ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૮ – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલના છંદો પારખીએ) 2


આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો વગેરે વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે વાત કરીએ ફિલ્મી ગઝલોની. ગઝલના સ્વરૂપને સમજવા અને સરળતાથી તેનો પરિચય મેળવવા આ અંગેની સમજ મેળવવી મદદરૂપ પૂરવાર થાય છે. આજે ગઝલના છંદો પારખવા વિશે જાણીએ.

ગઝલના છંદો પારખતાં શીખવા ગઝલના લગા’ત્મક સ્વરૂપનો પરિચય મેળવવો જરૂરી છે, આ શૃંખલામાં આપણે ગઝલરચના માટે વિવિધ લગા’ત્મક સ્વરૂપોનો પરિચય મેળવ્યો હતો. આજે આપણે કેટલીક ગઝલોના છંદ પારખવાનો મહાવરો અને પ્રયત્ન કરીશું અને એ રીતે ગઝલોના છંદ શીખવા આપેલા વજનમાં શબ્દો અને પંક્તિઓ લખવાનો મહાવરો પણ મળશે.

ઝલપઠનનો જેમને મહાવરો છે તેમને ગઝલની પંક્તિને બે ત્રણ વાર વાંચતા કે ગણગણતાંજ અનાયાસે ગઝલના છંદ પકડાઈ જશે, પરંતુ વધુ સ્પષ્ટતા અને સરળતા માટે નવોદિતોએ ગઝલનું લગા’ત્મક સ્વરૂપ પારખવું જરૂરી છે, ગઝલના છંદો ઉચ્ચારને મહત્વ આપતા હોવાથી લિપિને આધારે લઘુગુરૂ ઓળખ કદાચ છંદને ન પકડી શકે એમ બને, શાયરે એ પંક્તિમાં છંદમાં ક્યાં છૂટછાટ લીધી છે એ તરત ખબર ન પણ પડે.

છંદની પંક્તિમાં લઘુગુરૂ વિશેના સ્વરૂપ ગોઠવતાં સાથે તેમાં કયો પ્રચલિત છંદ વપરાયો છે એ અંગેનો સતત વિચાર થતો રહેવો જરૂરી છે, જો પંક્તિમાં શરૂઆતમાં ગા હોય તો અમુક છંદ હોઈ શકે અને શરૂઆત લઘુથી થતી હોય તો અમુક છંદ હોઈ શકે એવો ખ્યાલ આવી જાય, અથવા પંક્તિને અંતે લગા, ગાલગા અથવા ગાગા એવા ટુકડા જોઈને પણ છંદ વિશેનો અણસાર આવી શકે.

શાયરે છંદમાં લીધેલી છૂટછાટો અથવા ક્યાંક થયેલી ભૂલને લીધે એક પંક્તિને લઈને તેના લગા’ત્મક સ્વરૂપ વિશે વિચાર કરતાં જો કોઈ છંદસ્વરૂપ સાથે સામ્ય ન મળે તો બીજી પંક્તિ અથવા અન્ય શેર સાથે લગા’ત્મક સ્વરૂપ પારખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો હજુ મુશ્કેલી પડે તો જે અક્ષર વિશે શંકા હોય તે આખી ગઝલની બધીજ પંક્તિઓમાં એજ સ્થાને આવેલ અક્ષર કયા માપમાં છે એ શોધી કાઢવું જોઈએ. જેમ કે કોઈ એક ગઝલની ચૌદ પંક્તિઓમાંથી ૧૧ સ્થાનમાં એ અક્ષર લઘુ હોય અને ૩ પંક્તિઓમાં ગુરૂ હોય તો એ ત્રણ સ્થાનોએ શાયરે છૂતછાટ લીધી છે એમ કહી શકાય.

એક જ શેરનો છંદ પારખવાનો હોય તો કાર્ય મુશ્કેલ બને છે, પરંતુ જો આખી ગઝલ પ્રસ્તુત હોય તો ગઝલના છંદ પકડવા સરળ પડે છે. જો એક જ શેર કે પંક્તિ હોય અને શેર પકડવામાં મુશ્કેલ થાય તો વરિષ્ઠો અથવા સહધર્મિઓ સાથે ચર્ચા કરીને એ સમસ્યાનું સમાધાન તારવી શકાય.

ગઝલસર્જન વખતે શેરમાં છંદના દોષો કઈ કઈ રીતે આવી શકે તે જોઈએ,
છંદની સમજ કાચી હોય
છંદના માપમાં અણઘટતી છૂટ લીધેલી હોય
શબ્દોના લગા’ત્મક સ્વરૂપ સમજવામાં થાપ ખાધી હોય.
શબ્દોને ખોટી રીતે મરોડ્યા હોય.
પઠન કરતાં ઉચ્ચારણભારથી પરાણે લઘુને ગુરુ તરીકે કે ગુરુને ખોડો કરીને બોલવો પડતો હોય.

હવે કેટલાક શેર લઈને એની પંક્તિઓના છંદ પારખવાનો મહાવરો કરીએ,

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક
તળેટી સમીપે હજી ક્યાંક ચાનક

જો એક બે વખત પઠન કરવાથી છંદ પકડાઈ જાય તો લઘુ ગુરુ વિન્યાસ કરવાની જરૂર ન રહે. આપણે એમ માનીએ કે પઠનથી છંદ પકડાતો નથી, તો લગા’ત્મક સ્વરૂપમાં તેને ગોઠવવાનો પ્રયત્ન કરી જોઈએ.

હજોહા થકરતા લનેચિ ત્તચાનક
લગાગા લગાગા લગાગા લગાગા

જો કે આ શેરમાં છૂટછાટ ન હોવાને લીધે છંદ બહુ આસાનીથી પકડી શકાયો છે, બીજો શેર જોઈએ

‘સંબંધો’ પછી મૂળ પર્યઁત પહોંચે,
પવન પાંદડાને કરે સહેજ ચાળો.

પ્રથમ પંક્તિમાં ‘સંબંધો’નું લગા’ત્મક સ્વરૂપ ગાગાગા થાય છે, જે લગાગા હોવું જોઈએ તો તે શેર “લગાગા લગાગા લગાગા લગાગા” એ સ્વરૂપમાં બંધબેસતો આવે. બીજી પંક્તિમાં ચુસ્ત છંદમાપ જળવાયું છે, એટલે તરત ખબર પડે કે આ છંદ મુતકારિબ છે.

હવે એક ફિલ્મી ગીતનું ઉદાહરણ લઈએ,

આવાઝ દે કહાં હૈ, દુનિયા મેરી જવાં હૈ,
ગા ગા લ ગા લગા ગા ગા ગા ગાગા લગા ગા

લગા’ત્મક સ્વરૂપમાં પંક્તિને બેસાડવાનો પ્રયત્ન કરતા ખ્યાલ આવે છે કે અહીં કોઈ પ્રચલિત છંદ પકડાતો નથી. પણ ‘મેરી’ શબ્દ ‘લગા’ ના માપમાં લઈએ તો પંક્તિ છંદમાં બેસે છે, ઉર્દુમાં મેરા, તેરા વગેરે શબ્દોના ઉચ્ચાર મિરી, તિરી જેવો સાંકડો કરીને તેમને ‘લગા’ માપમાં લેવાની છૂટ છે. જો કે ગુજરાતીમાં બહોળા ઉચ્ચારને લીધે આવી છૂટછાટ ન લેવી જોઈએ. આવું એક ગુજરાતી ગઝલનું ઉદાહરણ જોઈએ,

આવી હતી બહાર મારા ઘરના આંગણે,
ને હું જ ઘર બહાર હતો, કોણ માનશે ?

ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા
આ વી હ તી બ હા ર મા રા ઘર ના આંગ ણે

અહીં બીજી છૂટ માન્ય છે કારણકે શબ્દાન્તે એકાક્ષરી ગુરુ આવે તો લઘુ કરી શકાય. પહેલી છૂટછાટ દોષ ગણાય કારણકે ‘મારા’ શબ્દને ‘ગાલ’ માપમાં લઈ શકાય, ‘લગા’ નહીં, તેથી જ આ શેર ગઝલકારે પછીથી સુધારીને આમ મૂક્યો,

આવી હતી બહાર કદી ઘરના આંગણે,
ને હું જ ઘર બહાર હતો, કોણ માનશે ?

વધુ એક શેર જોઈએ,

વરસાદ, મેઘધનુષ ને વાદળ, હવા સૂરજ,
બોલાવતાં તને કશે, બારી ઉઘાડ દોસ્ત !

મેઘધનુષનું લગાત્મક સ્વરૂપ ગાલલગા થાય છે જ્યારે અહિં છંદ મુજબ જોઈએ ગાલગાલ, જે દોષપૂર્ણ ગણાશે.

રમેશ પારેખનો એક શેર જોઈએ,

તમારા વગર એ કુંવારી જ રહેશે
તમારી કબર તો તમારી જ રહેશે.

બંને શેરની પંક્તિઓને જોતાં જ તેના લગા’ત્મક સ્વરૂપનો આભાસ આવી જ જાય એવી સરસ આ પંક્તિઓ છે, અહીં શેરનું લગાત્મક સ્વરૂપ છે,
લગાગા લગાગા લગાગા લગાગા

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં,
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં.

પ્રસ્તુત શેરમાં બીજી પંક્તિનું લગા’ત્મક સ્વરૂપ તરત ખ્યાલ આવી શકે તેવું છે જ્યારે પ્રથમ પંક્તિમાં છૂટછાટ લીધી હોઈ ફક્ત એ જ પંક્તિ હોય તો છંદ પારખવામાં મુશ્કેલી પડે. પ્રસ્તુત શેરની પંક્તિઓનું લગા’ત્મક સ્વરૂપ છે,
ગાલગા ગાલલગા ગાલલગા ગાગાગા

મહાવરો કરીને વધુને વધુ શેર સાથે આવો જ પ્રયત્ન કરવાથી છંદ પારખવામાં હથોટી આવતી જાય છે, કેટલીક વખત પ્રચલિત ન હોય તેવા લગા’ત્મક સ્વરૂપોમાં પણ શેર મળી આવે તેવા સમયે વરિષ્ઠોની સલાહ અને સૂચનો તથા માર્ગદર્શન રાહચિંધણ બની શકે છે, આ માટે છંદોની પૂરતી સમજ હોવી જરૂરી છે.

આ શ્રેણીના બધા લેખો અહીં ક્લિક કરીને વાંચી શકાય છે

– જીજ્ઞેશ અધ્યારૂ

સંદર્ભ પુસ્તક –

ગઝ્લ શીખીએ – ડૉ. પ્રફુલ્લ શાહ
ગઝલનું છંદોવિધાન – રઈશ મનીઆર
છંદસમજ ગઝલસહજ – નઝીર ભાતરી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૮ – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલના છંદો પારખીએ)

  • Pancham Shukla

    વરસાદ, મેઘધનુષ ને વાદળ, હવા સૂરજ,
    બોલાવતાં તને કશે, બારી ઉઘાડ દોસ્ત !

    મેઘધનુષ ને ગાલલગા માપમઆં લેવાય એ બરાબર પણ ક્યારેક તાલ સચવાતો હોય તો ગાલગાલ માપમાં ન જ લેવાય એવું નથી. આખરે ગાલલગા અને ગાલગાલ બન્ને ષટકલ સંધિઓ જ છે ને! રા. વિ. પાઠકે પણ એમના બૃહદ પિઁગળમાં ક્યાંક આ મુજબનું જણાવ્યું જ છે. ગુજરાતી ગઝલમા અરૂઝ અને પિંગળ એ બેયનો સમન્વય કરવો પડે.

  • Pancham Shukla

    આવી હતી બહાર મારા ઘરના આંગણે,

    મારા મતે ‘મારા’ ને બદલે ‘કદી’ મૂકવાની જરૂર નથી. અભિપ્રેત છંદોલય મુજબ પઠન કરવાથી એ નભી જાય છે.