શે’ર સંકલન અને આસ્વાદ – ડૉ. રશીદ મીર


આપણા ગઝલકારોએ ગુજરાતી ગઝલના સ્વરૂપઘડતર અને વિકાસમાં અદા કરેલી ભૂમિકા દ્રષ્ટિ સમક્ષ રાખી છે, ગુજરાતી ગઝલવિકાસના વિવિધ વળાંકોને અવલોકતા સર્જકોનું કર્તૃત્વ ધ્યાન ખેંચે છે, આવા જ આપણા સર્જકોના પસંદગીના શે’ર અને તેમના વિશેની ટૂંકી નોંધ સાથેનું સુંદર પુસ્તક એટલે શ્રી રશીદ મીરનું ‘આપણા ગઝલસર્જકો’. આ જ પુસ્તકમાંથી સંકલિત શે’રો આજે પ્રસ્તુત છે.

છે રંગ એ જગતનો જ્યારે હવા ફરે છે,
સાગર તરી જનારો કાંઠે ડૂબી મરે છે. – શયદા

કલ્પનાનું સૌંદર્ય તેની ચરમસીમા પર પહોંચે ત્યારે આવો નમૂનેદાર શે’ર બનતો હશે, આખીય જીંદગી સરળતાપૂર્વક જીવ્યા પછી વૃદ્ધાવસ્થામાં કંઈક ન મેળવ્યાનો અહેસાસ ડંખે ત્યારે આવી રચનાઓ અવતરે છે. હરજી લવજી દામાણી ‘શયદા’ ગુજરાતી ગઝલ વિકાસના રાજમાર્ગના માઈલસ્ટોન છે. ભાવ અને ભાષાની સરળતા, સુકુમારતા, વિચારોની ગહનતા અને આકારસૌષ્ઠવ એમની ગઝલોના નોંધપાત્ર લક્ષણો છે. શ્લેષ સૌંદર્યની અનોખી માવજતને લીધે તેમનો એક શે’ર તો લગભગ કહેવતસમ બની રહ્યો છે,

મને એ જોઈને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. – શયદા

લગભગ શયદાના સમયમાંજ મગનભાઈ ભૂધરભાઈ પટેલ ‘પતીલ’ ની રચનાઓ પણ નોખી જીવનશૈલી અને પરંપરાગત ગઝલપ્રવાહમાં નોખી ગઝલરીતિથી અલગ ઓળખ સ્થાપિત કરી શક્યા. પ્રેમમાં ચીલાચાલુ વિનય – પ્રાર્થનાને બદલે એ ખુમારી દર્શાવે છે,

છે ઝૂકાવી ગરદન જો આશનાની પાસે,
હાર અગર આપે, તલવાર ધાર આપે !
આપું જિંદગાની હું તેમને મ્હારી,
જિંદગી તણો જે મને ઈખ્તિયાર આપે. – પતીલ

તેમની ગઝલમાં મસ્તી, ખુમારી અને વેદનાનું આત્મલક્ષી નિરૂપણ સમકાલીનોથી જુદુ તરી આવે છે,

હળવે રહીને કાઢજો કાંટો અનોખી કિસ્મનો
કે એ જ રીબાતો હતો ને એ જ ભોંકાતો હતો. – પતીલ

ગુજરાતી પરંપરિત ગઝલોનો એક પરોક્ષ સૂત્રધાર એક યમન નિવાસી આરબ બની રહેશે તે કોને ખબર હતી? દાઊદી વ્હોરા જ્ઞાતિને અરબી ધાર્મિક શિક્ષણ આપવા અર્થે અમીન આઝાદના મોટાભાઈ સુરત આવીને વસ્યા હતા, ગરીબીને લીધે ભણવાનું છોડીને એ સાઈકલ રિપેરીંગનું કામ શીખ્યા અને સૂરતમાં ભાડાની એક દુકાનમાં એ શરૂ કર્યું. ૧૯૪૨માં સુરતમાં મહાગુજરાત ગઝલ મંડળની સ્થાપના થઈ. અમીન આઝાદ તેના મંત્રી બન્યાં, અને આ સાઈકલ રિપેરીંગની દુકાન ગઝલમજલિસોનું ઠેકાણું બની રહી. મરીઝ અને અમીન આઝાદ બંને મિત્રો હતાં છતાં મરીઝે અમીન આઝાદના માર્ગદર્શનનું ઋણ સ્વીકાર્યું છે. તેમનો ગઝલસંગ્રહ મરણોત્તર પ્રસિદ્ધ થયો, એમના કેટલાક શે’ર જોઈએ.

ક્યાં મિલનની ઝંખના ને ક્યાં અચાનક આગમન !
શું કરે, શું ના કરે, કંઈ દિલને સમજાયું નહીં ! – અમીન આઝાદ

બાકી રહી છે નામની બેચાર ધડકનો,
દિલની દશા છે એવી, કે ઉઠતી બજાર છે. – અમીન આઝાદ

યુવાનીનો શ્રેષ્ઠ તબક્કો ગઝલ પાછળ ખર્ચી નાખનાર અમીનભાઈ વ્યક્તિ નહીં, એક સંસ્થા સમાન હતા. જીવનના અંતિમ દિવસોમાં એકાકીપણું અનુભવવાનો વિષાદ તેમની ગઝલોમાં દેખાય છે,

લઝ્ઝત મળે તો એવી કે આઠે પ્રહર મળે,
હર દર્દની ચે માગણી, મારું જિગર મળે. – અમીન આઝાદ

જિંદગીના સૌ રહસ્યો વણ ઉકેલ્યાં રહી ગયાં,
જિંદગી જીવી ગયા ને ? છો ને જીવાયું નહીં ! – અમીન આઝાદ

અમીન આઝાદના મિત્ર અને તેમનું માર્ગદર્શન સ્વીકારનાર મરીઝ પણ આપણી ભાષાના ગઝલકારોની પંગતમાં અગ્રસ્થાને બિરાજે છે. અગોચરની ખોજ, અતૃપ્તિ, અદમ્ય ઝંખનામાં સતત ખોવાયેલ રહેતા મરીઝ નિજને ભુલાવી બેઠા હતાં. જીવનના મર્મને ઉકેલતા જાણે તેઓ કહે છે,

તેથી પુનર્જન્મમાં માનું છું –
આ વખતની હયાત, હયાત નથી. – મરીઝ

દુર્બોધ કાફીયાનો પ્રયોગ તેમની હથોટી છે, તો ચોટદાર વાત ટૂંકાણમાં કહી જવાની સહજ કળા તેમની વિશેષતા છે. જેમ કે,

મૃત્યુની બાદ એવું શું જોતા હશે બધા,
કે આખો દેહ સ્તબ્ધ નયન દંગ દંગ છે. – મરીઝ

સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતાં’તાં,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યાં છે ! – મરીઝ

શું ફેરફાર થાય ને કેવી મજા પડે,
મારો ખુદા તને મળે – તારો ખુદા મને. – મરીઝ

* * * * * * * * * * * * * * *

અલીખાન ઉસ્માનખાન બલૂચ ‘શૂન્ય’ પાલનપુરીની ગઝલોમાં શબ્દનો સળગતો લાવા છે. કંઠ અને કહેણીની છટાથી એમણે ગઝલને લોકપ્રિય બનાવી એટલું જ નહીં, તેની સાહિત્યિક માવજત પણ કરી. શેરના પ્રત્યેક શબ્દે તેઓ અનેરો અર્થ ઉપસાવી જાણે છે,

કાબાને સોમનાથના પાષાણ ભિન્ન છે,
સમજી શકો તો એથી વધુ ફેર કૈ નથી. – શૂન્ય પાલનપુરી

ઝાંઝવા જળ સીંચશે એ આશ પર,
રણમાં તૃષ્ણાએ કરી છે વાવણી. – શૂન્ય પાલનપુરી

અહીં તૃષ્ણાની વાવણી અને ઝાંઝવાનું જળસિંચન એક રમણીય કલ્પન રચીને રણમાં લીલોતરીના અહેસાસની માનસિક તૃપ્તિ કરાવે છે. આ પ્રાકૃતિક બિંબવિધાનની ચારૂતા અને રમણીયતા આસ્વાદ્ય છે, તો બીજો એક શે’ર જુઓ-

પાંપણ ઝૂકી ગઈ એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજુરે પ્રણયનો વિવેક છે.
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. – શૂન્ય પાલનપુરી

આમાં તીવ્ર અનુભૂતિ અને વ્યથા – વેદનાની વિવૃત્તિમાં તો સૌંદર્ય વિદ્યમાન છે જ, ઉપરાંત અત્યંત સજીવ અને માર્મિક શબ્દચિત્ર કવિની કલા અભિવ્યક્તિનો પરિચાયક બની રહે છે,

ઝુલ્ફ કેરા વળ સમી છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે. – શૂન્ય પાલનપુરી

તો અહં બ્રહ્માસ્મિનો નાદ ગૂંજવતો આ શે’ર જોઈ આજના આસ્વાદની સમાપ્તિ કરીએ,

મન મંથનમાં લાધ્યું દર્શન,
હું જ અલખ ને હું જ નિરંજન. – શૂન્ય પાલનપુરી.

(પુસ્તક ‘આપણા ગઝલ સર્જકો – ડૉ. રશીદ મીર’ માંથી સાભાર, પુસ્તક પ્રાપ્તિ માટે સંપર્ક – નવભારત સાહિત્ય મંદિર, ગાંધીમાર્ગ અમદાવાદ)

આપનો પ્રતિભાવ આપો....