રાધાને કરશો ના વાત… – નટવર વ્યાસ 3


શ્રી માનવ પારેખ તરફથી ભેટ સ્વરૂપે મળેલ શંખનાદ સામયિકના કેટલાક અંકોને શાંતિથી બેસીને વાંચવાનો સમય બીમારીએ કાઢી આપ્યો. શરદી, ઉધરસ, તાવ અને બંધ અવાજ એ બધાં ક્રિસમસનું વેકેશન કરવા મારી પાસે આવેલા. એ જ અવસરને લઈને ઘણા બધા અંકો વાંચ્યા અને તેની પ્રિન્ટ ક્વોલિટી અને લેખોનું સંકલન જોઈને ખરેખર સુખદ આશ્ચર્ય થયું. પ્રસ્થાપિત સામયિકો કરતા ચડીયાતી છાપણી અને લેખ પસંદગી જોઈને મજા આવી અને તેમાંથી જ પ્રસ્તુત કાવ્ય લીધું છે.

કૃષ્ણ રાજા થઈ ગયા છે, ગોકુળમાં તેમનું આગમન ઝંખી રહેલા બધાંની આંખો તરસી થઈ રહી છે, પણ કૃષ્ણ આવવાનું નામ લેતા નથી. એવામાં જો કૃષ્ણ છાનામાના ગોકુળમાં આવવાનું વિચારે અને વિરહમા ઝૂરતી રાધાને ખબર પડે કે તેઓ આમ આવી ગયા તો એની વેદના કેવી વસમી બની રહે એ જ બતાવવાનો પ્રયત્ન અહિં થયો છે.

તમે ગોકુળમાં જાઓ તો સમ મારા કાનજી
રાધાને કરશો ના વાત
વિરહી હૈયાને કા’ન કેમ કરી આપવો
આવો તે કારમો આઘાત…

ઝૂરતી ઉભી છે એ તો જમુના કિનારે
કદમ્બની પકડીને ડાળ
આંખોમાં પૂર એને, ઉમટ્યાં છે યાદના
જુએ એના કાનજીની વાટ…

છાના માના જવાની ટેવ રે તમારી,
જો જો રાધા ન જાય જાણી,
બંસીને કાન અળગી મૂકીને જાજો
સાથે હશે તો છૂટશે વાણી…

જીવી રહી છે એ તો નામ રે તમારું જપી
કેમ કરી કરશો એને ઘાત
રાજા થયા છો ખૂબ મોટા, દિલના છો ખૂબ ખોટા
દલડાની વાતો અમે જાણી…

છપ્પન પકવાન તમે આરોગો નાથ ભલે
મારે સૂકે તે રોટલે ઉજાણી
ભર્યો દરબાર તમારો, સાથે ઓધવજી શાણો
પણ રાધા વિનાની ગલીઓ વસમી રે ભાસશે,
કોણ કહેશે કાનમાં વાત…

રાધાને કરશો ના વાત…

– નટવર વ્યાસ (ડીસા)


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 thoughts on “રાધાને કરશો ના વાત… – નટવર વ્યાસ