ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૬ – જીજ્ઞેશ અધ્યારૂ (રદીફ, કાફિયા, મત્લા, મક્તા..) 6
આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે જાણ્યું. ગઝલના વિશિષ્ટ અંગ રૂપ બહર વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે એના બીજાં અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા વિશે વાત કરીએ. ગઝલના પૂર્ણ સ્વરૂપને સમજવા આ અંગોની અને તેમના વિશેના વિવિધ નિયમોની સમજ મેળવવી જરૂરી બની રહે છે. જો કે એ પહેલા આ વિશિષ્ટ અંગો ગઝલમાં ક્યાં ક્યાં આવે છે એ જોવા એક ઉદાહરણરૂપ ગઝલ અને તેની સાથે વિવિધ અંગોનું સ્થાન જાણીએ. એ પછી ગઝલના એ અંગોની વિસ્તૃત ચર્ચા લઈએ.