કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૬ (ફિલ્મી-ગેરફિલ્મી ગીત સંગીત) 9


ઉપયોગી વેબસાઈટ્સની લિન્ક આપતા આ વિભાગમાં આજે ગીત સંગીત વિષયક કેટલીક વેબસાઈટ્સનો પરિચય મેળવીએ. હિન્દી ગીતો સાથેની વેબસાઈટ્સનું આ વિશ્વ ખૂબ ઝડપથી બદલાતું રહે છે. અનેક નવી વેબસાઈટ્સ બને છે અને જૂની અદ્રશ્ય થઈ જાય છે. કોપીરાઈટ ભંગને લઈને, પાયરસીના વિરોધને લઈને, કાયદાકીય અવરોધો વગેરે જેવી બાબતોમાં સપડાવાને લીધે આવી વેબસાઈટ્સ લાંબુ જીવી શક્તી નથી. છતાંય તેમાંની કેટલીક ખૂબ લાંબા સમયથી સંગીતપ્રેમીઓને માટે મનપસંદ રહી છે. એમાંની કેટલીક વેબની સાથે સંકળાયેલી નકારાત્મક બાબતો અને પાયરસીના વિરોધ કરવાના અનેક ઈજનો છતાં આવી વેબસાઈટ્સની ક્લિક્સ રાત્રે ન વધે એટલી દિવસે વધ્યા કરે છે. કેટલીક વેબસાઈટ્સ ગીતો ડાઊનલોડ કરવાની સગવડ ન આપતા ફક્ત ઓનલાઈન સાંભળવાની સુવિધા આપે છે તો કેટલીક એક એક ગીત અથવા આખુંય આલ્બમ એક ઝિપ ફાઈલમાં ડાઊનલોડ કરવાની સગવડ પણ આપે છે. આજે જોઈએ આવી જ કેટલીક વેબસાઈટ્સ વિશે.

Raaga

લાંબા સમયથી મારી મનપસંદ વેબસાઈટ જ્યાં લગભગ બધીજ ભારતીય ભાષાઓના ગીતો – ભજનો સાથે હિન્દી ફિલ્મી ગીતોનો મોટો ભંડાર ઉપલબ્ધ છે. વર્ષોથી ચાલી રહેલી આ વેબસાઈટ પર તેની શરૂઆતના સમયમાં ફક્ત હિન્દી, તમિલ અને તેલુગુ ગીતોનો ભંડાર હતો, હવે અહીં સંસ્કૃત સાથે લગભગ બધી જ ભારતીય ભાષાઓમાં ગીતો ઉપલબ્ધ છે. અકાઉન્ટ બનાવીને વેબસાઈટ સાથે રજીસ્ટર થવાથી ગીતો ડાઊનલોડ કરવાની સગવડ પણ અહીં મળે છે. આ સાથે પ્લેલિસ્ટ બનાવવાની પણ સગવડ છે, ગીતોને સોશીયલ નેટવર્કિંગ પર વહેંચવાની સગવડ પણ છે તો સાથે રેડીયોની સગવડ પણ ઉપલબ્ધ છે જેથી ગીતોની પસંદગીની પળોજણમાં પડ્યા વગર એક પછી એક ગીત સાંભળી શકાય છે. ગીતોની ગુણવત્તાને લઈને આ વેબસાઈટ અન્ય બધી જ વેબસાઈટમાં સૌથી પ્રથમ આવે છે. કાયમને માટે બુકમાર્ક કે ફેવરીટ કરી રાખવા જેવી સુંદર વેબસાઈટ.

Music India Online

ફૂટરબારમાં પ્લેયર તથા એક પછી એક ગીત પ્લેલિસ્ટની જેમ ઉમેરી શકાય તેવી સગવડ તથા સુંદર ઈન્ટરફેસ આ વેબસાઈટને માણવાલાયક બનાવે છે. ઝડપી સ્ટ્રીમિંગ તથા સરસ ગુણવત્તા તેની મુખ્ય જમા બાજુઓ છે. તેના મુખપૃષ્ઠ પર રેન્ડમ આલ્બમ પ્રસ્તુત થતા રહે છે. તો તેની બાજુમાં ડાબી તરફ ‘જેનર્સ’ વિભાગ હેઠળ દર્શાવેલ વિવિધ ભાષાઓ પરથી વેબસાઈટની સમૃદ્ધિનો ખ્યાલ સહેજે આવી જાય. અહીં બુંદેલી, હિમાચલી, ડોગરી, મૈથિલી, ફ્યૂઝન, વર્લ્ડ મ્યુઝિક જેવી અનેક ભાષાઓની આગવી નવી પ્રસ્તુતિઓ ઉપલબ્ધ હોવાને લીધે આ વેબસાઈટ સાંભળવા માટે અવનવી વાનગીઓનો ભંડાર છે. સંસ્કૃત અંતર્ગત અહીં શ્લોકનો પણ ભંડાર ઉપલબ્ધ છે. ખૂબ સુંદર અને ઉપયોગી એવી આ વેબસાઈટ ગીતો ડાઊનલોડ કરવાની સગવડ આપતી નથી.

Smashits

લગભગ રાગા.કોમની આસપાસના સમયમાં જ શરૂ થયેલી સ્મેશહિટ્સ વેબસાઈટ પણ લાંબા સમયથી અસ્તિત્વમાં છે. અહીં પણ ગીતોને ડાઊનલોડ કરી શકવાની સગવડતા નથી. જો કે અહીં વેબસાઈટના મુખ્યપૃષ્ઠ સિવાય બધે મેનુ થોડા ઘણા અંશે સીધું સાદુ પરંતુ બિન અસરકારક છે, કારણકે ક્યાં જઈને ગીત સાંભળી શકાય અને ક્યાં ફક્ત શબ્દો વાંચવા મળશે તે સ્પષ્ટ નથી. જો કે જે ગીતો સાંભળવા માટે ઉપલબ્ધ છે તેની નીચે તેને ખરીદવા, વેબ સીડી બનાવવા, યૂટ્યૂબ પર તેનો વિડીયો જોવા તથા એમેઝોન પરથી તેની સીડી ખરીદવા જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. અહીં વિકલ્પોનો મારો વધારે પ્રમાણમાં છે અને વેબસાઈટ સ્ટ્રીમિંગમાં ઘણી જગ્યાએ તૂટતી જણાય છે. પરંતુ અહીંનો ભંડાર અન્ય કોઈ પણ વેબ કરતા સમૃદ્ધ છે.

Desi Radio

નામ પરથી જ સ્પષ્ટ છે તેમ આ વેબસાઈટ વેબ બ્રાઊઝરમાંથીજ હિન્દી ગીતો રેડીયોની જેમ સાંભળવાની સગવડ આપતી વેબસાઈટ છે. અહીં મુખ્ય મેનુ ખૂબ સ્પષ્ટ અને સરળ છે. “Now Playing” અંતર્ગત શ્રોતાઓએ પસંદ કરીને ઉમેરેલા ગીતો એક પછી એક સ્ટ્રીમ થઈને બ્રાઊઝરમાંજ વિવિધ મીડીયા પ્લેયરના માધ્યમ દ્વારા સાંભળવા મળે છે. આ ઉપરાંત આલબમ/ફિલ્મના નામ દ્વારા પણ ગીતો શોધીને સાંભળી શકાય છે અને કલાકારના / ગાયકના નામ દ્વારા પણ શોધી શકાય છે. ઝડપી સ્ટ્રીમિંગ અને મીડીયા પ્લેયરના અનેક વિકલ્પો ઉપલબ્ધ હોવાથી આ વેબસાઈટ ટૂંક સમયમાં ઘણી પ્રસિદ્ધ થઈ છે. બુકમાર્ક કરી રાખવા જેવી સુંદર સગવડ.

Songs.pk

પાઈરસી દ્વારા ગીતો ઓનલાઈન વહેંચતી આવી વેબસાઈટ્સમાં આ વેબસાઈટ અગ્રગણ્ય ગણાય છે. ખૂબ વિશાળ ડેટાબેઝ સાથે આ વેબસાઈટ મોટાભાગની હિન્દી ફિલ્મોના / આલબમના ગીતો ડાઊનલોડ કરવાની સગવડ આપે છે. તદ્દન તરોતાજા અથવા એકાદ દિવસ પહેલા જ રીલિઝ થયેલા ફિલ્મી / આલબમના ગીતો અહીં સાંભળવા મળી રહે છે. આ ઉપરાંત એક ફિલ્મના બધા ગીતો એક જ ફાઈલમાં, કમ્પ્રેસ્ડ ફોર્મેટમાં ડાઊનલોડ કરી શકવાની સગવડ પણ આ વેબસાઈટ આપે છે. આ ગીતો ડાઊનલોડ કરી શકવાની સગવડ અને સતત થતા રહેતા નવા – જૂના ફિલ્મી ગીતોના સંગ્રહને લઈને આ વેબ ખૂબ પ્રખ્યાત થઈ છે.

Music Plugin

હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ગીતો ઓનલાઈન સાંભળવાની સગવડ આપતી આ વેબસાઈટ ગીતોની દ્રષ્ટિએ પૂરેપૂરી શ્રોતાઓ ઉપર આધારિત છે. લોકોએ અપલોડ કરેલા ગીતો દ્વારા ચાલતી અને સાથે સાથે વેબ ડેવલોપર્સ દ્વારા અપલોડ થતા ગીતો સાથેની આ વેબસાઈટ અમુક અંશે યૂઝર ફ્રેન્ડલી નથી. અહીં જો કે ક્લાસિકલ અને ડિવેશનલ ગીતો પણ ઉપલબ્ધ છે. આ સાથે નવી ફિલ્મોના રીવ્યુ પણ અહીં મળી શકે છે.

Dhingana


મરાઠી શબ્દ ધીંગાણા નો અર્થ થાય છે આનંદનો ઉત્સવ અથવા ઉલ્લાસનો માહૌલ. એન્જીનીયરો દ્વારા ચલાવવામાં આવતી આ વેબસાઈટ ઘણી સરળ છે, ગીતોની ગુણવત્તા પણ ઘણી સરસ છે અને એક જ ક્લિક પર ગીતો શોધી શકાય છે, અને એક જ ક્લિકે સાંભળી પણ શકાય એ. અન્ય વેબસાઈટ કરતા ખૂબ જ ઓછી એડવર્ટાઈઝ અને પોપ અપ એડ વગરની વેબસાઈટ ઘણી સરસ લાગે છે. ગીતોનું સંકલન અને સંગ્રહ ખૂબ વિશાળ છે, તો સાથે મનપસંદ ગીતોનું એક સ્માર્ટલિસ્ટ પણ બનાવી શકાય છે. સૌથી વિશેષ સગવડ છે મ્યૂઝિકલ ગ્રીટીંગ્સ બનાવવાની. કોઈ પણ ગીત પાસેના એક નિશાન પર ક્લિક કરવાથી તેને મ્યૂઝિકલ ગ્રીટીંગ્સ તરીકે મોકલી શકવાની સુંદર સગવડ પણ અહીં છે. સોશીયલ શેરીંગની સગવડ બીજી કોઈ પણ વેબસાઈટ કરતા અહીં ખૂબ સરસ છે અને તે સાથે સમાન ગીતોનું એક લિસ્ટ, મુખ્ય સંભળાતા ગીતોનું એક લિસ્ટ પણ હાથવગું મળી રહે છે. સાથે વેબસાઈટ પર / બ્લોગ પર / ઓર્કુટ / ફેસબુક વગેરેના વિજેટ પણ ઉપલબ્ધ છે. એ બધી રીતે જોતા આ ખૂબ સરસ વેબસાઈટ છે.

ઉપરોક્ત વેબસાઈટ્સ સિવાય અન્ય કેટલીક વેબસાઈટ્સ જેવી કે બોલિવુડ હંગામા, દિશાન્ત અને રેડીયો સરગમ પણ ખૂબ પ્રચલિત અને સુંદર વેબસાઈટ છે. જો કે એક અથવા બીજી રીતે એ ઉપરોક્ત વેબસાઈટ્સને મળતી આવે છે.

આ શ્રેણીના બધા લેખ વાંચવા માટે ક્લિક કરો – Know More ઈન્ટરનેટ


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૬ (ફિલ્મી-ગેરફિલ્મી ગીત સંગીત)