આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૫) 1


(શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરૂના વક્તવ્ય – ભાગ ૪ થી આગળ)

એના પછી સમયની દ્રષ્ટિએ આવે દેવાયત પંડિત, ઈ.સ, ૧૪૬૦ આસપાસ હયાત છે એના ઐતિહાસિક પ્રમાણ મને મળ્યા છે. દેવાયત પંડિત, એમનો દેલમી આરાધ, કોઈ પણ જગ્યાએ મહાપંથની પાટ ઉપાસના હોય ત્યારે દેલમી આવાધ અવશ્ય બોલવામાં આવે. તો એ દેલમીઆરાધમાં શું છે?

ઓમ સહસ્ત્રનામ્યા
આદેશ ગુરુકો
આદેશ ધરતીમાતાકો
ધન ધરતી આરાધું
તો ઊંટ હાથ ધરતી માંગું માય

અધ્યાપક વિવેચન કરે, પ્રશ્ન થાય કે ઊંટ હાથ એટલે શું? પણ ઉઠા ભણ્યા હોય એને ખબર હોય કે ઊંટ હાથ એટલે સાડા ત્રણ હાથ ધરતીની માંગણી કરી છે.

ધરતી ધરણ
ધરતી આકાશ
ધરતી માં
ધરતી બાપ
વરણ માગતા ધરતી માગું
એક પસાય ઉંટ હાથ દીયો
મેદીની બેસું અને આરાધું કાયમ રાય
શ્રી ઓહંગ પ્રેમ પાટ
ધરતી કાંઈ બોલીયે
તેંત્રીસ કરોડ દેવતા બોલીએ
ઓહમ સોહમ અજપાજાપ હોલીએ
અખંડ વેદ બોલીએ,
કાયમ દેશ બોલીએ
નૂર સુલતાન બોલીએ,
ઘોડો નકલંકી બોલીએ
સાંહીઠ ગત બોલીએ
પ્રેમના બંધણા પાંચ
પંચભૂતનના છેદન પાંચ બોલીએ
પાવડી સાત બોલીએ
કપોળીયો રેવત બોલીએ

ઘણી બધી લાંબી રચના છે…. પણ એ લાંબી રચનામાં ઘણું બધું, એમાં અનેક જાતનું ઉમેરણ પણ થયું છે. શુદ્ધ આરાધ જેને કહેવાય, હસ્તપ્રતોમાં ટૂંકો પાઠ મળતો હોય, પછીની હસ્તપ્રતોમાં એમાં અમુક લીટીઓ વધી હોય, એમ બસો લીટી સુધીના દેવાયત પંડિતના આરાધ આપણને હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થાય છે. પાંત્રીસ લીટીથી શરૂ કરી બસો લીટી સુધી આ એક જ રચના. પાટના જે પુરોહિત હોય એ બેઠા હોય અને એમણે પોતે એમના વંશજો માટે લખી રાખવું હોય, એટલે બે લીટી ઉમેરી દે, બીજા બે કડી ઉમેરે, ત્રીજા બે કડી ઉમેરે આમ થતું આવ્યું છે. પણ આ દેવાયત પંડિતને નામે જ મેં સૌથી પહેલા શરૂઆત કરી,

એવા નૂરી જન સત વાદી આજ મારા ભાઈ આરાધો રે

અને એની સાથે સહદેવ જોશીના નામે આપણને આરાધ મળતો હોય,

ખરી વરતીમાં ખેલો ભાઈ
ભલો આ ભાવનો મેળો.

એની સાથે આપણને સમયની દ્રષ્ટિએ લગોલગ આવે રૂપાદેની સાથે માલદેની સાથે જેસલ તોરલ –

જેસલ ! કરી લે ને વિચાર‚ માથે જમ કેરો માર‚
સપના જેવો આ સંસાર‚ તોળી રાણી કરે છે પોકાર‚
આવો ને જેસલ રાય‚ આપણ પ્રેમ થકી મળીએ રે‚
પૂરા સાધ હોય ત્યાં જઇને ભળીએ રે…
અનુભવી આવ્યો છે અવતાર‚ માથે સતગુરુ ધાર‚
જાવું છે ધણીને દુવાર‚ બેડલી ઉતારે ભવ પાર

અને આરાધના સાહિત્ય સ્વરૂપમાં જેમણે અદ્વિતિય એવું પ્રદાન કર્યું છે એવા અમરેલીના સંત મૂળદાસજી અને એમના શિષ્ય શીલદાસજી

જી રે સંતો ભગતિ કરો રે, તમે સાચા ધરમની રે
ઈ તો મુગતી નો મારગ દેખાડે રે આમ
એ જી રે સંતો મૂળદાસ કીયે
જે નર ભીતર થી જાગ્યા જી
એ તો પરિબ્રહ્મને પૂરણ પામે રે આમ

અને એમના શિષ્ય શીલદાસજી ને અર્પણ કરેલી રચનાઓ પણ આપણને હસ્તપ્રતોમાં લખાયેલ મળે છે તો શીલદાસજીને નામે મળતી

સંતો સવળા મંડપ માં મારા ગુરુજી બિરાજે રે
તમે આવો તો મુનિવરાને મળીએ રે આમ
સંતો મન ક્રમ વચને માન મેલી ને રે
આપણે ગત રે ગંગાજીમાં ભળીએ રે

લોયણનું બહુજાણીતું

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી‚
એ જી તમે મન રે પવનને બાંધો રે હાં…
હે જી રે લાખા ! નુરતે નીરખો ને સુરતે પરખો જી
તમે સુરતા શુન્યમાં સાંધો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો

આ આખું ભજન સાંભળવા અહીં ક્લિક કરો.

એની સાથે મેઘ કચરાની વાણિ –

આ સમે ભાઈ જાગો જી
જાગે એને જગન ફળ હોય

તો રવિભાણ સંપ્રદાયમાં મોરારસાહેબના શિષ્ય થયા જીવાભગત ખત્રી અને જીવાભગત ખત્રીએ પિસ્તાલીસથી વધારે આરાધી ઢંગની ભજનરચનાઓ અને માત્ર પાટની જ રચનાઓ આપી છે.

હે વીરા સાનુ સદગુરૂના ઘરની એવી
ઈ તો અમરાપરથી આઘી
વીરા સદગુરૂ કેરી સાનું
કો’ક વીરલા જાણે

દાસ સવો – જી રે વીરા ભેદું રે ભૂલે છે એનો ભે છે ભારી

અથવા

ગુરૂના મહામંત્રનો મોટો છે મહિમા
વખાણું બ્રહ્મના ભેદમાં રે
જેના ઋષિ મુની જપતા જાપ
એ નો’તા ચારે વેદમાં રે

આત્મસાધનાના ક્ષેત્રમાં વારંવાર સંતો એમ કહેતા કે કદાચ કાચો પારો પચાવી શકાય, હળાહળ વિષ પચાવી શકાય પણ સાધુતાને પચાવવી આકરી છે, દોહ્યલી છે. ગંગાસતી પોતાના શિષ્યા પાનબાઈને સંબોધતા, પ્રબોધતા એમ ગાતા હોય

આ અજર સે કોઈ દિ જરે નહીં પાનબાઈ
અધૂરીયા ને પ્રેમ ઢોળાઈ જાય રે
એ વીણવો રે હોય તો રસ વીણી લેજો પાનબાઈ

અને એ જ વાત ધ્રૃવ અને પ્રહલાદને નામે, સૌથી પ્રાચીન રચના હું સૌથી છેલ્લે લઊં છું

અજરા કાંઈ જરિયા નૈ જાય‚ એ જી વીરા મારા !
અજરા કાંઈ જરિયા ન જાય
તમે થોડે થોડે સાધ પિયો હો… જી…
તન ઘોડો મન અસવાર… હે… જી
વીરા મારા ! તન ઘોડો મન અસવાર…
તમે જરણાના જિન ધરો હો જી…

આ ભજન સાંભળવા અહીં ક્લિક કરો.

આજના વર્તમાનપત્રમાં આવ્યું છે કે આજે આ પરિસંવાદથી શ્રી ગણેશ મંડાય છે. જેના સંતવાણી વિશેના વક્તવ્યોથી શ્રીગણેશ મંડાય છે તે આ ચાર જણ જે કરશે એને પાટે સૌ ચાલવાના છે. એટલે સંત સાહિત્યનો ઈતિહાસ કેમ રચાવો જોઈએ એના વિશે સો સો વર્ષના ગાળા પાડીને ભવિષ્યના સંશોધકો વાત કરશે અને આમ સૌથી પહેલો ભજન પ્રકાર વિશે, ક્યારે રચનાઓ થઈ, સ્વરૂપ, લાક્ષણિકતાઓ અને કઈ રીતે એમાં ફેરફાર થયા એ બધું અહીં આવશે. આરાધ વિશે હજુ વિસ્તૃત વિગતો અહીં છે પણ સમયના અભાવે લઈ શકાતું નથી. આ અજર રસ, આ અજરા કાંઈ જરીયા ન જાય અને છતાં મારી મતિ મુજબ બે ચાર છાટણા જો સૌ સુધી પહોંચાડી શક્યો હોઉં તો સંતની કૃપાદ્રષ્ટિ અને હનુમાનજીનું સાનિધ્ય.

પ્રણામ.

શ્રી બળવંતભાઈ જાની

નિરંજનભાઈએ આરાધ પ્રકારના ભજનોની સ્વરૂપલક્ષી ચર્ચા કરી એટલું જ નહિં, પન કયા ઢાળમાં, કય ઢંગમાં અને કયા સમયે પ્રસ્તુત કરાય એ પણ સુંદર રીતે સમજાવ્યું, કેટકેટલા આરાધ ભજનવાણીને સમૃદ્ધ કરનારા છે એ પણ બતાવ્યું છે.

(શ્રી ભાણદેવજીનું વક્તવ્ય ભાગ ૬ અને ૭ માં)

ક્રમશઃ


આપનો પ્રતિભાવ આપો....

One thought on “આરાધ સ્વરૂપ દર્શન – નિરંજન રાજ્યગુરુ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૫)