Daily Archives: September 28, 2010


ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ 1

પ્રભુ પાસે ભૌતિક સુખસગવડો મળે તેવી ઈચ્છા ન કરતાં જીવન જીવવાનું – દુઃખો સહન કરવાનું નૈતિક બળ મળે તે પ્રકારની માગણી કવિ કરે છે. હ્રદયમાં પડેલા ઘાવને મૌન બનીને સહન કરવાનું, કવિને શત્રુ માનતા વ્યક્તિઓ પ્રત્યે પણ હૈયામાં ઝેરનો ફણગો વૃક્ષ બનીને ન વિસ્તરે તેમજ ભલે જીવનમાં સફળ ન થવાય, પણ કોઈના હ્રદયબાગને નષ્ટ કરવાનું ન થાય – તે પ્રકારનું પ્રેમ અને કરુણાભર્યું જીવનબળ મળે તેવી કવિ માગણી કરે છે. હ્રદય અભિમાન ન કરે, મન ખોટા તર્ક વિતર્ક ન કરે, જીવન અગરબત્તીની જેમ બળીને સુગંધ પ્રસરાવે અને છેલ્લે મરણ પછી પણ પોતાના શરીરની રાખમાંથી જન્મભૂમીનું ખાતર બને એવી અભિલાષા કવિ રાખે છે. અહીં, “ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું” દ્વારા માંગણીના ભાવને વારંવાર ઘૂંટીને ભારપૂર્વક રજૂ કરી “બસ સહનનું એવું બલ દે” – એ પંક્તિ દ્વારા સંજોગોના શ્રદ્ધાભર્યા સ્વીકારના ભાવને ઉપસાવે છે.