આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે જાણ્યું. ગઝલના વિશિષ્ટ અંગ રૂપ બહર વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે એના બીજાં અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા વિશે વાત કરીએ. ગઝલના પૂર્ણ સ્વરૂપને સમજવા આ અંગોની અને તેમના વિશેના વિવિધ નિયમોની સમજ મેળવવી જરૂરી બની રહે છે. જો કે એ પહેલા આ વિશિષ્ટ અંગો ગઝલમાં ક્યાં ક્યાં આવે છે એ જોવા એક ઉદાહરણરૂપ ગઝલ અને તેની સાથે વિવિધ અંગોનું સ્થાન જાણીએ. એ પછી ગઝલના એ અંગોની વિસ્તૃત ચર્ચા લઈએ.
શ્રી રાજેન્દ્ર શુક્લની એક ગઝલ લઈએ,
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.
છે ને કલકોલાહલે આ સાવ મૂંગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે !
એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો,
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે.
એ જ વરસે વાદળી સમ ઝૂઝતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નિપજતું હોય છે.
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને કૈં ક્યાં ઉપજતું હોય છે!
શે’ર એ બે પંક્તિની કવિતા છે. આ ખૂબ મૂળભૂત વ્યાખ્યા છે. શે’ર પોતાનામાં જ એક સંપૂર્ણ કવિતા મનાય છે. તેને પોતાનો સંદેશો આપવા માટે બીજા કોઈ માધ્યમની જરૂર નથી. અને આમ શે’ર કાવ્ય અભિવ્યક્તિનું એક ખૂબ સશક્ત માધ્યમ મનાય છે. ઉપરની ગઝલમાં બધા શેર સ્વતંત્ર રીતે પણ બયાન કરી શકાય છે. શે’ર માટે ગઝલ બંધન નથી પણ ગઝલ સંપૂર્ણ થવા માટે શે’રનું હોવું જરૂરી છે
પ્રસ્તુત ગઝલમાં “હોય છે” રદીફ છે, તો સમજતું, સરજતું, ગરજતું, નિપજતું, ઉપજતું વગેરે કાફિયા છે.
રદીફ
ગઝલમાં દરેક શે’રની બીજી પંક્તિનો અંત સમાન શબ્દોથી થવો જોઈએ. આ બીજી પંક્તિના અંતભાગમાં પુનરાવર્તિત થતા શબ્દોને રદીફ કહે છે. રદીફ એ પંક્તિને કે શેરને છેડે આવે છે, જે એક કે વધુ શબ્દોની હોઈ શકે, ફારસી ગઝલકારો રદીફને અનિવાર્ય માનતા નથી, પણ કાફિયાને અનિવાર્ય માન્યા છે. જ્યાં રદીફ ન હોય ત્યાં ગઝલમાં છેવટે આવતા કાફિયાને જ રદીફ માની લેવાય છે. રદીફનું મુખ્ય કાર્ય આ મુજબ વર્ણવાયુ છે,
રદીફ ગઝલના બધા શેરોને એકસૂત્રે બાંધે છે, રદીફ ન હોય તો છૂટક શેરો એક જ ગઝલના છે તે સમજાય નહીં.
એ જ રીતે શેરને સ્થિર અને દ્રઢ કરવાનું કામ પણ રદીફના શિરે આવે છે.
શેરમાં રહેલી વિશિષ્ટતાને બતાવવાનું કામ ક્યારેક રદીફ કરે છે, અને શેરના ભાવ તરફ દોરે છે.
ચિંતનને જાળવવાનું અને નિવેદન કરવાનું જેવા કાર્યો પણ ક્યારેક રદીફ કરે છે.
ક્યારેક એકાદ શેર સાંભળવાથી રદીફ અને કાફિયા પકડી શકવા શક્ય ન પણ હોય, તો આખી ગઝલનું સ્વરૂપ જાણ્યાં પછી, મત્લાના અને મક્તાના શેર જાણ્યા પછી તે સ્પષ્ટ કરી શકાય. જે ગઝલમાં બહુ લાબી રદીફ હોય અને તે નિવેદન કરવા પૂરતી જ ન હોય તોજ એ ધાર્યું સ્વરૂપ આપી શકે. કેમ કે બે પંક્તિના શેરમાં શબ્દોની જગ્યા ખૂબ અગત્યની હોય છે. રદીફ ગઝલની માળાના મોતીને એક સાથે પરોવી રાખતાં દોરા જેવું કામ કરે છે, અને માટે એ તૂટે નહીં એવો કિંમતી ધાતુનો તાર હોવો જોઈએ.
ખૂબ જવલ્લે ક્યારેક ગઝલમાં રદીફ નથી હોતા આવી ગઝલને ગૈર મુરદ્દફ ગઝલ કહે છે
કાફિયા
ગઝલનાં દરેક શે’રની બીજી પંક્તિના અંતે આવતા રદીફ પહેલાનાં પ્રાસ વાળા શબ્દને કાફીયા કહે છે. અન્ય નિયમોમાં ઘણી વાર છૂટછાટ લઈ શકાય છે પરંતુ રદીફ અને કાફીયા માટે તે શક્ય નથી કારણકે તે ગઝલના બંધારણીય એકમો છે. કાફિયા એ ગઝલની આંખો છે અથવા ગઝલના ઘરની શોભા છે. કાફિયાઓ પરથી ગઝલની ગુણવત્તા કે નિર્બળતા જાણી શકાય. કાફિયા એક રીતે તો શબ્દાનુપ્રાસ અલંકાર જ છે. કાફિયા સામાન્ય રીતે રદીફ પહેલા આવે, પણ જ્યાં રદીફ ન હોય ત્યાં બીજી પંક્તિમાં છેલ્લે આવે છે.
કાફિયા એક જ માપ અને પ્રકારના અક્ષરસમૂહો કે શબ્દો હોય છે. એક ગઝલના દરેક કાફિયામાં એક ‘અ’ કારાન્ત લઘુ વ્યંજન કે એક ચોક્કસ સ્વર સર્વસામાન્ય અને ધ્રુવ હોય છે. આ ‘અ’કારાન્ત લઘુ વ્યંજન કે સ્વરને આપણે કાફિયાનો પાયાનો કે મૂળ એકમ છે. કોઈ પણ કાફિયામાં આ બે પ્રકારના મૂળ એકમમાંથી એક જ હોઈ શકે, બંને પ્રકારના એકમો એક સાથે આવી શકે નહીં.
જેમ કે પમાય, શકાય એવા કાફિયા હોય તો એમાં ‘ય’ કાઢી નાંખવાથી પમા કે શકા નો અર્થ રહેતો નથી માટે ‘ય’ અહીં મૂળ એકમ છે. ખારવો અને પડકારવો એ બે કાફિયાઓમાં વ + ઓ કાઢી નાંખીએ તો પણ શબ્દનો અર્થ પામી શકાય છે. પણ ર કાઢી નાંખતા શબ્દનો અર્થ જતો રહે છે, માટે અહીં ‘ર’ મૂળ એકમ છે.
સામાન્ય રીતે ગઝલના શેરમાં એક જ કાફિયો આવે છે, પણ આ ક્ષેત્રે કેટલાક સુંદર પ્રયોગો પણ થયાં છે, નયન દેસાઈની આ એક ગઝલ જોઈએ.
ડાળ વગરની ડાળ ઉપરથી પાંખ વગરનું પીંછું થઈએ, ટહુકો થઈએ, છટકી જઈએ.
ચાલ હવે છાતી વીંધીને આંખ વગરના આંસુ થઈએ, ડૂમો થઈએ, પીગળી જઈએ.
કોઈ દિવસ તો બની છાકટા સૂરજ જેવા સૂરજને પણ રામપુરી હુલ્લાવી દઈએ.
ઘોર પછી અંધારું ઓઢી નીંદ વગરનું શમણું થઈએ, ફાંસો થઈએ, લટકી જઈએ.
કાફિયામાં આવતા સામાન્ય દોષો નિવારવા પણ જરૂરી છે, જેમ કે
સ – શ બંને એક જ સ્વર નથી, અને તેમને ખોડા ગણી અ ને કાફિયા તરીકે ન ગણી શકાય
ના – નાં માં અનુસ્વારભેદ છે, જે કાફિયા માટે અનુચિત છે.
શબ્દોને મારી તોડી કાફિયા બનાવવા ન જોઈએ, જેમ કે બતાવ્યા ને બદલે બતાડ્યા, હવા ને બદલે હવાઓ, ચિનગારી ને બદલે ચિન્ગી વગેરે
મત્લા (મત્લઅ)
ગઝલના પહેલા શે’ર ની બંને પંક્તિઓમાં અંતે રદીફ હોય છે, અને આ શેરને ગઝલનો મત્લા કહે છે. ગઝલ ઘણી વાર તેનાં મત્લાથી ઓળખાય છે. ગઝલમાં એક થી વધારે મત્લા હોઈ શકે છે, અહીં બીજા મત્લાને મત્લા-એ-સાની કે હુસ્ન-એ-મત્લા કહે છે. મત્લા એ ગઝલના ઘરનું પ્રવેશદ્વાર છે, છતાં જેમ ચહેરા પરથી માણસને આખેઆખો ઓળખી શકાતો નથી તેમ મત્લા પરથી આખી ગઝલનો ખ્યાલ આવતો નથી. મત્લા સુંદર અને આકર્ષક હોય તો ભાવકને તરત આકર્ષી લે પણ ઘણી વખત એવું બને કે મત્લાના સુંદર અને પ્રભાવી ઉપાડ પછી આગળના શેરથી ગઝલ કથળતી જણાય, તો ક્યારેક એનાથી વિરુદ્ધ પણા બને છે.
મત્લાથી ગઝલના છંદ રદીફ અને કાફિયા પણ જાણી શકાય છે, કેટલીક વાર રદીફ પરથી ગઝલ મુસલ્સલ (એક જ વિષય અને ભાવવાળી) છે કે કેમ તે ખબર પડે છે. કેટલીક ગઝલોના મત્લાના ઉદાહરણો જોઈએ.
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જંળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. – ઓજસ પાલનપુરી
સચોટ, સહજ અને ભાવકના હ્રદય પર સીધી ચોટ કરે એવો સુંદર મત્લા વર્ષો સુધી યાદ રહી જાય તેવો છે. વાતની સચ્ચાઈ સહજ પણે હ્રદયની સૌંસરવી ઉતરી જાય છે.
પોટાશ જેવો આજનો આ વર્તમાન છે,
ને કમનસીબે આપણી રૂ ની દુકાન છે ! – અશોકપુરી ગોસ્વામી
આ મત્લા ચમત્કૃતિપૂર્ણ છે, શાયર આજના યુગની પરિસ્થિતિનું બયાન વિસ્ફોટક ઢબે કરે છે. અહિં વર્તમાન અને દુકાન કાફિયા જાણે દારૂગોળો બની આવે છે. અને ભાવક સ્તબ્ધ થાય છે.
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે ! – આદિલ મન્સૂરી
સૌથી વધુ ધ્યાન ખેંચતી બાબત એટલે રદીફ ‘મળે ન મળે’, એમાં દ્વિધા અને અનિશ્ચિતતા છે, એની સામે રમતું નગર આગવો આભાસ ઉત્પન્ન કરે છે.
શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે, ક્યાંક સાધુ થાય છે રસ્તો. – રતિલાલ ‘અનિલ’
મુસલ્સલ ગઝલનો આ સરસ નમૂનો છે. મત્લામાં ‘રસ્તો’ રદીફ એના વિવિધ પાસાં તરફ જવાની શક્યતાઓ ઉત્પન્ન કરે છે. મત્લા નો અર્થ કેટલાક સૂર્યોદય સાથે સરખાવીને સમજાવે છે, ગઝલના દિવસનો સૂર્યોદય એટલે મત્લા, ઝાંખુ અને ધૂંધળુ લાગતું ગઝલકારનું ભાવવિશ્વ મત્લાના સૂર્યોદયથી દેખાવા લાગે છે.
મક્તા (મક્તઅ)
ગઝલનો છેલ્લો શેર જેમાં સામાન્ય રીતે શાયરનું તખલ્લુસ શામેલ હોય છે તેને મક્તા કહેવાય છે (તખલ્લુસ એ શેરનાં એક અર્થ તરીકે હોઈ શકે કે પછી ફક્ત ગઝલકારનાં નામનો નિર્દેશ પણ કરતું હોઈ શકે. મક્તાનો અર્થ અંત લાવવો એવો થાય છે. મક્તાનો ભાવાર્થ કેટલાક સૂર્યાસ્ત એવો પણ કરે છે. સાંજનો ઉજાસ એની ચરમસીમા પર પહોંચે અને સાંજની થોડી પળો સુંદરતા અને રંગોના શિખર સ્વરૂપે હોય છે. મક્તામાં સાથે શાયરની હક્કદારી પણ સામેલ હોય છે, હક્કદારી એટલે શાયરનો હક્ક અને શાયરની પોતીકી છાપ.
મક્તા એ પણ ગઝલના અન્ય શેરની જેમ એક શેર જ છે, એને પણ શેરની બધી અપેક્ષાઓ લાગુ પડે જ છે.
મક્તા ગઝલનો ઉત્તમોત્તમ શેર હોય એવી અપેક્ષા રહે છે.
મક્તામાં કવિનું નામ કે તખલ્લુસ આવે ત્યારે ગઝલના લગાત્મક સ્વરૂપમાં બાંધછોડ થવી ન જોઈએ. તે ઉપરાંત નામ કે તખલ્લુસની મક્તેદારી અને હકદારી નિભાવવી જ પડે.
તખલ્લુસોના લગાત્મક સ્વરૂપો
લગા – અમર, અદમ, અસર, નજર, સહજ, નયન, અનિલ, સમિર, લલિત
લગાલ – અસિર, ખલીલ, મરીઝ, તબીબ, હબીબ, રમેશ, વિવેક
ગાલ – અશ્ક, દર્દ, મસ્ત, શૂન્ય, સૈફ વગેરે
ગાગાલ – ઈર્શાદ, નાદાન, પરવેઝ, બેફામ
ગાગા – કિસ્મત, ઘાયલ, જીગર, શયદા
આ શ્રેણીના બધા લેખો અહીં ક્લિક કરીને વાંચી શકાય છે
– જીજ્ઞેશ અધ્યારૂ
સંદર્ભ પુસ્તક –
ગઝ્લ શીખીએ – ડૉ. પ્રફુલ્લ શાહ
ગઝલનું છંદોવિધાન – રઈશ મનીઆર
સરસ જાણકારી મળી શકી.
જીગ્નેશ અધ્યારુની ગઝલના નિયમોની વાત વાંચી અક્ષરનાદ મારફતે ઘણું જાણવા મળ્યું .
મેં એક ઉર્દુ ભાષામાં ગઝલ બનાવી છે . મને ગઝલના નિયમોની ખબર નહીં . એટલે આખી ગઝલમાં રદ્દીફજ છે .
मुसीबतमे हर इंसां को इलाही याद आता है
माशूक़ तुं याद आती है मुझे जब ग़म सताता है . १
निगाहे नाज़ तेरी देख दिल मसरूर होता है
पिता हूँ याद कर तुझको पानी अक्सीर होता है ..२
तेरी तिरछी नज़रको देख दिल गुदाज़ होता है
जैसे आतिश पे रख्खा मोम मुलायम होही जाता है .३
परीशाँ ज़ुल्फकी सायामे मुझको लुत्फ़ आता है
जब आबे गुलगूँ देती हो सुरूर तब आहि जाता है ..४
तबस्सुम देख कर तेरा मसर्रत आहि जाता है
तेरी क़ातिल अदाएं पर दिल क़ुर्बान होता है ..५
तुं है इक नाज़नीं औरत तेरा रूप हूरसा लगता है
“आताश्री ” देख कर तुझको तसद्दुक होही जाता है ..६
It would be appreciated if you provide adequate examples of ‘Radeef’ and ‘Kaafia’ for those who are learning gazal writing.
સુન્દર માહિતિ…….સમય મળે અમારા બ્લોગ પ્ર પધારવા વિનંતી
ગઝલનું છંદોવિધાન – રઈશ મનીઆર
આ પુસ્તક છે આપની પાસે?
પ્રથમ આપને અભિનંદન, કારણ આજના આ યુગમાં સાહિત્યનો ઉપવન નેટ પર ખીલવવા અને ગઝલ ની કોલેજ જેવું શિક્ષણ સહજ ભાષામાં ઉપલભ્ધ કરાવવા બદલ.
હ .. મારે ગઝલ માટેનું શરૂઆતથી ગઝલ શીખી શકાય તેવું પુસ્તક જોઈએ છે . જેવું કે “ગઝલોનું છંદોવિધાન ” -રઈશ મણીયાર, પ્રાપ્તિ સ્થાન જણાવશો. આભાર.