માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, ત્રણ પાનાની આખી વાર્તામાં જે કહી શકાય છે તેનું જ ટૂંકુ વર્ણનાત્મક સ્વરૂપ ફ્લેશ ફિક્શનમાં પણ અપનાવી શકાય, પણ તેમાંથી વર્ણનો મોટેભાગે બાદ થઈ જાય છે, પ્રસંગો અને સંવાદોનું અહીં મહત્વ અદકેરું થઈ જાય છે. ઉપરાંત વાર્તાના અંતે ભાવકના મનમાં એક થી વધુ અર્થો નીકળે કે વાર્તાના શિર્ષકમાંથી પણ એકથી વધુ અર્થો નિકળે તે ઈચ્છનીય છે. પ્રથમ બે લઘુકથાઓ મહુવાથી પ્રકાશિત થતાં સામયિક “કલમ-યુદ્ધ” ના દિપાવલી વિશેષાંકમાંથી સાભાર લેવામાં આવી છે.
૧. એક મિનિટ લેઈટ… – મેહુલ પંડ્યા
હું લથડાતા પગે ચાલતો જતો હતો. મારા જોડે જ તે કાળીયો માણસ લાકડી ઠપકારતો ચાલતો હતો. ધુમાડાના ગોટાઓ વચ્ચે રસ્તો પૂરો સૂઝતો ન હતો. ચાલતા ચાલતા હું વિચારે ચડ્યો.
હું અને કવિતા કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની હરોળમાં આગળ પાછળ હતાં. તેને સમયસર પ્રવેશ મળેલ, પણ સમય પૂરો થતાં માથે એક મિનિટ થઈ હોઈ, મારે પ્રવેશ માટે બીજા દિવસ સુધી રોકાવું પડેલું. કૉલેજકાળ દરમ્યાન તેને હું મારા પ્રણયનું આમંત્રણ આપું તેના એક મિનિટ પહેલાં જ તેણે સુમિતને આ વિષયમાં હકારાત્મક જવાબ આપી દીધો. તેના લગ્નનું આમંત્રણ તો મળ્યું, પણ હું પહોંચું તેની એક મિનિટ પહેલાં જ હસ્તમેળાપ થઈ ગયેલો. અરે! ગઈકાલે તેની અંતિમયાત્રા પણ હું પહોંચ્યો એના એક મિનિટ પહેલા નીકળી ગઈ.
અચાનક તે કાળીયાએ મને રોક્યો, અને તાજી રાખના ઢગલાં તરફ ઈશારો કર્યો. મેં અંદર હાથ ફંફોળ્યા, પણ તે નિરર્થક હતાં. મેં હતાશ નજરે તેની સામે જોયું.
તેણે ત્વરાથી તેના સાથીદારને પૂછ્યું, “અલ્યા હરિયા, આ ૫૪ નંબરનું કોઈ સગું વ્હાલું?”
“હા” તેણે જવાબ આપ્યો, “હજી એક મિનિટ પહેલા જ તેઓ…”
હું દિગ્મૂઢ બનીને રાખનાં ઢગલાંને તાકી રહ્યો.
– મેહુલ પંડ્યા
૨. નિર્જીવ પ્રેમ – બી. જી. પંડ્યા
મારી શિક્ષક તરીકેની આઠ વર્ષની કારકિર્દીમાં મેં રિન્કુ જેવી હોંશિયાર વિદ્યાર્થીની જોઈ ન હતી. છ વર્ષની ઉંમરે તેનું જ્ઞાન હોવું જોઈએ તેની કરતા ઘણું ઉચ્ચસ્તરીય હતું. અને મને હમણાં જ માલુમ પડેલું કે તે મારી સહાધ્યાયી સરિતાની બેબી હતી, ત્યારે આ અજ્ઞાત – અજાણ્યા શહેરમાં કોઈ સ્વજન હોવાની અનુભૂતી થઈ.
આજે સમય મળતાં હું તેને ઘેર ગયો, હું અને સરિતા કૉલેજકાળની મીઠી મધુરી યાદો કલાકો સુધી વાગોળતા રહ્યાં. રિન્કુ પોતાની ધીંગામસ્તીમાં જ મસ્ત હતી. થોડી વારે તે થાકી એટલે સામેની ભીંત પર લગાવેલી જૂના જમાનાની બંધ ઘડિયાળને ચાવી આપી શરૂ કરવાનો પ્રયત્ન કરવા લાગી.
“રિન્કુ બેટા, તને ખબર છે કે તે શરૂ નથી થતી, ત્યારે શા માટે પ્રયત્ન કરે છે?”
રિન્કુ માની ગઈ. તે મારી પાસે આવી બેઠી અને મારી ટાઈ અને પેન સાથે રમત કરવા લાગી. સરિતા બોલી, “જ્યારે રિન્કુના પપ્પા હતાં ત્યારે આ ઘડિયાળ નિયમિત ચાલુ રહેતી. ક્યારેય તેમણે ચાવી પણ આપી ન હતી. પણ તેઓ…. પછી આ ઘડિયાળ કદી શરૂ થઈ નથી. મેં તેઓની યાદ સ્વરૂપે, એક નિર્જીવ પ્રેમની અનુભૂતી માટે રાખી મૂકી છે.
રિન્કુ થાકીને મારા ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. એક અજ્ઞાત વાત્સલ્યથી મારો હાથ તેના માથા પર ફર્યો. શાંત વાતાવરણમાં માત્ર એ ઘડિયાળની ટક… ટક…. નો ધબકાર સંભળાતો હતો.
– બી. જી. પંડ્યા.
3. ભવિષ્ય – જીજ્ઞેશ અધ્યારૂ
મારા ટાઈમમશીનના સ્લોટમાં મેં કાર્ડ ઘસ્યું અને ૨૦૪૫નો આંકડો દાબ્યો, અચાનક ધ્રિબાંગ જેવો અવાજ થયો અને હું અજાણ્યા પ્રદેશમાં આવી ચડ્યો. મેં આટલા વર્ષો શું કર્યું હશે?, નોકરી જ કરી હશે કે પોતાની કંપની ઉભી કરી હશે? પૈસાદાર હોઈશ કે મધ્યમ….
“હલો, વિલ યુ પ્લીઝ શો મી મી. કરણ મહેતા’સ હાઉસ?”
“કોણ કરણ મહેતા?”
કોણ એ તો મને પણ નથી ખબર. આ મારા વિશે જ પૂછી રહ્યો છે મને, અને હું પણ એ જ શોધવા અહીં આવ્યો છું. એ કહે, “પેલો મૂરખનો સરદાર, ઘનચક્કર તો નહીં, જે આખા ગામમાં કહેતો ફરે છે કે તેની પાસે ટાઈમમશીન હતું?”
“હા, એ જ” મેં કહ્યું.
“એ સામેના ફ્લેટમાં રહે છે.” તેણે અપાર્ટમેન્ટના ત્રીજા માળ તરફ આંગળી ચીંધી.
મેં ડોરબેલ વગાડ્યો, અને અંદરથી કરણ મહેતાએ દરવાજો ખોલ્યો, ‘શું હું ૨૦૪૫માં આવો હોઈશ?’ મેં વિચાર્યું. પેલી વ્યક્તિ કહે, “અંદર આવો.”
જેવો મકાનમાં પ્રવેશ્યો કે દરવાજો બંધ થઈ ગયો અને માથા પર જોશથી કાંઈક વાગ્યું. પેલો માણસ એમ જ બોલી રહ્યો હતો, “જો હું ટાઈમ મશીનથી અહીં ન આવ્યો હોત તો …. એટલે હવે તારે પાંત્રીસ વર્ષ ભોગવવું નહીં પડે…” અને માથામાં બીજો ફટકો પડ્યો.
– જીજ્ઞેશ અધ્યારૂ
આ પહેલા અક્ષરનાદ પર મૂકેલી આવી જ લઘુકથાઓ વાંચવા જાઓ …. માઈક્રો ફિક્શન (લઘુ) કથાઓ – સંકલિત
These are short but sweet and interesting stories… Like so much…
ખુબ જ સરસ રજુઆત. મજા આવિ