ચૈતન્યબાળા દિવેટિયા (૧૯૧૯-૧૯૯૪) કવયિત્રી અને ગુજરાત વિદ્યાસભા સાથે સંલગ્ન. માં આનંદમયીના તત્વદર્શનમાં તેમને ઉંડો રસ. નિપવાંજલિ (૧૯૫૩) પરિવારનું સામૂહિક પ્રકાશન જેમાં આઠ કવયિત્રીઓનાં અંજલિકાવ્યો છે, તેમાં ચૈતન્યબહેનનાં સૌથી વધારે ભજનો, પ્રાર્થના અને પ્રકૃતિવિષયક કાવ્યો. અક્ષત (૧૯૬૦) તેમનો સ્વરચિત કાવ્યરચનાઓનો સંગ્રહ છે. વિવેચનાત્મક લેખોનો સંગ્રહ આરાધના ૧૯૬૮માં પ્રગટ કર્યો.
પ્રસ્તુત રચના તેમના સંગ્રહ ‘અક્ષત’ માંથી લેવાઈ છે, મંદાક્રાન્તા, અનુષ્ટુપ, લલિત, વસંતતિલકા, શિખરિણી, ઇન્દ્રવજ્રા જેવા છંદોનો એક સાથે ઉપયોગ કરીને શાહજહાંની વેદના અને તાજમહાલ સાથેના તેના જીવનની કરુણતા વર્ણવી છે. પોતાના જ વારસો દ્વારા કેદમાં નખાયા પછી પશ્ચાતાપ રૂપે કહેવાયેલી વાત એ મહેલના ઘડવૈયાઓના કાપી નંખાયેલા હાથ અને તેમની બદદુવાઓને લઈને, એક પ્રેમી મટીને રાજા બનવાની સજા ભોગવી રહ્યા હોવાની વાત સુંદર રીતે કહેવાઈ છે.
મંદાક્રાન્તા
અર્ધામીચ્યાં નયનપથથી, અશ્રુબિંદુ વહે છે,
કારાગૃહે શયન પડિયો, રાય પ્રેમે વદે છે,
ઘેરે આજે પ્રણય સ્મરણો, તાજના ને પ્રિયાનાં,
વીત્યા વર્ષો સ્મરણપટથી, રાજ્યનાં ને સુખોનાં !
અનુષ્ટુપ
ભેટવા મૃત્યુને આજે પ્રાણપંખી ઝૂરી રહ્યું,
પાસ છે એકલી પુત્રી પ્રિયા સ્મૃતિ સ્મરી રહું !
લલિત
નયન તાજને પેખવા ચહે
પ્રણયમૂર્તિ એ અંતરે રમે;
સ્મરણ ભૂતનાં વર્તમાનમાં,
મુખ પરે રમી જાગતાં થયાં.
જનક જે હતો રાય રાજ્યનો;
વદન દીનથી શું કહી રહ્યો !
વસંતતિલકા
પુત્રી સુવાડ મુજને ક્ષણ અંત મારી,
દ્રષ્ટિ સમીપ નીરખું મુમતાજમહાલ;
તાજી કરું પ્રણયમૂર્તિ મમ પ્રિયાની,
પ્રેમે બન્યા જનક અંધ ખરે જ તારો.
મિથ્યા હતું જગ બધું મુમતાજ પાસે,
તેને કરું અમર શિલ્પ કળાકૃતિથી,
નો’તી હ્રદે યશ તણી કંઈ લાલસાઓ,
સૌંદર્ય પ્રેમ સરજ્યાં જગમાં અનોખાં !
અનુષ્ટુપ
તેડાવ્યા દેશદેશેથી શિલ્પના ઘડનારને,
કળાકાર ખરો એક તાજની ભવ્યતા તણો !
શિખરિણી
કળાકૃતિ ન્યારી, મનહ્રદય અર્પ્યા સરજવા,
ઘણાં વર્ષો વીત્યાં અમર કરવા અંતરકલા;
કળાકારે કીધી અમર મમ મૂર્તિ પ્રણયની,
દયા ના આ હૈયે, કર યુગલ કાપ્યા દમનથી;
રખે અન્ય ક્ષેત્રે સરજન કરે આ પુનરપિ,
અરે એ શું સૂઝ્યું જીવન જીવનું દીન કરિયું !
અનુષ્ટુપ
કળાકાર ખરો એહ કપાતાં કર બોલિયો,
સ્મૃતિ મારી તને નૃપ, રહે, વળી સ્મરે જગ;
લેવા દે મુજને ભેટી તાજને એક વાર હા’
કહી એમ વળ્યે તુર્ત હસ્તવિહીન એ હસ્યો !
ઇન્દ્રવજ્રા
આનંદ વ્યાપ્યો રચના નિહાળી,
લોભી બન્યો હું યશનો તદાપિ;
સૌંદર્યમૂર્તિ મુજની ઘડાવી,
લોભે રહી એક મહાન ખામી;
પ્રેમી મટીને નૃપ હું થયો જ્યાં,
શિક્ષા ખુદાએ મુજને કરી ત્યાં !
અનુષ્ટુપ
જળબિન્દુ પડે છે ત્યાં, વર્ષમાં એક વાર હા,
જ્યહાં મારી પ્રિયા પોઢી સદાની ગાઢ શાન્તિમાં;
હણ્યા મેં હસ્ત શિલ્પીના કોણ એ ત્રુટિને પૂરે ?
જાણે ના અન્ય કો શિલ્પી કળા એ શિલ્પમૂર્તિની.
મન્દાક્રાન્તા
મેં રિબાવ્યો જીવ ગરીબનો આજ તેથી રિબાઉ’
મૃત્યુકાળે નવ સમી કો નૃપ હૈયે ઘવાયો,
ભારે હૈયે શબ્દ નિકળ્યા રાય સ્વર્ગે સિધાવ્યો,
છેલ્લે મારો શ્વાસ પ્રણયપૂરમાં શુદ્ધ અદ્વૈત પામ્યો !
– અક્ષત (૧૯૬૦) માંથી સાભાર.
Nice poem !
મેં રિબાવ્યો જીવ ગરિબનો આજ તેથી રિબાઉ’
સરસ
આ અતિ સુન્દર ક્રુતિ છે!