સંત સાહિત્યના તત્વદર્શનમાં, સાધનાધારાના સિદ્ધાંતોમાંની ગૂઢ વાણીનું, રહસ્યાત્મક વાણીનું જેણે ખૂબ મનન ચિંતન કર્યું છે, અનેક યાત્રાસ્થાનો – સંસ્કારસ્થાનોનું વિચરણ કરીને એના વિશે પ્રમાણભૂત હ્રદયનો ઉદગાર – અહેવાલ આપ્યો છે, એ વૃતાંત એટલા રસાળ છે કે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેને રૂપાળું અને રમણીય ગદ્ય કહે છે તેનો ઉત્તમ નમૂનો છે. ઘણાં સમયથી ગંગાસતી વિશેનું તેમનું ચિંતન આપણી સમક્ષ જુદી જુદી રીતે આવે છે. હમણાં વેદ ના – ઉપનિષદના દોહનરૂપ ગ્રંથો પણ એમણે આપ્યા, એવા ભાણદેવજી મોરબીની નજીક મચ્છુડેમને કિનારે, સરસ્વતિ નિકેતનમાં કાયમી સ્થાયી થયા છે. સાધના, પૂર્વાશ્રમમાં શિક્ષકનો પ્રત્યક્ષ અનુભવ સાધનામાં ક્યાં ખેંચી જાય અને કેટલું પ્રમાણભૂત, તલસ્પર્શી અને તલાવગાહી નિજ અનુભવનું રસાયણ તેમની પાસેથી મળે એ તેમના ગ્રંથો વાંચીએ ત્યારે ખ્યાલ આવે. આપણી સમક્ષ આવા એક શ્રદ્ધેય અભ્યાસી, અનુભવપૂત અર્થઘટનને પ્રસ્તુત કરવાના છે – ગંગાસતીની વાણી નિમિત્તે. આદરણીય ભાણદેવજીને તેમનું ચિંતન મનન પ્રસ્તુત કરવા વિનંતિ કરું છું.
ભાણદેવજી –
આ સુંદર પૃથ્વી પર અતિ પ્રાચીન કાળથી મીરાઓ પ્રગટતી રહી છે, વેદકાળમાં મીરાંઓ આવી છે, ગાર્ગી, મૈત્રેયી, વાકઅમ્બ્રુણી, અપાલા, સૂર્યા, ઘોષા, વિશ્વવારા. આજથી સત્યાવીસસો વર્ષ પહેલા ઈ.સ. પૂવે ૭મી સદીમાં સોક્રેટીસથી પણ પહેલા ગ્રીસમાં એક મીરાં જન્મી, સૈફો. સ્પેનમાં અવિલન ના કિલ્લામાં એક મીરા જન્મી થેરેસા, દક્ષિણમાં એક મીરાં જન્મી આંડાળ, કાશ્મીરમાં એક મીરા જન્મી લલ્લેશ્વરી, કર્ણાટકમાં એક મીરાં જન્મી અકમહાદેવી, રાજસ્થાનમાં એક મીરા જન્મી મીરાબાઈ અને સૌરાષ્ટ્રમાં એક મીરાં જન્મી ગંગાસતી, જ્યારે હું ગંગાસતીને સૌરાષ્ટ્રની મીરા કહું છુ ત્યારે કેટલાક મિત્રો મને ઠપકો આપે છે કે મીરાં સાથે કોઈની તુલના ન હોય, ત્યારે કહેવાનું મન થાય છે કે ‘તો હજી ગંગાસતીને સમજવાનું બાકી છે.’ મનમાં એક તુક્કો આવે છે, સંકલ્પ નથી, તુક્કો છે કે ગંગાસતીના બાવન ભજન પર બાવન ગ્રંથોની રચના કરું, એક્કેક ભજનો પર એક્કેક ગ્રંથ, એક્કેક શબ્દ પર એક્કેક પ્રકરણ થાય તો ગંગાસતી સમજાય. ગંગાસતીના બાવન ભજનો એ બાવનની બહાર જવાના એકેક સોપાન છે. ગંગાસતી કેમ સમજાતા નથી? આપણે તેને સાહિત્યિક દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ગંગાસતી સાહિત્યકાર નથી, સંત છે, તેમને સમજવા આધ્યાત્મિક દ્રષ્ટિકોણ જોઈએ. જેમ ઉપનિષદને સમજવા ઉપનિષદના ઋષિએ બતાવેલ માર્ગ પર થોડા પગલા માંડવા જોઈએ, એમ ગંગાસતીને સમજવા તેમના સૂચીત માર્ગ પર પગલા મૂકીએ તો ગંગાસતી સમજાય. ગંગાસતી જ્ઞાનમાર્ગનું અનુષ્ઠાન કરીને બ્રાહ્મ્ય સ્થિતિને પામ્યા. યોગમાર્ગનું અનુષ્ઠાન કરીને નિર્વિકલ્પ સમાધિને પામ્યા, ભક્તિમાર્ગનું અનુષ્ઠાન કરીને પ્રેમલક્ષણા ભક્તિને પામ્યા અને સંતમાર્ગનું અનુષ્ઠાન કરીને વચન વિવેકને સિદ્ધ કર્યા, આ બધાં માર્ગમાં ગંગાસતી પારંગત થયા એટલે એમની વાણીમાં અપરંપાર ગૂઢ શબ્દો છે. મધનો સ્વાદ કેવો, જેણે કદી મધ ચાખ્યું ન હોય એને મદનો સ્વાદ સમજાવી આપો, એ અશક્ય છે. મધનો સ્વાદ સાકર જેવો? ખાંડ જેવો? ગોળ જેવો? શીરા જેવો? મધનો સ્વાદ ત્યારે જ સમજાય જ્યારે મધ ચાખવામાં આવે એ સિવાય એ સમજવાનો કોઈ ઉપાય નથી, ગંગાસતીને સમજવા અધ્યાત્મ પથ પર પગરણ મૂકવા જોઈએ ત્યારે તે સમજાય. અભ્યાસે જીતવો અપાન એટલે શું? જેને અભ્યાસે અપાન જીત્યો હોય તેને ખબર પડે, એનો અર્થ ગુજરાતી વિશ્વકોષમાં કે ભગવદગોમંડળમાં ન મળે, એ અર્થ અંદરથી સમજાય. એટલે ગંગાસતી નથી સમજાતા અને ગંગાસતી સમજાશે ત્યારે ત્યારે સિદ્ધ થશે કે ગંગાસતીએ સૌરાષ્ટ્રની મીરાં નથી, સવાઈ મીરા છે. ગંગાસતીના શબ્દોમાં એમના ભજનોમાં, બાવન ભજનોમાં અપરંપાર ગૂઢ શબ્દો છે. એમાંના એકતાલીસ શબ્દો પસંદ કરી એમનું રહસ્યોદઘાટન કરવાનો આ વ્યાખ્યાનનો ઉપક્રમ છે. સમયની પાબંધી અનુસાર જેટલા શન્બ્દો થશે તેટલા આપણે લઈશું.
ગંગાસતીમાં ગૂઢ અર્થ છે, ગંગાસતીનું મૂળનામ તો ગંગાબાઈ છે, તો સતી શબ્દ ક્યાંથી આવ્યો? ગંગાસતી શા માટે? મૂળનામ તો ગંગાબાઈ છે, તો સતી કેમ કહેવાય છે? બાવનેય ભજનોના નામાચરણમાં ગંગાસતી એવો શબ્દ છે, ગંગાબાઈ માંથી ગંગાસતી કેમ થયું? એનું પણ રહસ્ય છે, સંતવાણીના બે શબ્દો છે, જતી અને સતી. જતી એટલે આત્મા, સતી એટલે આત્મામાં સ્થિર થયેલી સુરતા. સુરતા બે પ્રકારની છે, સંસારમાં ભટકતી હોય એ સૂરતા ગણિકા છે, જ્યારે એ સુરતા આત્મામાં સ્થિર થાય ત્યારે સતી કહેવાય છે. અને જ્યારે અને જેની સુરતા આત્મામાં સ્થિર થઈ તે પણ સતી કહેવાય છે એ અર્થમાં ગંગાબાઈ ગંગાસતી છે.
શબ્દ ૨ – મેરુ
ભજન ૧ – મેરુ રે ડગે જેના મન ન ડગે, મરને ભાંગી રે પડે ભરમાંડ.
ગંગાસતી પહેલા જ ભજનમાં કહે છે કે પાનબાઈ, મેરુ તો ડગે પણ મન ન ડગે, એ શા માટે એમ કહે છે? શ્રીમદ ભગવદગીતામાં ભારતીય અધ્યાત્મ પરંપરાનો પૂરો અધ્યાત્મપથ આપ્યો છે, પહેલું સુપાન કેવું છે? શ્રીમદ ભગવદગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને અધ્યાત્મનું પહેલું સોપાન કયું કહે છે? પાર્થ, ‘બુદ્ધિયોગં દદામી તે’, હું તને બુદ્ધિયોગ આપું છું, બુદ્ધિયોગ પ્રથમ સોપાન, પછી તો ઘણાં આવે, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ સમર્પણયોગ, ગીતામાં બધું જ છે. પણ કર્મયોગ શરૂ કરતાં પહેલા બુદ્ધિયોગ આપે છે તો બુદ્ધિયોગ અધ્યાત્મપથનું પહેલું સોપાન છે. બુદ્ધિયોગ એટલે શું? પહેલા તો બુદ્ધિ એટલે શું? યોગ શાસ્ત્રમાં બુદ્ધિની વ્યાખ્યા છે, ‘નિશ્વયાત્મિકા વૃત્તિઃ બુદ્ધિઃ’ – નિશ્ચય થાય, મનની જે ફેકલ્ટી નિશ્ચય કરે તેને બુદ્ધિ કહેવાય, પણ બુદ્ધિ બુદ્ધિયોગ ક્યારે બને? જ્યારે અધ્યાત્મપથ પર મારે પગરણ મૂકવા છે એવો દ્રઢ સંકલ્પ થાય તેને બુદ્ધિયોગ કહેવાય. અને દ્રઢ સંકલ્પ હોય તો જ ચાલી શકાય નહીં તો આ તો વીરોનો માર્ગ છે. અધ્યાત્મ તો વીરોનો માર્ગ છે, એ ચાલવા માટે વચ્ચે એવા માર્ગ – એવા ચઢાન આવે કે ભલભલાના છક્કાં છૂટી જાય, એટલે ગંગાસતી બુદ્ધિયોગ કહે છે – પહેલા જ ભજનમાં, મેરુ રે ડગે જેના મન ન ડગે એમ થયું છે પાનબાઈ? તો ચાલો… બુદ્ધિયોગ સ્થિર થાય એ પહેલા ભજનમાં ‘મેરુ રે ડગે જના મન ના ડગે મરને ભાંગી રે પડે ભરમાંડ’ એ ગંગાસતી પાનબાઈને બુદ્ધિયોગ સમજાવે છે, જે બુદ્ધિયોગ ભગવાન કૃષ્ણે અર્જુનને સમજાવ્યો હતો તે જ.
આ શબ્દનો બીજો અર્થ પણ છે, મેરુ એટલે શું? કરોડરજ્જુને યોગની ભાષામાં મેરુદંડ કહેવયા છે, અહીં મેરુ પર્વત છે એની વચ્ચેથી ઈંગલા – પિંગલા – સુષુમણા નીકળે છે, જ્યારે કુંડલીની શક્તિનું જાગરણ થાય ત્યારે મેરુદંડ હચમચી જાય, મેરુ રે ડગે – મેરુ ડગશે ત્યારે મેરુદંડ હચમચી જશે તો પણ મન ન ડગવું જોઈએ – મરને ભાંગી રે પડે ભરમાંડ – ભરમાંડ એટલે શું? આ શરીર જ બ્રહ્માંડ છે = પિંડે સો બ્રહ્માંડે – એટલે મેરુ તો ડગે પણ, મેરુ દંડ હચમચી જાય તો પણ મન ન ડગે, મરને ભાંગી રે પડે ભરમાંડ – શરીરના ભલે ટુકડા થાય પણ પાનબાઈ પાછા વળવું નહીં – આ પહેલા શબ્દનો અર્થ.
શબ્દ ૩ – સતસંગ
ભજન ૧ – ભાઈ રે નિત્ય રહેવું સતસંગમાં ને જેને આઠે પહોર આનંદ રે
આ સતસંગ એટલે શુ? ડેલીમાં બેઠા બેઠા થોડીક વાતું કરીયે – ગપ્પા મારીએ એટલે સતસંગ થઈ જાય? ના, સતસંગનો એવો અર્થ નથી, અંદર જે સત બેઠો છે એનો સંગ તે સતસંગ છે, અંદર એક આતમ તત્વ બેઠું છે એ સત છે, એમાં નિત્ય ડૂબકી મારવી પાનબાઈ, નિત્ય રહેવું સતસંગમાં એટલે રોજ એ આત્મતત્વનો, સત તત્વનો સંગ કરવો એ સતસંગનો અર્થ છે.
શબ્દ નંબર ૪ – તુરીયાનો તાર,
ભજન ૨, ભાઈ રે આઠો પહોર મનમસ્ત રે’વે જેને જાગી ગયો તુરીયાનો તાર
આ તુરીયા શું છે? યોગસૂત્રમાં માનવ ચિત્તની ચાર અવસ્થાઓનું વર્ણન છે, જાગૃત અવસ્થા, નિંદ્રાવસ્થા, સ્વપ્નાવસ્થા આ ત્રણનો તો સૌને અનુભવ છે જ. એ ત્રણથી પાર એક ચોથી અવસ્થા છે જેને તુરીયા, ચતુર્થ અવસ્થા કહેવાય છે, ચતુર્થને જ અહીં અપભ્રંશમાં તુર્ય કહ્યું છે, તુર્યનો તાર એટલે આ ત્રણેયથી બહાર નીકળીને જે અવસ્થા છે, ચતુર્થ અવસ્થા, આત્માની અવસ્થા છે તેની સાથે જો તમારો તાર જાગી જાય, તુરીયાનો તાર જાગે, તો આઠેય પહોર મનમસ્ત થઈને રહેવાય. એ તુરીયાનો તાર – ચતુર્થ અવસ્થા થકી જેનું સંધાન થયું એવી સ્થિતિ એમ સમજવું જોઈએ.
શબ્દ ૫ – પદમણી પ્રેમદા
ભજન ૩ – ભક્તિ હરીની પદમણિ પ્રેમદા, રહે છે જે હરીની પાસ.
પદમણિ પ્રેમદા એટલે શું? સંસ્કૃત સહિત્યમાં નાયિકા ભેદનું કથન આવે છે, સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રીઓના ચાર પ્રકાર ગણાવ્યા છે, શંખિણી, ચિત્રણી, હસ્તિની અને પદ્મિની. સર્વશ્રેષ્ઠ સ્ત્રિ હોય, શીલવાન, રૂપવાન, ગુણવાન, જાજરમાન એવી સ્ત્રિને પદ્મિની કહેવાય છે, અહિં પદ્મિનિ ઉપરથી પદમણી શબ્દ બન્યો છે અને પ્રેમદા એટલે પ્રિયતમા, ભક્તિ હરીની પદમણી પ્રેમદા એટલે ભક્તિ પ્રભુની પદમણી પ્રેમદા છે, રહે છે જે હરીની પાસ – ભગવાનની એ પ્રિયતમા છે, ભક્તિ મહારાણી પ્રભુની પ્રિય છે, ભક્તિ પ્રિયતમા છે પણ કેવી – પદ્મિની પ્રિયતમા, ભક્તિ હરીની પદમણી પ્રેમદા રહે છે હરીને જોને પાસ રે – આવો આ પાંચમા શબ્દનો અર્થ છે.
શબ્દ ૬ – અભય ભાવ
ભજન ૩- નિંદાને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે, ત્યારે અભયભાવ કહેવાય રે.
અભયભાવનો અર્થ સમજવા જેવો એ, એક છે અભય, આપણે બધા જાણીએ છીએ, બીજો ભાવ છે નિર્ભયતા, એ પણ જાણીએ છીએ, અભય ભાવ જુદી વસ્તુ છે, નિર્ભયતા નહીં, અભય અને નિર્ભયતા તો સામ સામે છે, દ્વંદ્વ છે. ભય નિર્ભય બન્નેથી અભય પર છે. સિંહ વાઘથી નિર્ભય રહેવું સહેલું છે, પણ નિંદાસ્તુતિથી પર રહેવું એ ઘણું કઠિન છે, કારણકે કીર્તિ માનવીની અંતિમ કમજોરી છે. કીર્તિ માનવીની અંતિમ કમજોરી એટલે અહીં કહે છે ગંગાસતી, નિંદાને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે, ત્યારે અભયભાવ કહેવાય. નિર્ભયતાની વાત નથી, નિર્ભય રહેવુ સહેલું છે, ભયભીત સહેવુ સૌથી સહેલું પણ બન્નેથી પાર એક અભયભાવ છે. ઉપનિષદમાં કહ્યું છે દ્વિતિયા તે ભયં ભવતી, જ્યાં સુધી દ્વિતિયા છે, ત્યાં સુધી ભય છે, કોઈ પણ પ્રકારનો દ્વંદ્વ છે ત્યાં સુધી ભય છે, અહીં એક જ દ્વંદ્વની વાત કરી છે પણ દ્વંદ્વ તો ઘણાં છે અને ઉપલક્ષણ કહેવાય, અનેક વસ્તુઓનું નિરુપણ કરવું હોય ત્યારે, એને બદલે એક કહેવામાં આવે અને બાકીના સમજી લેવાય એને ઉપલક્ષણ કહેવાય, તો રાગ-દ્વેષ, દુઃખ-સુખ, મારું-તારુ, ઉષ્ણતા-ઠંડી આ બધા દ્વંદ્વ છે. એમાંથી એક દ્વંદ્વનું કથન અહીં કર્યુ છે. નિંદા અને સુત્તિ એટલે કે બધા દ્વંદ્વથી જે પર થાય, નિંદાને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે, સુખ દુઃખ જ્યારે સમાન થાય, મારુ તારુ સમતુલ્ય ભાસે, રાગ દ્વેષ સમતુલ્ય થાય્, બધાથી પાર થઈ જવાય ત્યારે અભય ભાવ કહેવાય એમ ગંગાસતી કહે છે.
શબ્દ ૭ – ઉભરો
ભજન ૫ – ભાઈ રે અંતર ભંગ્યા વિના ઉભરો નહીં આવે, પછી તો હરી દેખાય સાક્ષાત રે
આ ઉભરો એટલે શું? તમે કહેશો અમને ખબર છે, ચામાં ઉભરો આવે, દૂધમાં આવે – ના! આપણે નથી જાણતા, ઉભરાની આપણને ખબર નથી, એ પહેલા સ્વીકારી લઈએ. આપણે માની લઈએ છીએ કે આપણું દુખ સમજાઈ ગયું, વિદ્યાર્થી કહેતો હોય કે મમ્મી પપ્પા મને બધું આવડે, પરિણામ આવે ત્યારે ખબર પડે કે તને શું આવડે, એમ આપણે માની લઈએ કે ઉભરો શું એ અમને ખબર છે, પણ ના ખબર નથી, અંતર ભાંગ્યા વિના ઉભરો નહિં આવે, અંતર ભાંગવું એટલે શું? સાધનાનો પ્રારંભ તો અહંકારથી જ થાય છે. સાત્વિક અહંકાર હોય તો પણ એ છે તો અહંકાર, વિભિષણ હોય તો ય છે તો અસુર ને? સાધનાનો પ્રારંભ અહંકારથી જ થાય્, ‘હું’ સાધના કરું છું એવો અહંકાર. મારે સાધના કરવી એ અહંકાર, ‘મારે’ પરમાત્માને પામવા છે, પણ એ બોલે છે તો અહ્ંકાર જ. જ્યારે અહંકાર વિલિન થાય, ત્યારે સાધનાનો અંકુશ, ચાર્જ અહંકારને સ્થાને અંતરાત્મા લઈ લે છે અને ત્યારે ઉભરો આવે છે. જ્યાં સુધી અહંકાર સાધના કરે છે, ત્યાં સુધી ઉભરો આવતો નથી. અંતરાત્માને પરમાત્માને વચ્ચે એક પડદો છે, એ પડદાનું નામ છે અહંકાર. જ્યારે અહંકારનું વિલિનીકરણ થાય ત્યારે અંતરાત્મા પરમાત્માને પામવા માટે ઉછાળા મારે એને ઉભરો કહેવામાં આવે છે અને એ ઉછાળાને ઉભરો કહ્યો છે, એ ઉછાળા મીરાએ જોયા છે, ગંગાસતીએ અનુભવ્યા છે, રામકૃષ્ણ પરમહંસે જોયા છે, લલ્લેશ્વરીએ અનુભવ્યા છે. એ ઉભરો જેને સામાન્ય અર્થમાં ઉભરો કહેવાય તેની વાત નથી, અહંકારનું વિલિનીકરણ થાય ત્યારે ઉભરા આવે એમ અર્થ છે અને પછી શું થાય, પછી તો હરી દેખાય સાક્ષાત રે!
શબ્દ ૮ – શીશ ઉતારો
ભજન ૫ – એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ, તો તો રમાડું બાવનની બહાર
શીશ એટલે આ ધડ પરનું માથું કાપવું એમ નથી, એ કાપવું તો સહેલું છે, કમળપૂજાની વાત નથી, અંદર એક બકરો બેઠો છે, ‘મેં’ ‘મેં’ કરે છે, યજ્ઞમાં બકરાનું બલિદાન અપાય, બકરો એટલે શિંગડાવાળો બકરો નહીં, ‘મેં’ ‘મેં’ બોલતા બકરાની વાત છે, મીનપ્યાસીએ કહ્યું છે, એ “કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા બોલે ચૂં ચૂં ચૂં, છછુંદરોનું છું છું છું, એમ માનવ બોલે ‘હું’ ‘હું’ ‘હું” એ અંદર બેઠેલ બકરા, અહંકારના શીશને કાપવાને ગંગાસતી કહે છે, એમ તમે શીશ ઉતારો એટલે તમે અહ્ંકારને છોડી દો, કબીરે કહ્યું છે ને, “શીશ કાટી ભૂધરે, તાપર રાખે પૈર, પોતાનું મસ્તક પોતાના હાથથી કાપી એના પર પગ મૂકવાની તૈયારી છે?, “પ્રેમ ન બાડી નિપજે, પ્રેમ ન હાથ નિકાય, રજા પ્રજા જેહી ચાહે, શીશ દેહી લઈ જાય” આ સ્થૂળ શીશની વાત નથી, અંદર જે અહંકાર બેઠો છે એના બલિદાનની વાત છે, એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ તો તો રમાડું બાવનની બહાર એમ કહે છે.
શબ્દ ૯, બાવનની બહાર
ભજન ૫ – એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ, તો તો રમાડું બાવનની બહાર
સામાન્ય રીતે આપણે એમ અર્થ લઈએ કે બાવન એટલે બાવન અક્ષરની બહાર, એ અર્થ સાચો નથી, આપને એમ માનીએ કે બાવન એટલે બાવન અક્ષરની બહાર, તો એ પણ શું? માની લીધું કે અક્ષર બાવન છે એટલે બાવનની બહાર, પણ એટલેય શું? એનો એવો અર્થ નથી. સાંખ્યમાં તત્વોની ગણના આવે છે, સાંખ્ય શબ્દનો અર્થ જ છે ‘સમ્યક આખ્યાયતે ઈતિ સાંખ્ય.’ આપણા શરીરના બ્રહ્માંડના તત્વોને ‘સમ્યક આખ્યાયતે’ એટલે સારી રીતે જે ગણના કરે તેને સાંખ્ય કહેવાય, સાંખ્યને અનેક પરંપરા છે, ઈશ્વર કૃષ્ણની પરંપરા, કપિલ ભગવાનની પરંપરા, શ્રીમદ ભાગવતમાંય સાંખ્ય છે, ભગવદગીતામાંય સાંખ્ય છે, સામાન્ય રીતે સાંખ્યમાં ચોવીસ તત્વો છે એમ મનાય છે પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પંચમહાભૂત, પાંચ તનમાત્રા, મન અહંકાર અને મહત આ ત્રેવીસ થયા અને ચોવીસમી મૂળ પ્રકૃતિ છે. અને પચીસમું પુરૂષ આત્મતત્વ, એટલે સાંખ્યમાં આપણે પચીસ તત્વો માનીએ છીએ પણ અતિ પ્રાચીન કાળમાં સાંખ્યની એક એવી પરંપરા મળી આવી છે જેમાં બાવન તત્વો ની ગણના છે, બાવનની બહાર એટલે પ્રકૃતિથી બહાર, પ્રાચીન પરંપરામાં સાંખ્યમાં આ બાવન તત્વો હતા, બાવનની બહાર રમાડું એટલે સાંખ્ય પ્રકૃતિના તત્વોથી પાર આત્મતત્વમાં લઈ જાઊં એવો અર્થ થાય છે.
શબ્દ ૧૦, નવધા ભક્તિ
ભજન ૬ – નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનુંમા વિશ્વાસ
આ નવધા ભક્તિ એટલે શું? શ્રીમદ ભાગવતમાં એક શ્લોક છે જે નવધા ભક્તિમાં પ્રમાણભૂત ગણાય છે અને સર્વત્ર એનો સંદર્ભ મૂકાય છે,
શ્રવણં, કિર્તનં, વિષ્ણુસ્મરણં, પાદ સેવનં,
અર્ચનં, વંદનં, દાસ્યમ, સખ્યમ્, આત્મનિવેદનમ્
આ નવધાભક્તિ છે. રામચરિતમાનસમાં રામચંદ્રજી શબરીને નવધાભક્તિ સમજાવે છે, પ્રથમ ભક્તિ મમ સત પ્રથમ ભક્તિ સંતન કર સેવા” ત્યાં પણ નવધાભક્તિ છે, તો નવધાભક્તિ એટલે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. ગંગાસતી કહે છે નવધાભક્તિમાં નિર્મળ રહેવું, એટલે શું? નવધાભક્તિનું અનુષ્ઠાન નિર્મળભાવે કરવું. કોઈ પણ સાધન બે રીતે થાય છે, વિશુદ્ધ ભાવે અને એને અશુદ્ધ બનાવીને. યોગમાં, સાંખ્યમાં, જ્ઞાનમાં કશી ખબર ન હોય, વેદાંતની જાણ ન હોય અને ‘હું બ્રહ્મ છું’ એમ બોલનર પણ હોય છે, કશી ખબર ન હોય અને હું બ્રહ્મ છું? વેદાંતમાં લખ્યું છે એ સાચું, પણ ‘હું’ બોલે છે કોણ? અહંકાર, અને અહંકાર બ્રહ્મ નથી, આત્મા કહી શકે કે ‘હું બ્રહ્મ છું’, દરેક સાધનને અશુદ્ધ બનાવી શકાય, યોગનો ઉપયોગ પણ ગલત હેતુથી થાય છે. ભક્તિનુ પણ થાય છે, સર્વત્ર એવું થયું છે, એટલે ગંગાસતી લાલબત્તી ધરે છે, પાનબાઈ, નવધા ભક્તિમાં નિર્મળ રહેવું, ભક્તિને નામે આડો અવળો પગ ન મૂકાઈ જાય એની સાવચેતી આપવા માટે કહે છે, નવધાભક્તિમાં નિર્મળ રહેવું એટલું જ નહીં, નવધાભક્તિમાં પરીશીલન દ્વારા નિર્મળ થવું એનો પણ એવો અર્થ થાય છે અને રાખવો વચનું માં વિશ્વાસ રે. ગુરુવચનમાં વિશ્વાસ રાખવાની વાત છે.
શબ્દ ૧૧ અભ્યાસ જાગવો
ભજન ૭ – અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવુ નહીં ને, ન રહેવું ભેદવાદીની પાસ રે
અભ્યાસ જાગવો એટલે શું? આપણને શબ્દની ખબર છે, અભ્યાસ અને જાગવું, પણ અભ્યાસ જાગવો એટલે? જપ કરીએ એ તો કર્તુત્વનું ક્ષેત્ર છે, પણ જપ થવા માંડે, કરવા ન પડે, થવા માંડે, પ્રાણાયામ કરવામાં આવે નાક દાબીને, પણ કેવળ કુંભકની અવસ્થા આવે, કરવો ન પડે ને કુંભક થઈ જાય એને કહેવાય અભ્યાસ જાગવો. ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવન છોડીને મથુરા ગયા તો નારદજીને વિચાર આવ્યો કે લાવ, જોઉં તો ખરો કે વૃંદાવનના વાસીઓની શી દશા છે, એક સાંજે યમુનાને કિનારે સંતાઈને બેઠાં, એક ગોપી જળ ભરવા આવી, ઘડો બાજુમાં મૂકીને ધ્યાનસમાધિમાં બેસી ગઈ, નારદજીએ આવીને પૂછ્યું, “બહેન, તમે કૃષ્ણનું ધ્યાન કરતા હતાં?” “કૃષ્ણનું ધ્યાન કરે મારી બલ્લા, કૃષ્ણને ભૂલવા માટે સમાધિમાં બેઠી હતી, અમારે કૃષ્ણને યાદ ન કરવા પડે, ભૂલવા માટે પ્રયત્ન કરવો પડે.” આ અભ્યાસ જાગવાનું પ્રમાણ છે, અભ્યાસ જાગવો એટલે સાધના અંદરથી ઉછાળા મારે, સાધન કરવું ન પડે, થઈ જાય, ધ્યાનમાં પ્રવેશ કરવા બેસવું ન પડે, તેમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો પડે ત્યારે સમજવું કે અભ્યાસ જાગ્યો છે. પણ ચાલો સમજ્યા કે અભ્યાસ જાગે, પણ જાગે કઈ રીતે? સાધના શરીરથી કરીએ છીએ અને મનથી પણ. યજ્ઞયાગ પૂજાપાઠ કરીએ એ શરીરથી સાધના, મનથી જપ ધ્યાન કરીએ, ત્રીજું તત્વ તેમાં જ્યારે ભળે ત્યારે અભ્યાસ જાગે, એનું નામ છે પ્રાણ. જ્યારે શરીર મનની સાથે પ્રાણતત્વ જોડાય ત્યારે અભ્યાસ જાગે છે અને પછી પરમાત્મા માટે તે અંતરમાંથી ઉછાળા મારે ત્યારે અભ્યાસ જાગે.
શબ્દ ૧૨ – દુબજા નો ડાઘ
ભજન ૯ – જગતના વૈભવને મિથ્યા કરી જાણજોને ટાળી દેજો દુબજાનો ડાઘ રે
દુબજા એટલે દ્વિધા.અધ્યાત્મ પથ પર દ્વિધા એ પિશાચિની છે, દ્વિધા જ્યાં સુધી છે, ગુરુ પરની શ્રદ્ધામાં શંકા છે, પોતાના સાધનમાં શંકા છે, શાસ્ત્રમાં શંકા છે, જ્યા સુધી આ શંકા છે ત્યાં સુધી અધ્યાત્મમાં પ્રાણ પ્રગટતો નથી, ત્યાં સુધી સાધનામાં ચૈતન્ય પ્રગટતું નથી. એટલે ગંગાસતી કહે છે, પાનબાઈ, ટાળી દેજો દુબજાનો ડાઘ, દ્વિધાને ટાળજો, મુક્તિ મેળવજો, જો દ્વિધામાંથી મુક્ત નહીં થાવ તો અધ્યાત્મમાં પ્રાણ પ્રગટશે નહીં, એકનિષ્ઠા, જાતને એમાં હોમવાની તૈયારી જાગે ત્યારે જ દુબજા જાય અને એવી નિષ્ઠા જાગે પછી જ અધ્યાત્મમાં ચૈતન્ય પ્રગટે છે.
શબ્દ ૧૩- આસન જીતવું
ભજન ૧૦, ભાઈ રે ! ખટમાંસ એકાંતમાં આસન જીતવું ત્યારે અડધો યોગ કહેવાય.
આસન જીતવું એટલે શું? બ્રહ્મસૂત્રમાં કહ્યું છે, આસનસ્ય સંભવાત, બેસીને સાધના કરવી જોઈએ, કેમ કે તો જ શક્ય છે, આસન જીતવાના બે અર્થ છે, એક અર્થ છે એક સ્થાને દીર્ઘકાળ સુધી સ્થિરતા પૂર્વક રહેવું, અઠવાડીયું થાય અને પગ ઉપડે તો આસન સિદ્ધ થયું નથી, બીજો અર્થ છે, કલાકો સુધી સ્થિરતાપૂર્વક એક આસને બેસી રહેવું, પગ લાંબા ટૂંકા કરઆ પડે, પાછળ ઓશીકું જોઈએ, આધાર જોઈએ તો આસન સિદ્ધ થયું નથી. સ્થિરતાપૂર્વક દીર્ઘકાળસુધી બેસી રહેવાની શક્તિ એ આસનસિદ્ધિ છે અને દીર્ઘકાળ સુધી એક સ્થાને રહેવાની સ્થિરતા પણ આસનસિદ્ધિ છે અને આવું આસન સિદ્ધ ત્યાય તો અડધો યોગ કહેવાય. વર્ષો સુધી એમાંતમાં એક જગ્યાએ સ્થિરતાપૂર્વક રહેવા માટે ઘણી નિષ્ઠા જૉઈએ છે.
શબ્દ ૧૪ – ગોવિંદ
ભજન ૧૩ – સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા, પ્રત્યક્ષ હસ્તપ્રત માંય રે
આ એક નાનકડો ઈતિહાસ છે, બંગાળમાં કેન્દુલિ નામનું એક સ્થાન ગંગાકિનારે છે, ગંગાને બિલકુલ કીનારે છે, ત્યાં એક કવિ રહે જયદેવ. એમને ભગવાન શ્રીકૃષ્ણને રાધાજીની લીલા વિશે એક ગ્રંથ લખ્યો છે, ગીતગોવિંદ. જેમ ભાગવતમાં શારદીય રાસોત્સવનું વર્ણન છે તેમ ગીતગોવિંદમાં વસંતરાસનું ઉત્સવ છે. લખતાં લખતાં એક શ્લોક આવે છે, અંદરથી વાણી ઉતરે છે, પદ્માવતી, એમના ધર્મપત્નિ એમની સેવા કરે છે. ગંગાસતી ભજનો રચીને ગાતાં નથી, એ તો હાથમાં એકતારો આવે, મંજીરા આવે, એકતારાનો ઝણકાર અને મંજીરાનો રણકાર થાય એટલે કડીઓ અંદરથી ઉતરે, અને ઉતરે ગાઈને રચે છે, રચીને ગાતા નથી, એમ જયદેવના અંદરથી કડીઓ શ્લોકો આવતા જાય છે. એમાં એક શ્લોક આવે છે,
સ્મરગરલખંદનં મમ શિરશિમંદનં
દૈહી મે પદ પલ્લવં
જલતિ મય દારણો મદનકરનારલો
હરતુત દોપિત કારં પ્રિય ચારૂશિલે
મંચમયમાનમદનાદં શબ્દિમદનારલોદહતિ
મામાનસં દેહી મુખ કમલંદુપાનં.
પ્રસંગ એવો છે કે રાસલીલામાં આવતા કૃષ્ણને મોડું થયું, રાધાજી રીસાયા છે, રુષ્ટ થયા છે, એટલે ભગવાન કૃષ્ન રાધિકાજીને મનાવવા માટે જાય છે, અને મનાવતા આ શ્લોક બોલે છે, અર્થ છે, ભગવાન કહે છે કે હે દેવી, હે રાધિકે, ચારૂશીલે, તારા ચરણ મારા મસ્તક ઉપર પધરાવ, કૃષ્ણભગવાન છે, એ રાધિકાજીને કહે છે, તારા ચરણ મારા માસ્ત્રક પર મૂક તો મને શાંતિ મળશે. શ્લોક તો લખાઈ ગયો, જયદેવ ફરીથી વાંચે છે, અરે! મેં આ શું લખ્યું? ભગવાન રાધિકાજીને આ શું કહે છે? આ તો અપરાધ ત્યહો, શ્લોક છેકી નાખ્યો. પછી બીજી વાર કલમ ઉપાડી, લખવા જાય તો એ શ્લોક આવ્યો, અરે! આ શ્લોક કેમ આવે છે? જેમાં ભગવાન કૃષ્ણ રાધિકાજીને એનું મસ્તકૌપર પગ પધરાવવાનું કહે છે, ફરી છેકી નાખ્યો, ત્રીજી વાર ફરી એ જ આવે… શું કરવું, એ વ્યાકુળ થઈ ઉભા થઈ ગયાં, અને પત્નિ પદ્માવતિને કહે છે, હું ગંગાસ્નાન માટે જાઊં છું, જાય છે, થોડી વાર થઈ હજુ બહાર જ નીકળ્યા હશે, બે નિનિટેક થઈ હશે કે પાછા આવ્યા, પાછા આવીને શ્લોક લખ્યો, એ જ શ્લોક લખાયો. ચાલ્યા ગયા સ્નાન કરવા.
સ્નાન કરીને આવ્યા, પદ્માવતિ કહે, ભોજન તૈયારે છે, કરી લો ને, તેઓ કહે હું આવું, અંદર ગયો તો આખો ઓરડો ચંદનથી મઘમઘતો, આપોઆપ દીવા પ્રગટેલા, જોઈને જુએ તો એ જ શ્લોક સ્વર્ણાક્ષરે લખેલો. કહે, દેવી, આ શ્લોક તમે લખ્યો?’ તે કહે, ‘તમે ગયા પછી તરત પાછા આવીને તો લખ્યો હતો.’ તેઓ કહે, હું તો પાછો આવ્યો જ નથી.’ તો કહે આ ચંદનનો ધૂપ તમે જ પ્રગટાવ્યો છે ને? તેઓ કહે ના. મેં તો કર્યું નથી. તો આ સ્વર્ણાક્ષરે કેમ લખાયું? એ લખવા મારો નાથ આવ્યો લાગે છે, ગોવિંદ આવીને લખી ગયા, આ પ્રસંગ માટે ગંગાસતી કહે છે, ગોવિંદ આવીને સ્વહસ્તે લખી ગયા, પ્રત્યક્ષ હસ્તપ્રતમાંયરે! એ પ્રસંગને યાદ કરી તેઓ કહે છે.
શબ્દ ૧૫ પદ્માવતી સજીવન થાય રે
પદ પદ પ્રગટે ભક્તિ રસ પ્રગટો પાનબાઈ જેથી પદ્માવતી સજીવન થાય રે
અહીં પણ ગંગાસતી એક બીજા પ્રસંગનો ઉલ્કેહ્કરે છે, પદ્માવતી અને કેન્દુલિના રાજાની રાણી બન્ને વચ્ચે સખ્ય, બંને સહેલીઓ, એક વખત તેમની વચ્ચે વાદ થયો, પદ્માવતી મહારાણીને પૂછે છે, રાણી સતી કોને કહેવાય, તે કહે પોતાના પતિનું શરીસ શાંત થઈ જાય, દેવ થઈ જાય તેની પાછળ ચિતા પર ચડીને અગ્નિમાં શરીર મૂકે તે સતિ કહેવાય. પદ્માવતી કહે એ સતી ન કહેવાય, રાણી પૂછે છે, તો સતિ કોને કહેવઆ? એ કહે, પોતાના પતિના પ્રાણ ગયા છે એવૂ ખબર પડે અને જેના પ્રાન તરત છૂટી જાય તેને સતી કહેવાય. રાણી વિચારે આનું પારખું કરવું પડશે. બહાનુ કાઢીને તેઓ જયદેવને બહર મોકલી આપે છે, પછી એવા ખોટા સમાચાર ફેલાવ્યા કે જયદેવનો સ્વર્ગવાસ થયો, પદ્માવતી સમાચાર સાંભળીને પ્રાણ ચોડી દે છે, જયદેવ આવે છે અને ઘટનાના સમાચાર મળે છે, રાણી કહે છે, ‘મેં પરીક્ષા કરતા આવું થયું, ગ્ઝેરના પારખા થયાં,’ ગીતગોવિંદ જે રચાતું હતું એના પદ પદ્માવતીના દેહની સમક્ષ બેઠાં બેઠાં ગાય છે, પદ પદ પ્રતિ, પદ એટલે અષ્ટપદી, જયદેવના ગીતગોવિંદમાં ચોવીસ અષ્ટપદીઓ છે, દરેક અષ્ટપદીમાં આઠ શ્લોક હોય, એટલે અષ્તપદ કહેવાય, એના માટે ગંગાસતી કહે છે, પદ પદ પ્દ ભક્તિરસ પ્રગટ્યો એટલે પદ્માવતી બેઠાં થયા એ પ્રસંગનો ઉલ્લેખ ગંગાસતી અહીં કરે છે.
શબ્દ ૧૬ – પ્રેમલક્ષણા ભક્તિ
ભજન ૧૫ – પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ રે!
પ્રેમલક્ષણા ભક્તિ શું છે? આપણે ઘણી વખત માની લઈએ છીએ કે પ્રેમલક્ષણા ભક્તિ અમને ખબર છે, નારદજી ભક્તિસૂત્રમાં ભક્તિની વ્યાખ્યા આપે એ, “સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા”, પરમ પ્રેમ એ પ્રેમલક્ષણા ભક્તિ છે, ભક્તિના અનેક પ્રકારો પાડવામાં આવે છે, અનેક જુદી જુદી રીતે, પણ પ્રધાન બે પ્રકાર છે, વૈધી અને પ્રેમલક્ષણા, વૈધી ભક્તિ એટલે જેમાં વિધિવિધાન, પૂજા, જપ, પાઠ, ભગવાનને ધરાવવું વગેરે છે એ વૈધિ ભક્તિ. એ ભક્તિમાં વિધિવિધાન મુખ્ય છે, જ્યારે પ્રેમલક્ષણા ભક્તિમાંતો અંદરથી પરમાત્મા માટે અંતરાત્મા વ્યામકુળ થઈ જાય છે. અંતરાત્માને અહંકારનો પડદો છે, ને અવિદ્યાનું બંધન છે, જ્યારે અવિદ્યાનું નિરાકરણ થવા માંડે, અંતરાત્મા પરમાત્માને મળવા માટે આકુળ વ્યાકુળ થઈ જાય છે એ પરમાકુળતા એને પ્રેમલક્ષણા ભક્તિ કહેવાય છે. રાધાજીને ભગવાન શ્રીકૃણે વચન આપ્યું હતું કે આજે રાત્રે હું તમને મળવા નિકુંજમાં આવીશ. રાધાજી વાટ જોઈને બેઠાં છે એક નાના કોડીયામાં દિપક પ્રગટે છે, તેલ પૂરેલ છે, તેલ ખલાસ થવા આવ્યું છે, ત્યારે રાધાજીને બીક લાગે છે કે આ જો દીવો ઓલવાઈ જશે, તેલ ખલાસ થઈ જશે તો ભગવાન આવશે ત્યારે એમ માનશે કે હું સૂઈ ગઈ છું અને પાછા જતા રહેશે એટલે દીપકને કહે છે, ગમે તેમ કર પણ તારી જ્વાળા ચાલુ રાખ.
“પ્રાણ તું મેરે લે લે દીપક,
કરલે ઈસકી બાતી,
રક્ત હ્રદયકા તેલ લે લે,
જલના સારી રાતી,
આજ હરીકે આના દીપક,
આજ નહીં બુજ જાના”
આ પ્રેમલક્ષણા ભક્તિ છે, આંડાળમાં પ્રગટી, મીરાંમા પ્રગટી, ચૈતન્ય મહાપ્રભુમાં પ્રગટી. આ પ્રેમલક્ષણા ભક્તિ જ્યારે પ્રગટે, મારા ગુરુમહારાજ કહે છે કે પ્રેમના જ્યારે મહાપૂર આવે ત્યારે માન-અપમાન, સુખ-દુઃખ, મારું-તારું એ તૃણની જમ તણાઈ જાય છે. પ્રેમીજનોને માન અપમાન નથી હોતું, માન અપમાન તો બચ્ચાનો ખેલ છે, પ્રેમીજનોને શું માન અપમાન? આ પરમ પ્રેમ જ્યારે પ્રગટે અને અંતરાત્મા અનુભવે, મનનો નહીં આત્માનો પ્રેમ પ્રગટે, એ પ્રેમલક્ષણા ભક્તિ છે એમ ગંગાસતી કહે છે. પ્રેમલક્ષણા ભક્તિ પ્રગટે પછી, વૈધી ભક્તિની જરૂર નથી, ‘તેને કરવું પડે નહીં કાંઈ રે.’
ONE WHICH I WAS WAITING TO UNDERSTAND
I GOT READ TODAY
MANY THANKS TO AKSHARNAD AND MUCH MORE TO POOJYA BHANDEVJI
DR P KHATRI
સો,સો વખત તમને , તમારા કુળ ને સાધૂવાદ….
આ પરમ પ્રેમ જ્યારે પ્રગટે અને અંતરાત્મા અનુભવે, મનનો નહીં આત્માનો પ્રેમ પ્રગટે, એ પ્રેમલક્ષણા ભક્તિ છે એમ ગંગાસતી કહે છે. પ્રેમલક્ષણા ભક્તિ પ્રગટે પછી, વૈધી ભક્તિની જરૂર નથી, ‘તેને કરવું પડે નહીં કાંઈ રે.’
આ અનુભૂતિને કૃપાપાત્ર બનીએ તેવી પ્રભુ પ્રાર્થના