સુખ યાત્રામાં છે, મંઝિલમાં નહીં ! – અબ્રાહમ લિંકન 3


( હકારાત્મક વિચારો ઘણી બધી જગ્યાએથી વાંચવા મળી શક્શે, પણ એ મહદંશે આંધળાઓ જેમ હાથીનું વર્ણન કરે, કોઈક પૂંછડીનું ને કોઈક સૂંઢનું એમ અછડતો ઉલ્લેખ હોય છે, હકારાત્મક બાબતો પર પુસ્તકો લખી નાખનાર માણસ પોતે એના વેચાણના વિચારે નકારાત્મક હોય એમ પણ બને! પણ અબ્રાહમ લિંકન જેવા એક અનોખા મહામાનવના મુખે, જેણે નિષ્ફળતાઓની લાંબી વણઝારને પાર કરીને સુખનો અનુભવ કર્યો છે, અનેક પ્રતિકૂળતાઓ છતાં પોતાના રસ્તેથી જરાય ચલાયમાન ન થયાં, એવા પ્રેરણાદાયી પુરૂષની વાત તો ધ્યાનમાં રાખવા લાયક હોય જ ને! આજે પ્રસ્તુત છે આવો જ એક સરસ વિચાર. – જીજ્ઞેશ અધ્યારૂ )

ઘણા લોકોને મન સુખ એટલે કોઈ નિર્દિષ્ટ મંઝિલ છે! કેમ જાણે હજુ હવે, ભવિષ્યમાં આવનારી એ ચીજ છે. કશુંક જાણે બનવાનું છે. આવા અભાગી લોકો માટે કેમ જાણે મેઘધનુષ્યના છેવાડે સોનાનું પાત્ર રખાયું ન હોય! આ લોકો મેઘધનુષ્યની શોધમાં જીવન આખું ખર્ચી કાઢે છે. માણસ જે રીતે પોતાના પડછાયા પાછળ ભટકતો રહે અને કશું હાંસલ ન કરી શકે. કારણ એ જે શોધે છે, તે તો એની ભીતર જ વસે છે.

જેણે પોતાની સાચી ઓળખ મેળવી હોય તે જ માણસ સુખી છે. એ માણસ સુખી છે જે પરમાત્માને જાણે છે. સુખી એ છે જેનામાં ઉન્નત અને ઉમદા આકાંક્ષાઓ છે! જગતમાં જે વધુને વધુ ઉંચે ચઢતો જાય છે, તે જ છે સાચો સુખી. જે આ જગતને વધારે રહેવાલાયક બનાવી જાણે છે તે સુખી છે. જેના કામ, જેની દિનચર્યા, જેની તમામ પ્રવૃત્તિનું પ્રેરક બળ પ્રેમ છે. જે પ્રેમતત્વને ચાહે છે, જિંદગીને ચાહે છે, તે સુખી છે. જે સ્વયં સુખી છે, તે જ સાચો સુખી છે.

સુખ પ્રત્યેક દિનમાં છે, આ ક્ષણમાં વસે છે. સુખ મંઝિલમાં નહીં, યાત્રામાં છે.

સુખ એ મનની એક સ્થિતિ છે, આપણી આસપાસના ભૌતિક પદાર્થોમાં એ શોધ્યું નહીં જડે. સંપત્તિ – પ્રતિષ્ઠા કે પદમાં સુખ છે જ નહિં. જે લોકો જરૂર કરતાં વધારે ધન ભેગું કરવા આખી જિન્દગી કાઢી નાંખે છે, તેઓ ભ્રમિત અને હતાશ માણસો છે. એમને જ્યારે સમજાય છે કે જીવનમાં પૈસો સુખનું કણ પણ ખરીદી નહીં શકે, ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હોય છે!

અત્યારે આપણી પાસે જે કાંઈ છે તેના વિષે સંતોષ અને કદરદાનીનો ઉદગાર એ જ સુખ છે. સુખ વર્તમાનમાં છે, સુખ પ્રત્યેક ક્ષણમાં છે. પ્રત્યેક નવું પરોઢ નવા ઉજ્જવળ દિવસની જાહેરાત કરે છે, જેમાં આપણે પ્રેમ, સંતોષ, ઉલ્લાસ અને નિઃસ્વાર્થ સેવાની આપ-લે કરી શકીએ.

– અબ્રાહમ લિંકન
(પુસ્તક ‘જીવનપ્રેરક ચિંતન રત્નો’ માંથી સાભાર – સંપાદન મુકેશ એમ પટેલ અને કૃતિ એસ શાહ, મૂલ્ય – ૨૦૦ રૂ.)

બિલિપત્ર

નિષ્ફળતા જેવું હોતું નથી,
હોય છે માત્ર પ્રયત્નોનું છોડી દેવું…

હાર જેવું પણ કશું હોતું નથી,
સિવાય કે અંદરની એક લાગણી.

પાર કરવી મુશ્કેલ એવી કોઈ વાડ નથી,
સિવાય કે આપણા જ આશયોની સ્વાભાવિક નિર્બળતા !


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 thoughts on “સુખ યાત્રામાં છે, મંઝિલમાં નહીં ! – અબ્રાહમ લિંકન