કોઇને કોઇની સાંકડ તો ન પડે ! – નિરંજન ટોલિયા 3


શમણાંને સવાર સાંકડી ને શૂન્યને સાંકડી સંખ્યા;
લાગણીને તરજુમા સાંકડા ને સંબંધને સાંકડા સંબોધન !

મંત્રો પણ સાંકડા પડ્યાં મૌનને ને હ્રદયને સાંકડા તર્ક;
સાકાર સાંકડા નિરાકારને ને સંસ્કૃતિ સાંકડી પ્રકૃતિને !

જીવનને સાંકડા આયખાં ને મૃત્યુની સાંકડ નવો જન્મ;
આભલામાં અખિલાઈ ને સાંકડને ઈશ્વરની સાંકડ ધર્મ !

સાંકડ મુકડ જીવી લેવાને ભલા ડહાપણ કેમ કહેતા હશે?

આમ જોઈએ તો,
ફૂલને ફોરમની કે આભને પાંખોની સાંકડ ક્યાં છે ?

શૂન્યને સર્જનની કે ઊર્મિને કવિતાની સાંકડ ક્યાં છે ?

નદીથી મહાસાગરને કે “ડાહ્યા” થી ગાંડાને પણ સાંકડ ક્યાં છે ?

હું તો ગાંડો છું એટલે મને તારી સાંકડ ન હોય,
આજેય તારો ટહૂકો સાંભળવા અમસ્તા ફોન કરી લઉં છું.

પણ તને શું થયું છે ?
પાંત્રીસ વર્ષેય મારી સાંકડ નથી લાગતી તને ?
કે પછી તું પણ…. ?

આખુંયે જગત ગાંડુ થઈ જાય તો કેવું?
કોઈને કોઈની સાંકડ તો ન પડે !

– નિરંજન ટોલિયા
(અખંડ આનંદ સામયિક, એપ્રિલ ૨૦૦૯ અંક માંથી સાભાર)

કોઈ એક જગ્યાની ક્ષમતાથી વધુ દ્રવ્ય કે લોકોનો સમાવેશ ન કરી શકાય તેવી સ્થિતિને સાંકડ કહે છે, તેના પરથી સાંકડમુકડ શબ્દ આવ્યો છે, પરંતુ પ્રસ્તુત અછાંદસમાં સાંકડ શબ્દને જેટલા અવનવા અને ક્યારેય વિચાર્યા ન હોય એવા અર્થો સાથેની વિભાવનાઓ સાથે ઉપયોગમાં લીધો છે એ જોઈને ખરેખર આશ્ચર્યચક્તિ થઈ જવાય છે. આમ પણ મનની સાંકડ સ્થળની સાંકડ કરતા વધુ હાનિકારક અને અકળાવનારી બની રહે છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “કોઇને કોઇની સાંકડ તો ન પડે ! – નિરંજન ટોલિયા

  • Lata Hirani

    મજા પડી.. ખૂબ ઊડાણ ધરાવતુ કાવ્ય છે..

    એક બીજી વાત્

    કોઇ શબ્દ સળગ વારમ્વાર બોલો તો એનો અર્થ અદૃશ્ય થઇ જાય્

    જુઓ. સાન્કડ શબ્દ વીસ વાર બોલો. અજાણ્યો જ લાગશે…

  • Mahendra Naik

    સરસ! ખૂબજ સરસ.

    વળી આ સાંકડને નડવા સાથે ઘણોં ઊંડો સંબંધ છે, ખરું ને?

    જો તમે કદી કોઈને નડો નહીં તો તમને કદી સાંકડ નહીં પડે.