માનવીનું ઘડતર (ક્રાંતિ – નવલ) – નિકોલાઈ ઓસ્ત્રોવસ્કી, અનુ. શાંતા ગાંધી 1


“ઈસ્ટરની રજાઓમાં જે છોકરાઓ મારે ઘેર પરીક્ષા આપવા આવ્યા હતા, તે ઉભા થઈ જાય !” એમ બોલનાર સ્થૂલકાય પાદરીના ગળામાં વજનદાર ક્રોસ લટકતો હતો. તેણે ગુસ્સાભરી નજરે આખા વર્ગ તરફ જોયું.

એમ લાગતું હતું કે તેની બે ઝીણી ઝીણી કઠોર આંખો છ બાળકોને – ચાર છોકરાઓ અને બે છોકરીઓને આરપાર વીંધી નાંખશે. બાળકો પોતપોતાની બેઠકો પરથી ઉભા થયા અને સાધુવેશધારી માણસ તરફ ભયમિશ્રિત લાગણીથી જોઇ રહ્યાં.

‘તમે બેસી જાઓ’ છોકરીઓ તરફ આંગળી ચીંધીને પાદરીએ કહ્યું.

નિરાંતનો શ્વાસ લઈને છોકરીઓએ ગુરુની આજ્ઞા માથે ચડાવી.

વાસિલો બાપજીની મગની ફાડ જેવી આંખો હવે બાકીના ચાર બાળકો પર ચોંટી ગઈ.

‘ચાલો ત્યારે, મારા મોજીલા મહેરબાનો, જરા આ તરફ પધારો !’

વાસિલી બાપજી ઉઠ્યા, પોતાની ખુરશી પાછળ ખસેડી અને એકમેકની સોડમાં છુપાતા ગૂંચળુ વાળીને ઉભેલા બાળકોના ટોળા પાસે જઈ ઉભા.

‘તમારામાંથી કયો બદમાશ બીડીઓ ફૂંકે છે?’

‘અમે બીડી નથી પીતા બાપજી’ ચારે જણાએ બીતાં બીતાં જવાબ આપ્યો.

પાદરી મહારાજનું મોં લાલચોળ બની ગયું.

‘તમે બીડી નથી પીતાં એમ ને હરામખોરો? ત્યારે આથામાં તમાકુ કોણે નાખી એ મને કહો ! તમે બીડીઓ પીઓ છો કે નહીં તે તો જોઈ લઈશું. ચાલો ત્યારે, તમારા ખિસ્સાં ખાલી કરો જોઉં – જલદી કરો, સાંભળતાં નથી? તમારા ગજવા ખાલી કરો.’

ત્રણેય બાળકોએ પોતપોતાના ખિસ્સામાં ભરેલી સામગ્રી ટેબલ ઉપર ઠાલવવા માંડી. પાદરીએ ચીવટપૂર્વક ખિસ્સાના ઓટણ તપાસી જોયાં પણ તેમાંથી રજમાત્ર તમાકુ નીકળી નહીં ત્યારે તે ચોથા છોકરા તરફ વળ્યો. આ કાળી ભમ્મર જેવી આંખોવાળા બાલકે રાખોડી રંગનું ખમીસ પહેર્યું હતું. તેના પાટલૂન પર ગોઠણ પાસે એક થીંગડુ હતું.

‘તું આમ પૂતળાની માફક શું જોઈને ઉભો રહ્યો છે?’

છોકરાએ બોલનાર તરફ ધિક્કારભરી મૌન નજરો ફેંકી.

‘ખિસ્સાં નથી એમ ને ! મારો આથો બગાડનાર કોણ હશે? આવું હલકટ તોફાન કોણ કરી શકે તે હું નહીં જાણતો હોઉં એમ તું માને છે? તું એમ ધારે છે કે હું તને ફરી વાર હાથમાંથી છટકવા દઈશ? ના રે ના બેટમજી, આ વખતે તો તને બરાબર શિક્ષા કરવાનો છું. ગઈ વખતે તને નિશાળમાં રહેવા દીધો કારણકે તારી મા મારી પાસે આવીને કરગરવા લાગી હતી, પરંતુ હવે હું તને વધારે વખત સાંખી શકું તેમ નથી. ચાલ, નિકળ અહીંથી, દૂર થા મારી નજર આગળથી !’ તેણે છોકરાની કાનપટ્ટી પકડીને ઓશરીમાં ધકેલી દીધો અને વર્ગનું બારણું બંધ કરી દીધું. બાળકના કાન હજીય તમતમતા હતાં.

આખો વર્ગ બીકનો માર્યો ગુપચૂપ બેસી રહ્યો. પાવેલ કોર્ચાગિનને શા માટે નિશાળમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે તે કોઈ સમજી શક્યું નહીં. સમજ્યો એક માત્ર સરજાય બ્રુઝાખ કે જે પાવેલનો જાની દોસ્ત હતો. પરીક્ષા આપવા માટે ગયેલાં બાળકો પાદરીની રાહ જોતા તેના રસોડામાં બેઠાં હતાં ત્યારે ઈસ્ટર નિમિતે બનાવવાના કેકના આથામાં પાવેલે મુઠ્ઠી ભરીને ઘરઘરાઉ તમાકુ ભભરાવધતી તે સરજાયે નજરો નજર જોયું.

નિશાળમાંથી બરતરફ થયેલ પોવેલ નિશાળના છેલ્લા પગથિયા પર બેઠો બેઠો ચિંતા કરવા લાગ્યો કે જ્યારે તેની માતાને આ વાતની ખબર પડશે ત્યારે તે શું કહેશે? એ ગરીબ બિચારી બાઈ દિવસ આખો આબકારી ખાતાના ઇન્સપેક્ટરને ઘેર રસોયણનું કામ કરતી હતી. તેની આંખમાં આંસુ ઉભરાયા. તેનું ગળું રૂંધાઈ ગયું.

‘હવે મારે શું કરવું. આ બધાં પેલા કાળમુખા પાદરીનાં જ કારસ્તાન છે. તેને પ્રતાપે જ મારે આ દિવસ જોવો પડ્યો. તેના આથામાં તમાકુ મેળવવાનું ભૂત મારા મનમાં શી રીતે ભરાયું? એ સરજાયની કલ્પના હતી, તેણે કહ્યું કે ચાલ આપણે આ ઘરડાં હેવાનની મજાક કરીએ. અને અમે તેમ કર્યુ. હવે સરજાય છટકી ગયો અને બધું મારે માથે આવી પડ્યું. મારે હવે નિશાળને રામ રામ કરવા પડશે.

વાસિલી બાપજી સાથે તેનું વેર ઘણું જૂનું હતું. એક દિવસ તેને મિસ્કા લેવચુકોન સાથે મારામારી થઈ ગઈ. તેની શિક્ષા કરવા માટે વર્ગો પૂરા થયા પછી તેને બેસાડી રાખવામાં આવ્યો. તે તોફાન ન કરે એટલા માટે માસ્તરે તેને ઉપલા ધોરણના ચાલુ વર્ગમાં બેસાડી રાખ્યો હતો. બસ તે દિવસથી આ વેર ચાલ્યુ આવે છે.

શિક્ષકોના ઓરડાની ઉઘાડી બારીમાંથી હેડમાસ્તર સાહેબે ડોકીયું કર્યું અને રાડ પાડી, ‘પાવેલને મારી પાસે અતરઘડી મોકલાવો.’ હેડમાસ્તર સાહેબનો ઘનગંભીર અવાજ સાંભળીને પાવેલ સફાળો કૂદી પડ્યો. ધડકતા હૈયે તેણે હુકમનું પાલન કર્યું.

* * * *

રેલવે સ્ટેશન પર આવેલ ઉપાહારગૃહના ફિક્કાફચ આધેડ માલિકે પોતાની ઝાંખી રંગવિહોણી આંખો પળ વાર પાવેલ પર ઠેરવીને કહ્યું, ‘એ કેટલા વરસનો છે?’

‘બાર’

‘વારુ ત્યારે, એ ભલે અહીં કામ કરે. એને મહિનાના આઠ રૂબલ અને કામ કરશે તે દિવસો દરમ્યાન બે ટંક ખાવાનું મળશે. તેણે દરરોજ સતત ચોવીસ કલાક કામ કરવું પડશે. પણ જો જે હોં, હાથ ચોખ્ખા રાખવા પડશે, હું ચોરને સંઘરતો નથી.’

‘ના રે ના સાહેબ, એ ચોરી નહિં કરે. એની જવાબદારી મારે માથે’ ભયભીત માતા અધીરી બનીને માલિકનો વિશ્વાસ સંપાદન કરવા દોડી.

‘છોકરાને આજથી જ કામે લાગવા દો.’ માલિકે હુકમ ફરમાવ્યો અને ચોકા પાછળ ઉભેલી સ્ત્રી તરફ ફરીને કહ્યું, ‘ઝીના, આ છોકરાને રસોડામાં લઈ જા અને ફ્રોસ્યાને કહે કે આજથી ગ્રિશ્કાને બદલે આ છોકરો કામ કરશે.’

નોકરાણી સૂવરનું માંસ કાપી રહી હતી, તેણે ચાકૂ નીચે મૂક્યું અને ગરદન વતી પાવેલને ઈશારો કરી ઓરડો વટાવી આગળ ચાલવા લાગી. ઓરડાનું ખુલ્લુ બાર વાસણ ધોવાની ઓરડીમાં પડતું હતું. પાવેલ તેની પાછળ જવા લાગ્યો. એટલામાં તેની માએ દોડીને તેના કાનમાં કહ્યું, ‘પાવેલ, દીકરા, મન દઈને કામ કરજે, તારું નામ બોળીશ નહીં.

તેની સખેદ આંખો બાળકને જોઈ રહી અને પછી તે પોતે પણ સ્ટેશન છોડી ચાલી ગઈ.

વાસણ માંજવાની ઓરડીમાં કામ પૂરજોશથી ચાલુ હતું. કાચની તાસકો અને છરી કાંટાઓનો ટેબલ પર ઢગલો ખડકાયો હતો. ઘણી ચાકરડીઓ ખભા પર લટકાવેલા ટુવાલ વડે વાસણ લૂછી રહી હતી.

પાવેલ કરતા ઉંમરમાં સહેજ મોટો દેખાતો છોકરો ચા ઉકાળવાના બે મોટા બંબાને એકલે હાથે સંભાળતો હતો. તેના રાતા રંગના વાળના જથ્થાને ઘણા દિવસોથી તેલ કે કાંસકાનો સ્પર્શ થયો નહોતો.

કાચના વાસણ વીછળવા માટે રાખેલી ઉકળતા પાણીની ટાંકીમાંથી નીકળતી વરાળથી આખી ઓરડી ભરાઈ ગઈ હતી. શરૂઆતમાં તો પાવેલ સ્ત્રીઓના મોઢાં જોઈ ન શક્યો. શું કરવું તે સમજ ન પડવાથી કોઈ તેને આવીને કહે તેની વાટ જોતો ઉભો રહ્યો.

ઝીના એક વાસણ વીછળનારી બાઈ પાસે ગઈ અને તેના ખભાને ટાપલી મારીને બોલી, ‘એ ફ્રોસ્યા, જો હું આ છોકરાને તારી પાસે લઈ આવી છું, તે ગ્રિશ્કાનું કામ કરશે. તેને તું કહે કે તેણે શું કરવાનું છે.’

ફ્રોસ્યા નામની સ્ત્રી તરફ ઈશારો કરીને ઝીનાએ પાવેલને કહ્યું, ‘આ અહીંની ઉપરી છે, તારે શું કામ કરવાનું છે તેની સમજ એ તને પાડશે.’ આટલું કહીને તેણે મોં ફેરવી લીધું અને ઉપહારગૃહના આગળના ખંડમાં – જ્યાં મિજબાનોની બેઠક હતી – ચાલી ગઈ.

* * * * * * * * *

ટોલ્સટોયની ‘વોર એન્ડ પીસ’ ઓગણીસમા શતકના સાતમા દાયકામાં લખાયેલી મહાનવલ છે, રોમાં રોલાની મહાનવલ ‘જ્હોન ક્રિસ્ટોફર’ વીસમાં શતકના ઉપકાળનો પરિપાક છે, તો નિકોલાઇ ઓસ્ત્રોવસ્કીનું ‘માનવીનું ઘડતર’ (અંગ્રેજીમાં ‘હાઉ દ સ્ટીલ વોઝ ટેમ્પર્ડ’), નવા યુગના નવા પરિબળોનો હ્રદયધબકાર છે. પહેલી બે કૃતિઓમાં અજંપો છે તો ત્રીજીમાં છે નવજીવનની અપરિહાર્ય શ્રદ્ધા. આ જ કાંતિગાથાનો શરૂઆતનો એક નાનકડો ભાગ અત્રે પ્રસ્તુત છે.

નિકોલાઈ ઓસ્ત્રોવસ્કી ઝારશાહીના અંધકારયુગમાં જનમ્યા હતાં. તેમને અગિયાર વર્ષની વયે આજીવિકા મેળવવા શ્રમજીવનનો પ્રારંભ કરવો પડ્યો હતો. મેક્સીમ ગોર્કીને આદર્શ તરીકે રાખીને એકવીસ વર્ષની વયે તેમણે લખવાનું આરંભ્યું, છવ્વીસ વર્ષે તે અપંગ થયા. એ પછીના કાળમાં જ તેમણે તેમની કીર્તિના કળશરૂપ આ નવલકથા લખી. તેમને એ કાળનું સોવિયેત સંઘનૂં સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ લેનિન’ અપાયું. બત્રીસ વર્ષની વયે, ૧૯૩૬માં તેમનું અવસાન થયું. આ સુંદર ક્રાંતિ નવલનો અનુવાસ શ્રી શાંતા ગાંધીએ જાન્યુઆરી ૧૯૫૭માં કર્યો છે. રવાણી પ્રકાશનગૃહ, ટિળકમાર્ગ, અમદાવાદ દ્વારા પ્રકાશિત આ નવલકથાના બંને ભાગોની અંગ્રેજી આવૃત્તિઓની લિન્ક ડાઊનલોડ માટે આ સાથે મૂકી છે. આ નવલકથાના રચયિતા નિકોલાઈ ઓસ્ત્રોવસ્કીના જીવન વિશે એક લેખ આવતા અઠવાડીયે અક્ષરનાદ પર પ્રસિદ્ધ થશે.

ભાગ ૧ ‘હાઉ દ સ્ટીલ વોઝ ટેમ્પર્ડ’ – નિકોલાઈ ઓસ્ત્રોવસ્કી

ભાગ ૨ ‘હાઉ દ સ્ટીલ વોઝ ટેમ્પર્ડ’ – નિકોલાઈ ઓસ્ત્રોવસ્કી


આપનો પ્રતિભાવ આપો....

One thought on “માનવીનું ઘડતર (ક્રાંતિ – નવલ) – નિકોલાઈ ઓસ્ત્રોવસ્કી, અનુ. શાંતા ગાંધી