે ખરો? હૉસ્પિટલના એ રૂમમાં તમને અવશ પડેલા જોઈ, એ મુલાકાતીઓના મુખચંદ્રો પર, અષાઢ મહિનો ચાર-છ મહિના દૂર હોવા છતાં, ગ્લાનિનાં કેવા વાદળ છવાઈ જાય છે? અને એમાં કોઈ ‘નિષ્ણાત’ અને અનુભવી હશે તો તે પણ, ઓરડાની બહાર નીકળી ઉદગાર કાઢવાનોઃ ‘કાકા એકદમ સિરિયસ છે. બે-ત્રણ દિવસ માંડ કાઢે.’
પરંતુ, ભગવાનની કૃપાથી, ડોકટરની સારવારથી, તમારાં સ્વજનોની પ્રાર્થનાથી અને તમારી જિજીવિષાથી તમે એ ક્રાઈસિસમાંથી ધોનીના બૅટિંગ સ્કોરની ઝડપે પાર નીકળી જાઓ છો અને તમારા પેલા મુલાકાતી સ્વજનની ભવિષ્યવાણીને તમે ખોટી પાડો છો. એ જ મુલાકાતી સ્વજન ફરી વાર આવી અને તમને કહે, ‘તે દિવસે બિંદુભાઈને અને મહેશભાઈને મેં ચોખ્ખું કીધું’ તું, જો જે ને, કાકા ચાર દિવસમાં ચાલતા થઈ જવાના. ગમે તેમ તોય, જુનું હાડ. તમે સાચા ઘી-દૂધ ખાધેલા. હવે તો ઈ જોવાય નથી મળતાં.’ માત્ર વાણિયો જ ફેરવી તોળે છે તેવું નથી.
કોઈ દૂરની ભગિની માંડ માંડ હૉસ્પિટલનાં પગથિયાં ચડતી, શ્વાસ ભરી આવી ચડે ત્યારે, પ્રાચીન ગ્રીક ટ્રેજડીના કરૂણ દ્રશ્ય કરતાંયે વધારે ગહન કરૂણ દ્રશ્ય તમારી રૂમમાં સર્જાય છે. કેમ જાણે આ ફાની દુનિયાનો ત્યાગ કરી, તમારા કુંટુંબીઓને રડતા મૂકી તમે પરલોક પ્રયાણ કર્યું હોય એમ એ વૃદ્ધા રૂદન કરવા માંડે છે. માંદગી = મૃત્યુ એવું સમીકરણ એમણે માંડ્યું હોય એમ જણાય છે. એ રૂદન તરત બંધ પણ થતું નથી એટલે, દર્દીના મનમાં શંકાનાં સપોલિયાં સળવળવા લાગે છે. “હું માંદો પડ્યો એટલે આ રુદન છે કે , હું સાજો થયો છું તે માટે?” ઠીક ઠીક સમયને અંતે એ વૃદ્ધા સ્વસ્થતા પ્રાપ્ત કરે છે અને તમારી સમક્ષ પોતાના કાકાના દીકરા ગણપતની, ફઈની દીકરી કુંદનની, પડોશી જગજીવનની અને એવી બધી વાતોનો પટારો ખોલે છે. તમારી માંદગી બાજુએ રહી જાય છે. ના. એમની આ બધી પૈડથી તમારું માથું દુખવા લાગે છે. આખરે મોડી સંજે એ જાય છે ત્યારે, તમે પ્રભુને પ્રાર્થના કરો છો કે, ‘હે પ્રભુ!તું આવી માંદગી ન દેજે અને માંદગી દેવાનો હો તો, આવા મુલાકાતીઓ ન દેજે.’ પણ મુલાકાતીઓ પર માંદા પડનારનો અંકુશ નથી.
વાસ્તવિક રીતે તો, મોટા ભાગના મુલાકાતીઓ કોઈ અંકુશને સ્વીકારતા જ નથી. હૉસ્પિટલના પ્રવેશ દ્રાર પાસે એક પાટિયા પર એવું લખેલું હોય કે, ‘દર્દીની મુલાકાતનો સમય સાંજના ૫ થી ૭, પરંતુ મુલાકાતિઓ પોતાની સગવડ મુજબ આવવાનું પસંદ કરે છે. કોઇ ઓફિસે જતાં ડોકું કાઢી જાય છે. કોઈ, ઓફિસને કામે બાર વાગ્યે ક્યાંક બહાર જતાં વચ્ચે આપણું મોઢું જોવા અવે આવાને બહાને પોતાના મુખચંદ્રનું દર્શન કરાવી જાય છે.અને, પોતાના લાઉડસ્પીકરિયા અવાજથી હૉસ્પિટલના આખા વૉર્ડમાં ગર્જના કરી જાય છે. કોઈ મુલાકતીને દુનિયા આખીના સમાચારમાં રસ હોય છે અને તમારી મુલાકાતે આવી ‘આજના અખબાર’ની ગરજ સારી જાય છે.
અમારી જ્ઞાતિમાં એવો રિવાજ છે કે કોઇ જ્ઞાતિજનનાં આંખ – માથું દુઃખે, એની માંદગી પાંચ -સાત દિવસ ચાલે અને એ ઘેર જ હોય કે, એમને હૉસ્પિટલવાસ કરવો પડ્યો હોય, એમને જોવાને તો જવું જ પડે. તમે એ શિષ્ટાચાર ચૂકો તો એની માનસિક નોંધ લેવામાં આવે અને, ‘મધુભાઈ હજી દેખાણા નથી’, એવી વાત પણ વહેતી થાય. કનશંકર,નરસિંહ પ્રસાદ, આણંદલાલકાકા, પ્રાણશંકર, ચકીબહેન, રેવામાસી, પ્રેમકુરફઈ…એમ સૌએ વારો વદાડવો જ જોઈએ.કાંતિભાઈ વિજયામામી જેવાં નિકટનાં સગાંઓ તો એક કરતાં વધારે વાર દર્દીની મુલાકાત લે. આવી મુલાકાતોથી દર્દીને પણ પથારીમાં સૂતે સૂતે જ અલકમલકના સમાચાર જાણવા મળે અને એના મનમાંથી એટલો સમય માંદગીના વિચારોનું ઘનશ્યામ વાદળ દૂર થાય.
મુલાકાતીઓની વાતો ડૉક્ટરના ત્રણ ઇંજેક્શનનું કામ કરે છે. બીજી સવારે તમને તપાસવા આવેલા ડૉકટર પણ તમારી આ અચાનક પ્રગતિથી અચંબો અનુભવે છે.
દર્દી પાસે આવી, ટેલિફોન સેવાઓની માફક સતત લવારી કરતા હોવા છતાં, મોટા ભાગના દર્દીઓને મુલાકાતીઓ ન આવે તે ગમતું હોતું નથી. હૉસ્પિટલમાંના જનરલ વૉર્ડમાંના બીજા પંદર વી ખાટલાઓ પર સૂતેલા, વિવિધ રોગોથી પીડાતા, કણસતા, કોઈકતો પડખું પણ ન ફરી શકતા હોય તેવા વિવિધ વયના દર્દીઓ જોવાને કોઈ ને કોઈ આવ્યું હોય.કોઈની પાસે પોતાના સમવયસ્ક સફેદ મુછાળા મિત્રો હોય, કોઈની પાસે એની ઑફિસના સાહેબ આવ્યા હોય, કોઈના પુત્રો હોય,ભાઈઓ, ભત્રીજાઓ, ભાણેજોમાંથી કોઈક હોય કોઈ એકલદોકલ વડીલ પાસે લજ્જાશીલ પુત્રવધૂ ઊભી હોય, કોઈની સમીપે ઑફિસનો પટાવાળો પણ ખડો હોય અને આપણા ખાટલા પર,સમાજથી ત્યક્ત જેવા આપણે એકલા સૂતા સૂતા પડખાં ફેરવીએ, હૉસ્પિટલની પથારી ઘસીએ, ચોમેરના મુલાકાતીઓથી ઘેરાયેલા મરીજોની અદેખાઈ પણ મનમાં કરીએ અને, નળરાજા એ તરછોડેલી દમયંતીની જેમ, એકલતાનો અસહ્ય અજંપો આપણે અનુભવીએ.
અહીં જે વાત કરી છે તેની ઉપરથી માંદા પડનાર માટે મુલાકાતીઓનું મહત્વ સમજાય છે. અમારા એક સ્નેહી હતા, નામે ધનસુખરામ. જોકે એમના નામને સાર્થક કરે એવું ધનનું સુખ એમને ન હતું. દુઃખ પણ ન હતું. જે પગાર મળતો હતોતેમાંથી પોતાના ‘અમે બે અને અમારાં બે’, એમ ચાર માણસોના કુટુંબનો નિર્વાહ એ કરી શકતા હતા.તબિયત ટકોરો મારવા જેવી હતી. એમને કદી આખું માથું ન દુખતાં સ્વભાવે હતા ખૂબ આનંદી. એ હોય ત્યાં હાસ્યની છોળો ઊડતી જ હોય. એમની આસપાસ પાંચ-સાત મિત્રો હોય જ. એવા એ કંપનીપ્રિય હતા.
ભગવાનને કરવું તે એ કંઈ માંદા પડ્યા. કોઈ ફાકી ને ચૂર્ણના ફાકડા ભર્યા પણ જે ફેર પડ્યો તે નેગેટિવ બાજુએ પડ્યો અને એમને હૉસ્પિટલનું શરણ લેવું પડ્યું. આજે ગુરૂ ગોવિંદસિંહ હૉસ્પિટલને નામે ઓળખાતી એ હૉસ્પિટલ બંધાઈ ત્યારે જામ સાહેબનું રાજ્ય હતું અને ઇર્વિન હૉસ્પિટલના નામે એ ઓળખાતી. કુશલ સર્જન જતા રહ્યા પછીથી એમાંથી સાજા થઈને પાછા આવનારનું પ્રમાણ ઘટી ગયું હતું. એ જમાનાના હૉસ્પિટલના એક આખાબોલા ડૉક્ટર કહેતા કે,’અહીં જે દર્દીઓ દાખલ થાય તેમાંથી જીવે એટલા જામના અને ખરે એટલા રામના.’ અને સિંહ ભાગ તો રામનો જ હોય એ સ્વાભાવિક હતું. સૌથી વધારે ડર લોકોને એ હૉસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરાવવાનો હતો. એ કાળે શસ્ત્રક્રિયા કરતાં પહેલાં દર્દીને શીશી, સૂંઘાડવામાં આવતી, અર્થાત, ક્લોરોફોર્મ સૂંઘાડવામાં આવતું.એ ક્લોરોફોર્મ એટલું જલદ હોય કે, ‘શીશી સૂંઘાડનાર’ ડૉકટર ‘અધિકસ્ય અધિકં ફલમ’ માં માનતા હોય પણ, સોમાંથી નેવું ટકા દર્દીઓ ચીરનિદ્રામાં પોઢી જતાં અને યમરાજ્યમાંથી રામરાજ્યમાં ચાલી જતા. પણ ધનસુખરામને સદભાગ્યે, ઇર્વિન હોસ્પિટલમાંની રામની આણ ઘણી ઓછી થઈ ગઈ હતી અને ભારત સ્વતંત્ર થયા પછીથી યમની આણ સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગઈ હતી. ધનસુખરામને એમનો ભત્રીજો હૉસ્પિટલ લઈ ગયો ત્યારે, ધનસુખરામે પોતાના ભત્રીજાને ચોખ્ખું સંભળાવ્યું હતું કે, ‘નાતમાં બધાને કહી દે જે કે કોઈ જ મને જોવા ન આવે.’
અમારી જ્ઞાતિનું કોઈ જ સ્થાનિક અખબાર નીકળતું નથી. વળી, આજથી ચાળીસેક વરસ પહેલાં આ ઘટના બની ત્યારે કોઇને ઘેર જ ટેલિફોન ન હતો ને છતાં ધનસુખરામને હૉસ્પિટલ ભેગા કર્યા તેની વાતની સાથે, ‘કોઇ મને જોવા આવે જ નહીં,’ તે એમની આ જ્ઞાની વાત અમારી જ્ઞાતિમાં પ્રસરી ગઈ. ‘ઇ ભલે હૉસ્પિટલમાં એકલો સડે’, ‘ભલે ધોળે દિયે તારા ગણે’, એવાં સ્વસ્તિ વચનો પણ કોઈએ ઉચ્ચાર્યા. પરિણામે કોઇ કરતાં કોઈ ધનસુખરામના ખાટલા ભણી ઢુંક્યું જ નહીં. તે છતાં, એમની તબિયત વિશે બુલેટિનો તો અમે સૌ બહાર પાડતા જ રહ્યા. કવિતા કરવામાં અમારી કલ્પના ભલે ન ચાલતી હોય, આવા પ્રસંગોએ અમારી કલ્પના શિવાજીની ભવાની તલવારની ધાર કરતાંયે વધારે પાણીદાર થઈ જાય છે અને આકાશને પણ ભેદી એ ક્યાંય ને ક્યાંય વિહાર કરવા લાગે છે.
પણ હોસ્પિટલ સ્થિત ધનસુખરામનું દર્દ કીડીવેગે નહીં પણ જાપાનની બુલેટ ટ્રેનને વેગે જવા લાગ્યું હૉસ્પિટલના ખોરાકને પણ તે સારો ન્યાય આપતા થઈ ગયા. પહેલે દિવસે એમને જોવા કોઈ ન આવ્યું તેનો એમને જરીય વસવસો ન હતો. બીજે દહાડે એમની તબિયત પણ થોડી સુધરી હતી અને અડખેપડખેના દર્દીઓને જોવા આવનાર લોકો તરફ તેમની આંખો ખેંચાણી અને પોતાની પથારીમાં બેઠા થઈને, મુલાકાતીઓની વેશભૂષાઓનું અને એમના ચહેરા પરના ભાવોનું એ અવલોકન કરવા લાગ્યા. પોતના પલંગ પાસે પણ કોઈક હોત તો? એવો વિચાર પણ એમના મનમાં ઝબકી ગયો. પણ, ‘મેં જ તો મને જોવા આવવાની મનાઈ ફરમાવી છે’ એ યાદ આવી ગયું. અને ત્રીજે દહાડે સવારે એ જાગ્યા ત્યારથી સંબંધીઓના મુખ દર્શનની,એમના શબ્દો સાંભળવાના અને એમાંના કેટલાકના સ્પર્શની પણ એમને ઝંખના જાગી.કોઇ સ્વજન પોતાને માથે હાથ ફેરવે, કોઇ મિત્રહસ્તધૂનન કરે, કોઇ પોતાના પગ દબાવે અને એ રીતે આવનારા સૌ મુલાકાતીઓ પોતાના ખબર અંતર પૂછે, થોડા ગામગપાટા મારે અને એ રીતે પ્રસન્નતાની ઝરમર વરસાવે તેવી પ્રબળ ઈચ્છા ધનસુખરામભાઈના મનમાં જાગી. એમનું મનસુખ સાવ હરાઈ ગયું હતું. એમના ભત્રીજાએ આ ખબર બ્રોડકાસ્ટ કરતાંવેંત જ ધનસુખરામનો ખાટલો મુલાકાતીઓથી ઘેરાઈ ગયો અને એમનું દુઃખ દૂર થઈ ગયું.
જે દર્દીને જોવા હું ગયો હતો એમનું નામ હતુ તેજભાઈ. એ મારા જ્ઞાતિબંધુ હતા અને વયમાં મારાથી દસબાર વર્ષ મોટા હતા. એમનું જીવનસુખી પણ હતું અને દુઃખી પણ હતું. સુખી એ રીતે કે એમને મોસાળ તરફથી સરસ મજાનું ઘર વારસામાં મળ્યું હતું. પિતા પણ કોઈ સરકારી ખાતામાં હેડ કલાર્ક જેવો હોદ્દો ભોગવી નિવૃત થઈ પેન્શન રળતા હતા અને મોટી વયે અવસાન પામ્યા હતા. પોતે સારા ઘરની કન્યા પરણ્યા હતા અને કોઈ કૌટુંબિક ઉપાધિ એમને ન હતી અને એમની માતા ઘણાં વર્ષ પહેલાં અવસાન પામ્યાં હતાં, પોતે પણ નોકરીમાં સારા હોદ્દે પહોંચ્યા હતા પણ, એ નોકરી નિમિતે એમને ગામડાંઓમાં જ રહેવું પડતું હતું. એમને કશું બાળક ન હતું અને એમનાં પત્ની પણ ટૂંકી માંદગી ભોગવી, એમને એકલા મૂકી ચાલી ગયાં હતાં એ દુઃખ પણ હતું. એ મોટું ઘર ખવ ધાતું હતું અને પોતે ખાવા માટે પરવશ બની ગયા હતા. અધૂરામાં પૂરું એ માંદા પડ્યા અને એમને હૉસ્પિટલમાં દાખલ કરવાપડ્યા હતા. બહેનોની ના અને બાળકોના અભાવને લઈને હોય કે ગામડામાં એકદમ થોડા પૈસામાં જીવન વ્યતીત કરવાની આદતને લઈને હોય, એ મુરબ્બી એકદમ ‘સાત્વિક’ રીતે રહેતા હતા. કોઈ ભાણેજને મોસાળું પૂરવનો, પુત્રીને પરણાવવાનો કે પુત્રને જનોઈ દેવાનો પ્રસંગ પણ એમને ત્યાંઆવ્યો ન હતો. પણ પોતે આમ માંદા પડી ગયા અને હૉસ્પિટલમાં દાખલ થયા પછી, બધાંને સારું જમાડવાની ઈચ્છા એમના મનમાં જાગી.હું એમને જોવા હૉસ્પિટલમાં ગયો ત્યારે એમનો દૂરનો એક ભાણેજ, એક બે પાડોશી જુવાનો તથા એક જ્ઞાતિ પટેલ ત્યાં હતા. દર્દીની તબિયતમાં સુધારો થયો હતો અને એ બોલી રહ્યો હતા. સૌ એક ચિત્તે સાંભળી રહ્યા હતા – જાણે શુકદેવજીની કથા સાંભળતો પરિક્ષિતનો દરબાર.
‘જુઓ,આ શિયાળો હાલે છે. હું મરી જાઉં પછી બધાય તેરમું ખાજો. સરસ અડદિયા બનાવજો, સાથે મેથીનાં ગરમાગરમ ફૂલવડાં રાખજો. ગાજરનો છૂંદો, મરચાંનો સંભારો..’ આમ એમના વાકપ્રપાતમાંથી જુદી જુદી વાનગીઓનાં નામ પડવા લાગ્યાં.
જાતને જ્ઞાતિના પટેલ માનતા ગૌરીશંકરથી રહેવાયું નહીં. તેજભાઈના કાન પાસે મોઢું લાવી, આખા વોર્ડમાં ગાજે એટલા મોટા અવાજે એ બોલી ઊઠ્યાઃ ‘અરે તેજભાઈ, ત્રણ ચાર દિવસ પછી તો તમને રજા દેશે. ઘરે આવો ને માથે પાણી નાખો. તે દિવસે તમે જ જ્ઞાતિ ભોજન કરાવો. અડદિયા, મોગરી વગેરેની તો આ સિઝન છે.’ પણ જાતે પૈસો વાપરવાનું એ તેજભાઈના હાથમાં ન હતું. હૉસ્પિટલમાંનો આ વાનગીપ્રલાપ મારા મનમાં બરાબર કોરાઈ ગયો છે. અહીં મુલાકાતીઓ શ્રોતા હતા અને દર્દી વક્તા હતો. અભિનેતાઓના પાઠ બદલાઈ ગયા હતા. દર્દીને બોલે બોલે મુલાકાતીઓનાં મોઢામાં પાણી ઝમતું હતું.
યુરોપ અમેરિકા વૃદ્ધાશ્રમોમાં રહેતા વૃદ્ધો મુલાકાતીઓને માતે ઝૂરતા હોય છે અને પોતાનાં પૌત્રપૌત્રીઓના કે દોહિત્ર-દોહિત્રીઓના ફોટાઓને પંપાળતા અને ચૂમતા હોય છે. એ ઊગતી પેઢીએ તો આ વૃદ્ધાઓનું નાહી નાખ્યું હોય છે. પરદેશ અને ભારત વચ્ચેના અનેક ભેદોમાંનો આ એક દર્દીઓની મુલાકાત લેનારાંઓનો પણ છે. દર્દીઓને નિષીદ્ધ એવું સિગારેટ લાવી દેવાનું, તે તમાકુ-કિમામવાળું પાન લાવી દેવાનું, દર્દીને ભાવતાં ભજિયાં લાવી દેવાનું જેવાં ‘અગત્ય’નાં કાર્યો ડૉક્ટરો, નર્સો કે વૉર્ડબૉય થોડાં કરવાનાં? મુલાકાતીઓ જ આવાં કાર્ય કરી શકે છે અને, પોતે જેને જોવા ગયા છે તેનાથી ખાટલો મુક્ત કરાવી બીજા દર્દીને તેનો લાભ અપાવી શકે છે.
– દુષ્યંત પંડ્યા
અખંડ આનંદમાંથી સાભાર (એપ્રિલ – ૨૦૦૯)
મજા આવી ગઈ …
BEST STORY I APPRICIATE
સરસ રમુજ દ્વારા મહત્વની વાતો પર ધ્યાન દોર્યું..
ભારતના ભાગલાના વર્ષો અગાઉ હાલના પાકિસ્તાનમાં આવેલા કરાચીમાં, ભારતમાં અને એક વર્ષ માટે અમેરિકામાં આવેલી માધ્યમિક શાળામાં શ્રી દુષ્યન્ત પંડ્યાએ શિક્ષણકાર્ય કર્યું છે. મુગ્ધવયનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના એ શિક્ષણ સહાયક અને મિત્ર સમા માર્ગદર્શક રહ્યા છે. તે આ દુષ્યંત પંડ્યા ?