ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ 1


(અર્વાચીન ગુજરાતી સાહિત્યના ગાંધીયુગના કવિ વિવેચક તરીકે ખૂબ સન્માનપાત્ર અને નોંધપાત્ર સર્જન કરનાર શ્રી સુંદરજી બેટાઈ કવિ, વિવેચક તરીકે જાણીતા છે. ‘જ્યોતિરેખા’ એ તેમના ખંડકાવ્ય સંગ્રહમાં પાંચ પૌરાણિક પ્રસંગો પર આધારિત કાવ્યો છે તો ‘ઈન્દ્રધનુ’, ‘વિશેષાંજલિ’, ‘સદગત ચંદ્રશીલાને’, ‘તુલસીદલ’, ‘વ્યંજના’, ‘અનુવ્યંજના’, ‘શિશિરે વસંત’ અને ‘શ્રાવણી ઝરમર’ એમના કાવ્યગ્રંથો છે. આસ્થાભર્યા છંદોબદ્ધ કાવ્યો, સોનેટ, ગીત જેવા કાવ્યપ્રકારો તેમણે ખેડ્યા છે. તો ‘સુવર્ણમેઘ’, “આમોદ’ તથા ‘નરસિંહરાવ’ તેમના વિવેચનગ્રંથો છે.

પ્રભુ પાસે ભૌતિક સુખસગવડો મળે તેવી ઈચ્છા ન કરતાં જીવન જીવવાનું – દુઃખો સહન કરવાનું નૈતિક બળ મળે તે પ્રકારની માગણી કવિ કરે છે. હ્રદયમાં પડેલા ઘાવને મૌન બનીને સહન કરવાનું, કવિને શત્રુ માનતા વ્યક્તિઓ પ્રત્યે પણ હૈયામાં ઝેરનો ફણગો વૃક્ષ બનીને ન વિસ્તરે તેમજ ભલે જીવનમાં સફળ ન થવાય, પણ કોઈના હ્રદયબાગને નષ્ટ કરવાનું ન થાય – તે પ્રકારનું પ્રેમ અને કરુણાભર્યું જીવનબળ મળે તેવી કવિ માગણી કરે છે. હ્રદય અભિમાન ન કરે, મન ખોટા તર્ક વિતર્ક ન કરે, જીવન અગરબત્તીની જેમ બળીને સુગંધ પ્રસરાવે અને છેલ્લે મરણ પછી પણ પોતાના શરીરની રાખમાંથી જન્મભૂમીનું ખાતર બને એવી અભિલાષા કવિ રાખે છે. અહીં, “ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું” દ્વારા માંગણીના ભાવને વારંવાર ઘૂંટીને ભારપૂર્વક રજૂ કરી “બસ સહનનું એવું બલ દે” – એ પંક્તિ દ્વારા સંજોગોના શ્રદ્ધાભર્યા સ્વીકારના ભાવને ઉપસાવે છે.)

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
પણ હ્રદયમાં જે વ્રણ પડ્યાં,
સહુ સકલ એની બળતરા,
વિના ચીસે,
વિના રીસે,

બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ રિપુ રિપુત્વે મચી રહે,
છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાય વિષતરુ – ન એવું કદી બને;

બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ જીવન છો ને વિફલ આ બને,
તોયે કો’ના ઉર ઉપવનો ધ્વસ્ત કરવાં,
અજાણે કે જાણે
કદીય કો ટાણે મુજ થકી કશુંયે નવ બને;

બસ સહનનું એવું બલ દે.

ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
પણ કદીય એવું પણ બને,
હું જેવાની રાખે જનમભૂમિનાં ખાતર બને,
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હ્રદયે;

હ્રદય ગરવે મત્ત ન બને,
મન નવ ચઢે તર્કચકવે;

બસ મરણનું એવું બલ દે.

– સુંદરજી બેટાઈ
(“ઈન્દ્રધનુ” માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

One thought on “ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ

 • P U Thakkar

  ’’…વિના ચીસે,
  વિના રીસે,
  બસ સહનનું એવું બલ દે…’’

  સહન જ કરવું. કોઇ ફરીયાદ નહીં. ન કોઇ બૂમાબૂમ કે ન કોઇ રાડા રાડ.
  કારણઃ- હૃદયમાં જે વૃણ પડ્યા છે, તેની બળતરા છે. સાચી બળતરા નથી. પછી શાને બૂમાબૂમ ?

  ’’..મુજ રિપુ રિપુત્વે મચી રહે,
  છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
  ફૂટીને ફેલાય વિષતરુ – ન એવું કદી બને;
  બસ સહનનું એવું બલ દે…’’

  શુષ્‍ક હૃદયની શુષ્‍કતા કે ખાલી હૃદયનો ખાલીપો ગમે તેવું તોફાન મચાવે તો પણ કોઇના પ્રત્યે કોઇ શત્રુતા નહી – કોઇ નકારાત્મક પ્રવૃત્તિ નહીં – કોઇ પ્રતિશોધ નહીં. કેટલી પારદર્શિતા !! હૃદય-મન એવી નકારત્મકતામાં રાચવા જાય તો પણ રોકવાનું !!

  ગર્વિતા છોડીને બસ નમ્ર અને સરળ બનવાનું
  મરણનું એવું બલ દે.
  કેટલી અદભૂત વાત છે.

  મને આ રીતે સમજાય છેઃ- જીવન આશા છે. અને આશાઓમાં (સાચી ખોટી) માણસ ક્યારેક જાણે અજાણે નકારાત્મકતા તરફ દોરવાઇ જાય એમ બને પણ ખરુ. પણ સાવધ હોય તો, પારદર્શિતા દાખવીને એવા નકારાત્મક વિચારોથી વિરૂધ્ધના વિચારોની વણઝાર અને ભરમાર શરૂ થવા દઇ શકે. કોઇ દંભ નહીં.

  જીવન તો બેવફા છે. પણ મૃત્યુ આવે તે પહેલાં નકારાત્મક્તાને હાંકી કાઢવા માટે સક્ષમ બનવા પૂરતી બહાદુરી દાખવવા કવિશ્રીએ–
  ’’હ્રદય ગરવે મત્ત ન બને,
  મન નવ ચઢે તર્કચકવે;
  બસ મરણનું એવું બલ દે.’’
  – સુંદરજી બેટાઈ

  –સરસ વાત કહી દીધી છે.

  આભાર, જીજ્ઞેશભાઇ. આવા સારા કાવ્યો આપના મારફત મળતા રહે તે બદલ. મૃત્યું દરેક જીવનને આકર્ષે જ છેઃ એક રચના..મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉ..http://puthakkar.wordpress.com/2009/02/22/%e0%aa%ae%e0%ab%83%e0%aa%a4%e0%ab%8d%e2%80%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%a8%e0%ab%87-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ab%e0%ab%87%e0%aa%b0%e0%aa%b5%e0%ab%80/