ભજન સાહિત્યનો ઈતિહાસ – નાથાલાલ ગોહિલ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ 3)


(ભજન સાહિત્ય નો ઈતિહાસ – શ્રી નાથાલાલ ગોહિલના વક્તવ્ય ભાગ 2 થી આગળ)

ભજનનો ઈતિહાસ રચવા માટે મિત્ર, સંશોધન સામયિકના તંત્રી એવા હસમુખ વ્યાસે આપ્યો. એમણે વાત વાતમાં કહ્યું કે ભજનનો ઈતિહાસ જો લખવો હોય તો તમે પ્રથમ દરેક સંપ્રદાયનો ઈતિહાસ લખો, તે પછીથી તેના સ્વરૂપગત ભજનો વિશે લખો, અને એ નિશ્ચિત કર્યા પછીથી તમે ભજનનો ઈતિહાસ લખવાની શરૂઆત કરો. પૂર્વે મકરંદભાઈએ ‘સત કેરી વાણી’ માં મહામાર્ગની વાત કરી, નાથમાર્ગની વાત કરી, સંતપરંપરાની વાત કરી અને એ રીતે એ પરંપરાને આદ્ય શિવશક્તિ સુધી એ લઈ ગયા. એ પછીથી એ ભક્તિ દ્વાવિડમાંથી ઉપજી અને મધ્યકાલમાં પ્રસાર પામી એ આપણે જાણીએ છીએ, એક બાબત એ પણ છે કે ભજન એ સાંપ્રદાયિક પ્રવૃત્તિ જ નથી. આ ભજન એકલાનો મામલો છે, મહાત્મા લોહલંગે કાંઇ લખ્યું નથી, અને એના શિષ્ય મૂળદાસે રાજભાષામાં, લોકભાષામાં અને સાંધ્યભાષામાં – ત્રણેયમાં કામ કર્યું છે. કોઈ પણ પંથ લો – દરેક પંથની સાથે બીજો પંથ એટલો ઘનિષ્ઠ રીતે જોડાઈ ગયો છે કે એના કુળ ને મૂળ નોખા કરવા જઈએ તો મૂળ પરંપરા નાશ પામે એમ છે, અને ભજન એ છેદવાનું કામ નહીં, એટલે મકરંદભાઈ કહેતા કે ‘પતંગીયાને ટાંચણીએ ખોડીને ચોપડીના પાને ન રખાય, એ તો ઉડતું ભલું.’

ચોથો એક મત – હિમાંશુભાઈ અને બળવંતભાઈ જેવા અભ્યાસીઓએ ભજનને ઉપનિષદની અસર નીચે, એ પરંપરામાંથી આવ્યા હોવાનું જણાવે છે. ત્યાં આ સંતો કાંઈક જુદુ કહે છે, સંતો કહે છે –

વેદ કિતાબ કો ગમ હાની, ભજન ભેદ હે ન્યારા,

તો ઝવેરચંદ મેઘાણીએ એમ કહ્યું કે ભજન લોકવાણીનો અંતિમ પરિપાક છે, અને એ સંતસાહિત્યનું ફોરમતુ ફૂલ છે, આ સંત પરંપરા ઈસ્લામના આક્રમણ સામે ઢાલ હતી અને તેમાં સમન્વયનો હેતુ હતો એવું પણ આડકતરી રીતે જણાય. તો ભારતમા ઈસ્લામનું આક્રમણ સાતમી સદીમા, ઈસ્લામી શાસન ૧૨૦૫માં આવ્યું અને ગુજરાતમાં સોળમી સદીમાં આવ્યું તો શું સાતમી, બારમી અને સોળમી એ રીતે ભજનનો ઈતિહાસ લખવો?

પાંચમો મત ભજને સાવ જુદી રીતે જોનાર એક વર્ગ છે, અને સાવ જુદા દ્રષ્ટિકોણથી જોનાર વર્ગના નાયક છે મકરંદ દવે. એમણે એમ કહ્યું છે કે એમના મતે ભજનનો કર્તા કોણ છે એ જરૂરી નથી. ક્યારે કહેવાયું છે એ પણ જરૂરી નથી, ભજનને નિસ્બત છે તેમાં પડેલી સાધના પદ્ધતિ વિશે. હવે જ્યારે તમે સાધના પદ્ધતિની વાત કરો તો એમાં જ ક્યાંક દુર્ગમ ચાવીઓ છે, તો મકરંદભાઈએ યોગમૂલક દ્રષ્ટિકોણથી એને મૂલવ્યું અને એ રીતે સાધનાની પ્રવૃત્તિ દ્વારા ભજનને અલગ તારવીને રચી શકાય એવા નિર્દેશો મળે છે. પણ જ્યારે સાધના પદ્ધતિની વાતમાં પડીએ તો અટવાઈ જઈએ. ભજનની સાધના પધ્ધતિઓ એક નથી, માની લો કે ૧૦૦૧ છે, તો કેટલાક કહેશે અમે બાવનની બારા છીએ, અમારી ૧૦૦૨મી પદ્ધતિ છે, તો આપણે ના નહીં કહી શકીએ. કારણ કે નારદ ધ્રૃવ પ્રહલાદ અને માર્કંડઋષિ આ ચારેય સાધકો, ચારેયની પદ્ધતિ અલગ, ચારેયની રચનાઓ મળે છે. એટલે સાધનની દ્રષ્ટિએ પણ વિચાર કરવાનું થાય. સાધનાની રીતે પણ એક કામ થઈ ચૂક્યું છે, સંત કક્ષાએ પહોંચ્યા એમની વાણીને અલગ તારવવાનું કામ રાહુલ સાંકુતેયાને, રવિન્દ્રનાથ ટાગોરે, ક્ષિતિમોહન સેને, આચાર્ય બરથવાલે કર્યું છે અને શબનમ વીરમણી જેવાએ તારવી શક્યા છે અને તેમાં એના મૂળ અને કુળ શોધ્યા છે. આ પૂર્વસૂરીઓને પણ ટાંક્યા પછી જ આગળ જઈ શકાય છે.

જો કે ભજન તો રાત્રે ગવાય છે, તો એની પણ કેટલીક સંભાવનાઓ વિચારીએ. સામાન્ય અર્થમાં સંભાવના એ કે આખો દિવસ કામ કરીએ – ખેતી, મજુરી – સૌ પોતપોતાના કામ કરે, સાંજે નવરા થઈએ એટલે ત્યાં જઈએ, સંતમાર્ગમાં દરેક સંતે પોતપોતાનું કર્મ છોડ્યું નથી, કર્મ કરતા કરતા સંત સાધનાને સિદ્ધ કરી છે. કબીર વણતા વણતા, લોયણ ધમણ ધમતા ધમતા, રયદાસ પગરખા સીવતા સીવતા તો નાભો ભગત ટેભા લેતાં લેતાં, એની સાથે આખી સાધના થઈ. બીજી વાત એમ છે કે જ્યારે મુસ્લિમ આક્રમણ હતું અને વખતે ભજન ખૂણે ઘરે રાત્રીમાં થઈ શક્તું અને એ માત્ર ભજનને જ લાગુ પડ્યું એમ નથી, વૈષ્ણવોની અંદર શિખરબંધ મંદિરો પણ તૂટ્યા અને ઠાકોરજીને હવેલીમા લાવવા પડ્યા, ઘરમાંય લવાયા અને ત્યારે ભજન અને પદ અંતરંગ વર્તુળનો વિષય બની ગયું છે. રાત્રી મિલનની ત્રીજી સંભાવના છે કે આ સ્ત્રી અને પુરૂષની – જતિ અને સતીની સંયુક્ત ઉપાસના સાધના છે અને તેમાં સ્ત્રીના માટેના દ્વાર એટલા જ ખુલ્લા છે, કારણ કે ગંગાસતી એમ કહે છે કે,

‘જાતિ પણું છોડીને અજાતિ થાવું,
ને કાઢવો વરણ ને વિકાર,
જાતિપાતિ નહીં હરીના દેશમાં,
એવી રીતે રહેવું નિરમાંડ રે.’

રાત્રે ભજનની ચોથી સંભાવના એ કે ભજન રાત્રીના ચાર પ્રહર પ્રમાણે ગવાય છે, પ્રથમ પ્રહર જીવમુખી વાણી, બીજો પ્રહર ગુરુમુખી, ત્રીજો પ્રહર શિવમુખી અને ચોથો પ્રહર બ્રહ્મમુખી અને એમાંય ભજનના તાલ રાગ ઢંગ ઢાળને પણ નિશ્ચિત સમય છે, આરાધ ક્યારે ગવાય, પરજ, રામગરી, પ્રભાતી, પ્યાલો આ ક્યારે ગવાય એ પણ નક્કી. આ રાત્રી પ્રવૃત્તિ હોય તો ભજનના ઈતિહાસનો આરંભ ક્યાંથી કરવો? પદ કે રામદેવપીરનું ભજન, તો એ સંતમત અલગ તારવવો, ડો રાજેન્દર્સિંહ રાજયાદાએ મત પ્રગટ કર્યો છે કે સંતસાધના એ અલગ માર્ગ છે અને એમનો દાવો એવો છે કે યોગના ષટચક્રભેદન થઈ જાય એ પછી એનું જે છઠ્ઠું ચક્ર આવે એ ભજન સંતસાધનાનું પ્રથમ ચક્ર છે. અને એ શરીરના ત્રણ ભાગ કરે છે, પિંડ, બ્રહ્માંડ અને નિર્મળ ચૈતન્ય દેશ, પિંડના છ ચક્રો, બ્રહ્માંડના છ ચક્ર અને નિર્મળ ચૈતન્યદેશના છ એમ અઢાર સ્થાનકો આપે છે, એટલે આ એક ગુપ્ત પ્રક્રિયા છે, સંત સાધના છે એ દ્રષ્ટિકોણ પણ જોવો પડે.

ભજનના અનુભવોનો અસીમ રહસ્યમય ભંડાર ભર્યો છે છતાં આ અનુભવ જેને હોય એ જ જાણી શકે. કારણ કે આ યુક્તિ નથી, જુગતીનો મારગ છે. સંતપરંપરા નિર્ગુણવાદી, સંપૂર્ણવાદથી પણ મુક્ત અને કર્મકાંડથી પણ મુક્ત છે. છઠ્ઠી બાબત નજરે લઈએ તે ભજનને જો કાવ્ય સ્વરૂપ તરીકે સ્થાપિત કરીએ તો એની સાથે સંલગ્ન પદ એ અને ધોળ પણ છે, પદ અને ધોળ વિશે આપણે ત્યાં સિદ્ધહેમમાં ઉલ્લેખ છે. પણ ભજન જેને કહીએ એ તો પછીથી આપણી પરંપરાએ આવ્યું અને એ વિસ્તર્યું છે તો ઉપરોક્ત મતોને ધ્યાનમાં લઈ ઈતિહાસ રચી શકીએ, ભજનની લાક્ષણિકતાઓ પણ ધ્યાનમાં રાખવી પડે જેમ કે ભજન રામ સાગરના રણકારે અને મંજીરાના તાલે ચાલે. હવે જો રામસાગરના રણકારે તો રામ આવ્યા – તો ભજન રામ સાથે જોડાયું છે, તો પાછો પ્રશ્ન થાય કે રામ કોણ? કબીરને પૂછીએ તો કહેશે –

મેં કુત્તા રામકા,
મોતીયા મેરા નામ,
ગલે રામકી જેવડી,
જીત ખેંચે તિત જાઊં,

તો મીરા કહે

મને રામ રમકડું જડ્યું,
રાણાજી મને રામ રમકડું જડ્યું.

તો નરસિંહ એમ કહે,

રામ સભામાં અમે રમવાને ગ્યા તા,
પસલી ભરીને રસ પીધો.

હવે પ્રશ્ન એ થાય કે નરસિંહ રામસભામાં ગયેલા, કે રાસમંડળમાં? કે મેઘવાળને ઘેર ભજન ગાવા? એની રામસભા સંતસભા તો નહીં હોય?

ભજનના મૂળમાં તો શરણાગતિ છે, આ શરણાગતિનો ભાવ એ ભક્તિમાં જાય છે અને આપણી પાસે નારદ ભક્તિસૂત્ર છે, માર્કંડપુરાણ છે એટલે નારદ અને માર્કંડના નામાચરણવાળા ભજન મળે છે. ભારતીય સંસ્કાર જગત ભજનમાં વ્યાપક રીતે આત્મસાત થયેલ સ્વરૂપ છે ભજન, તેના વિશેની આપણે જે જે વાતો કરી એના ભાવ પ્રાચીન અને મૂળ ઉંડા છે. એ બધું સ્વીકારીએ છીએ છતાંય જે ભજન તરીકે લોકોની વચ્ચે અને આપણી વચ્ચે પ્રસ્થાપિત થયું એ ભજનને ક્યાંથી મુકીશું? તો એના માટે એક નમ્ર પ્રયાસ મેં કર્યો છે. એમાં પ્રથમ સતકવયિત્રી સતી તોરલને હું મૂકું છું, સમય છે ઈ.સ. ૧૩૨૮-૧૩૯૪, એમનું ભજન છે

‘હકે રે હાલો ભાવે પ્રિતે હુઈ મેળો, સાચે દિલે કરોને ઓળખાણું મારા વીરલા.

હવે તોરલ્ણી સમકાલીન રૂપાંદે છે – તો રૂપાંદેનો સમય ૧૩૩૮-૧૩૯૯નો છે એમનુંય ભજન –

આ પંથ કોણે રે બતાવ્યો રાહુલ માલા, જાગો મારા જૂના જૂના જોગી રે,

રૂપાંદેની વાત કરીએ તો એ તો મેઘધારુ સાથે જોડાયેલા. તો મેઘધારૂજી એના ગુરુ અગમસિંહ પાસે લઈ જાય તો મેઘધારૂનું પણ ભજન –

મેઘધારવાને ઘેર ધણી મારા પધાર્યા, જીસ દિન કળશ થપાયા રાહોલ મારા રે રૂપાંદે, એમ એક મન ધણીને કરો ને આરાધ,

હવે જ્યાં મેઘધારૂમાં સ્થિર થઈએ તો અગમસિંહની વાણી પણ છે – એટલે આ બધી અવઢવ છે, તો એની સાથે આ પરંપરા સાથે રામદેવજી મહારાજ તો તેમના ચોવીસ ફરમાનમાં ઉપર્યુક્ત બધા સંતભજનિકોના નામ મૂકે છે અને એ પછી એ રામદેવજી મહારાજની ભજનરચનાઓ પણ એટલી જ પ્રિય બને છે. આ વાત જ્યારે કરવા જઈએ તો રામદેવજી પાછા નાથજોગી સાથે જોડાય છે, ચાર જુગના પાટ કરવા જઈએ તો તેના પાટના ગુરુસ્થાને બેઠેલ નાથજોગીઓ છે એમ છતાંય આપણે ચૌદમી સદીથી ભજનને મૂકીએ અને પંદરમી સદીમાંથી ફરી પાછા ‘સરવંગા’ પર જઈએ તો રામાનંદ સુધી જઈએ અને તે પછી તેના શિષ્ય કબીર અને કબીરના સમકાલીન પીપાભગત, આપણા પાદરનું અહીં સાવ નજીકનું પીપાવાવ, તો એમણે દોહા પ્રકારની રચનાઓ કરી છે

પીપા પાપ ન જીજીએ, તો પુણ્ય કિયા સૌ બાર
હક સે અધિક લિયા નહીં તો દિયા હજાર બાર

તો આ પણ એક પરંપરા છે, રામદેવજીની પરંપરા.

સોળમી સદીમાં તો રવિભાણ સંપ્રદાયના સંતોનો દરિયો ઘૂઘવે છે. સાથે મૂળદાસ, શિલદાસ, અમરમાં, તો નાથજોગીમાં ભૈરવનાથ, રામૈયોબાવો, વેલનાથ આ એક પરંપરા છે, તો બીજી તરફ તોરલપુરી, કાપડી બાવો, કનડપરી, ડુંગરપુરી આ બધાની વાણી છે તો લાખો અને લોયણ છે, વળી કચ્છમાં દાદા મેકરણ એ ધૂણી ધખાવીને બેઠો છે તો ભાઈ આ તો ભજન ગંગાથી ભજનનું આકાશ ઝળહળાં છે એમાં કયા તારલીયા પર આંગળી સ્થિર કરીશું? અઢારમી સદીમાં વીરો નિરાંત અને બાપુસાહેબ આવ્યા એમની રચનાઓ મળી અને ઓગણીસમી સદીમાં તો ગંગાસતી બેઠાં છે. એ જ ભજન પાછું નવા અંકુરે ફૂટ્યું, વીસમી સદીમાં એને નવા ક્લેવર ધારણ કર્યા અને આવે છે મકરંદ દવે, સુધાંશુ, કરસનદાસ માણેક, પરંપરાએ લઈ ભજનરચનાઓ આવી, જુદી જુદી મઢુલી થાપીને બેઠેલ સવારામ, ઉગારામ, રૂખી રાકદસ્સ, દાસ સતા, માધવસાહેબ… કેટલા બધાં તો આધુનિક ઢંગમાં દતથી દાતર સુધી ને કવિતા લખનારોય રાજેન્દ્ર આપણી પાસે છે એટલે તમે એમના કામ તો જુઓ, મને એમ લાગે છે કે આ ભજન રચયિતાઓ હતા, આ ભજન રચયિતાઓ હતા, અને તેમની સાથે ભજન કરનારા હતાં. આ ભજન કરનારા જે હતાં એમના આશિર્વાદ અને એમની ઈચ્છા હોય, પૂજ્ય બાપુ પર એ ઉતરે અને બાપુ એક ટીમ શોધી કાઢે તો ભજનનો ઈતિહાસ રચી શકાય, એકલાનું એ કામ નથી. પહેલા એમ કહેવાતું કે કવિતા રાજ્યાશ્રિત હતી, પણ સાવ મૂલમાં જો તપાસીએ તો કવિતા ધર્માશ્રિત જ હતી, કેટલાક કોકો આ ભયને કારણે ભજનને સાહિત્ય ન ગણવાનું કહે છે, પણ આજે ફરી કવિતા ધર્મને આશ્રયે આવી છે.

ભજન કાવ્ય સાહિત્ય જ ગણાય એ પણ જ ઓ સેવવામાં આવે તો ધર્માશ્રય જરાય ખોટો નથી. આ પ્રસંગે એક વાત યાદ આવે, ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવ્યા, આઝાદીની લડત શરૂ કરવી હતી, એટલે પ્રથમ તેણે આખા રાષ્ટ્રમાં ફરીને ગતિવિધિ જાણી અને તરત શાંતિનિકેતન ગયા અને રવિન્દ્રનાથજીને મળ્યા. એમણે એક વાત કરી કે મને થોડાક યુવાનો આપો મારે આઝાદીની લડત માટે એ યુવાનોની જરૂર છે. રવિન્દ્રનાથજીએ કહ્યું કે અમારી સાંજે પ્રાર્થના છે એમાં આવો અને વાત મૂકો, કોઈ યુવાનો તમારી સાથે આવે તો મને હરકત નથી. રાગ્ત્રે સભા થઈ અને ગાંધીજીએ સત્યાગ્રહની વાત કરી, અહિંસાની વાત કરી અને અન્હિંસાને માર્ગે સત્યાગ્રહના માર્વે આઝાદી મેળવવાની વાત કહી, તો ત્યાં કૃપલાણીજી હતા, એ ઉભા થઈને કહે, કે મેં આઝાદીની લડતો, સ્વાતંત્ર્ય લડતોના બધા જ ઈતિહાસ વાંચ્યા, એનું અધ્યયન કર્યું છે અને એમાં એકેય ઈતિહાસમાં સત્યાગ્રહની વાત નથી. અહિંસાની વાત નથી, આ માર્ગે આઝાદી મળે એ મને સ્વિકાર્ય નથી એટલે મને આમાં જોડાવાની જરૂર નથી લાગતી ત્યારે ગાંધીજીએ બૌહુ સરસ વાત કરી, કૃપલાનીજી, આપે ઈતિહાસ રચાયો એ પછીથી તેને વાંચ્યો છે, મારે ઈતિહાસ રચવો છે. અને એમાં હું યુવાનોને આહવાન આપું છું કે મારી સાથે આવો. આજે ભજનના ઈતિહાસનું આહવાન પૂજ્ય બાપુ તરફથી થયું છે. અને અમે જે થોડાક કામ કરીએ છીએ એ આપની સાથે કહેશો એ માર્ગે ચાલી નીકળીશું. ભજનમાં આ બોલવાની જે તક મને આપી છે એ માટે ફરીને વંદન કરું છું.

આ સાથે ડૉ. નાથાલાલભાઈ ગોહિલનું ભજન સાહિત્યના ઈતિહાસ વિશેનું વક્તવ્ય પૂર્ણ થયું

(અન્ય વક્તવ્યો – ભાગ ૪, ૫, ૬ માં ) ક્રમશ:

આપનો પ્રતિભાવ આપો....