જન્મોત્સવ – સુરેશ જોષી 8


ઘડીયાળમાં સાડા અગિયાર થયા હતા. હવે અર્ધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણજન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃન્દાવનદાસનો મોટો દિકરો અસિત અમેરિકા જઈને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. એણે બધાંને આશ્ચર્યમાં ગરકાવ કરી નાંખે એવી તરકીબ રચી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વિજળીની કરામતથી તાદ્દશ બનતું એ બતાવવાનો હતો. આથી બધા આતુર હતાં. લાલ કિનખાબનો પડદો ક્યારે ખૂલે તેની રાહ જોઈ રહ્યાં હતાં.

સ્ટેશનના ઘડિયાળમાં સાડા અગિયારનો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સૂમસામ હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટીતૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાયેલા પતરાંનું છાપરું કરીને ત્રણચાર કુટુંબ આશ્રય લઈ રહ્યાં હતાં. એમાંના એક ‘ઝૂંપડા’ માં ફગફગિયો દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસતિએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. ત્યાં અર્ધા ઉંઘમાં અને અર્ધા જાગતા – એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું – “એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને જો તો ખરો !”

બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, “એમાં હું જોવા જાવું’તું, વખત થિયો લાગે છે.”

અંધારે ખૂણેથી કોઈ ડોસી ખોખરા કર્કશ અવાજે બબડી, “માણકીય જબરી ને એના પેટમાંનું છોકરું ય જબરું માળું ! ટંકણખાર દીધો તો ય કાંઈ નો વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય? કર કાંઈ બાપલા ! છૂટકો છે?” ઘડીયાળનો કાંટો આગળ વધતો હતો. માણેક કરાંજતી હતી, આકાશને કદીક કદીક વીંધી જતી હતી. ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો.

ઘડીયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વિશ્રમ્ભે વાર્તાલાપ કરી રહ્યાં હતાં. તેમને ય એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃન્દાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી તે પણ હવે વખત થવાં આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન અને એની મિત્રમંડળી બ્રિજના બે રબર પૂરાં કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળટપ્પાં હાંકી રહી હતી. અસિત સાવ નિશ્ચિંત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો હતો. ત્યાં શણિયુ પહેરીને મુખિયાજી આવ્યા, નિજમંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા. કૃષ્ણજન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું. ભીંત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એક બીજાની નજીક આવવા લાગ્યા.

સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતાં. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યાં હતાં. વરસાદની ઝડી વીંઝાવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસેના છાપરાં ઉડું ઉડું થઈ રહ્યાં હતાં. સૂસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસસ્ટેન્ડ વળી થોડી વારને માટે જાગતું થયું, પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એકધારો પડવા મંડ્યો. એકાએક ફગફગિયો દીવો બુઝાઈ ગયો ને નિસ્તબ્ધતાને વીંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું.

ઘડિયાળના બે કાંટા ભેગા થતાં સાથે જ કિનખાબનો લાલ પડદો સરરર કરતોકને સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહના અંધકારમાં એ તેજપુંજ અજવાળું પાથરતો હતો. ઘડીક બહારની વીજળીનો ઝબકારો અંદર ડોકિયું કરી જતો હતો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા ને શંખનો તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નો’તું થયું છતાં બિભાસના સૂર છેડ્યા. પ્રેક્ષકો ઉભાં થયાં. કૃષ્ણજન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું.

ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો. જુદાજુદા અવાજો સંભળાતા હતા – “દેવજી હું કહું છું ઇમ કર ને! ઇમાં કાનજીનું કામ નંઇ.”

“પણ ઇ વેલજી ડોહાની આ ઘડીએ કુણ ભાળ કાઢે ? લો તારે અમને કહો છો તિ તમે જ જાવને મારા ભઈ!”

બીજો જરાક ધીમો અવાજ સંભળાયો, “એલા એ ગમાર, જરા ધીમો બોલતો જા, માણકી હાંભળહે ને તો બચાડી દખી થાહે.” જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો, “દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ? હોનાના હિંડોળે ઝૂલતી ના હોત?”

ત્યાં કોઈએ અધીરા બનીને કહ્યું, “અરે ભઈલા, ઝાઝી લપ મેલો ને, હાલો મારી હારે, પરતાપગંજમાં જતાં પેલું નાળું નથી ભાળ્યું’ લ્યા, ત્યાં ઓલ્યાં છાપરાં દીઠાં કની? ત્યાં જાવાનું છે.”

એના જવાબમાં કોઈ બોલ્યું, “ના ભાઈ, નં ઇ આપણું કામ, આ પાણી પડે છે ઈ તો જુઓ ! ઘૂંટણસમાં પાણી ના હોય તો મને કે’જો.”

બીજો વધારે આકળો થઈને બોલ્યો, “લ્યા મેલને ઈ ને પડતો ! હાલ કાનજી, લઈ લે છોરાને, લે હું મોરે થાઉં છું.” બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા ચાર પગલાંનો ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો. પવન વીંઝાતો રહ્યો. ઘડિયાળના કાંટા છૂટા પડ્યા. છૂટા પડીને આગળ વધવા લાગ્યા.

ઘડિયાળ તરફ હવે કોઈની નજર નો’તી, અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યાં હતાં. સામે મુખીયાજીએ રચેલો અન્નકૂટ હતો. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરી પૂર્વક કરી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતાં. દેવકી કેમે કરી માનતી નો’તી, હાથ હલાવીને કરગરતી હતી. પસ્ચાદભૂમાં શરણાઈનો કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધાં, છાબમાં જાળવીને મૂક્યાં, અંગૂઠો ધાવતા, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવનમોહન હાસ્ય હતું; વસુદેવ આગળ ચાલ્યા.

કાનજી ને દેવજી આગળ ચાલ્યા. ઘૂટણસમાં પાણીને ડહોળતા આગળ ચાલ્યા, બાળકના રુદનનો ભાર ઉંચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તો ય આગળ ચાલ્યા; ઘૂંટણસમા પાણીને ખૂંદતા કાનજી ને દેવજી આગળ ચાલ્યા; માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી, ઘડિયાળના કાંટા એક બીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા.

વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાય ! અસિતે ભારે કરામત કરી હતી. દીવા બધા બુઝાઈ ગયા હતા. તેજપુંજ જેવા કૃષ્ણ ભગવાન ને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું. ઘડીભર તો આ કરામત છે તે ય બધાં ભૂલી ગયાં. જયવતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભાં જ રહી ગયાં. વસુદેવે જમનાનાં પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ડહોળતો સરરર કરતોકને અવાજ આવ્યો. બધાં ઘડીભર ચમકી ગયાં. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. ભક્તોએ હાથ જોડ્યા, બીજાં કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યાં, ને વસુદેવ આગળ વધતાં રહ્યાં.

“વેલજી ડોહા ! છો કે?”

“કુણ સે?”

ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતાં ખાતાં જવાબ વાળ્યો, “ઈ તો હું ને કાનજી, ઝટ આવો ભાર, આ ઓરો લાવ્યા છિયેં, જરા એના ટાંટિયા વાળી દ્યો ને !”

ડોસો બોલ્યો, “હાવ બેઠો રિયે ઈમ કરવું સે કે પછી લાકડીને ટેકે હાલીને ભીખ માંગે ઈમ કરવું છે?”

કાનજી બોલ્યો, “હાવ પાંગળો ના કરતા દાદા; અક્કરમીએ મધરાતે આંઈ જનમ લીધો, નકર…..” એનો અવાજ ગળગળો થઈ ગયો.

દેવજીએ કહ્યું, “હાલ હવે, ગાંડા કાઢ્ય માં, છોરો આયવો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નંઈ? તું તો એને ભણાવી ગણાવીને લાટસાહેબ બનાવવાનો હતો, નંઈ?”

“દેવા, છોરો તો છે હાવ કિસન ભગવાન જેવો, આખરે છોરો તો માણકીનો ને !” એમ કહેતાંકને વરસોના અનુભવી હાથોએ પળવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટાચકા ફોડી નાંખ્યા. બાળકની ચીસ હવાને વીંધી ગઈ.”

દેવજી બોલ્યો, “કાલ્ય હવારે રૂપિયો દઈ જાશું. લે, હાલ્ય લ્યા’ કાનજી, હવે તારો છોરો ભૂખે નંઈ મરે!” પાણીમાં પડતા પગલાંનો ડબ ડબ અવાજ સંભળાયો. એ પગલાંને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો, ભીંસતો હતો, ને એ પગલાં ડબ ડબ અવાજ કરતાં આગળ વધી રહ્યાં હતાં.

ભગવાન ગોકુળ પહોંચ્યા, ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદા મૈયાએ કૃષ્ણકુંવરને શણગાર્યા. નજર ન લાગે માટે ગાલે મેંશનું ટપકું કર્યું. ગોકુળ આખું ટોળે વળ્યું, ગોપબાળના આનન્દરવથી વનરાજી ગાજી ઉઠી. પંચાજીરી વહેંચાઈ, શરણાઈએ લલિત રાગ છેડ્યો, અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધાં એને વીંટળાઈ વળીને શાબાશી આપવા લાગ્યાં. બ્રિજની મંડળી ફરી જામી, વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણયગોષ્ઠિને પૂરી કરવા ઉપલા માળે બધાંની નજર સરકાવી ચઢી ગયાં. વૃંદાવનદાસની મંડળીનું ભાગવતપારાયણ આગળ ચાલ્યું. જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું,

જાગો નન્દકે લાલ, ભોર ભયી

માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા, “મને ઇનું એક વાર મોઢું તો દેખવા દેવું’ તું’ ! લાવો મારે ખોળે, લાવો મારા કુંવરને….”

દેવજીએ કહ્યું, “ગાંડી થા માં માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું, લે, આ તારો છોરો.” કાનજીની સામે ચિત્ર ખડું થયું, ધખતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગળા કિસનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે, પોતે આંધળો છે, દિકરો પાંગળો છે, દુનિયા દેખતી છે, ભગવાન કૃપાળુ છે, મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુણ્ઠ છે, ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે, બધાં સુખી છે.

માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નહાતો કિસન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો, પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં.

– સુરેશ જોષી

(૩-૫-૧૯૨૧ — ૬-૯-૧૯૮૬)

( સ્વ. શ્રી સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં એક અનોખા પ્રકારની, અનોખા પ્રવાહની વાર્તાસૃષ્ટિના નિર્માતા હતાં. તેમની વાર્તાઓમાંના જીવનતત્વનો ધબકાર અને ક્યારેક ચિત્કાર સજ્જડ આંખોના માધ્યમથી આપણા માનસ કાન સુધી પહોંચે છે એટલી સશક્તતા અને સચોટતાભરી ભાવસૃષ્ટિ તેઓ જન્માવી શકતા. પ્રસ્તુત વાર્તા મેં ક્યારેક શાળાજીવનમાં વાંચેલી અને એનો પ્રભાવ મનના કોઈક ખૂણે સદાને માટે અંકિત રહી ગયેલો. શ્રી સુરેશ જોષીની વાર્તાઓની સંકલન પુસ્તિકા” હાથમાં આવી પછી એમાંથી આ વાર્તા વાંચતા એ સ્મૃતિઓ ફરી ઉપસી આવી. વાર્તાનું ક્લેવર, વાત પહોંચાડવાની આખીય પદ્ધતિ અને વાતનો મુખ્ય સાર, ત્રણેય રીતે આ વાર્તા રચનાત્મકતાની દ્રષ્ટિએ અને વાંચક સુધી પહોંચતા વાતના ભાવને લઈને મને આકર્ષે છે. )


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “જન્મોત્સવ – સુરેશ જોષી

 • pragnaju

  જ્યારે અભ્યાસ અને અનુભૂતિ વિનાના સાહિત્યને જોઇએ છીએ ત્યારે આવા માસ્ટર માઇન્ડ સુરેશ જોષીનું સ્મરણ કરીએ.
  કવિવચન
  ‘હું તોપને હાલરડું ગવાડું
  ને બોમ્બને પુષ્પની વૃષ્ટિ શીખવું,
  મારી ખુશીના જળમાં ઝબોળી,
  હું નિષ્ઠુરોનાં સહુ પાપ ધોઉં.’
  (સુરેશી જોશી સાહિત્યવિશ્વ ઃ કવિતા)

 • Dr P A Mevada

  સ્વ. સુરેશ જોશી વડોદરા, M.S.University માં ગુજરાતી ના પ્રાધ્યાપક હતા અને મને એમના હાથ નીચે ગુજરાતી સાહિત્યનો અને ખાશ કરીને વિવેચક તરીકે નો અનુંભવ થયેલો છે. આ એમની ઘણી ઉત્તમ રચના છે.

 • ગોફણધારી

  મને પણ આ વાર્તા ખૂબ જ ગમે છે. આજે ફરી વાંચવા મળી. આનંદ થયો. સુરેશભાઈની બીજી વાર્તાઓ કરતાં આ અલગ પડતી વાર્તા છે.
  સુરેશભાઈને યાદ કરાવવા બદલ આભાર.

 • himanshu patel

  આપણા અપંગત્વનો ઉત્સવ અહિં સ્તર વૈવિધ્યમાં વ્યક્ત થયો છે અને તેમાં માણસ હોવાની વક્રતા વણાયેલી છે.

 • Dr Pravin Sedani

  ”જન્માષ્ટમી”
  આસપાસ ઈશ્વર ના હોવા નો અહેસાસ માત્ર માનવીના ચિત્ત ને શાતા આપે છે.માધવ ની અવતરવાની
  વેળાએ માથે હાથ દઈને બેઠલા આપણે પુરુષાર્થ ને પાંગળો તો નથી બનાવતા ને? પ્રારબ્ધ ના તો પાંચ જ ટકા હોય શકે પંચાણું નહિ.અરે માધવ ને માનવી તરીકે તો મુલવીએ ! કંસવધ થી કુરુક્ષ્શેત્ર સુધી-ભારોભાર પુરુષાર્થ
  જ ટપકતો દેખાય છે ને ?માધવ ને માધવ ની મદદ માંગતો કદી કોઇયે દીઠો છે?
  ઈશ્વર નું અસ્તિત્વ છે? શ્રધાળું ને કશા પુરાવાની જરૂર નથી અને અશ્રધાળું કોઈપણ
  પુરાવો માનવાનો નથી !અચાનક વાતાવરણ માં પ્રસરતી ખુશ્બુ પણ માનીએ તો ઈશ્વર નો અહેશાસ છે.
  માધવ ની અવતરવા ની આ વેળા -કંસ ના કારાગૃહ માંથી મધરાતે અચાનક વાંસળી ના એક સુર નું-એક સુગંધ નું મથુરાથી ગોકુલ તરફ નું પ્રયાણ એ લાગણી ને આ કાવ્ય માં મેં ભરી છે. ‘
  ” જન્માષ્ટમી”
  મથુરા નિષ્પ્રાણ થઇ, હવે ગોકુળિયું મઘમઘશે.
  વૃંદાવન ની ગલી ગલી માં વાંસળી થઇ ને ફરશે.
  શિશુ સાથે શેષનાગ પણ રક્ષે બંસી સુર ને,
  ચરણ સ્પર્શી ને શમવુજ્ પડે ને ,યમુના ના આં પુર ને.
  ચૌદ ભુવન નો નાથ છુપાઈ ,કરંડિયા માં મલકે.
  નંદ ઘર નો ઉલ્લાસ જગત ના,અણુ અણુ માં પ્રસરે .
  મોરપિચ્છ નું મેઘધનુષ્ય હવે ,અવની પર કોઈ રચશે.
  યુગપુરુષ ઝંખતી આંખો માં,હર્શબિન્દુ તગતગશે.
  ——ડો સેદાની …………….