ને હું એકલો – અલ્પ ત્રિવેદી 7


શ્રી હરેશભાઈ ત્રિવેદી, ‘અલ્પ’ આપણા અનોખા ગઝલકાર છે અને ટૂંકી બહેરની ગઝલોની રચનામાં તેમની હથોટી ખૂબ પ્રસંશા પામી છે. પ્રસ્તુત ગઝલ તેમના ગઝલસંગ્રહ પછી… માંથી લેવામાં આવી છે. ગઝલસંગ્રહ પછી… નો આસ્વાદ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. (આ આસ્વાદ અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.) ને હું એકલો’ એવા અસામાન્ય રદીફનો ઉપયોગ કરીને તેમણે અનેરી સુંદરતા સર્જી છે સાથે ગઝલનો આંતરીક ભાવ પોતાની એકલતાથી શરૂ થાય છે અને પછી વિસ્તરતો જાય છે, ગઝલના અંત તરફ જતાં એ વિશ્વમાં વ્યાપ્ત થઈ જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલસંગ્રહ ભેટ કરવા બદલ શ્રી અલ્પભાઈનો ખૂબ આભાર.

* * * *

સ્તબ્ધ ઉભા પહાડ ને હું એકલો,
સાવ ખુલ્લું આભ ને હું એકલો.

બારસાખે તોરણો ઝૂર્યા કરે,
બારણે શુભ-લાભ ને હું એકલો.

ઝેર પી અદ્રશ્ય મીરાં થઈ ગયાં,
અસ્થિમય મેવાડ ને હું એકલો.

મત્સ્ય જેવું તરફડે છે આંખમાં,
આ અજાણ્યો ઘાટ ને હું એકલો.

સાતમા કોઠા સમી છાતી વિશે,
રે હણાયા શ્વાસ ને હું એકલો.

ભાગ્યના પરબીડિયામાં નીકળે,
હાથનો ઈતિહાસ ને હું એકલો.

સૂર્ય ઊગી આથમે છે સ્પર્શમાં,
ટેરવે ભીનાશ ને હું એકલો.

એટલો સન્દર્ભથી સમ્બન્ધ છે,
અલ્પ એવી જાત ને હું એકલો.

– અલ્પ ત્રિવેદી


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

7 thoughts on “ને હું એકલો – અલ્પ ત્રિવેદી