ત્રણ ગઝલો – જલન માતરી 9


૧. સહી નથી

મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર,
કુરઆનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી.

ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.

(સુખનવર શ્રેણી પૃ. ૭)

૨. અડ્ડો જમાવી બેઠો છે

આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ?
પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ?

ઇમાન વેચનાર છે, આરામથી ખુદા.
ખાતો રહે છે ઠોકરો ઇમાનદાર કેમ?

નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે,
તુજ મે’રબાનીના ખુદા આવા પ્રકાર કેમ?

ઇમાનદારી છોડવાનો છે સમય હવે
આવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ?

અડ્ડો જમાવી બેઠી છે વર્ષોથી પાનખર,
ભૂલી ગઈ છે બાગને મારા બહાર કેમ?

લેવા જવાબ ઓ ‘જલન’ અહીંથી જવું પડે,
પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ?

(સુખનવર શ્રેણી પૃ. ૨૧)

૩. જિગર મળે

જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે,
દિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે.

નાગણ સમી આ રાત સલૂણી બની રહે,
મુજને ફરી જો તારા મિલનની ખબર મળે.

જીવનમાં એજ આશ છે મન હો તો કર કબૂલ,
દુનિયા મને મળે જો તમારી નઝર મળે.

સંધ્યા ઉષાના તો જ તમાશા થશે ખતમ,
ધરતી મહીં ગગનને જો રહેવાને ઘર મળે.

છે દિલની માંગ કે મળે છુટકારો ગમ થકી
છે ગમથી માંગ એ કે ‘જલન’નું જિગર મળે.

– જલન માતરી

કેટલીક સદાબહાર ગઝલો, કોઈક ગઝલના શે’ર સમયની સાથે સાથે કહેવતોનું, લોકોક્તિઓનું સ્વરૂપ લઈ લે એટલા સચોટ અને મર્મવેધી હોય છે. આપણી ભાષાના આવા જ કેટલાક નમૂનેદાર શે’ર આપણને શ્રી જલન માતરી પાસેથી મળ્યા છે. શ્રી ચિનુ મોદી અને શ્રી કૈલાસ પંડિત દ્વારા સંપાદિત શ્રી જલન માતરીનો ‘સુખનવર શ્રેણી’ (૧૯૯૧) એ ગઝલસંગ્રહ આવી ગઝલોનો ભંડાર છે. એ જ સંગ્રહમાંથી આજે ત્રણ સુંદર ગઝલો પ્રસ્તુત છે.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “ત્રણ ગઝલો – જલન માતરી