તુલસીશ્યામમાં રાત્રી – ધીરેન્દ્ર મહેતા


કહે છે કે તુલા નામના રાક્ષસને ભગવાને જ્યારે માર્યો ત્યારે તેણે એક માંગણી કરી કે મને હવે દરેક જન્મ તમારી ભક્તિ મળે, પ્રભુએ તેને તથાસ્તુ કહ્યું અને સાથે આશિર્વાદ આપ્યા કે તારૂ નામ અહીં મારા નામની આગળ આવશે, આ રીતે નામ પડ્યું તુલસીશ્યામ, ગીરના વનની વચ્ચે અનેરી ગાઢ વનરાજીઓની વચ્ચે વિકસેલા આ મનોહર તીર્થસ્થાનની યાત્રા કરવાનો આનંદ અનેરો હોય છે. આનું જ મહત્વ દર્શાવતી રચના આજે પ્રસ્તુત છે.

અંધાર અંધાર ન એ વિના કૈં
શો અંધકાર
ઝૂઝે ઝઝૂમે ક્ષણમાં ક્ષણમાં જ ચૂમે!
એનો લઈ આશ્રય હુંય ઘૂમું

આ કૃષ્ણવર્ણું થઈ શું સ્પર્શે છે?
ઘડીઘડીમાં… !
સૂતા સ્મરે કૃષ્ણ હતા નિહાળ્યા
વીંધાઈ શાપે
આ મારગે જ્યાં વળતાં સવારે
વીંધાઈ શાપે
થાતું ક્ષણે આ થઈ વિરુદ્ધ સૃષ્ટિ
આખી જ શાપે.

છૂટું, અચાનક પડી જઈ એક ત્રાડે
આ તો પહાડો ડણકી ઉઠ્યાં કે
તાણી જતો યાળ હલાવતો ક્યાં
છલાંગતો સાવજ શૂર આવી !

જાગું પછી જે ઘડીએ સફાળો
જ્યાં ઉંચકે આમ બધેબધેથી
કોઈ મને –
મારા મહીંથી
કેકા મયૂરોની દિશા ભરીને
ના, કાન મારા હરીને
ને આ ઢાળ ઉતરીને નિહાળું,
સૂર્યો જલે છે જલકુંડમાં ત્યાં!

– ધીરેન્દ્ર મહેતા

આપનો પ્રતિભાવ આપો....