( યુવાન કોને કહેશો? યુવાન અને તરવરાટ અથવા યુવાન અને હદોને તોડીને સમગ્રમાં વ્યાપી જવાની આવડત એટલે યુવાની એવી જડ થઈ ગયેલી માન્યતા બધે વ્યાપેલી છે, પણ શું ફક્ત આ જ યુવાની છે? તો આપણી આસપાસ પચ્ચીસ વર્ષના વૃદ્ધો અને પંચોતેર વર્ષના યુવાનોને કઈ વ્યાખ્યામાં બાંધીશું? યુવાની વિશેનો અનોખો અને એક સરસ વિચાર પ્રસ્તુત લેખમાં સાદ્યાંત જોવા મળશે. સૂરતથી દર મહીને પ્રકાશિત થતા માસિક જીવનયાત્રીના એક અંકમાંથી આ તંત્રીલેખ લીધો છે, શ્રી મનોજ ખેની આ માસિકના માલિક, મુદ્રક પ્રકાશક અને તંત્રી છે. નવા વિષયો, ઉગતા લેખકો અને સૌથી વધુ એક સચોટ વિચાર સાથે ચાલતું આ માસિક એ વાતનો પુરાવો છે કે સાહિત્યમાં રૂઢીગત માસિકો – સામયિકોથી આગળ જઈને કાંઈક નવું કરવાની પ્રેરણા ધરાવતા લોકો હજી સમાજમાં બચ્યાં છે. જીવનયાત્રી સામયિકના સળંગ પચીસ અંક નવેમ્બર ૨૦૧૦માં પૂર્ણ થયાં છે એ નિમિતે મનોજભાઈને ખૂબ શુભેચ્છાઓ અને આ માસિક લોકોના જીવનને પ્રેરણા આપી શકે તેવા સદવિચારનો સતત ફેલાવો કરતું રહે, વિચારજ્યોતને પ્રગટાવતું રહે તેવી શુભેચ્છાઓ. શ્રી મનોજભાઈનો સંપર્ક તેમના મોબાઈલ ફોન +૯૧ ૯૯૭૯૩ ૭૫૬૨૭ પર અથવા ઈ-મેલ manjo.28286@gmail.com પર કરી શકાય છે. )
* * * * * * *
બોલ ચાલ કે વાણી – વિચાર – વર્તનથી જે નમાલો કે માયકાંગલો ન હોય તેને યુવાન કહેવાય છે. યુવાની એ વૃત્તિ છે. એને માત્ર ઉંમરથી માપી શકાય નહીં. સોળથી છત્રીસ કે ચાલીસ સુધીની ઉંમરને યુવાનીનો ગાળો ગણીએ છીએ, એમાં એવું બને કે અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ બરાબર કાર્યરત હોય, ચડતી ઉંમર હોય, પાચનક્રિયા સારી હોય અને શારીરિક શક્તિઓ અને શરીર સૌષ્ઠવ પણ સારા હોય, બસ આટલી વાતને અથવા આટલી ઉંમરને જ આપણે યુવાની માની બેસીએ છીએ, અને એ જ ભૂલ છે.
આવો મારી સાથે, હું તમને પાંસઠ વર્ષના અનેક યુવાનો દેખાડું અને પચ્ચીસ વર્ષના અનેક વૃદ્ધો દેખાડું. યુવાવસ્થાની બીજી એક સંકુચિત વ્યાખ્યા કરવાની ભૂલ આપણે એ કરીએ છીએ કે યુવાની એટલે જીવનનો કામશક્તિના ઉન્માદનો સમયગાળો. યુવાવસ્થા અને કામને એક સિક્કાની બે બાજુ માની બેઠાં અને એથી વિશેષ યુવાનીની વિસ્તૃત વ્યાખ્યા આપણે કરી જ નથી અથવા કરવાની દરકાર લીધી નથી.
એથી આગળ ટીનેજર્સ ક્લાસ યુવાનની વિશેષ વ્યાખ્યામાં બ્રાહ્ય ઓપના પ્રદર્શનને વર્ણવતા એવું જણાવશે કે ખરો યુવાન એટલે સમય પ્રમાણેની ચોક્કસ હેરસ્ટાઈલ હોય, એ સ્ટાઈલીશ વાળને ઓળવાની ચોક્કસ રીત હોય, જિન્સ – ટીશર્ટના અકલ્પ્ય પરિધાન પહેર્યા હોય, શાહરૂખખાન જેવા ચશ્મા પહેર્યા હોય, સલમાન ખાન જેવા મસલ્સ હોય, માઈકલ જેક્સન જેવા શૂઝ ધારણ કર્યા હોય, પાન ચાવીને ફેશનથી પીચકારી મારી જાણતો હોય, અરે ! ગુટખાના પાઊચ તોડવાની અને એને મોં માં ઉંધી વાળવાની અને ખાલી પઔચને ચોક્કસ ફરફરતી ફેંકવાની કળા જાણતો હોય કે પછી રજનીકાંત સ્ટાઈલથી સિગરેટ ફૂંકી જાણતો હોય કે ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવી જાણતો હોય, ક્યારેક ગાડીની કી-ચેઈન વાળી ચાવી આંગળીના ટેરવે એવી રીતે ઘુમાવતો હોય જાણે શિશુપાલને મારવા ભગવાન કૃષ્ણે સુદર્શનચક્ર ન ઉપાડ્યું હોય. અને એથીય આગળ વધીને જે યુવતિઓ સાથે આંખ નચાવી જાણતો હોય એ યુવાન ? શું એ જ યુવાન ? વિચારો. આજે મોટા ભાગના યુવાનો આવી અને આટલી જ છીછરી વૃત્તિઓને વરેલા છે ત્યારે સાચા યુવાનની વ્યાખ્યા કરતા પહેલા વૃદ્ધની વ્યાખ્યા કરવી છે એટલે યુવાનના ઘણાખરા લક્ષણો તો આપોઆપ સમજમાં આવી જશે.
વૃદ્ધ એટલે …
નિરાશ આંખો અને હતાશ વદન સાથે જેની વાતોમાં નકારાત્મકતા જ ટપકતી હોય એવો લમણે હાથ દઈને બગાસા ખાતો બેસી રહેલો કોઈ પણ ઉંમરનો માણસ વૃદ્ધ જ છે. ચાપલૂસીભરી વાતો, ભયભીત વિચારો ધરાવનાર, કંગાળ કદમ ઉઠાવનારો, માયકાંગલી વિચારધારાવાળો અને સતત નિરાશાવાદને વરેલો હોય એવો કોઈ પણ ઉંમરનો માણસ એટલે વૃદ્ધ. આળસુ, અનિયમિત અને જવાબદારીઓથી બેદરકાર કોઈપણ માણસ એટલે વૃદ્ધ. થાકી ગયા? હાશ ! મરી ગયા. હેરાન હેરાન થઈ ગયેલા, આવું એક પણ વાક્ય ઉચ્ચારનારો કે વિચારનારો સુદ્ધાં વૃદ્ધ. હિંમત વગરના હતાશ અને કૌવત વગરના કાયર એટલા બધા જ વૃદ્ધ. બાકી યુવાનને શીંગડા હોય અને વૃદ્ધને પૂછડા હોય એવા કોઈ ચિહ્નો આવતા નથી. ટૂંકમાં કોઈ પણ બાબતમાં નકારાત્મકતાને વરેલા હોય એ બધા વૃદ્ધ અને સકારાત્મકતાને વરેલો હોય છે. અથવા વીરત્વને વરેલા હોય એ બધા જ યુવાન. આગળ જણાવ્યું તેમ યુવાની એ વૈચારિક વૃત્તિની ઉપલબ્ધી છે એને સમય કે માત્ર ઉંમરનાં વર્ષોથી જ ગણીને માપી – બાંધી કે તોળી શકાતી નથી.
વૃદ્ધના લક્ષણોની યાદ દેવડાવતાં જ વાંચક મિત્રોને હવે સમજાઈ ગયું હશે કે વાસ્તવમાં યુવાન કેવો હોવો જોઈએ. એક મુક્તક દ્વારા યુવાનને વર્ણવવો હોય તો એમ કહી શકાય કે,
ચટ્ટાનોંસે ટકરાયે વો તૂફાન,
તૂફાનોંસે ટકરાયે વો યુવાન.
જીવનની પરીક્ષાઓથી જે કદાપિ ડરે નહીં, અને ગમે તેવી પરીક્ષાઓ જેનાથી ડરીને ભાગી જાય એવી કાબિલેદાદ હિંમત સાથે જીવનારો માણસ એટલે યુવાન. જેની આંખોમાં હતાશાનાં વાદળો છવાયેલા ન હોય અને જેની આંખોમાંથી નિરાશાના વાદળો ટપકતા ન હોય એવી નૂર ભરેલી જેની આંખો હોય ટટ્ટાર બેસનારો, આત્મવિશ્વાસથી ભરપૂર, અડીખમ ખુમારીથી છાતી કાઢીને ચાલનારો એ જ યુવાન. જિન્સના પેન્ટની જગ્યાએ જૂનો પાયજામો ભલે પહેર્યો હોય પણ ચાલે તો જેની ચાલથી ધરતી ધ્રુજતી હોય અને ગમે તેવી વિકટ સ્થિતિમાં પોતાનું અંગ તો શું, રુંવાડુંય ફરકતું ન હોય છતાંય નિર્દયતા રહિત એવો માણસ એટલે યુવાન.
ક્રોધી કે અહંકારીને કદી વીર કે બહાદુર માનવાની ભૂલ ન કરવી, કારણકે ચાણક્યએ કહ્યું છે તેમ ક્રોધી માણસ જ જગતનો સૌથી વધુ ડરપોક માણસ હોય છે. ક્રોધી કદી વીર હોતો નથી, ઇર્ષાળુ કદી બુદ્ધિજીવી હોતો નથી. વિશ્વમાં મોટા ભાગનાં ક્રોધી અને ઈર્ષાળુ લોકો આત્મશ્લાઘાની ગ્રંથીથી બંધાયેલા હોય છે. કહેવાયું છે કે જગતનો સૌથી વધુ ગરીબ, દયાપાત્ર અને નાનામાં નાનો માણસ એ છે જે પોતાના વખાણ કરતો ફરતો હોય છે.
અમે યુવાન હતા ત્યારે આમ કરી નાંખતા અને તેમ કરી શકતા પણ હવે ઘડપણને લીધે આવું બધું અમારાથી ન થાય એમ કહીને બેસી રહેનારા સંપાતિ કરતાં વૃદ્ધ ઉંમરે પહોંચેલા જટાયુને યુવાન ગણવા સારાં કારણ કે સીતાજીનું અપહરણ નજરે ચઢ્યું અને પોતે અસમર્થ હોવા છતાં એકપણ પળનોય વિલંબ કર્યા વગર બળવાન રાવણની સામે સીતાજીને છોડાવવા બાથ ભરીને ધર્મકાજે મૃત્યુને ભેટ્યા. ધર્મ માટે શહીદ થનાર એ જટાયુ એટલે યુવાન. ધર્મ કે રાષ્ટ્ર માટે જે લોકો શહાદત વહોરે છે એ શરીરથી મરીને પણ હજારો વરસ સુધી જીવંત રહી શકાય છે. અને જીવતેજીવ મરી ગયેલ આવા મડદાલ વાતો જ કરે છે. એ જીવવા છતાં મરેલા સમાન જ છે. એને ક્યારેય યુવાન ન કહી શકાય.
યુવાન સ્ત્રીને જોઈને જેની ચંચળતા અને વૃત્તિઓમાં વાસનાની લોલૂપતા જાગવાને બદલે કોઈ પવિત્ર સ્ત્રી પર અનાયસ કોઈ છેડતી કે બળજબરી કરતું હોય એને દેખીને જેનું લોહી ઉકળી ઉઠે એ યુવાન. ધરમની ધજાને કોઈ ખંડિત કરતું હોય કે દેશના સીમાડાઓમાં કોઈ ઘૂસણખોરી કરતું હોય એ દેખીને જેના કાળજામાં આગનો ભડકો લાગે એ યુવાન. કોઈને લાફો મારીને પાડી દે એ યુવાન નથી, પણ પડી ગયેલાંને બાવડુ ઝાલીને બેઠો કરે એ યુવાન. આમ યુવાનની વ્યાખ્યા તો જેટલી કરવી હોય એટલી લાંબી થઈ શકે તેમ છે, પરંતુ ટૂંકમાં જ આટોપીએ તોય યુવાનનું એક મહત્વપૂર્ણ લક્ષણ એ હોય છે કે જે સ્પષ્ટવક્તા અને નક્કર ભાષા બોલનારો હોય એ યુવાન. મજબૂત, નક્કર અને સ્પષ્ટ ભાષા બોલવા માટે બે પાયાની જરૂરિયાતો જોઈશે. એક તો સત્ય અને બીજી પ્રમાણિકતા. તો સત્ય અને પ્રમાણિકતા સાથે જીવવા માટે ધીરજ જોઈશે. કર્મ કરવામાં અધીર રહો અને ફળપ્રાપ્તિ માટે ધૈર્ય ધરો એટલે જરૂરથી માલામાલ થઈ જવાશે. હવે સવાલ એ થાય છે કે માલામાલ થયા એટલે અહંકારનો બાવળ ઉગી નીકળવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. માટે જ ત્રીજું સૂત્ર મૂકવામાં આવ્યું છે કે આજીવન વિદ્યાર્થી રહે, અર્થાત પોતાને સદા અપૂર્ણ જોનારો જ યુવાનીને પચાવી જાણે છે. અને વિદ્યાર્થીભાવ સાથે જીવનારો જ અહંકારના કાંટાઓથી બચી શકે છે.
સંપૂર્ણ પ્રમાણિક રહેવું, ધીરજ ધારણ કરવી, આજીવન વિદ્યાર્થીભાવ આ ત્રણ બાબતો જ જીવનને સુંદર કરવા પર્યાપ્ત છે. પરંતુ યુવાવસ્થાનો કાળ એવો છે કે ચારિત્ર્ય બાબતે યુવાનોને પ્રમાણિક રહેવું એ ઘણી જાગૃતિ માંગી લેતી બાબત બની જાય છે. બીજી વાત ધીરજની છે તો ત્યાં પણ યુવાવસ્થાનો થનગનાટ એવો હોય છે કે એક પગમાં ઉતાવળ અને બીજા પગમાં અધીરાઈ આવી જાય છે. એ કદમ ક્યારે, ક્યાં અને કેવો અકસ્માત સર્જી દે એનું નક્કી નહીં, માટે જ કહેવાયું છે કે ધીરજના ફળ મીઠા અથવા ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર.
છલકાતા જોબનની એવી કમાલ હોય છે કે લાગે જાણે પોતે બધું સમજે છે અને પોતે જ પૂર્ણ છે એવા તમસમાં યુવાન રાચતો હોય છે. ત્યારે નિરાભિમાની રહેવા માટેનો વિદ્યાર્થીભાવ સાચવવો મુશ્કેલ પડે છે, પરંતુ દરેક અવસ્થામાં ગૌરવાન્વિત મુખમુદ્રા સાથે જો ઈમાનદારી અને ધૈર્ય નો સરવાળો જીવનમાં વણાઈ જાય તો એ યુવાની જ ખરી યુવાની.
સમય જે વેડફે છે તેને એક દિવસ સમય વેડફી નાંખે છે, અને જ્યારે અધૂરપનું ભાન થાય ત્યારે ઘણી વાર ઘણું મોડું થઈ ગયું હોય છે. એવી જ રીતે લક્ષ્મીને જે સાચવીને વાપરતો નથી, એક દિવસ લક્ષ્મી તેને વાપરી નાંખે છે, આ સંદર્ભમાં પૂ. ગિરિબાપુએ કરેલી એક સુંદર વાતને એકાદ વાક્યમાં રજૂ કરીને આ લેખને વિરામ આપીશ. ‘નીતિના રસ્તે ધગશપૂર્વક કમાવ એવી રીતે કે જાણે તમારે હજુ એક હજાર વરસ જીવવાનું છે, પરંતુ સત્કર્મો માટે એ કમાણીને વાપરો એવી રીતે કે જાણે તમારે આવતી કાલે જ મરી જવાનું છે.’ આ રીતે કમાઈ શકે અને આ રીતે વાપરી શકે એ જ યુવાન.
– મનોજ ખેની, તંત્રી, જીવનયાત્રી માસિક
MANOJBHAI please ask to jigneshbhai addharu saheb , for publish your other articles regularly on axarnad site. very good , thanks,
હિમાંશુભાઈ,
મનોજભાઈનું ઈ-મેલ એડ્રેસ બરાબર છે.
આભાર.
email address of manojbhai is wrong, please correct it
સુદર લેખ આજના યુવાનો એ વાચવા જેવો લેખ્
મનૉજ ભાઇ
આપના જીવન્યાત્રી અક ને શુભેચ્છા.સરસ લેખ આજ્ના યુવાનો એ વાચવા જેવો લેખ..અને સાથે વધ્ધો ને
પણા વાચવા જેવો.