ભજન સાહિત્યનો ઈતિહાસ – નાથાલાલ ગોહિલ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૨)


ગતાંક – ભાગ 1 (અહીઁ ક્લિક કરીને વાંચી શકાય છે.) થી ચાલુ….

ડો. નાથાલાલ ગોહિલ નું વક્તવ્ય –

“આદરણીય પૂજ્ય મોરારીબાપુ, વિદ્વદજનો, સાથી વક્તા મિત્રો અને મારી વહાલી ગતગંગા. મારે આજે ભજનસાહિત્યના ઈતિહાસ વિશે બોલવાનું છે. ત્યારે સાહિત્યના નવ રસ અને ભજનના સિદ્ધ રસની પસલી ભરીને પ્યાલીઓનું આચમન કરાવી નહીં શકું કારણ મારે ઈતિહાસ રચવાની વાત છે, ટેકનીકલ વાત છે, શાસ્ત્રની વાત છે એટલે રસને બદલે વૈજ્ઞાનિક શાસ્ત્રીય અભિગમથી ભજનના ઈતિહાસને જો રચવો હોય તો શું કરવું જોઈએ તે અંગેના મારા મતને પ્રગટ કરીશ.

ભજન ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિનો ચેતનવંતો ઉર ધબકાર છે. આ ભજન વિશે પ્રાંતેપ્રાંતમાં કામ થયું છે, ગુજરાતમાં પણ થયું છે અને એ ભજન ક્ષેત્રે જે કામ થયા છે તેના આધારે ભજનનો અર્થ, ભજનની વ્યાખ્યા, ભજનના પ્રકારો, ભજનના અર્થઘટન વિશે ઘણું બધું કહેવાઈ ચૂક્યું છે. મારા વિષયને અંતર્ગત એ અભિપ્રેત નથી. એટલે એને પણ હું અહીં છોડું છું. મારે ભજન સાહિત્યનો ઈતિહાસ લખવાની આ વાત કરવાની થાય છે ત્યારે આ વિષયની જરૂરીયાત શેમાંથી ઉભી થઈ? તો તેનું એક મહત્વનું કારણ એ છે કે આજે ભજન કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસમાં સ્થાન પામેલ છે. અને જ્યારે અભ્યાસમાં તેનું સ્થાન થાય ત્યારે સૌથી પહેલી જ વાત ભજનના ઈતિહાસની વાત આવે છે. ભજનક્ષેત્રે જે અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્વાન મિત્રો ઘણા સમયથી વિચારતા હતા કે ભજનનો ઈતિહાસ રચીએ પરંતુ બન્યું એવું કે એનું માળખું રચી શકાયું નહીં. એમ પણ બને કે ભજનના ઇતિહાસને પ્રગટ થવું હતું પણ કોઈ સંતના આશિર્વાદની ઝંખનામાં એ વિષય રાહ જોતો હતો. પૂજ્ય બાપુ સંતક્ષેત્રનો જ્યારે એવોર્ડ આપે છે તે નિમિત્તે એક વ્યાખ્યાનમાળા યોજવી અને એ વ્યાખ્યાનમાળાનો આ પ્રથમ મણકો, અને પ્રથમ મણકાના પ્રથમ વક્તા તરીકે જ્યારે મને આ તક મળી છે એને હું સંતના આશિર્વાદ માનું છું, સંતનો આદેશ માનું છું, અને પરમપૂજ્ય બાપુને હું પ્રથમ વંદન કરું છું અને સાથેસાથે એક મારી શ્રદ્ધા પણ પ્રગટ કરું છું. આ ક્ષણ, આ પળ ઈતિહાસ રચાવાની પળ છે અને પૂજ્ય બાપુના સહયોગથી ઈતિહાસ રચાશે એમાં મને અને આપણે સૌને શંકા નથી. બીજા વંદન કરું છું ભજન ક્ષેત્રે જે લોકો કામ કરી ગયા છે તેમને. અને એ શરૂઆત જો કરું તો રણજીતરામ વાવાભાઈ, સ્વામી આનંદ, ઝવેરચંદ મેઘાણી, મકરંદ દવે, જયમલ્લ પરમાર, હરીવલ્લભ ભાયાણી, નિરંજન રાજ્યગુરુ, રાજેન્દ્રસિંહ રાયજાદા, દલપત પઢિયાર, નરોતમ પલાણ, હિમાંશુ ભટ્ટ, બળવંત જાની, હસુ યાજ્ઞિક, ભગવાનદાસ પટેલ, મનોજ રાવલ, ભાણદેવ વગેરે. અન્ય નામોનો ઉલ્લેખ મારા ચિતમાં છે, પણ ભજનની પરંપરા તો એ છે કે નામને ગાળી નાખવું. તેથી ભજનમાં રસ લેનાર તરીકે એમની સાથે મારું નામ રદ જ કરું છું.

ભજન કંઠસ્થ પરંપરાએ ઝીલાયું ને વહેતું રહ્યું છે. મુદ્રિત પરંપરાતો પાછળથી આવી, પણ જ્યારે કંઠસ્થ પરંપરાએ ભજન વહેતું રહ્યું ત્યારે એમાં મૂળ પાઠ ઘણા બદલાયા છે, તો તેમાં મૂળ પાઠ કયો એ શોધવનું કામ હજી અભ્યાસીઓએ કરવાનું છે. બીજી મહત્વની વાત એ બની છે કે ભજન એક જ હોય અને બે થી ત્રણ સંતોના નામાચરણથી એ ગવાય છે તો એમાંથી નિશ્ચિત જ એક સંત હોવાના એ પણ નિશ્ચિત કરવું પડે, અને આ નક્કી કરવાની એક પધ્ધતિ પણ છે, કોઈ પણ ભજન લઈએ તો એ ભજનને વાંચ્યા પછી થી એના અનુભવમાંથી પસાર થયા પછીથી ભજનના માર્ગમાં એ કયા સ્થાન સુધી પહોંચ્યા ફતા એ નક્કી થઈ શકે છે. બીજી વાત, એમણે જે બીજા ભજનો લખ્યા છે એની સાથેનો તાલમેલ, એમની ગુરુ પરંપરા કઈ છે, એમની પંથપરંપરા કઈ છે, આ થોડાક એંગલોથી કામ કરે તો તરત નિશ્ચિત આપણે તેના સર્જકને શોધી શકીએ. બીજુ એક પાસું એમ પણ છે કે કેટલીક વ્યક્તિઓએ ભજન રચ્યા પણ જે નામાંકિત ભજનિક હ્તા એમના નામ પર પોતાની રચના ચડાવી દીધી છે અને આપણે તેને જ ઓળખીએ છીએ. તો એ પણ ઝીણવટથી જો તપાસ કરીએ તો તપાસીને શોધી શકાય, એની પણ પધ્ધતિ છે. આ બધા ભજન વિશેના પ્રશ્નો છે જ, ત્યારે હસ્તપ્રતના આધારે કે એની મુદ્રિત પરંપરાને આધારે કે કંઠસ્થ પરંપરાને આધારે કે ભજનના બાહ્ય પુરાવાઓને આધારે ભજનને માપવા જઈએ તો ભૂલા પડીશું. કારણકે ભજનને માપવાનો એક માર્ગ તેની આંતરીક પુરવણી છે, ભજનના પોતાના જ આંતરીક પુરાવાઓ છે. એ પુરાવાઓને ધ્યાનમાં રાખીને જો ઈતિહાસ રચીએ તો એ ઈતિહાસ રચી શકાશે. ભજનના આંતરિક પુરાવાઓને પણ સમજી શકે – અનુભવી શકે એવી સંતચેતનાઓ આપણી વચ્ચે છે. જો એ સંત ચેતનાઓનો સહયોગ આમાં મળી રહે તો ઈતિહાસ રચવો એ સહજ બનશે.

ભજનનો ઈતિહાસ જ્યારે લખવા જઈએ ત્યારે સહુથી પહેલું માધ્યમ જો પ્રાપ્ય હોય તો એ ભજનસંગ્રહો છે. ભજન સંગ્રહો પ્રકાશિત થવાનું કાર્ય ૧૮૯૦થી આરંભાયું, પણ એ જે ભજનસંગ્રહો હતા એ બધા પ્રાપ્ય થતા નથી, કેટલીક જગ્યાએ સચવાયા છે, પણ જેની પાસે સચવાયા છે એ બીજાને આપતા નથી. એની પણ મર્યાદાઓ હશે એમ પણ થયું છે. પણ ભજનની સાથે ભજન વિષયક નોંધ કરવાનું કામ સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે. સોરઠી સંતવાણીમાં એમના સ્થૂળ દેહ છૂટવાની પૂર્વરાત્રીએ સોરઠી સંતવાણીનું પ્રવેશક તેમણે લખ્યું તેમાં ભજન એટલે શું એની વાત કરી છે. ભક્તિ પરંપરા ક્યારથી આરંભાઈ એની એમણે વાત કરી છે, એથી વિશેષ એમણે જે ભજનિકો લીધા એમના જીવન વિશેની વાત કરી છે અને એ સમયે પ્રાપ્ય ગંગાસતીના જેટલા ભજન હતા એનું સંપાદનકામ કરીને પ્રથમ પાયાનું અને ઉપકારક કામ કર્યું છે.

હવે જે ભજનસંગ્રહ આપણી પાસે મળે છે અને અત્યારે જે પ્રાપ્ય છે એની આ મારી યાદી છે, એને હું માત્ર નામથી જ મૂકીશ કારણકે મેં એમા પ્રકાશક પણ મૂક્યા છે અને એની પ્રકાશન સાલ પણ કહી છે, પ્રાપ્તિસ્થાન પણ મૂક્યું છે. ઈ.સ. ૧૯૨૭ નું ‘ભજનસારસિંધુ’ – માંડળજી રામજીનું મળે છે. તો રવિભાણ સંપ્રદાયની વાણી એ મંસારામ મોતી ૧૯૩૮ માં પ્રકાશિત થયું, ભજનસાગર ઈ.સ. ૧૯૪૨ માં, સોરઠી સંતવાણી ૧૯૪૭માં, અધ્યાત્મ ભજન માળા – કાનજી ધરમશી ૧૯૫૮, દુર્લભ ભજનસંગ્રહ – ગોવિંદજી ધામેલીયા, યોગવેદાંત ભજન ભંડાર, સત કેરી વાણી, આત્મવિલાસ ભજન સાગર, સેવા ધરમના અમરધામ વગેરે, પોરબંદરથી નટવર ભજનાવલિ પ્રગટ થઈ છે જે અપ્રાપ્ય છે. આ કામ થઈ ગયું છે.

આ સિવાય એક બહું જ મોટું કામ જે થયું છે તે પી.એચ.ડી નિમિતે, ભલે હેતુ ગમે તે હોય પણ આ નિમિતે ભજનક્ષેત્રે જે કેટલાક કામ થયા છે તેમાં સંતભક્તના જીવનને કેન્દ્રમાં રાખીને જીવન, કવન, સાહિત્યસર્જન અને પ્રાપ્યભજન નું સંપાદન તરીકે મૂકી થીસીસ તૈયાર થયા છે એ કામ પણ પાછા પ્રાપ્ય થાય છે એટલે એ ક્રમબદ્ધ બહુ ઉપયોગી છે. બીજુ કામ થયું છે ભજન સ્વરૂપને કેન્દ્રમાં રાખીને એમાં અગમવાણી, આરાધ, અવળવાણી, રવેણી, પ્યાલો વગેરેને કેન્દ્રમાં લઈને એમ સ્વરૂપગત ભજનના કામો પણ થયા છે અને એ ભજન સંપાદનો અને આરાધની વ્યાખ્યાથી લઈને લક્ષણો વગેરેનું કામ થઈ ગયું છે. એ આપણી પાસે પ્રાપ્ય છે તો કેટલાક કંઠસ્થ ને ગ્રંથસ્થ જે ભજન હતા, મુરબ્બી બળવંતભાઈએ એની એક આખી યાદી તૈયાર કરીને આપણી પાસે મૂકેલી છે એ પણ ઉપયોગી છે. ‘પદ ભજન સૂચી’ નામનો એમનો ગ્રંથ છે તે.

એથી મોટું કામ સતની સરવાણી – નિરંજન રાજ્યગુરુએ કર્યું છે, રામસાગરના રણકારે – નાથાલાલ ગોહિલ, સંતપરંપરા વિમર્શ – રાજેન્દ્રસિંહ રાયજાદા, ચૂંટેલા ભજન – નરોતમ પલાણ, કાયા રે મૂળ વિનાનું ઝાડવું – બળવંત જાની, કંઠસ્થ પરંપરાની વાણી – હિમાંશુ ભટ્ટ, સૌરભ ભજનાવલી હસુ યાજ્ઞિક, રમતો દીઠો સાંઈ – રાજેશ સિંધવ, સંતવાણી વિમર્શ – રમણીકલાલ મારૂ, ભજનયોગ – સુરેશ દલાલ, હાલો મારા હરીજનની હાટડીએ – હરકિશન જોશી, આપણી ભજનવાણી – તો આ ભજન આધારો સૌથી પ્રથમ પુરાવાઓ, આપણે ભજનના ઈતિહાસ રચવા માટે પાયાનું પહેલું પ્રદાન એમની પાસેથી મળી રહેશે.

ભજન સાહિત્યનો ઈતિહાસ રચવા માટે એક પધ્ધતિ એ પણ છે કે સંતના જીવન વિશેનો આધાર. કે આ સંત કયા સમયમાં, એ સમયની વાત લેતા રાજકીય વ્યવસ્થા, સામાજીક વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા પંથ પરંપરા, એમના જોડાણ, તે સંતનું જીવન મળે પછી તેના સર્જનના આધાર મળે એ રીતે કામ થઈ શકે. પણ ત્યાં મુશ્કેલી એ પડી છે કે દરેક સંત પોતાના જીવન વિશેની વાત કહેવા માટે રોકાયા નથી. અથવા તો પોતાની જાતની ઓળખ ને ભૂલવી તેનું નામ ભજન, આ તો ઓળખ ભૂલવાનો માર્ગ છે, એ જ્યારે ગુરુ પાસે જાય છે ત્યારે સૌથી પ્રથમ તો તેના નામને ત્યાં છોડી દેવાનું હોય અને ગુરુ એને બીજુ નામ આપે, એ બીજુ નામ ધારણ કર્યા પછી કોઈ પણ સંતને સાધકને યોગીને એના પૂર્વકાલની પૃચ્છા થઈ શક્તી જ નથી. જ્યારે સંત જીવતા ત્યારે અમણે વાત નથી કહી, વિહાર કરતા ત્યારે પણ કહેવાયુ નથી પછી લખાયું ક્યારે – એમના જે સેવકો હતા, એમણે પંથપરંપરાના હતા એમણે સંત વિશે લખ્યું, એમણે જ્યારે લખ્યું ત્યારે એની પોતાની શ્રદ્ધા એમાં ઉમેરાઈ અને શ્રદ્ધા ઉમેરાય ત્યારે ઈતિહાસ એક ડગલું જરા ડગે છે. એથી બીજી મોટી વાત એ છે કે જ્યારે એ સંપ્રદાય વિશે લખે છે એટલે માણસ થોડોઘણો સંપ્રદાય તરફ પણ ઢળે છે ત્યારે સત્યને જ્યારે આપણે પ્રમાણવા જઈએ ત્યારે એ કેટલીક મુશ્કેલીઓ સામે આવે છે. અને ત્યારે ચમત્કારના પ્રસંગો પણ નડે છે. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને પણ ઈતિહાસ રચાવો જોઈએ.

આપણે ત્યાં મધ્યકાલીન સાહિત્યનો ઈતિહાસ છે, એમાં નરસિંહ વિશે મીરા વિશે અખા વિશે શામળ વિશે એ બધા વિશે તો કામ થયું છે, અને એક નહીં, અનેક વિદ્વાનોએ એનું કામ કર્યું છે અને પ્રાપ્ય થયું છે. પણ જે ભજનપરંપરા સાથે જોડાયેલા છે અને જે લોક કંઠે સામાન્ય લોક સમુદાયમાં વહેતા હતા એમના વિશે બહુજ ઓછું કામ થયું છે અને છતાં જે કેટલુંક થયું છે એ નોંધપાત્ર થયું છે, તો એવા કામને જો આપણે યાદ કરવું હોય તો ગંગાસતીનું અધ્યાત્મદર્શન – ભાણદેવ, મોરલો મરતલોકમાં આવ્યો = દાસી જીવણ વિશે – નાથાલાલ ગોહિલ, દાસી જીવણ વિશે અપ્રગટ સંશોધન મહાનિબંધ – ડો. નિરંજન રાજ્યગુરુ, સંતકવિયત્રી લોયણ – રમેશ સાગઠીયા, સંત કવિ મેકરણદાદા – વિઠ્ઠલભાઈ ઠુંબર, સંદેશો સતલોકનો = ભીમસાહેબ – દલપત ચાવડા, રવિએ રમતા દીઠો – મોરારસાહેબની વાણી અને સતી લોયણની વાણી – ત્રણ મારાં કામો છે, ખીંબડીયો કોટવાળ એ એમના વિશે સુનિલ જાદવે કર્યું છે. તો જે આ વ્યક્તિગત અને પી.એચ.ડી નિમિતે અને સંશોધન નિમિતે કામ થયું છે એને આપણે આધારસ્તંભ તરીકે અહીં લઈ શકીએ.

ત્રીજી દિશા છે જ્ઞાતિગત, જ્ઞાતિગત સંતોનું કામ થયું છે, પછી પંથગત કેટલાક સંતોનું કામ થયું છે, કેટલાક પ્રદેશગત. જ્ઞાતિ, પંથ, પ્રદેશ વગેરેને લઈને કામ થયું છે એને પણ આમાં યાદ કરીએ તો સૌરાષ્ટ્રના હરીજન ભક્તકવિઓ – લોહાણા જ્ઞાતિના સંતકવિઓ, રવિભાણ સંપ્રદાયના સંતકવિઓ, કબીરપંથના સંતો, કચ્છના સંતકવિઓ, બારાંકી સંપ્રદાયના સંતો વગેરે. તો કેટલુંક ભજનકાર્ય ભજન સાહિત્યના સેમીનાર નિમિતે થયું છે. એવા ત્રણ મહત્વના કામ હું યાદ કરાવું તો રામદેવપીર અને જોધપાટ ઉપાસના ઉપર પ્રેરણાધામમાં કામ થયું અને એનું ગ્રંથ ‘પાટે પ્રગટ્યા અલખધણી’ પ્રગટ થયું છે, બીજું ગુજરાતમાં નાથપંથી સાધનાનો સિદ્ધાંત – એનો પણ સેમીનાર થયો અને એનું પણ પુસ્તક પ્રગટ થયું છે અને ત્રીજું મહત્વનું અસ્મિતાપર્વ – ૯ માં સંતસાહિત્યલેખે જે પત્રો સંશોધનપત્રો આવ્યા એ, એનો પણ ગ્રંથ મળ્યો છે તો સેમિનાર નિમિતે જે કેટલુંક કામ થયું છે અને જે આ પણને મળે છે તે. પંથગત જે કામ થયા છે તેમાં બીજમાર્ગી પાટ ઉપાસના – નિરંજન રાજ્યગુરુ, મહાધર્મ વિશે – સત્યા પઢીયાર, તંત્રસાધના મહાપંથ અને અન્ય લેખો – રાજેન્દ્રસિંહ રાયજાદા અને આ રીતે સૌરાષ્ટ્રના ત્રણસો છપ્પન સંતો વિશેની ટુંકી પ્રમાણભૂત માહિતિ નિરંજન રાજ્યગુરુએ પ્રગટ કરી છે. આ બધાને આધારે ઈતિહાસ રચવામાં એક મહત્વનું કામ થઈ શકશે.

ભજનને એક સ્વતંત્ર સાહિત્ય સ્વરૂપ તરીકે પ્રસ્થાપિત કરી શિક્ષક અને વિદ્વાનો સુધી મૂકવાનું કામ જો કોઈએ પ્રથમ કર્યું હોય તો એ આદરણીય મકરંદ દવેએ ‘સત કેરી વાણી’ માં ૧૯૭૦ માં કર્યું છે. એમણે ત્રણ માર્ગની વાત કરી છે, મહામાર્ગ, નાથયોગ અને સંતપરંપરા. સંતપરંપરાના પણ એમણે બે ભાગ કર્યા છે, નિર્ગુણ પરંપરા અને સગુણ પરંપરા. આ ભજનપાટની માંડણી મકરંદભાઈએ કરી આપી છે. ત્યારથી ઈતિહાસનો પાટ મંડાયો. બીજું કામ ડો. નિરંજન રાજ્યગુરુએ ભજનમિમાંસામાં કર્યું છે, એ ૧૯૯૦ નું કામ છે. એમાં એમણે ભજનની ઓળખ, ભજનના લક્ષણો અને તેનું વર્ગીકરણ કરી આપ્યું છે. ત્રીજો ગ્રંથ, ભજન રૂપ દર્શન – ડો. નાથાલાલ ગોહિલ, અહીં ભજન અર્થ, ભજન વ્યાખ્યા, ભજનના બ્રાહ્ય લક્ષણો, ભજનના આંતરીક લક્ષણો, ભજનપદાવલીના લક્ષણો, ભજનના ભાવગત પ્રકારો, સ્વરૂપગત પ્રકારો, ગાયકીગત પ્રકારો એ બધાનું કામ થયું છે. તો આ બધું સૈદ્ધાંતિક રીતે ભજનનો ઈતિહાસ રચવામાં આપણને ઉપયોગી થાય એમ છે. આ ત્રણ ગ્રંથોને આધાર લઈએ ત્યારે ભજનના ક્ષેત્રમાં જે સંશોધનાત્મક કામ થયા છે, એ ગ્રંથોમાં અતીતની પાંખે – મોહનપુરી ગોસ્વામી, આત્મચેતનાનું મહીયર – હિમાંશુ ભટ્ટ, સંતપરંપરાવિમર્શ – રાજેન્દ્રસિંહ રાયજાદા, સંતવાણીનું તત્વ અને સૌંદર્ય – નાથીયો, મનીયો અને નીરીયો -મકરંદ દવે, સંતવાણી તત્વ અને તંત્ર – બળવંત જાની, સંતસાહિત્ય સંશોધન અને સમીક્ષા – નાથાલાલ ગોહિલ, ગુજરાતના સંતકવિઓ અને બાઊલ – જયંતિલાલ આચાર્ય, મધ્યયુગની સાધનાધારા – ક્ષિતિમોહન સેન, મીરાનું અધ્યાત્મદર્શન – ભાણદેવ, સતસાહેબની સરવાણી – નાથાલાલ ગોહિલ, સરવંગા – નરોતમ પલાણ, આ યાદીને આપણે વધારી શકીએ.

હવે પ્રશ્ન જાગે કે ભજનપ્રકાર ઉદભવવાનું કારણ શું હતું? આપણી પાસે આધ્યાત્મિક પરંપરાના વેદના સૂક્તકો અને રૂચાઓ હતી, બૌદ્ધ ધર્મમાં સંઘચર્યાગાનો હતાં, જૈન ધર્મના સજ્જાઈ સ્તવન અને હરેક પ્રસંગે ગવાતા ધવલ હતાં, ખ્રિસ્તિ ધર્મની પ્રેયર હતી, ઈસ્લામની બંદગી અને કુરાનેશરીફની આયાતો હતી. મહંમદ સાહેબનો મહિમા અને પીરપરંપરાનો મહિમા ગવાતો હતો પછી આ ભજનવાણી શા માટે? કેટલાક લોકો ભજનને ભક્તિઆંદોલનનું પરિણામ ગણે છે, નરોતમ પલાણ જેવા સરવંગામાં ગુજરાતી ભજનના મૂળ ગોરખનાથની વાણી સુધી હોવાનું જણાવે છે, હવે ગોરખનાથનો સમય રાહુલ સાંકુતિયા જણાવે છે તેમ ઈ.સ. ૮૫૫. ભજન રૂપ દર્શનમાં મેં એક તારણ મૂક્યું છે એમાં મેં એમના પ્રથમ સિદ્ધ ઈ.સ. ૭૬૦માં દર્શાવ્યા છે અને તે સરપ્પા, તેમની સિદ્ધવાણીનો હિન્દી અનુવાદ રાહુલજીએ કર્યો છે એ મેં મૂક્યો છે અને એ જ અર્થઘટનની પંક્તિઓ ગુજરાતી ભજનમાં ક્યાં મળે છે એને મેં મૂકી છે. અને ત્યારે ભજનના મૂળમાં મને એમ જણાયું કે સિદ્ધવાણી, નાથવાણી, અને એ પછીથી હિન્દીવાણી અને તેમાં પાછી ગુજરાતીવાણીમાં કઈ રીતે આવે છે અને એમાંય ભજનના કેન્દ્રમાં જો કોઈ એક બાબત પડી હોય તો તે એ કે ભજનનું મુખ્ય દર્શન ઘટભીતર સમાયું છે. અને તેમાં જે પિંડે તે વરમંડે એ કે વરમંડે સો પિંડે એની જે પંક્તિ સિદ્ધવાણીમાં ક્યાં છે એ મેં લીધું છે. એનો હિન્દી અનુવાદ કયો છે, એ પણ મેં અહીં મૂક્યો છે અને ગુજરાતી ભજનવાણીમાં કયા કયા સંતની વાણી એ જ પ્રકારની મળે છે એ પણ મેં નોંધી છે. ત્યારે આપણી પાસે ઈતિહાસ રચવામાં એક બારી ખૂલે છે. સિદ્ધવાણી, નાથવાણી, હિન્દીવાણી અને પછી ગુજરાતીવાણીમાંની સમયની રીતે મૂલવવામાં હું પડતો નથી અને ભજનમાં તો કઈ રીતે પડ્યું છે તે જુઓ, નરસૈયા ચો સ્વામી સાચો એમાં ‘ચો’ હવે આ ‘ચો’ કે ‘ચા’ શબ્દ છે એ મરાઠી છે એટલે મરાઠી સાથે અનુબંધ છે, મીરા મારવાડના અને રાજસ્થાનના, તો એના જે પદો મળે છે એમાંય એમના શબ્દો આવે છે, તો ઈસ્લામના સૂફીઓ, બંગાળના બાઉલની મસ્તી એ ભજનમાં મળે છે અને હિન્દી ભજનની જે રંગત અથવા મજા છે એ તો આપણે પુરૂષોતમ જલોટા, જ્યુથિકા રોય અને કુમાર ગાંધર્વના ભજન ગાનથી પરિચિત છીએ. હવે દક્ષિણમાં અપ્પૈયા અને ગાણપત્ય મતો – ભજનના આદિમ સૂત્રનું અનુસંધાન દક્ષિણમાં હોવાનું જણાય છે, ભજનના આદિમ સૂત્રો અપ્પૈયા અને ગાણપત્ય ભજન જણાય છે. આટલા પછી આપણને થાય કે ભજનસ્વરૂપ કોઈ એકની જાગીર નથી. સમગ્ર ભારતવર્ષની, આર્યાવર્તની અને દ્રવિડિસ્તાન બન્ને સંસ્કૃતિના સાંસ્કૃતિક સમન્વયનું ઉજ્જવળ પરિણામ અને પરિમાણ છે એવું જણાય છે. નાથપંથી ગોરક્ષવાણીના નામાચરણવાળા ભજન હોય કે મહામાર્ગી માર્કંડઋષિના નામ વાળા ભજન હોય, ઈસ્લામ ખોજાના કયામુદ્દીન નામાચરણવાળા ભજન હોય અને તુકારામના અભંગો તથા તુકા તાટી ખોલ – મુક્તાબાઈ કહે કે દ્વાર ખોલો, આમ ભજન એ ઉઘાડ છે. આ એક સાંસ્કૃતિક ઉઘાડ છે. કે આધ્યાત્મિક ઉઘાડ છે. એ વિદ્વાનોની વાતચીત પર છોડું છું. આ બધા સંદર્ભોમાં ગુજરાતમાં – ‘બાર બીજના ધણીને સમરું, સમરું નેકડંગ નેજા ધારી’ નો મહિમા ગવાતો હોય, પરબના રક્તપીતીયાઓની સેવા કરતા સત દેવીદાસની શિષ્યા માં અમરમાં ગાતા હોય – ‘જળની માછલીયું અમે પવને સંચર્યું, ખરી તો વળતી મારી નહીં ડોલે’ એ મુજબ ભજનમાં ભક્તિ – જ્ઞાન – યોગ – વૈરાગ્ય – ગુરુ મહિમા – ચેતવણી – અવળવાણી – અગમભાસતી વાણી એમ અનેક પ્રકારની કથનપ્રયુક્તિઓ આલેખાયેલી છે. માત્ર એક જ પંક્તિમાં જ એની વાત કરું તો

ભક્તિ – ‘ભૂતળ ભક્તિ પદારથ મોટુ’,
અજ્ઞાન – ‘જ્ઞાન વિના ભક્તિ નવ થાય, જ્યમ ચક્ષુ હીણો જ્યાં ત્યાં અથડાય’
ધ્યાન – ‘જીવે લાખા ધ્યાન પ્રાણાયામમાં, ગુરુ ગમ રાખોજી જેની ચંચળ વૃત્તિ સ્થીર થાય’
વૈરાગ્ય – ‘કઠણ પંથ આ વૈરાગ્યના રે, જ્યાં પહોંચત વીરલા સંત’
ગુરુ – ‘અજવાળુ રે હવે અજવાળુ, ગુરુ આજ તમ આવ્યે અજવાળુ’
ઉપદેશ – ‘પ્રાણીયા ભજી લેને કિરતાર આ તો સ્વપ્નું છે સંસાર’
અવળવાણી – ‘વરસે ધરતી ભીંજે આસમાન, સવળી વાણી રા પૂરા પરમાણ મેકરણ કાપડી

આ ભજનનું બાહ્ય રૂપ. પણ ભજનનું એક આંતરીક રૂપ છે અને એમાં કેટલાક શબ્દો મહત્વના છે, નામ, વચન, શબ્દ અને મોતી. ચારેયના અર્થઘટનમાં વિદ્વાનો સામે નહીં પડું.

વચન – ‘એકવીસ બ્રહ્માંડની ઉપર, વચન વિવેકી જે નર નારી પાનબાઈ, વચન થકી આ સૃષ્ટિ ઠેરાણી. આ દલદરિયામેં ડૂબકી દેણા મોતી લેણાં ગોતી એ વાત થતી હોય અને છતાંય આ બ્રહ્મના ભેદને ભજનના ભેદને અનુભૂતિમાંથી પસાર થવા માટે કોઈ ને કોઈ ગુરુ પાસે જવુ પડે છે આ સૌથી મહત્વની બાબત છે.

સદગુરુને ચરણે તો જવાનું અને ત્યાં ગયા પછીથી ગુરુ ગમ પ્યાલો પીવો પડે છે, ‘રામ રસ પ્યાલા હૈ ભરપૂર, પીવો કોઈ ઘટક ઘટક ઘટક’.

પ્રેમ કટારી – એક ધરીની ચોધારેથી એ જી એ વી પ્રેમકટારી લાગી રે અંતર જો જો ઉઘાડી એવી ઝળહળ જ્યોતું જાગી રે, એ જી દસ દરવાજા નવસે નાડી એ ગાય છે સાંઈ વલી.

આટલું થયા પછી આરાધ કરવો પડે. આરાધ જગાડવો પડે, ‘એવા નૂરીજન સતવાદી મારા ભાઈલા, આજ આરાધો રે એક મન કરોને આરાધ અને જ્યારે આરાધ સિદ્ધ થાય ને શું વાત કરવી?

‘આનંદ હેલી ઉભરાણી, સંતો આનંદ હેલી ઉભરાણી’ આમ ભજન સંત સાધના પ્રક્રિયાના શબદસૂરત યોગના ગુરુ કૃપામાં ભાવભક્તિમાં, સહજ નામસ્મરણમાં સિદ્ધ થતું અનુભવાય છે. અને માની લો આમાંથી એકેયમાંથી પસાર ન થયા હોય તો ભજનનો એ ક બીજોય મારગ છે, તે સેવાનો મારગ છે. આપા વિહામણ, આપા દાના, આપા ગીગા, સત દેવીદાસ, માં અમરમાં, અને જલારામ એમાં ભજન જીવાયું છે. આવા વિવિધ હેતુઓ વાળા ભજનને આ સંદર્ભમાં પણ જોઈએ અને તો જ ઈતિહાસ રચાય. કેટલાક લોકો એમ માને છે કે ભારતમાં ઈતિહાસ લખવાની દ્રષ્ટિ જ નથી, તે અભિગમથી કાંઈ વાતચિત થતી નથી, હકીતકતમાં આપણો ઈતિહાસ મૂલક વિભાવના જુદી હતી. આપણે ત્યાં રાજા રજવાડાની વંશાવલીઓ, ચારણ, બારોટ ના ચોપડે નોંધાયેલી છે જ, તેમાં દાનવીરના દાનના ઉલ્લેખો જળવાયેલા છે જ, એ પ્રમાણે ભજન કરનારા પાસેથી ભજનિકો વિશેના અનેક ઉલ્લેખો જળવાયા છે, અને એ પણ આપણી પાસે મળે છે, એમાં નાભાજીની ભક્તમાળ આપણી પાસે છે. એના આધારે ભોજા ભગતની ભક્તમાળા આપણી પાસે છે, રૂપાવેલ અને નરવેલ એ પણ આપણી પાસે છે. પણ આ સંતભક્ત કવિઓએ જે ધાર્યું હોત તો શેઠીયાઓની રજવાડાઓની વાત કરી શક્યા હોત, પણ એમને એ અભિપ્રેત નહોતું એ તો માત્ર ભજન ભજન અને ભજન એટલે જ એમણે ભજનની વાત કરી છે. આપણા જીવનમાં ધર્મ ને ભક્તિનું કેટલું મહત્વ હશે એ ફક્ત એક જ દ્રષ્ટાંતથી મારી વાત કહીશ – વાલ્મિકીજી મહારાજે મૂળ રામાયણ લખ્યું, તેના સંદર્ભમાં મધ્યકાળમાં તુલસીજી મહારાજે રામચરિત માનસની રચના કરી, તેનો એક જ પાઠ, એમાંનો એક જ પાઠ આપણા ઘરોમાં અનિષ્ટના નિવારણ માટે સુંદરકાંડ રૂપે થઈ રહ્યો છે. આ ગ્રંથની કથા કહેનારો એક વર્ગ છે. અને જે કથા કહેનાર છે એનું તમારા અને મારા ચિતમાં શું સ્થાન છે એ તો તમે જુઓ જ છો. આમ ધર્મ જે આધાત્મિકતા આપણા ધર્મકેન્દ્રિત ચિંતનનું, ભક્તિનું જો કોઈ સારતત્વ હોય, અર્ક હોય તો એ ભજન છે. આવા ભજનનો ઈતિહાસ ન નોંધાય એ કેમ ચાલે? આ ભજન ભારતીય જનજીવનમાં વહેતા લખીના હેમોગ્લોબિન સમાન છે. ફરીને હું મારી મૂળ વાત પર આવું તો ભજન સાહિત્યનો ઈતિહાસ જ્યારે રચવાની વાત આવે ત્યારે સર્વંગામાં નરોતમ પલાણ એની શરૂઆત પંદરમી સદીથી અને સ્વામી રામાનંદના હનુમાન આરતીથી ‘આરતી કીજે હનુમાન લલાકી’ એ પ્રથમ ભજન હોવાનું નિર્દેશ છે. એ પૂર્વે એમણે ગોરખનાથના ભજનને લીધું છે પણ હવે આ જે ભજનો આવે એ વખતે રાવણહથ્થાની અંદર આ ભજન તો વહેતું થઈ ગયેલ અને ત્યારે રાવણહથ્થાવાળા એ નાથ જોગીઓ, ‘રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા હો જી, તખત લગાયા સરવર તીરે, ઉપર તરુવર છાયા જી. કચ્ચી માટી કા કુંભ બનાયા, વા મેં અમિરસ લાયા…..’ છોડું છું. ક્યાંકથી ભજન પ્રથમ ગણવું એ મારો અત્યારે વિષય નથી. આ ભજનભેદ ઉકેલવા માટે ભજનમાં પડેલી સંતસાધનાતો એક વર્ગ એવો પણ છે કે સંત કબીરથી આરંભ કરીએ તો સંત કબીરની પરંપરા ગુજરાતમાંય આવી, કબીરસાહેબ પણ આવેલા અને એ પરંપરા રવિભાણમાં પણ વિસ્તરી અને રવિભાણના સંમર્થ શિષ્યો એમણે પણ આ કામ કર્યું એટલે એ બધાના ઉદાહરણ મેં અહીં મૂક્યા છે અને એમાંથી પણ હું બહાર નીકળું.

ભજનનો એક બીજો પ્રવાહ છે એ બંગાળમાં વહેતો થયો. મહારાષ્ટ્રમાં વહેતો થયો, રાજસ્થાન, અને મારવાડમાંથી ખીમડીયો કોટવાળ, ગઢ ઢેલડી મોરબીમાં આવીને વસ્યો, એ મહાપંથી જ્યોત પાટનો કોટવાળ હતો અને તેણે મહાપંથી ભક્તિરૂપી આંબો રોપ્યાની વાત કરી છે.

‘કિયા રે પૂરષે વાવ્યા આંબલીયાના બીજ, ને કિયારે પુરુષે આંબો વેડીયો રે જી.

રાવત રણસિંહ આંબલિયાના બીજ લાવ્યા, ખીમડીયા કોટવાળે આંબો રોપ્યો, ને આંબાની કેરી વેડવામાં આવી, પ્રથમ કેરી આબુગઢ ને ગિરનાર ગઈ, બીજી કેરી સિંહલદ્વિપ, ત્રીજી ધણીને દ્વાર, ને ચોથી ગત ગંગામાં વહાવી રે. આ વ્યક્તિગત વાત છે જ નહીં, સમષ્ટિની વાત છે. ભજન સ્વરૂપની ઉત્કૃષ્ટ શક્યતાઓ કઈ કઈ પડી છે એ આમાંથી જોઈ શકીએ છીએ, આજની કવિતા જેવું નથી કે જે માત્ર લેખક અને વિવેચક જ સમજે. આ તો આમ જનતા પણ સમજે. ભજન સ્વરૂપ ક્લાસમા અને માસમાં બંને જગ્યાએ લોકહ્રદયમાં રહ્યું છે તેથી દરેક સંપ્રદાયના આજના અનુયાયીઓ, ફિરકાધારીઓ પોતાનાપંથથી ભજનની શરૂઆત થઈ તેમ દાવો કરવા લલચાય તે સ્વભાવિક છે, હકીકતમાં અત્યારે આપણે કોઈનો નકાર કરી શક્તા નથી એમ સ્વીકાર કરવાની ઉતાવળ પણ નથી. આપણે તો ઐતિહાસીક તથ્યોના આધારે સત્યની નજીક જવાનો માત્ર પ્રયાસ કરવાનો છે.

(ક્રમશ:  ભાગ 3 માં અહીં ક્લિક કરીને વાંચી શકાશે )

આપનો પ્રતિભાવ આપો....