સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૧ 2


પૂજ્ય મોરારીબાપુના પિતાજી સ્વ.શ્રી પ્રભુદાસબાપુની પુણ્યતિથીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ તલગાજરડા ખાતે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત સંતવાણી એવોર્ડ અપાયા હતા. આ જ દિવસે સવારે તુલસી એવોર્ડ સમિતિ દ્વારા એનાયત થયેલ એવોર્ડના અર્પણવિધિ અંતર્ગત મોરેશિયસ સ્થિત ડો. રાજેન્દ્ર અરૂણજી, શ્રી શ્રીનાથજી મિશ્રા (વારાણસી), શ્રી અબ્દુલ વદુદ અઝહર દહેલવી (દિલ્હી), શ્રી ઈન્દુભૂષણ ગોસ્વામી (વૃંદાવન) અને શ્રી જગદેવદાસ મહારાજ ‘માનસમધુકર’ (અયોધ્યા) ને તુલસી એવોર્ડ અર્પણ કરાયા હતાં. આ વિદ્વાનોને શાલ, સ્મૃતિચિહ્ન તથા પુરસ્કાર રાશી અર્પણ કરાયા. આ પ્રસંગે એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભરપૂર વરસતા વરસાદમાં અમે આ વિચારગોષ્ઠીનું શ્રવણ કરવાનો લહાવો લેવા પહોંચ્યા. જેમ જેમ અહીં વિદ્વાનોના ભજન અને ભજન ઈતિહાસ તથા પરંપરાઓ વિશેના વિચારો વ્યક્ત થયા તેમ તેમ મેઘરાજાએ પણ તેમની અવરિત વર્ષા ચાલુ રાખી.

શ્રી હરિશ્ચંદ્રભાઈએ કાર્યક્રમની શરૂઆત કરતા કહ્યું,

“સંતવાણી એવોર્ડ ત્રણ અંતર્ગત ભજનવિચારની આ સંગોષ્ઠિમાં ઉપસ્થિત રહેલા ભજનના મરમીઓ, ભજનપ્રેમીઓ અને સંતવાણીના શ્રોતાજનો અને આ સંગોષ્ઠીના ત્રણ વક્તાઓ અને સંચાલકશ્રી, આપ સૌનું પૂજ્ય બાપુ વતી ચિત્રકૂટધામના આ પરિસરમાં હનુમાનજ્ં મહારાજની સન્મુખ હાર્દિક સ્વાગત કરું છું. ચિત્રકૂટધામ કે કૈલાસ ગુરુકુળમાં યોજાતા બાપુની પ્રેરણાથી સર્જાતા કોઈપણ ઉપક્રમનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંદેશ સમાજ સુધી પહોંચે છે. ગત વર્ષે સંતવાણી એવોર્ડની અર્પણવિધિ પૂર્વે એ સમયે ઉપસ્થિત ભજનપ્રેમી એવા કેટલાક મહાનુભાવોને પ્રાયોગીક રીતે દસ દસ મિનિટ વક્તવ્ય આપવાનું અહીં કહેવાયેલુ અને એ રીતે ભજન વિશે ફરી આપણે સૌ વિચાર કરતા થઈએ એવો એક ઉપક્રમ રચાયો.

ઝવેરચંદ મેઘાણી આજીવન સંશોધક – સંપાદક પણ એમણે પોતાનાપુસ્તકમાં જણાવ્યા મુજબ છેલ્લે તો એમનું મન ભજનમાં ઠર્યું હતું. એમની ઘણી ઈચ્છા હતી કે એ દિશામાં એ વિશેષ કાર્ય કરે પણ કાળદેવતાએ એટલો સમય એમને કદાચ ન આપ્યો. આપણા બીજા એક ભજન મરમી મકરંદ દવે, જેણે પણ ભજન વિશે આપણને વિચારતા કર્યાં, ભજન વિશેની આપણને સમજ આપી, અને આ સમયમાં પણ આપણી વચ્ચે બેઠેલા અને કેટલાક કદાચ હજુ નથી પહોંચ્યા કે નથી આવી શક્યા એવા ઘણાં ભજનમરમીઓ આપણી વચ્ચે છે. કેટલાકના હ્રદયમાં એવી પીડા પણ છે જે બાપુ પાસે અને અન્યત્ર એમના લેખોમાં શબ્દો દ્વારા એ વ્યક્ત થતી રહી છે અને એ પીડા એ છે કે ભજન એ તો એક સાધન છે, શબ્દની ઉપાસના છે, અંદરના દ્વાર ખોલવાની શાબ્દિક પ્રક્રિયા છે, પણ એ ભજન મનોરંજનના માર્ગે ચઢતું જતું હોય, મિડીયા માધ્યમોનો પ્રભાવ, આપણો અભ્યાસ ઘટતો જાય, વાંચન ઓછું થતું જાય એ બધા કારણે પણ ભજનને જે રીતે મૂલવવાની જરૂર આપણે ત્યાં રહી છે એમાં પાછલા વર્ષોમાં ઘણો ઘટાડો થયો છે, એટલે એવી પણ એક અપેક્ષા અહીં રાખી હતી અને જે ભજનીકો રાત્રી બેઠકમાં સંતવાણી રજુ કરવાના છે એ બધાને મેં વિનંતિ કરેલી કે શ્રોતાઓ તો ભજન વિશે જાણે, ભજન વિચાર દ્વારા એ વિચાર કરતા થાય, પણ જે સ્વયં ભજનિકો છે, આમ તો ગાવું એ પણ બાપુ એક ભજન સ્વરૂપ જ માને છે, પણ જે ભક્ત કવિઓની વાણી પ્રગટ થઈ છે એ શું કહી ગયા છે, કેટલીક વખત ભજનમાં પ્રયોજાતા જે શબ્દ કે શબ્દયુગ્મ હોય એના વિશિષ્ટ અર્થ છે, એ માત્ર ગાઈ નાખવા જેવા કે બોલી લેવા જેવા શબ્દો નથી, એટલે એ સમજ પણ મરમીઓ દ્વારા ભજનના ગાયકોને – ભજનિકોને અહીં પ્રાપ્ત થાય એવી અપેક્ષાથી મેં સૌને વિન્ંતિ પણ કરેલી કે સાંજની ચાર વાગ્યાની બેઠકમાં આપ સૌ ઉપસ્થિત રહેશો એવી વિનંતિ છે.

ભજનિક શબ્દ ઓસરતો ગયો અને હવે કલાકાર શબ્દ – ભજનના કલાકાર એવો શબ્દ પ્રયોજાતો થયો છે. આપણે ફરી પાછા બાપુના ખોળે બેસીને અહીં એક એવો નવો અભિગમ સર્જીએ, એ અપેક્ષા રાખીએ કે ફરી સાચા અર્થમાં ભજનને આપણે સાંભળતા, ઓળખતા, પામતા થઈએ એ અપેક્ષા સાથે પ્રતિવર્ષ ભજનસંદર્ભે વિચારની જે સંગોષ્ઠી થવાની છે એ અંતર્ગત આ વર્ષે આ પ્રથમ સંગોષ્ઠી છે. આ બેઠકના સંચાલક શ્રી બળવંત જાની, ત્રણ વક્તાઓ શ્રી નાથાલાલ ગોહેલ, શ્રી નિરંજન રાજ્યગુરુ અને શ્રી ભાણદેવજી ચારેય મહાનુભાવોને સ્ટેજ પર પધારવા વિનંતિ કરું છું.

આ બેઠકના પ્રથમ વક્તા છે શ્રી નાથાલાલ ગોહિલ અને જે દિશામાં હવે પછીના વર્ષોમાં આપણે આગળ ચાલશું એ વિષય છે ભજન સાહિત્યનો ઈતિહાસ – પહેલા આપણે એ જાણીશું, આરાધ – ભજનનો જે એક પ્રકાર છે, આરાધ સ્વરૂપ વિચાર એ વિશે શ્રી નિરંજન રાજ્યગુરુ વક્તવ્ય આપશે અને ગંગાસતીની વાણી એ વિશે ભાણદેવજી પોતાનું વક્તવ્ય આપશે. આ બેઠકના સંચાલક શ્રી બળવંત જાની, એમના પરિચયની આમ તો આવશ્યકતા નથી તે છતાં સંક્ષેપમાં કહેવું હોય તો બળવંતભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ છે, ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણના પૂર્વ વાઈસ ચાન્સેલર રહી ચૂક્યા છે, ખાસ કરીને મધ્યકાલીન સાહિત્યના એ મર્મજ્ઞ છે, સંકલન, સંપાદન અને સંશોધન, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યમાં વિપુલ માત્રામાં એમણે કામ કર્યું છે અને એ રીતે એમનું ઘણું મોટું પ્રદાન છે, આ ત્રણેય વક્તાઓ આ ક્ષેત્રના મરમીઓ છે.”

પૂજ્ય બાપુએ સૂત્રમાળા અને શાલથી સ્ટેજ પર આ મહાનુભાવોનું સ્વાગત કર્યું, એ પછી બળવંતભાઈ જાનીએ સંચાલન સંભાળ્યું.

શ્રી બળવંતભાઈ જાની –

તલગાજરડી ભારતીય સંસ્કૃતિ પરંપરાના પ્રયોજક આપણા સમયના અત્યંત શ્રદ્ધેય તુલસી રામાયણ અને ભારતીય જ્ઞાનપુંજના માત્ર અભ્યાસી નહીં, માત્ર અર્થઘટનકર્તા નહીં, પણ એના દર્શનને એના અર્થઘટનને કોઈ આચાર્ય શાસ્ત્ર રચતા હોય એ રીતે રામાયણને કેન્દ્રમાં રાખીને ભારતીય પરંપરાના ભારતીય સંસ્કૃતિના અનેક સંજ્ઞાકોષને જેઓ વિશ્વ સમક્ષ આજના સમયમાં અર્થપૂર્ણ અને હ્રદયસ્પર્શી રીતે ઉદઘાટિત કરી રહ્યા છે એવા આપણા સૌના શ્રદ્ધેય મોરારીપાબુની નિશ્રામાં અને બુદ્ધિમતાં વરિષ્ઠં એવા પ્રાજ્ઞ, અત્યંત બુદ્ધિમાન, તેજસ્વી, સેવક હનુમાનજીની ગોદમાં અમને સાક્ષાત બેસાડીને એ શોભાને જોઈ રહેલા આસ્વાદી રહેલા આપ સૌ સંતવાણીના ચાહકો, અને ખરા અર્થમાં એના જાણતલ મરમી મિત્રો, આજે અમારી સાથે આ ભજન ચર્ચામાં ત્રણ મિત્રો છે, નિરંજન રાજ્યગુરુ, નાથાલાલ ગોહિલ અને ભાણદેવજી.

સૌથી મોટી વસ્તુ જે પ્રારંભમાં આદરણીય હરીશભાઈએ થોડી આપણી સમક્ષ ખોલી તે એ કે ભજન વિશે બે મત પ્રવર્તે છે, એક એવો વિચાર ધરાવનારા શ્રદ્ધા પુરુષો છે જે એમ માને છે કે આ સાધનાનો, અનુભવવાનો વિષય છે, અંદર સમજવાનો વિષય છે. અંતરમાં ઉતારવાનું છે. બીજો એક મત ધરાવતો વર્ગ એ છે કે એની ચર્ચા થવી જોઈએ, ઉપનિષદની માફક પાસે બેસીને આપણે જે કાંઈ જાણીએ છીએ, આપણું જે કાંઈ અર્થઘટન છે, જે સમજ્યા છીએ એનો તાળો મેળવવો જોઈએ. મકરંદભાઈ આ શબ્દ વાપરતા, ‘આ તાળો મેળવવાની વાત છે’, મને આમ જણાય છે, હું આમ માનું છું નહીં. તમે મકરંદભાઈના બધા પુસ્તકો વાંચો, એ તો મરમી, આટલા મોટા ગજાના સાધક, અધિકૃત, કદાચ એના જેટલું અધિકૃત એના સમયમાં નહિં, અત્યારે પણ કોણ હશે એ પ્રશ્ન છે, એ વિદ્યાપુરુષ પણ એમ કહે, ‘મને મારા અનુભવે, મારા અભ્યાસે, મારા મતે એમ જણાય છે કે….’ એમ કરીને વાત મૂકે છે આવી આ ભજનની મિમાંસા આપણે ત્યાં થતી આવી છે. પણ એ હતી વિદ્વદ વર્ગમાં, એ હતી સીમાબદ્ધ વર્તુળમાં. એનો પ્રારંભ તો કર્યો હતો શ્રદ્ધેય ડોલરરાય માંકડે, ડોલરરાય તો સંસ્કૃતના કાવ્યશાસ્ત્રના પંડિત, પણ સમગ્ર ગુજરાતી વિવેચન પરંપરામાં ભારતીય સિદ્ધાંતોને, ભારતીય કાવ્યશાસ્ત્રને કેન્દ્રમાં રાખીને વિવેચનના સિદ્ધાંતોની માંડણી કરનાર એ વિદ્યાપુરૂષ અને તળભૂમીની કથા કહેનારા, એ તો કથાકાર પણ હતા, શ્રીમદ ભાગવતની કથાનું રસપાન કરાવતા, આ બધું એને કોઠે, એણે ભજન સાંભળેલા, એટલે ‘આપણા કાવ્યપ્રકારો’ નામના ગ્રંથમાં ભજનના કાવ્યપ્રકારની ચર્ચા એણે આરંભ કરી, એ જ ચર્ચા કરી શકે જેને આપણા તળપદા કાવ્યપ્રકારોની ખબર છે અને આપણે બધાં જેનાથી અનુપ્રાણિત છે. એ સંસ્કૃત કાવ્યપ્રકારોનો ખ્યાલ હતો, એણે માંડણી કરી.

ચાર સ્તંભ મને જણાય છે, ડોલરરાય એક થાંભલો છે, બીજો થાંભલો એવો જ બળવત્તર અને તળપદી સસૃતિનો શ્વાસેશ્વાસ ભરીને જે ઉછરેલા – ઉજરેલા એવા મેઘાણી, પણ એની બિલકુલ લગોલગ, એની સાથે રહીને જેણે ખૂબ કામ કર્યું અને ભજન, લોકગીત, લોકકથા, લોકકળાઓમાં ઓતપ્રોત એવા જયમલ્લભાઈ, આ ત્રણ ઉપરાંત ચોથું જે કામ કર્યું, બહુજ મહત્વનું, તર્કથી અને ભજનોની વિવિધ પરંપરાનો ખ્યાલ અને એ પરંપરાના ભજનોનો ખ્યાલ, એટલે હું ભજન વિશે પ્રારંભિક રીતે વિચારનારા જે ચાર સ્તંભ કહું છું એમાં મકરંદભાઈ, મેઘાણી, ડોલરરાય અને જયમલ્લભાઈ એ છે. બાપુએ સરસ કહ્ય્ં કે આ ચાર સ્તંભનો તલગાજરડી સ્તંભ મને લાગ્યા છે નરોતમ પલાણ. કેટલું વહેલું એણે પણ એ વિચાર્યું? આપણે ત્યાં આ બધું થતું નથી. પણ હું બધા વિધાનો ક્રમમાં ગોઠવતો ત્યારે ખ્યાલ આવ્યો કે કેટલું વહેલું, એ સમયે ભજનના સ્વરૂપ વિશે એમણે વિચારેલું. એટલું જ નહીં આ બધાનો કાલ નિર્ણય કરવામાં પણ કેમ ભજન ઉપયોગી થાય છે એની વાત કરેલી. ભજન વિશે આવા આવા વિચાર પુરુષોએ ઘણું કહ્યું છે. હું વિચારતો હતો કે આ ભજન બંગાળના બાઊલ પરંપરાના સ્વરૂપની માફક ગુજરાત – રાજસ્થાનમાં આટલું છવાઈ ગયું છે, તો આ તળપદી લોકસંતોની વાણી કેમ આટલી સ્વિકૃતિ પામી? એનો એટલો બધો પ્રભાવ કેમ રહ્યો? એની આટલી પકડ પ્રાંતમાં ભણેલા – ન ભણેલા અનેક અભ્યાસીઓ પર આટલી બધી કેમ પડી? જેના રચયિતાઓને કલમ પકડતા આવડતી નહોતી, અક્ષર પાડતાંય આવડતું નહોતું એના હ્રદયમાંથી નીકળેલી આ વાણીને આટલી સ્વીકૃતિ કેમ પ્રાપ્ત થઈ? અને વેદવાણીની સમક્ષ એની લગોલગ ઉપનિષદના સૂત્રોની લગોલગ એનું સ્થાન, એનું માન એને શા માટે પ્રાપ્ત થયું? શું છે એમાં?

આ વાત વિચારતા વિચારતા મને એક સંસ્કૃત સુભાષિત યાદ આવે, એમાં કહેવાયું છે,

“અનુદ્વેગં કરંવાક્યં” – ઉદ્વેગ ન થાય એવું વાક્ય –
“પ્રિયં હિતં ચ ય” – અને પાછું હિતકારી અને પ્રિયકર હોય,
“સ્વાધ્યાયાં અભ્યાસં ચૈવ” – પછી કહે છે,
“વાંગ્મય તપ પુજ્યતે”

હું કહીશ કે લોકસંતોનું વાંગ્મય તપ એ ગુજરાતી ભજન છે, એમાં કોઈને ઉદ્વેગ થતો નથી, એ પંથના ન હોય એને પણ ઉદ્વેગ થતો નથી આ મોટી સિદ્ધિ છે ભજનની, અનેક પંથના ભિન્ન ભિન્ન મત ધરાવતા લોકો પણ જ્યારે ભજનમંડળીમાં હોય અને ઝીલતા હોય, ઝૂલતા હોય ત્યારે એમ લાગે કે આ એની વિચારધારાના મત સાથે અનુબંધ ન ધરાવતી વાણી પણ એના ચિતમાં કેવી સ્વિકાર પામીને અંગ અંગ દ્વારા પ્રગટે છે. પ્રત્યેક અંગ દ્વારા ભજન સાંભળતા ઉલ્લાસ પ્રગટાવે એવી આ વાંગ્મય રૂપની વાત આપની સમક્ષ થવાની છે.

ભજનના ઐતિહાસીક સ્વરૂપની, એના વિવિધ પ્રકારો સ્વરૂપની અને એના વિવિધ રચયિતાઓ એમ ત્રણ પાંખાળી આ વાત છે – ત્રિવેણી. સતત પ્રત્યેક વર્ષે આ ત્રણને કેન્દ્રમાં રાખીને જુદાજુદા પ્રકાર વિશે વાત થશે, ઐતિહાસિક સંદર્ભમાં વાત થશે, અનેક ભજન જેણે રચ્યા છે એવા ભજનના કર્તાઓ વિશે વાત શશે, એનું દર્શન થશે, આ ઉપક્રમ સ્વયં શાસ્ત્રીય, લોકરૂચિને ઘડનારો, લોકરૂચિને કેળવનારો છે એમ જ નહીં, લોકોની સમજને વિસ્તારનારો છે. એટલે તો વિદગ્ધ શ્રોતાઓ પણ અહીંયાં શ્રવણપાન માટે ચિંતન માટે મંથનયજ્ઞમાં ઉપસ્થિત થયા છે. મારી દ્રષ્ટિએ આ વિદ્યાસત્ર ગુજરાતની લોકસંસ્કૃતિ પરંપરાનું એક મહત્વનું સત્ર છે, વિદ્યાપીઠોમાં ભજનને બહુ ઓછો આવકારો મળ્યો છે, અભ્યાસીઓએ ભજનને બહુ ઓછુ આવકાર્યું છે, અભ્યાસમાં બહુ મોડે મોડે સંતવાણીનો સ્વીકાર થયો.

પલાણસાહેબે બહુ ગોકીરો માચાવેલો કે ગુજરાતી સાહિત્યકોષમાં આ બધા ભજનિકોની ભજનવાણી અને એના રચયિતાઓને સ્થાન મળવું જોઈએ. એણે, જયમલ્લભાઈએ, નિરંજનભાઈએ ખૂબ પ્રયત્ન કર્યો. અને મને યાદ છે જવાબ એવો આપેલો કે એની હસ્તપ્રતો મળતી નથી, એમના શાસ્ત્રીય સંપાદનો થયા નથી, એમના કર્તુત્વના પ્રશ્નો છે, એને અભ્યાસમાં શામેલ ન કરી શકાય. પણ એ બધાં મિત્રોએ એનાથી નિરાશ થયા વગર અભ્યાસની કેડીએ એવી રીતે ડગ માંડ્યા કે એ કેડી આજે રાજમાર્ગ બની ગઈ છે અને રાજમર્ગ બનેલી કેડી આ ભજન, આપણું વાંગ્મય રૂપ એના વિશે આજે જ્યારે આ તલગાજરડી પરંપરામાં વિચારગોષ્ઠી આરંભાય છે એ મને લાગે છે કોઈ પણ વિદ્યાસંસ્થાએ કરવા જેવું, મહત્વના કાર્ય તરીકે સ્વીકારવા જેવું કાર્ય છે જે આ એક લોકવિદ્યામંચ એક વિદ્યાપીઠથી થઈ રહ્યું છે. એનો અમને ખૂબ આનંદ છે કારણકે આ લોક સંસ્કૃતિના મૂળ પણ આ લોકમનની અંદર પડેલા છે, સંતોના ચિતમાં પડેલા છે, અને આ ભાવકોના હ્રદયમાં પડેલા છે. તો આ ભાવકો, આ સંતો અને આવા વિદગ્ધની ઉપસ્થિતિમાં અભ્યાસીઓ એમનું વિદ્યાતપ અહીં પ્રસ્તુત કરવાના છે.

નાથાલાલ ગોહિલ મકરંદભાઈ પાસેથી સ્વયં એની સામે બેસીને ભજન સંદર્ભમાં દીક્ષિત થયેલા, અનેક મિત્રો સાથે સતત ચર્ચા કરે, સતત પ્રતિબદ્ધ બનીને ભજનને જ અભ્યાસનું ક્ષેત્ર સ્ત્વીકારીને છેલ્લા દોઢ બે દાયકાથી એમાં કામ કરે છે, આપણે ત્યાં અનેક અભ્યાસીઓ છે. અનેક વિષયમાં એનું પ્રદાન છે, પણ નાથાલાલભાઈ ભજનને પોતાનું અભ્યાસક્ષેત્ર સ્વીકારીને સંશોધનમાં અધ્યાપનમાં, અધ્યયનમાં, લેખનમાં એને એવી રીતે શામેલ કર્યું કે આજે એ વિષયના સૌથી વધુ પુસ્તકો – ગુજરાતી ભજન વિશેના કોઈના હોય તો નાથાલાલભાઈના છે.

હરીજન સંતોની ભજનવાણી એ પી.એચ.ડીનો વિષય એમણે સ્વિકાર્યો ત્યારે પણ ચર્ચા થતી કે આવો વિષય કેમ? અધ્યાપકો ચર્ચા કરે કે આમા શું? કાલે સવારે કોઈ બ્રાહ્મણ સંતોની ભજનવાણી પર કામ કરશે? બાવા સાધુ સંતો, ચારણોની ભજનવાણી પર કામ કરશે? પણ કેટલાક અધ્યાપકોએ કહેલું કે એમની પાસે વિશિષ્ટ દર્શન છે, મહાપંથીની અનેક વિધિમાં પણ એનું પ્રદાન છે અને એ સંતોનું જે યોગદાન છે એ વિશે નાથાભાઈએ સરસ કામ કર્યું, એ સ્વીકારાયું અને એક પછી એક કથાત્મક ભજનો, રૂપાત્મક ભજનો, મહાપંથના ભજનો એવા ઘણાં કામ દોઢ બે દાયકાથી કર્યા, અત્યારે ભજન સાહિત્યના અધિકૃત અભ્યાસીના પ્રારંભિક વક્તવ્યથી આ ખરા અર્થમાં પરિસંવાદની પરંપરાનો પ્રારંભ થઈ રહ્યો છે અને એના પ્રારંભિક વક્તા પણ નાથાભાઈ ગોહિલ છે, કેશોદની કોલેજના અધ્યાપક, સેવાનિવૃત્તિની લગભગ કોરે બેઠા હોય ત્યારે પણ અભ્યાસલેખો, અધ્યયનલેખોમાં સતત રત હોય એવા પ્રોફેસર, હરીજન સંતો વિશે અધિકૃત કામ કરીને, સમગ્ર સંત સાહિત્ય વિશે બહુજ મહત્વની મિમાંસા કરનાર ડો. નાથાલાલ ગોહિલને વિનંતિ કરું છું કે તેઓ ચાલીસ પિસ્તાલીસ મિનિટની સમય મર્યાદામાં ભજનના ઐતિહાસિક સંદર્ભને પ્રસ્તુત કરે.

(ક્રમશ:)

શ્રી નાથાલાલ ગોહિલના વક્તવ્ય માટે જુઓ ભાગ ૨ અને ૩ આવતીકાલે


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૧

  • kedarsinhji m jadeja

    કેવટ પ્રસંગ

    મેંતો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી,પ્રેમે કહો પાવલાં પખાળો….

    ભવ સાગર ભર તારણ હારો, માંગે આજ આશરો અમારો
    નાવ માંગે હરિ પાર ઉતરવા, કેવટ મનમાં મુંઝારો…સીતાના સ્વામી…

    મર્મ તમારો જાણું હું ભગવંત, જાણું અવતાર તમારો
    પરથમ પહેલાં પાય પખાળું, પછી કરૂં પાર કિનારો….સીતાના સ્વામી..

    રાત વેળાએ કરતા લક્ષમણ, ન્રુપ સંગ વેદ ના વિચારો
    વેદ નો ભેદ મેં એકજ જાણ્યો, જાણ્યો ચરણ ચમકારો.. સીતાના સ્વામી…

    રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો
    જો રજ પરસે નાવ અમારી, તુટે ગરીબ નો ગુજારો…સીતાના સ્વામી…

    શીદ ગંગાજળ શુધ્ધ ગણાતું, શીદ શુધ્ધ ગંગા કિનારો
    શીદને ભક્ત ગણ ભાગીરથી સેવે, જાણી લીધો વેદ વરતારો..સીતાના સ્વામી…

    ગંગા કિનારે જીવન વિતાવ્યું, -તેથી- આવ્યો સમય આજ સારો
    ભવ સાગરનો તારણ હારો, કહે મને પાર ઉતારો….સીતાના સ્વામી…

    આજ કિનારે બીજી ન નાવડી, અવર ઉતરવા ન આરો
    પગ પખાળી પછી પાર ઉતારૂં, માંગુ નહીં આપથી ઉતારો..સીતાના સ્વામી…

    જો તેં જાણી લીધું નીર ગંગાનું, જાણી લીધો વેદ વરતારો
    શીદ પખાળે પછી પાવલા મારાં, કરે નાહિં ગંગ થી ગુજારો..સીતાના સ્વામી…

    જળ ગંગાએ નીચ જન તાર્યા, કીધો અનેક નો ઉગારો
    અધમા અધમ હું અતિ અધમ નો, નહિં કરે નીર ઉધ્ધારો..સીતાના સ્વામી…

    પ્રેમ પિછાણી રઘુવિર રીઝીયા કહે, તું જીત્યો ને હું હાર્યો
    ચરણામ્રુત લઇ મેલ્યું મુખ માંહી, રોમે રોમ ઉજીયરો..સીતાના સ્વામી…

    પરભવ કેરો કચ્છ કેવટ રીઝાવી, તાર્યા કુટુંબ પરીવારો
    પાર ઉતરી પુછે પ્રભુજી હવે, આપું તને કેવા ઉપહારો..સીતાના સ્વામી…

    આજ પ્રભુજી મને શું શું ન મળિયું, અનહદ કર્યાછે ઉપકારો
    અવર ન આશ પણ એટલું માંગું, કરજો હવે એક’દિ ઉતારો…….સીતાના સ્વામી……

    આજ ગંગાજળ પાર મેં કરાવ્યાં, આવે અંત આયખો અમારો
    લખ ચોરાસીના લેખા ન લેજો, દેજો મને આશરો તમારો..સીતાના સ્વામી…

    દીન “કેદાર”નો દીન દયાળુ, ભક્ત કેરા ભાર હર નારો
    છળ કપટ છોડી રામ જે રીઝાવે, પામે એતો મોક્ષ નો કિનારો..સીતાના સ્વામી…

  • 'દાદીમા ની પોટલી '

    સંતવાણી વિચાર ગોષ્ટિ ની વિગત જાણી ખૂબજ આનંદ થયો., ખરેખર આ વિચાર લોકો સમક્ષ અતિ જરૂરી લાગે છે. ભજન ઘણીવખત સાંભળવા પસંદ હોય ત્યારે અનેક કારનો તે સાથે જોડાયેલા હોય છે; જેમકે ભજનીક પસંદગીના હોય, વાદ્યવૃન્દ પસંદ હોય, અવાજ પસંદ હોય…વગેરે… પરંતુ હકીકત એ છે કે તેના શબ્દ ની સમાજ મોટાભાગે નથી હોતી અને તે વાણી મા શું કેહવા માંગે છે તેનો ખ્યાલ તેથી લગભગ આવતો નથી કે હોતો નથી આવા સમયે આ પ્રકારની પ્રવૃત્તિથી ઘણું ઉજાગર થશે તેમ માનું છું.

    આપના આ લેખ માટે ખૂબ ખૂબ ધન્યવાદ !

    આભાર !