સંક્ષેપીકરણ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો 4


સંક્ષેપીકરણ કરવાની જરૂરત કયારે પડે? ગાંધીજીની આત્મકથાની સંક્ષિપ્ત આવૃત્તિ સૌપ્રથમ જોઈ ત્યારે આ સવાલ થયેલો. જો કે લેખકની વાતને, તેની અભિવ્યક્તિને અને તેણે પૂરી પાડેલી માહિતિને ટૂંકી કરવાની જરૂર પડે, અને છતાં એ રચનાનું મૂળ કલેવર ન બદલાય એવું સંક્ષેપીકરણ કરવું હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આ વિષય વિશે આટલું સમજવું અને સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ.

  1. સંક્ષેપીકરણ કરતી વખતે મૂળ ગદ્ય કે તેના પરિચ્છેદનો મૂળ ભાવ સચવાવો જોઈએ અને તે ઓછામાં ઓછા શબ્દો દ્રારા કહેવાવું જોઈએ. વળી, સંક્ષેપના પરિણામમાં ભાષાની શુદ્ધિ પણ પૂરેપૂરી જળવાવી જોઈએ….
  2. સંક્ષેપીકરણના કદ નો આધાર મૂળ લખાણના પ્રકાર અને સંક્ષેપના હેતુ પર રહે છે. વર્ણાત્મક કે કથનાત્મક લખાણનો સંક્ષેપ કરવામાં મોકળાશ અને સરળતા રહે છે. વિચારપ્રધાન તથા તત્વચર્ચાના કે શાસ્ત્રીય લખાણોના સંક્ષેપીકરણમાં મોકળાશ ઓછી રહે છે; જ્યારે બિનજરૂરી વિગતો અથવા શબ્દોથી બહેલાવીને જે લખાણ શરૂ થયું હોય તેનો સંક્ષેપ સહેલાયથી થઈ શકે છે. ટૂંકમાં, જે લખાણ અર્થની દ્રષ્ટિએ સઘન અને નિરૂપણાની દ્રષ્ટિએ સંકુલ હોય ત્યાં આ પ્રકારની મોકળાશ ઓછી રહે છે.

સંક્ષેપીકરણ એટલે મૂળ પરિચ્છેદ કે લખાણાનું હાર્દ જળવાઈ રહે તે રીતે કરેલો ટૂંકસાર. ભાષાનો કરકસરથી ઉપયોગ કરવાની કળા હસ્તગત કરવા માટે સંક્ષેપીકરણની તાલીમ જરૂરી છે. સૂચવેલી શબ્દ મર્યાદામાં, આપણે લીધેલા પરિચ્છેદ કે ગદ્યખંડમાંથી ગમે તેમ વાક્યો ઊઠાવીને ભેગાં કરી નાંખવાથી કે બે તૃતીયાંશ શબ્દો કાઢી નાખી બાકીના વાક્યો ગોઠવી, ગમેતેમ થીગડાં મારી દેવાથી સંક્ષેપીકરણ થતું નથી. પરંતુ મૂળ પરિચ્છેદમાં રજૂ થયેલ લેખકના વક્તવ્યને ઓછાંમા ઓછા શબ્દો દ્રારા રજૂ કરવાની સમજ અતિ આવશ્યક છે,  આ માટે –

  1. આપેલ ગદ્યખંડ બરાબર સમજાય તે રીતે, શાંત અને એકાગ્રચિત્તે વાંચો અને તેનું તાત્પર્ય સ્પષ્ટ થાય તે માટે ફરીથી એકવાર તે ગદ્યખંડ વાંચી જાઓ….
  2. મૂળ ગદ્યખંડમાંથી મહત્વના મુદ્દાઓ જુદા તારવો અને ક્યાંય કશું રહી જતું નથીને તેની ચકાસણી કરો. મુખ્ય મુદ્દા નીચે પેન્સિલથી અંડરલાઈન કરી શકાય….
  3. સંક્ષેપીકરણ માટે જુદીજુદી પદ્ધતિઓ અપનાવી શકાય. જેવી કે,
  4. પુસ્તક કે પાનામાં આપેલ ગદ્યખંડમાં રેખાંકિત (લીટી દોરેલા) કે ઘાટા અક્ષરે છાપેલા શબ્દો કે શબ્દસમૂહો માટે તેની નીચે સૂચનામાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તેના ઉપયોગ દ્રારા સંક્ષેપ કરી શકાય.
  5. મૂળ પરિચ્છેદમાં તમને એમ લાગે કે જુદાં જુદા વાક્યોને ભેગાં કરવાથી વધારાના વિશેષણો, ક્રિયાવિશેષણ કે ક્યારેક ક્રિયાપદો ટાળી શકાય એમ છે તો ત્યાં વાક્યોને ભેગા કરી સંક્ષેપ કરી તેમને પરિચ્છેદરૂપે લખી શકાય.
  6. મૂળ ગદ્યખંડ કે પરિચ્છેદમાં વધારાની લાગતી વિગતોને તમે વિવેકપૂર્વક કાઢી નાખજો. જેવી કે, ગદ્યખંડમાંના વિચારને રજૂ કરતાં દ્રષ્ટાંતો કે ઉદાહરણો, અવતરણો કે દલીલો, અલંકારો કે સરખામણીઓ વગેરે…
  7. મૂળ ગદ્યખંડમાં એક જ વિચારનું પુનરાવર્તન થતું જણાય તો એમાંના મુખ્ય હાર્દને પકડી લઈ પૂનરાવર્તન ટાળજો. એક જ ભાવને વારંવાર પ્રગટ કરતા પર્યાયવાચી કે સમાનાર્થી શબ્દો, વિશેષણો, રૂપકો કે પ્રતીકો યા કલ્પનોને વિવેક પૂર્વક દૂર કરજો…..

આ ઉપરાંત

  • સંક્ષેપ કરવા માટે આપેલ પરિચ્છેદ કે ગદ્યખંડ ધ્યામ પૂર્વકવાંચી, તેના મુખ્ય કથનને સમજી લેવું જોઈએ. વળી, મુખ્ય કથનનો મર્મ તથા તેના કહેવાના સૂરને પણ તારવી લેવો જોઈએ; એટલું જ નહિ, મુખ્ય કથનના સમર્થનમાં નોંધાયેલા મુદ્દાઓ પણ તારવી લેવા જોઈએ..
  • મૂળ કથનની ભાષાનો સંકોચ કરવો; પરંતુ તેના મર્મને તો યથાવત સાચવાવો જોઈએ અને તેમાં કોઈ વધારો કે ઘટાડો ન કરવો જોઈએ.
  • પરિચ્છેદમાં આપેલા અવતરણો, ઉદાહરણો, અલંકારો, શબ્દસમૂહો વગેરે અલગ તારવી લેવાં જોઈએ. તેમાંથી જે અનિવાર્ય હોય તેનો જ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઇએ અને અનિવાર્ય ન હોય તો છોડી દેવાં જોઈએ…
  • પરિચ્છેદના લખાણમાં વપરાયેલા શબ્દસમૂહોને સ્થાને સામાસિક અને પરિભાષિક શબ્દો યોજવા જોઈએ. મૂળ લખાણમાં જો એકથી વધુ અલંકારો વપરાયા હોય અને તેમની વચ્ચે સમાનતા હોય તથા તેમનું સંકલન અનિવાર્ય હોય તો, તેમના સમાન ગુણને કેન્દ્રમાં રાખી એક સુયોગ્ય અલંકાર બનાવવો જોઈએ…
  • ખાસ જરૂરી હોય તેવો એક પણ અર્થ સરી ન જાય તથા એક પણ આવશ્યક શબ્દ છટકી ન જાય તેની પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ…
  • સંક્ષેપનાં વાક્યો મૂળ કથનને સાચવનારાં પરંતુ જેમ બને તેમ ટૂંકા લખવાં જોઈએ. એકપણ બિનજરૂરી શબ્દનો પ્રયોગ કે ઉપયોગ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ.
  • સંક્ષેપનાં વાક્યો ટાંચણરૂપ કે અધૂરાં તો કોઈપણ સંજોગોમાં ન જ લખવાં જોઈએ..
  • સંક્ષેપના તમારા મૌલિક લખાણમાં ભાષાશુદ્ધિ અને જોડણીશુદ્ધિ તો ભારોભાર જાળવવાં જ જોઈએ; એટલું જ નહિ; જે તે સ્થળે યોગ્ય વિરામચિહનનો ઉપયોગ પણ અવશ્ય કરવો જોઈએ.
  • વિચારોની ક્રમિકતા જળવાય, કોઈ મહત્વનો મુદ્દો રહી ન જાય અને તમારાં તરફથી ગદ્યખંડમાં ન હોય એવો કોઈ મુદ્દો ઉમેરાઈ ન જાય તેની ખાસ કાળજી રાખી સંક્ષેપ કરજો.
  • લગભગ ત્રીજા ભાગ જેટલો સંક્ષેપ કરજો. સાદી અને સરળ ભાષામાં સંક્ષેપ કરજો. વધુ પડતો ટૂંકો કે લાંબો સંક્ષેપ ન થઈ જાય તેની કાળજી રાખજો…
  • સંક્ષેપ કર્યા પછી મથાળે આખા ફકરાના મુખ્ય વક્તવ્ય કે હાર્દને ટૂંકમાં સ્પષ્ટ કરે તેવો કોઈ સચોટ ને વેધક શબ્દ કે શબ્દસમૂહ સંક્ષેપના શીર્ષક તરીકે પસંદ કરજો…

સંક્ષેપીકરણ એ એક કળા છે, સુંદર રીતે સંક્ષેપ કરેલ ગદ્યની સુંદરતા મૂળ ગદ્ય જેટલી જ, ક્યાંક તો તેથીય વધુ ખીલી ઉઠે છે, માટે ઉપરોક્ત બાબતો આ માટે ધ્યાનમાં રાખવી જોઈએ.

(સાભાર – ગુજરાતી વ્યાકરણ અને લેખન – ધોરણ 12  માં અપાયેલી મૂળ સમજણ ઉપરથી )


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “સંક્ષેપીકરણ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • jahnvi antani

    વાંચ્યું હતું…. પણ આજે નિરાંતે વાંચ્યું…અને સમજાયું. આ માહિતી એક સંક્ષીપ્ત શીખવા માટેના સેમીનાર જેવી છે.

  • P U Thakka

    ધોરણ ૧૦ કે ૧૨ ના વિદ્યાર્થીઓ માટે જ નહીં, આ ઘણાં બધાએ સમજવા શીખવા જેવી વાત છે.

    સરકારી નોકરીમાં જોડાવા માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સંક્ષેપિકરણ કસોટીનો એક ભાગ હોય છે. આમ, નોકરીમાં આવેલા બધાયને આ બાબતની આવડત હોય તેમ માની શકાય. છતાં પણ જો બધા સરકારી નોકરો આ કળામાં પ્રાવીણ્ય મેળવી લ્યે તો, વહીવટમાં નોંધપાત્ર સુધારો થઇ જાય. વાંચીને ગમ્યું.

  • Pushpakant Talati

    ખરેખર આ લેખથી pressy એટલે કે સંક્ષેપીકરણ ની કળા બહુજ સરળતા પુર્વક તેમજ ઘણી જ સ્પષ્ટપણે સમજાવવામા આવી છે. અમો જ્યારે શાળાનો અભ્યાસ કરતા ત્યારે સંક્ષેપીકરણ ની તાલીમ તથા સમજ class મા આપવામા આવતી . – આ લેખ SSC કે HSC ના students માટે બહુજ ઉપયોગી થઈ શકે તેમ હોવાથી parents must draw the attention of the relavent & the concerned student on this લેખ.