કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૫ 6


દર વખતની જેમ આ વખતે પણ પાંચ સુંદર અને મહદંશે ઉપયોગી નાવિન્યસભર વેબસાઈટ્સ વિશે થોડીક માહિતિ સાથે તેમની લિન્ક. આ વેબસાઈટ્સની યાદીમાં આજે શામેલ છે ઠઠ્ઠાચિત્રો બનાવવાની સુવિધા આપતી એક વધુ વેબસાઈટ, એનિમેટેડ મૂવિઝ બનાવવાની સગવડ માટેનું સોફ્ટવેર મફત આપતી વેબસાઈટ, જગતના અનેક જોવાલાયક સ્થળોના સુંદર પેનોરમિક દ્રશ્યો બતાવતી વેબસાઈટ વિશે થોડુંક, તો આવા જ શહેરોના અનેક રેકોર્ડ કરેલ અવાજોની ઓનલાઈન લાઈબ્રેરી, બ્રાઊઝિંગ હિસ્ટ્રી શોધવાની સગવડ આપતી વેબસુવિધા વગેરે વેબસાઈટ્સ. આપને આ સાઈટ્સ વિશેની માહિતિ કેટલી ઉપયોગી રહે છે તે અવશ્ય જણાવશો.

Comic Master

કોમિક માસ્ટર કોમિક પુસ્તિકા અથવા નાના ઠઠ્ઠાચિત્રો બનાવવા માટેની સુવિધા આપતી સુંદર સગવડ છે. જોઈતો લે-આઊટ પસંદ કર્યા પછી ઠઠ્ઠાચિત્ર બનાવવા વિવિધ પાત્રો, તેમના અનેક હાવભાવ, બેકગ્રાઊન્ડ, સ્પીચ બબલ, વિચાર માટેના બબલ, પ્રોપ્સ તથા અનેક વિશેષ અસરો સાથેનું સુંદર ચિત્ર બનાવી શકાય છે, અને ખૂબ નાનકડા લોગિન ફોર્મ પછી તેને સેવ પણ કરી શકાય છે. રીડિંગ ફોર લાઈફ દ્વારા પ્રસ્તુત આ સુવિધા જો કે, ગત કડીમાં બતાવાયેલ કોમિક બનાવવાની સગવડ, ક્લિક અને ડ્રેગ પદ્ધતિએ ઠઠ્ઠાચિત્રો બનાવવાની સગવડ એવી પિક્સટન કરતાં ચડીયાતી નથી. છતાંય આ સગવડ તેને મુકાબલો કરે એવી તો થઈ જ છે. એક વખત મુલાકાત લેવા જેવી તો ખરી જ !

Muvizu

ત્રિપરીમાણીય એનિમેશનની સગવડ આપતી, નાનકડા એનિમેટેડ મૂવીઝ બનાવવાની સગવડ આપતી સરસ વેબસાઈટ એટલે મૂવીઝૂ. પાત્રોને દોરવાની જરૂરત નથી, તેમને ફક્ત કમાન્ડ આપવાથી જરૂરી ભાવ આપોઆપ દેખાય છે, જેમ કે, ગિવ મી એન્ગર થી પાત્ર ગુસ્સામાં ચિત્રિત થાય છે. અનેક વિવિધતાભર્યા વિકલ્પો અને પ્રોપ્સ સાથે અહીં મનગમતાં ફોટો અને વિડીયો પણ એનિમેશનમાં ઉપયોગ કરી શકાય છે. સરસ વિઝ્યુઅલ અને મૌસમી અસરો સાથે કેમેરાની જગ્યા નક્કી કરી એનિમેશનમાં ઉમેરી શકાય છે. દ્રશ્યોમાં ઉમેરી શકાય તેવી લાઈટ્સની સુવિધા અને ટાઈમલાઈન પર પૂરતું નિયમન આ વિડીયો એનિમેશન બનાવતી અનોખી એપ્લિકેશનની ખાસીયત છે. સાથે વેબસાઈટ પર જ આખું ટ્યુટોરીયલ ઉપલબ્ધ છે જેની મદદથી એનિમેશન બનાવવાની પધ્ધતિ જાણી શકાય છે. ટૂંકમાં એક નવીન ઉપયોગ દર્શાવતી ખૂબ સરસ અને મનમોહક વેબસાઈટ. જો કે આ સોફ્ટવેરની ડાઊનલોડ સાઈઝ ૫૪૪ મેગાબાઈટ્સ છે, વળી કોમ્પ્યુટરમાં તેને ઈન્સ્ટોલ કરતા પહેલાં વિશેષ ગ્રાફિક કાર્ડ, ૨.૪ ગીગાહર્ટ્ઝ પ્રોસેસર અને ૨.૩ જીબી ખાલી જગ્યા હાર્ડ ડ્રાઈવ પર હોવી જરૂરી છે. આમ મહદંશે એ સોફ્ટવેર આખું ડાઊનલોડ કરી વાપરી શકવામાં ઘણાં અવરોધો છે. છતાંય અંતિમ પરિણામ ખૂબ જ સરસ અને ઉપયોગી દેખાય છે જે સોફ્ટવેરની ખાસીયત બતાવે છે.

Click on Image to enlarge

Tours From Above

તમે સિડનીનું ઓપેરા હાઊસ, રિયો દિ જાનેરોના ક્રાઈસ્ટ ધ રીડીમર અથવા ઝિમ્બાવે અને ઝામ્બિયા વચ્ચે આવેલ ઝાંબેઝી નદીના વિક્ટોરીયાના જગપ્રસિદ્ધ ધોધ જોયા છે? હેલિકોપ્ટરમાંથી આ બધાં દ્રશ્યો જોયા હોય તો કેવા લાગે? અને શું એ બધાં દ્રશ્યો એ જ રીતે, ઉંચેથી જોયા હોય એવા દેખાય, તેના મહત્તમ રેઝોલ્યુશનમાં અને પેનોરમા વ્યુમાં જોવા મળે છે. મેપ પર ક્લિક કરીને ઉપલબ્ધ બધાં પેનોરમા દ્રશ્યો વિશે જોઈ શકાય છે. જો કે ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ, ઝિમ્બાવે, લંડન વગેરે જેવા અનેક શહેરોના પેનોરમા દ્રશ્યો અહીં ઉપલબ્ધ છે, પરંતુ અહીં ભારતનું કોઈ પણ સ્થળ લેવાયું નથી. ઉપલબ્ધ પેનોરમા દ્રશ્યોની શાર્પનેસ અને લોડ થવાની ઝડપ તથા સરળ અને યૂઝરફ્રેન્ડલી ઈન્ટરફેસ આ વેબસાઈટની વિશેષતાઓ છે. અવશ્ય મુલાકાત લેવા જેવી સુંદર અને નવી વિશેષતાઓ સહીતની વેબસાઈટ.

Pdf aid

ઓનલાઈન અનેક પીડીએફ રીડર ઉપલબ્ધ છે, પરંતુ અડોબ એક્રોબેટની અન્ય સુવિધાઓ મહદંશે મફત નથી. એટલે પીડીએફ એઈડ ની આ વેબસાઈટ એક રીતે ખાસ્સી સુવિધાજનક છે. અહિં ઉપલબ્ધ ઓનલાઈન સુવિધાઓ દ્વારા પીડીએફ વોટરમાર્ક કરવાની સુવિધા, ઈમેજથી કે એચટીએમએલ પેજ ને પીડીએફ કરવાની સુવિધા, વિન્ડોઝ ઓફીસથી પીડીએફ કરવા, પીડીએફ ફાઈલોને અથવા ઇમેજ ફાઈલોને જોઈન કરવા અથવા પીડીએફમાંથી અલગ પાડવા જેવી અનેક ઓનલાઈન સુવિધાઓ નિયંત્રણો સાથે અહીં ઉપલબ્ધ છે, ફાઈલસાઈઝ મહત્તમ ૪૦૦ કેબી હોય ત્યાં સુધી જ આ સગવડ ઉપયોગી છે. આ જ સુવિધાઓની નાનકડી ડેસ્કટોપ એપ્લિકેશન્સ પણ અહિંથી ડાઊનલોડ કરી શકાય છે. જે બધી સુવિધાઓ સહિત છે પરંતુ ૧૦ દિવસના સમય માટે જ ચાલે છે.

Sound Cities

વિશ્વના વિવિધ ખંડોના અનેક મોટા શહેરોના અવાજોનો અનોખો ઓપનસોર્સ પ્રોજેક્ટ અને સંગ્રહ એટલે સાઊન્ડસિટીઝ. ગૂગલ મેપ પર દર્શાવાયેલ વિવિધ શહેરો પરથી કોઈ પણ એક પસંદ કરી એ શહેરના વિવિધ સ્થળો પર રેકોર્ડ થયેલ અવાજ તે જ સ્થળ પરના ચિહ્ન પર ક્લિક કરી સાંભળી શકાય તેવી ઓનલાઈન સગવડ. શહેર અનુસાર અને વિવિધ અવાજોના પ્રકાર મુજબ વિભાજીત કરેલી કેટેગરીઓ સાથેનો ઓનલાઈન ડેટાબેઝ. અહીં વિશ્વના અનેક નાના મોટા શહેરોના અવાજો સાંભળી શકાય છે, પરંતુ ભારતના કોઈ પણ શહેરનો અહીં ઉલ્લેખ નથી. જો કે અહીં કોઈ પણ ભાગ લઈ વિવિધ અવાજો અપલોડ કરી શકે છે, અને એમ પ્રોજેક્ટમાં ભાગ લઈ શકે છે. આ બ્રિટિશ અને સ્ટાન્ઝાનો સંયુક્ત પ્રોજેક્ટ છે. વિવિધતાભર્યો અનોખો સંગ્રહ.

hooeey web print

તમે વિઝિટ કરેલા વેબપેજીસ તમે બ્રાઊઝર ક્લીન કરો અથવા બ્રાઊઝિંગ ઈતિહાસ સાફ કરો ત્યારે ભૂંસાઈ જાય છે. પરંતુ તમે જો એમાંથી કોઈ એક પાનું કે એ પાનાની કોઈ વિશેષ માહિતિ શોધવા માંગતા હોવ તો ? જો કે આવી જરૂરત પડવાનો સંભવ ઓછો છે અને મહત્તમ અંશે તમે એ વેબ પેજ ફરી વિઝિટ કરી શકો, પરંતુ તે સિવાયના એકાદ કિસ્સા માટે, તમે ઉપરોક્ત વેબસાઈટ વાપરી શકો. નાનકડી એપ્લિકેશન જેને ડાઊનલોડ કરી ઈન્સ્ટોલ કરતાં દરેક વેબપેજ એક રિયલટાઈમ સ્ક્રિનશોટ રૂપે તથા સર્ચેબલ ટેક્સ્ટ સાથે સંગ્રહાય છે. બ્રાઊઝ કરેલા વેબપેજીસમાં શોધી શકાય છે, ટેગ કરી શકાય છે અને ઓફલાઈન બ્રાઊઝિંગ લાઈબ્રેરી પણ બને છે.

આ શૃંખલાની અન્ય કડીઓ વાંચવા અહીં ક્લિક કરો.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૫