મારી પ્રથમ નવલકથા – જિજ્ઞેશ અધ્યારૂ 16


મિત્રો,

ખૂબ ઝડપથી લખવા ધારેલી મારી કલ્પનાની ક્ષિતિજોને આંબતી આ પ્રથમ નવલકથાનું પ્રથમ પ્રકરણ 7 ફેબ્રુઆરી 2010 ના દિવસે શરૂ કરેલું. પણ પછી એ દિવસ અને આજનો દિવસ, એક અક્ષર પણ આગળ વધી શક્યો નહીં. અનેક કારણો છતાં નવા વર્ષના નિર્ણય સ્વરૂપે આ વર્ષે આ નવલકથાને મહીને એક પ્રકરણ લખીને પણ પૂરી કરવી એ નક્કી કર્યું છે. જો કે આ એકમાત્ર પ્રકરણ છે જે અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. આ પછી કોઈ પ્રકરણ અહીં મૂકવાની ઈચ્છા નથી, આખી નવલકથા લખાઈ જાય પછી જોઈશું એમ વિચારીને આ લખવાનું શરૂ કર્યું છે. પ્રથમ પ્રકરણ આજે પ્રસ્તુત છે.

– જિજ્ઞેશ અધ્યારૂ

* * * * * * * * * *

“ઈશા, બેસ્ટ ઓફ લક, હું તારી સફળતા માટે પ્રાર્થના કરીશ …..”

“થેન્કસ આશુ, પણ મને થાય છે, એ લોકો મને શું કામ પસંદ કરે? મતલબ, એમણે મારાથી વધુ અનુભવ ધરાવતા, આ ક્ષેત્રમાં કામ કરી ચૂકેલા અનેક લોકોના ઈન્ટર્વ્યુ લીધાં હશે. એમને જેવી વ્યક્તિની જરૂર છે એ ખૂબીઓ મારામાં નથી, હા ભણતર છે, પણ અનુભવ નહીં…”

“મિસ ઈશા દોશી, તમારી પાસે છે વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી મેળવેલી કોમ્પ્યુટર સાયન્સની બેચલર ડિગ્રી, મેકેનો-ઈન્ફોર્મેટીક્સ એન્જીનીયરીંગની પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી યુનિવર્સિટી ઓફ હોંગકોંગમાંથી, અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સમાં પી.એચ.ડી યુનિવર્સિટી ઓફ એડીનબર્ગમાંથી…. અને એ બધી ભારી ભારી ડિગ્રીઓ ઉપરાંત તારી પાસે છે ગજબનો આત્મવિશ્વાસ અને સતત કામ કરવાની, જીવનમાં ઉંચાઈના નવા શિખરો સર કરવાની આવડત. રોબોટીક્સમાં આગળ વધવાની તારી ગાંડપણથી વધારે ઘેલછાને મેં કેટલીય વાર જોઈ છે, અને તું કહે છે એ લોકોને તારી જરૂરત નથી? આમ પણ ઈશા, આપણા આ વૈજ્ઞાનિકો રોબોટીક્સના ક્ષેત્રમાં પાવરધા છે, આજે દસ દસ વર્ષોથી જાપાન, અમેરિકા અને ચીનનું આધિપત્ય ભાંગીને ભારત જો રોબોટીક્સના ક્ષેત્રમાં અગ્રગણ્ય સ્થાન ભોગવે છે તો એ આ જ સંસ્થા ‘ઈન્ડીયન હ્યુમોનોઈડ રિસર્ચ લેબોરેટરી’ ના લીધે. આજે તારા માટે એ કંપનીમાં નોકરી કરવી જરૂરતથી વધુ એક ગર્વનો વિષય હોવો જોઈએ. અને તારામાં એટલો આત્મવિશ્વાસ છે ઈશા, કે તું એ નોકરી મેળવી શકે. ઘણી વખત અણધાર્યું તીર નિશાને લાગે છે.”

“મિસ ઈશા દોશી? ….. ” રિસેપ્શન પરથી પોતાનું નામ બોલાતું સાંભળી ઈશા ઉભી થઈ રિસેપ્શન પર પહોંચી….

“યૂ મે ગો ઈન પ્લીઝ.” રિસેપ્શન પર બેઠેલી છોકરી સુંદર સ્મિત આપીને બોલી. ઈશાના પગ ઈન્ટર્વ્યુ હોલ તરફ વધ્યા અને સાથે સાથે આત્મવિશ્વાસ પણ આળસ મરડીને ઉભો થયો. ઈશાએ મનોજની સામે જોઈને સ્મિત કર્યું, જવાબમાં મનોજે તેને બેસ્ટ ઓફ લક દર્શાવતા બે હાથના અંગૂઠા ઉંચા કર્યા …. ઈશા ઈન્ટર્વ્યુ ખંડ તરફ આગળ વધી. દરવાજે ટકોરા મારી, સહેજ દરવાજો ખોલીને તેણે પૂછ્યું,

“મે આઈ કમ ઈન સર?”

“યસ પ્લીઝ.”

“હેવ અ સીટ મિસ. ….”

“ઈશા દોશી, સર….”

“અરે હાં, ઈશા, યુ વર્ક્ડ વિથ જીમી, રાઈટ?”

“યસ સર”

ઈન્ટર્વ્યુ લેનાર આખીય પેનલ પોતપોતાની ફાઈલ માંથી ઈશાનો બાયોડેટા શોધી વાંચવામાં વ્યસ્ત થઈ ગઈ. હોલમાં ચૂપકીદી છવાઈ ગઈ. ઈશા એ પેનલને જોઈ રહી… બધાંય પોતાની યુવાની વટાવી ચૂકેલા વયસ્ક લોકો હતાં, લગભગ પંચાવન સાહીંઠની આસપાસ હશે…

“હલો ઈશા, આઈ એમ આર સુબ્રમણ્યમ, વાઈસ ચાન્સેલર, જીઆરઆરયૂ, અને અહીં એડવાઈઝર….”

“નમસ્તે સર…”

“તો મિસ દોશી, તમારા પ્રોજેક્ટ વિશે અમને જણાવો…”

“સર, પી એચ ડી માટે મારો પ્રોજેક્ટ હતો એક એવા હ્યુમનોઈડ રોબોટનું નિર્માણ જેના કરોડરજ્જુના બધાંજ સૂક્ષ્મતમ ભાગો મનુષ્યના કરોડરજ્જુની પૂરેપૂરા સમાન હોય, ફક્ત દેખાવમાં નહીં, કાર્યમા પણ. ફ્લેક્સીબલ સ્પાઈન હ્યુમનોઈડ રોબોટના નિર્માણને દસ દસ વર્ષ થયા પછી પણ વિશ્વના મહાનતમ રોબોટીક્સ નિષ્ણાંતો આ અંતિમ બાકી રહેલી કોયડા સમી શોધ એવી મનુષ્યના સ્પાઈનની રેપ્લિકા હ્યુમનોઈડ રોબોટ માટે સર્જી શક્યા નહોતા. અમે મનુષ્ય કરોડરજ્જુની પૂરેપૂરી એનોટોમી હ્યુમનોઈડ રોબોટ માટે સર્જી. અને એ સર્જન અને સંશોધનના પાંચ વર્ષ ત્યારે પૂરેપૂરા સફળ થઈ ગયા જ્યારે અમારા ગાઈડ અને રોબોટીક્સના વિશ્વપ્રસિધ્ધ વૈજ્ઞાનિક ડો. જીમી આલ્બર્ટને ફાઈનલ હ્યુમનાઈઝીંગ ઓફ રોબોટ રિસર્ચ માટે વર્ષ ૨૦૩૫નું નોબેલ પ્રાઈઝ મળ્યું, એમની શોધમાં આસિસ્ટન્ટ તરીકે રહેવાનું ગૌરવ મને મળ્યું, અને મારી શોધ એમની આ મહાન ઉપલબ્ધિમાં એક ભાગ બની રહી.”

“તમારી શૈક્ષણિક કારકિર્દી ખૂબ શાનદાર છે, કોમ્પ્યુટર સાયન્સમાં બી.ઈ., મેકેનો-ઈન્ફોર્મેટીક્સમાં માસ્ટર્સ અને ઉપરથી આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સમાં પી.એચ.ડી., કદાચ વીસ પચીસ વર્ષ પહેલાંના ગુજરાતમાં તમે હોત તો તે સમયની માન્યતાઓએ તમને ગુજરાતમાં ન રહેવા દીધાં હોત, અમેરીકા કે બ્રિટનના કોઈક મલ્ટિનેશનલ યુનિટને તમારી સેવાઓ આપી રહ્યાં હોત, પરંતુ તમારા પી.એચ.ડી પછી અનેક દેશોના રોબોટીક્સ મિશન માટે પ્રસ્તાવો હોવા છતાં તમારો અહીં, ગુજરાતમાં જ વસવાનો વિચાર મને ખૂબ ગમ્યો. તમારા થીસીસના – પ્રોજેક્ટના રિઝલ્ટસ આંતરરાષ્ટ્રીય રોબોટીક્સ એજન્સીએ કોઈ ફેરફાર વગર સ્વિકાર્યા અને અપનાવ્યા એ જાણીતી વાત છે…. અને એક ભારતીય હોવાને નાતે મને એ વાતનો ગર્વ છે, પરંતુ ….”

બધાં ઈશાની સામે એકીટશે જોઈ રહ્યાં, આ ભાર અપેક્ષાઓનો હતો કે સહાનુભૂતિનો એ ઈશાની સમજની બહાર હતું.

“પરંતુ ઈશા…. તમને આ ક્ષેત્રમાં કામનો કોઈ અનુભવ નથી. અમારે જે સ્થાન માટે અહીં ઉમેદવારની પસંદગી કરવાની છે તેની જરૂરતો દર્શાવતી વખતે અમે ખૂબ સ્પષ્ટતાથી લખ્યું છે કે ફ્લેક્સીબલ સ્પાઈન હ્યુમોનોઈડ રીસર્ચમાં તેમનો અનુભવ ઓછામાં ઓછો પાંચથી સાત વર્ષ હોવો જોઈએ, જ્યારે તમનેતો અભ્યાસ સિવાયનો કોઈ અનુભવ નથી. વિલ યૂ પ્લીઝ ટેલ મી કે તમને આ સ્થાન માટે કઈ રીતે લાયક ગણી શકાય?”

“સર…” ઈશાના અવાજમાં તેના આત્મવિશ્વાસનો રણકો સ્પષ્ટપણે સાંભળી શકાતો હતો… “જો મારો અનુભવ જ મને આ જગ્યા માટે યોગ્ય બનાવી શકતો હોય તો હું પાંચ વર્ષ પછી ફરી પ્રયત્ન કરવા તૈયાર છું, પણ એ દરમ્યાન આલ્બર્ટ સરના સજેશન્સ અને મારા રીસર્ચવર્કનો ઉપયોગ બધે થવા માંડશે. હ્યુમોનોઈડ્ની રચના સ્પાઈનની રેપ્લિકા વગર અધૂરી છે એ તો આપ સૌ જાણો જ છો, મારા રીસર્ચના તારણ કરતા હું પોતે એ તારણો સાથે વધારે ઉપયોગી થઈશ. હું બીજા કોઈ દેશમાં જઈને આ અનુભવ વહેંચવાની નથી. અહીં નહીં તો ક્યાંય નહીં એ મેં મારી જાતને કરેલ પ્રોમિસ છે. આ અદભુત પ્રોજેક્ટને તમે શા માટે મોડો કરવા માંગો છો? સર, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ સ્થાન માટે હું યોગ્યતા ધરાવું છું, અને અનુભવની બાકી રહેલી ખામી તમારા બધાંના માર્ગદર્શનથી પૂરી થઈ જશે…. બરાબર છે ને મેડમ?”

અવસ્થિ મેડમ પ્રત્યે ઈશાને તેના કોલેજકાળથી જ લગાવ હતો, હવે તેઓ અહીં સીનીયર રિસર્ચ એનાલિસ્ટની જોબ કરી રહ્યાં હતાં. કોલેજકાળના આઠ વર્ષ પછી પણ એ લગાવ હજુ એવો જ હતો, તો સામે પક્ષે શ્રીમતી અવસ્થિને પણ પોતાની એ હોનહાર ચબરાક વિદ્યાર્થિની પ્રત્યે ખૂબ અપેક્ષાઓ હતી.”

“યસ ઈશા, સાચી વાત છે, પણ રોબોટિક્સનું ક્ષેત્ર એક અલગ વિશ્વ છે, અહીં આઈ એચ આર એલમાં નોકરી કરવી એટલે આઠ કલાકનો દિવસ એમ નહીં. અહીં તને રોકવા ટોકવાવાળુ કોઈ નહીં હોય, તું કેટલા કલાક કામ કરે છે, કરે છે કે નથી કરતી એ કોઈ ધ્યાન રાખવાનું નથી, થીસીસની જેમ અહીં કોઈ નક્કી ટાર્ગેટ તારે પૂરા કરવાના નથી, પણ અહીં કામ કરનારા દરેકનું એક ધ્યેય છે. એક સ્વપ્ન છે, એ કામથી ખૂબ વિશેષ છે. હું માનું છું કે ટાર્ગેટ અને એઇમ એ બે શબ્દોમાં આભ જમીનનું અંતર છે, ટાર્ગેટ મેળવવો પડે છે, એ મેળવવા કેટલાય લોકો તમને ધક્કા મારશે, મજબૂર કરશે, જ્યારે ધ્યેય મેળવવાની ઈચ્છા અંદરથી થવી જોઈએ, કોઈ ન કહે તો પણ કોઈ આંગળી ન ચીંધે તો પણ એ રસ્તે ચાલવાની મરજી હોવી જોઈએ.

શું તું એ માટે તૈયાર છે ઈશા? તારા દિવસ રાત એક થઈ જશે, અંગત જીવન જેવી કોઈ વસ્તુ નહીં રહે અને અથાગ મહેનત પછી પણ સફળતાની કોઈ ગેરેંટી નથી, કેટલા વર્ષે આ સિધ્ધિ મળશે, અને મળશે કે નહીં એ પણ ખાત્રી નથી. તારી સામે જીવન હજુ ઉઘડી રહ્યું છે, અહીં આવનારાઓમાં ને કામ કરનારાઓમાં તું સૌથી નાની અને બિન અનુભવી હોઈશ. આ રાજમાર્ગ નથી, જંગલમાં એક નવો રસ્તો, નવી કેડી કંડારવાની વાત છે. શું તું એ માટે તૈયાર છે?”

આખાય ખંડમાં શાંતિ પથરાઈ રહી, બધાંય ઈશાને જોઈ રહ્યા, બધાં તેનો પ્રતિભાવ સાંભળવા ઉત્સુક હતાં

“મેડમ, રોબોટીક્સ મારા લોહીમાં છે, મારા પપ્પાનું સ્વપ્ન પૂરૂં કરવાની મારી જવાબદારી છે, છેલ્લા બાર બાર વર્ષોથી એ જ સ્વપ્નને હકીકત કરવાની બધી જરૂરતો હું લઈને આવી છું, અને તમે જે કહ્યું એ બધુંય હું બાર વર્ષોથી પાળી જ રહી છું, મારા માતા પિતા નથી, પણ એક ધ્યેય ચોક્કસ મૂકી ગયા છે, જેના સહારે હું જીવું છું. બધા કહે છે હું ઓવરકોન્ફિડન્ટ છું, પણ મેડમ, આત્મવિશ્વાસ અને અભિમાન વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા હોય છે. રહી અનુભવની વાત, તો તમારા બધાંયનો અનુભવ મને મદદ કરશે, પણ આ નોકરી વગર હું અધૂરી છું, આજે નહીં તો કાલે, મારે અહીં જ પહોંચવુ છે.”

“મિસ દોશી, હું છું ડિઝાઈન અને અનાટોમી વિભાગનો સેનાપતિ. તમારો કોન્ફિડન્સ મને ગમ્યો, કામ કરવાની તમારી ઉચ્ચ ભાવનાનો હું આદર કરું છું, પણ હવેનો રસ્તો અને અત્યાર સુધી તમે ચાલ્યા એ, બે રસ્તા અલગ છે. અત્યાર સુધી તમે જેના વિશે સંશોધન કર્યું એ હવે અમે લોકો એક વસ્તુ તરીકે ઉત્પાદિત કરી આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાના છીએ, અને જ્યારે જ્યારે વેચાણનો સવાલ હોય ત્યારે ગ્રાહકની અનુકૂળતા મુખ્ય સ્થાને આવે. એટલે બની શકે કે તમારા કેટલાક સંશોધનો નકામા નીવડે. તમારે હવે એ રોબોટને એક વસ્તુ તરીકે જોવાનો છે, તેની ઉપયોગીતા અને સલામતી તેની વેચાણ માટેની મુખ્ય યોગ્યતાઓ છે એ વાતનું સત્તત ધ્યાન રાખવાનું છે. અમારે રીઢા અનુભવીની નહીં, તરવરીયા જોશીલા જોમની જરૂર છે…. આશા રાખીએ કે એ તમારામાં અમને મળી રહે અને તમારા પર મૂકેલો અમારો વિશ્વાસ એળે ન જાય…… “

“અમને પાંચ મિનિટ આપો, તમને ફરી બોલાવીએ છીએ.” એચ આર ડિપાર્ટમેન્ટના હેડ બોલ્યા.

ઈશા બહાર નીકળી અને થોડીક ક્ષણો થઈ કે તરત તેને પાછું અંદરથી તેડું આવ્યું, આ વખતે દરવાજા પાસે જ ઉભેલા અવસ્થિ મેડમે તેનું સ્મિતથી સ્વાગત કર્યું.

“ઈશા, કોન્ગ્રેચ્યુલેશન. તું આવતીકાલથી અમને એઝ સીનીયર સાયન્ટીસ્ટ જોઈન કરી શકે છે. વેલકમ ટુ ઈન્ડીયન હ્યુમોનોઈડ રિસર્ચ લેબોરેટરી”

“થેંક્સ એવરીવન …” એટલું બોલીને ઈશા બહાર આવી. વેઈટીંગ હોલમાં અન્ય સ્થાનો માટે આવેલા લોકો માંથી મોટાભાગના ઉમેદવારોના ઈન્ટર્વ્યુ પૂરા થઈ ગયાં હતાં. માંડ ત્રણ ચાર જ લોકો હતાં. એક ખૂણામાં આશુતોષ ઉભો બારીની બહાર પ્રેમાલાપમાં વ્યસ્ત ચકલા ચકલીને જોઈ રહ્યો હતો. ઈશા પાછળથી દોડતી આવી અને તેને વળગી પડી.

“આશુ, ગેસ વોટ? તું અત્યારે આઈ એચ આર એલની સીનીયર સાયન્ટીસ્ટ સાથે વાત કરી રહ્યો છે. અને હું તને કહું… અત્યારથી મારા ઓટોગ્રાફ લઈ લે. એક વખત હ્યુમોનોઈડ બનાવી લઈશને.. પછી લાઈન લાંબી થઈ જશે તો તારો નંબર નહીં આવે…”

“એટલે …”

“એટલે મને જોબ મળી ગઈ….”

“અભિનંદન ઈશા….”

“આમ સાવ કંજૂસ જેવું ન કરીશ…. તારે આજે સાંજે પાર્ટી આપવી પડશે”

“ઓ કે…. ચોક્કસ”

* * * *

“ઈશા, તને યાદ છે આપણી પહેલી મુલાકાત? “

“…??…”

“અરે હાં, તને ક્યાંથી યાદ હોય, કારણકે મેં તને પહેલી વખત, ફર્સ્ટ યરમાં જોઈ હતી, ત્યારે તું સ્ટેજ પર હતી, યાદ છે તેં પેલું ગીત ગાયેલું… ‘ જાને ક્યૉં લોગ પ્યાર કરતે હૈ..’ તેં કદાચ બસો ત્રણસોની ભીડમાં મને ન જોયો હોય, પણ મેં તો…”

“આશુ પ્લીઝ, એ યાદ જ ન કરાવતો, એ ગીત તો પેલા બબૂચક મોન્ટીએ બગાડી નાખેલું, મારી સાથે કેવા ભેંસાસુર રાગમાં ગાતો હતો? યાદ છે?”

“યાદ છે… ” આશુ થોડુંક અટક્યો, જગમાંથી ગ્લાસમાં થોડુંક પાણી લઈ એણે પીધું, પછી થોડોક સ્વસ્થ થયો અને બોલ્યો,

“ઈશા, મને ખબર છે કે કોલેજ સમયથી આઈ.એચ.આર.એલ. માં જવાનું તારું સપનું હતું, એના માટે તે ખૂબ મહેનત પણ કરી છે, દિવસ રાત એક કર્યા છે… વર્ષો વીતી ગયાં પણ તું થાકી નહોતી. આખરે તેં તારી મંઝિલ મેળવી લીધી….”

“ના આશુ, આ મંઝિલ નથી, આ તો સાચો રસ્તો મળ્યો છે… જીવનને એક ધ્યેય મળ્યું છે, અને હવે એ જ જીવવાનું છે…” ઈશા આમ બોલતા વિચારોમાં ખોવાઈ ગઈ.

“ઈશા, મારા જીવનનું પણ એક ધ્યેય છે, મંઝિલ છે, અને એ છે તને જીવનસાથી તરીકે મેળવવાનું, મારા જીવનમાં એક હમસફર તરીકે તારું સ્થાન મેં અવિચળ રાખ્યું છે. મેં તો તને આ વાત ચાર વર્ષ પહેલા કહેલી. આજે ફરીથી કહું છું, હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારા માટે, તારી સાથે જીવવા માટે, કાંઈ પણ કરવા તૈયાર છું. મારે હવે તારો જવાબ જોઈએ છે, ઈશા, શું તું મારી સાથે….”

“આશુ પ્લીઝ, તને ખબર છે આજે મારા માટે કેટલો આનંદનો દિવસ છે, કેટલા વર્ષો પછી એ આવ્યો છે… અને તને એ પણ ખબર છે કે તારા સિવાય આ ઘેલછાએ મારા બીજા કોઈ મિત્રો રહેવા પણ દીધા નથી. પણ હું હજુંય આ સાથ માટે તૈયાર નથી, કદાચ ક્યારેય નહીં થાઊં. મારું કામ, આ ગાંડપણ એ જ મારી જીંદગી છે… અને હું એને જ જીવવા માંગું છું. અને તો પણ એક મિત્ર તરીકે તને ખોવા નથી માંગતી. માં- પપ્પાના અવસાન પછી તું એક જ છે જેને મારી કાળજી લીધી છે, સાચવી છે, આ જો, મારા જીવનના સૌથી મોટા સેલિબ્રેશનમાં પણ એક તું જ છે ને ! પણ આશુ…”

જમવાનું આવ્યું, પૂરું થયું અને બિલ પણ ચૂકવાઈ ગયું.

“ઓ.કે. ઈશા, ચાલ તને ઘરે મૂકી દઊં, કાલથી તારે ઓફિસ જવાનું છે…”

બંને મૂંગા મૂંગા ગાડીમાં ગોઠવાયા અને ગાડી ઈશાના ફ્લેટ તરફ મંથર ગતિએ ચાલી નીકળી.

“અરે આશુ, મારી વાતોમાં તને એ પૂછવાનું તો ભૂલી જ ગઈ કે તારું કામ અને ઓફીસ કેમ ચાલે છે?”

“ચાલે છે, જેમ ચાલવી જોઈએ….”

“તારા મેગેઝિનમાં ઈન્ટર્વ્યુ આપવા તો લોકો પડાપડી કરે છે…. “

“લોકોને પણ સિક્કાની જેમ બે બાજુ હોય છે ઈશા, એક તરફ મોભો હોય છે, અને બીજી બાજુ કિંમત. એ મેગેઝિનને ઈન્ટર્વ્યુ નથી આપતા, લોકોની બીજાના જીવનમાં ડોકીયું કરવાની કાયમની ઘેલછાની રોકડી કરવાની ફિરાકમાં હોય છે… આ દુનિયામાં ખોટા સિક્કા જેટલું સાચું કોઈ નથી, એ બંને તરફથી સમાન તો છે.”

“અરે વાહ, તું તો એન્જીનીયરમાંથી પૂરેપૂરો ફિલોસોફર થઈ ગયો….”

“એન્જીનીયરીંગ અંતે તો ફિલોસોફી તરફ જ દોરી જાય છે ને ? સાયન્સ પણ… દ્રષ્ટિ હોવી જોઈએ.”

ગાડી બ્રેક લાગવાથી ઉભી રહી ગઈ. ઈશા ગાડીમાંથી ઉતરતાં આશુની સામે જોઈ રહી. તેના ચહેરા પર હજી પણ એજ સદાબહાર સ્મિત હતું.

“આશુ, મેં તને દસ વર્ષ પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ કહું છું, હું તારા માટે નથી બની, કોઈ માટે નથી બની. હું મારી ઘેલછા સાથે જીવવા સર્જાઈ છું. આપણા રસ્તા અલગ છે. હું એક પત્નિ બનવાના કોઈ ક્વોલિફિકેશન્સ નથી ધરાવતી…”

“ક્યાંક અનુભવ વગર ચાલી જાય, તો ક્યાંક ક્વોલિફીકેશન્સ વગર ઈશા… બધે બધુંય હોવું જરૂરી તો નથી…”

“તું કોઈક સારી છોકરી જોઈ ને લગ્ન કરી લે આશુ, મારી પાછળ જીવન ન બગાડ. તું કહેતો હોય તો હું છોકરી શોધી આપું. અત્યારે તો તું મોસ્ટ એલિજીબલ બેચલર છે. લોકો મને ધૂની કહે છે, હું નથી ઈચ્છતી કે તને પાગલ કહે. હું તને સુખી જોવા ઈચ્છું છું, ખુશ જોવા ઈચ્છું છું આશુ, મારી પાછળ સમય ન વેડફીશ, મારું ધ્યેય અલગ છે, નક્કી છે અને તને ખબર છે એ ચિત્રમાં તું નથી.”

“તું તારી જોબ, તારું રોબોટિક્સ છોડી શકે?”

“ક્યારેય નહીં…”

“તો હું મારું ધ્યેય કેમ છોડી શકું ઈશા? આ છોકરી વગર હું અધૂરો છું, આજે નહીં તો કાલે, મારે તારી સાથેનું જીવન જ પામવુ છે. નહીંતો તારી સફળતાઓમાં ખુશ થવું એ પણ એક અવસર જ છે ને !”

ગાડી જતી રહી, ઈશા અન્યમનસ્કપણે ઉભી રહી, વિચારતી રહી…. આ એ જ આશુતોષ છે જેણે દરેક સંજોગમાં તેનો સાથ આપ્યો, અરે એ મને ચાહે છે એ વાતનો ખ્યાલ પણ મને છ વર્ષે આવ્યો, તેણે કદી જતાવ્યું નથી, પોતાના પ્રેમનો હક માંગ્યો નથી, અરે સામે હું તેને પ્રેમ કરું એવું પણ કદી માંગ્યું નથી, મેં તો તેને કદી મહત્વ આપ્યું નથી, એક મિત્રથી વિશેષ કદી તેને જોયો નથી… હું ક્યાંક તેની સાથે કાંઈક ખોટું તો નથી કરી રહી ને?” ….. ઈશાના મનમાંથી એક દીર્ઘ નિશ્વાસ નીકળી ગયો. ‘કાશ ! હું બીજી છોકરીઓની જેમ જીવી શકી હોત, તો આજે તેની પત્નિ હોત, અમારૂં ઘર હોત, કદાચ બાળકો… પણ ઈશા દોશીનું કોઈ અસ્તિત્વ એમાં ન રહ્યું હોત, મારું ધ્યેય ચૂકી જવાત, અને એ હું કરી ન શકું, કદાપી નહીં….” ઈશા ફ્લેટ તરફ આગળ વધી.

* * * * *

ડો. વિનોદ મલિક કે જેઓ આ પ્રોજેક્ટના ટીમ લીડર હતા, તેમના વડપણ હેઠળ પ્રથમ મીટીંગ યોજાઈ. આઈ.એચ.આર.એલનો આખોય સ્ટાફ અહીં હતો.

“આપણી ટીમ હવે સંપૂર્ણ છે, વિશ્વના મહાનતમ નિષ્ણાંતો આપણી પાસે છે, તો આ ક્ષેત્રના અભ્યાસમાં ઉચ્ચસ્થાન ભોગવનારાઓ પણ આપણી સાથે જોડાયા છે. સાધનો, પૈસા, ટેકનીકલ અને પ્રેક્ટીકલ નોલેજ એ બધુંય આજે ઉપલબ્ધ છે. અને ભારત એક સંપૂર્ણ માનવીય રોબોટના ઔદ્યોગિક ઉત્પાદનની આડે હવે કાંઈ સાંખી લે તેમ નથી. એના માટે જેટલી મહેનત કરવી પડે આપણે બધાંએ કરવાની છે, આ યશની રેખાઓ આપણા હાથમાં છે, એને સરકવા દેવાની નથી. તો આજથી આપણે બધાંય એ કામમાં લાગી જઈએ. શરૂઆત કરીએ આ પહેલાના હ્યુમોનોઈડ રોબોટના નિષ્ફળતાના કારણો પર અને ડો. જીમી આલ્બર્ટના રિસર્ચ રીઝલ્ટ પર. ઈશા દોશી આપણી સાથે છે એટલે ડો. જીમી આલ્બર્ટના તારણો સમજવામાં એ આપણને ખૂબ મદદરૂપ થશે.” ડો. મલિક શરૂઆત કરતા બોલ્યા.


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “મારી પ્રથમ નવલકથા – જિજ્ઞેશ અધ્યારૂ