(હતાશા) ખંખેરી નાંખો અને ઉપર ચઢો… – અજ્ઞાત 10


હતાશા અને નિરાશાનો સમય હોય, ધારેલી કોઈ વાત, કોઈ લક્ષ્ય સિદ્ધ ન થઈ રહ્યું હોય અને નાસીપાસ થઈ જવાય એવા સંજોગો ઉભા થાય એવા સમયે સૌથી શ્રેષ્ઠ મિત્ર એટલે સાહિત્ય, સાહિત્યની હકારાત્મકતા માણસની અંદર રહેલી હિંમત અને ધૈર્યને જીવંત રાખે છે, મુસીબતો સામે લડવાની પ્રેરણા આપે છે. આવી જ એક દ્રષ્ટાંત કથા અત્રે પ્રસ્તુત છે.

* * * * * *

એક ખેડૂત પાસે એક ઘરડું ખચ્ચર હતું. એક દિવસે એ ખચ્ચર ખેડૂતના કૂવામાં પડી ગયું. ખેડૂતે એની ચીસો સાંભળી. ખચ્ચર માટે સહાનુભૂતિ પણ થઈ, પરંતુ ખચ્ચર કે કૂવાને બચાવવાની તકલીફ લેવા જેવું તેને લાગ્યું નહીં.

એના બદલે એણે પોતાના પાડોશીઓને બોલાવીને સૌને થોડી રેતી લઈ આવવા વિનંતિ કરી જેથી પેલા ખચ્ચરને કૂવામાં દાટી એને પીડામુક્ત કરી શકાય.

આરંભે તો ખચ્ચર તોફાને ચઢ્યું, પણ ઉપરથી રેતીનો મારો એની પીઠ પર પડવા લાગ્યો. ત્યાં તેને એક યુક્તિ સૂઝી. ઉપરથી તગારાની રેતી ઠલવાઈને જેવી એની પીઠ પર પડે, ત્યારે તરતજ એને ખંખેરી નાંખીને તેની ઉપર ચઢી જવું. આમ દરેક વખત એણે કરવા માંડ્યું.

“ખંખેરી નાખ અને ઉપર ચડી જા!” એમ જાણે એણે પોતાની જાતને કહ્યા કર્યું, પોતાને હિંમત આપતું રહ્યું. ઉપરથી રેતી ને પથ્થર ફેંકાય એનો માર તો જબરો લાગે, છતાંય એ ઘરડા ખચ્ચરે સંઘર્ષ ઝીલીને રેતી ખંખેરવાનું અને તેની ઉપર ચઢતા રહેવાનું ચાલુ રાખ્યું.

તમારુ અનુમાન સાચું છે. આમ કરતા કરતા થાકીપાકીને પણ ખચ્ચર કૂવાની પાળ સુધી પહોંચી ગયું અને પછી તો કૂવાની દિવાલ કૂદીને ગૌરવભેર બહાર પણ નીકળી આવ્યું. એને દાટી દેવા માટેની જ વસ્તુ, એની તારણહાર બની. આફત સામે, મુશ્કેલીઓ સામે ઝઝૂમવાની હિંમતે જ તેને બચાવ્યું.

ઘણી વખત આપણા જીવનમાં જે કાંઈ થઈ રહ્યું હોય તેને આપણે આપણા મનમાંથી સહેલાઈથી ખંખેરી શક્તા નથી. આપણા તમામ ખુશી, આનંદ અને મનની શાંતિ હણાઈ જાય છે. ભૂતકાળના ઘા મનમાં કડવાશ, ગુસ્સો, વ્યથા અને બદલાની ભાવના જગાડતા રહે છે. આ લાગણીઓના રેતી કાંકરાના મારથી તો આપણે દુઃખના કૂવામાં દટાઈ જ મરીએ.

પરંતુ આપણી પાસે વિકલ્પ છે, ખંખેરી નાંખવુ અને ઉપર ચઢતા રહેવું. જે કાંઈ બન્યું તેનો સ્વીકાર કરીને, પરિસ્થિતિનો ક્યાસ કાઢીને તેમાંથી યોગ્ય પાઠ શીખીને આગળ વધતા રહો, હતાશા, નિરાશા અને દુઃખને ખંખેરી નાંખો અને ઉપર ચઢતા રહો. તમને થયેલી ઈજા તમને વધુ કડવા (Bitter) અથવા વધુ બહેતર (Better) બનાવે, તમે શું પસંદ કરશો?

(પુસ્તક ‘જીવનપ્રેરક ચિંતન રત્નો’ માંથી સાભાર – સંપાદન મુકેશ એમ પટેલ અને કૃતિ એસ શાહ, મૂલ્ય – ૨૦૦ રૂ. A Must Have Book from Inspirations Unlimited, Ahmadabad)


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “(હતાશા) ખંખેરી નાંખો અને ઉપર ચઢો… – અજ્ઞાત