મારાં મા-બાપ હાલ પાકિસ્તાનમાંના વિસ્તારનાં નિવાસી હતાં. દેશના ભાગલા પડ્યા અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેઓ ભારતમાં ભરતપુર (રાજસ્થાન) આવ્યાં. મારો જન્મ ત્યાં થયો. એક ભાઈ અને છ બહેનો, એમ અમારાં મા-બાપનાં અમે સાત સંતાનો છીએ. સંતાનોની સંખ્યાને કારણે અમને ઉછેરવામાં અને પરણાવવામાં એમને ઘણી હાડમારી વેઠવી પડી હશે. મને લખતા કે વાંચતા આવડતું નથી. નાનપણમાં મારાં ભાઈ-બહેનો ભણવા બેસતાં ત્યારે હું પણ એમની સાથે બેસતી. આમ હું થોડુંક શીખી હોઈશ. એ સમયમાં સામાન્ય રીતે હિંદી ભણાવાતું; અંગ્રેજીની કોઈને ખબર નહોતી. એવી રીતે હું હિંદી શીખી. લખવા વાંચવાથી કંઈ ભલું થાય એવું એ જમાનામાં કોઈ નહોતું માનતું. હવે અમે પસ્તાઈએ છીએ, મને લાગે છે કે અમે ભણ્યા હોત તો અમારી હાલત વધુ સારી હોત. હું નોકરી કરું છું; ક્લાસ ચારની કર્મચારી છું; ટેબલ ખુરશી પર બેસવનું નથી મારે, સૌ મારી ઉપર હુકમો છોડે છે, જાણે હું કે મારા કામની કોઈ વિસાત જ નથી. ભણેલાંગણેલાંનું જ મહત્વ છે. એમની કલમમાં સત્તા છે, એ લોકો જે કહે છે તે સાચું ગણાય છે.
મારું ગામડું અલ્વર વિસ્તારમાં છે. મારાં લગ્ન પણ ત્યાં જ થયાં છે. મને યાદ છે ત્યાં સુધી પંદર વર્ષની ઉંમરે હું પરણી હતી. મારી મોટી બહેન પરણી ત્યારે કદાચ એથી પણ નાની – તેર કે ચૌદ વરસની – હશે. એની સાસુ થોડી અપંગ હતી એટલે સૌને થયું કે ઘરકામ કરવા માટે કોઈક હોય તો સારું, બાકીની અમે પાંચેય બહેનો પંદર કે સોળની ઉમરે પરણી હતી. એ જમાનામાં શિરસ્તો જ એવો હતો. છોકરીઓએ અઢાર પહેલાં અને છોકરાઓએ વીસ પહેલા ન પરણાય એવા નિયમો અને રિવાજો તો હવે હમણાં થયાં. ત્યારે લગ્ન નાની ઉંમરમાં થતાં.
અમે અમારી જમીન ખેડતાં અને શાંતિથી જીવતાં. પણ ખેડૂતનું જીવન જ એવું છે કે ક્યારેક માઠા દિવસો પણ આવે તો વળી લીલાલહેર પણ હોય. પાક ક્યારેક સારો ઉતરે તો ક્યારેક વળી મોળો પણ ઉતરે. આખું કુટુંબ ખેતરમાં મજૂરી કરતું છતાં નિર્વાહ મુશ્કેલ હતો. એટલે મારા વરને થયું કે ચાલો, શહેરમાં જઈને સરખું કમાઈએ તો આખુંય કુટુંબ સારી રીતે જીવન ગુજારે. આમ અમે દિલ્હી આવ્યા. ત્યાં સુધીમાં મને ચાર સુવાવડ આવી ચૂકી હતી; એક દિકરો મરી પણ ગયો હતો. બે દીકરીઓ અને એક દીકરાને લઈને હું દિલ્હી આવી. અમે શાહદરામાં હતાં. એક ખોલી બાંધી હતી, બાકીના આખા કુટુંબને ગામે છોડીને આવ્યા હતાં અને શાહદરામાં રહેવા લાગ્યા હતાં. પછી અહીં શાહદરામાં બીજા બે દીકરા અને એક દીકરી જનમ્યાં.
૧૯૭૬માં કટોકટીના સમયે અમારી ઝુંપડીઓને તોડી નાંખવામાં આવેલી, અને અમને ત્રિલોકપુરી ખસેડવામાં આવ્યાં. ત્યાં સરકારે પચીસ પચીસ ચોરસવારના પ્લોટ અમને ફાળવ્યા હતા અને બબે હજાર રૂપિયાની લોન પણ આપેલી. અમે સુખશાંતિથી રહેતા હતા. કુટુંબમાં સૌ માટે પૂરતું ખાવાનું હતું. મારા પતિ ડ્રાઈવરનું કામ કરતા હતા. ટ્રક અને સ્કૂટરરિક્ષા ચલાવતા હતાં. કોઈક વાર ટ્રક ચલાવતાં અને જ્યારે માલની હેરફેરમાં મંદી હોય ત્યારે ઘેર બેસી રહેવાને બદલે ઑટોરિક્ષા ચલાવતા. આ એમનો વ્યવસાય હતો.
ઈંદિરા ગાંધીનું ખૂન થયેલું ત્યારે, ૩૧મીની રાત્રે, અમને ભણકારા વાગેલા કે કાંઈક અનિષ્ટ જરૂર થશે, હિંસા જરૂર થવાની. સ્કૂટર (ઑટોરિક્ષા) ચલાવીને પાછા ફરેલા મારા પતિએ બહારનું વાતાવરણ જોયું હતું. એમણે કહ્યું, “દિલ્હીભરમાં સ્મશાનશાંતિ છે, મારામારી અને દંગા જરૂર થવાનાં, કાલનો દિવસ શિખ લોકો માટે જરૂર ખરાબ નિવડશે. આપણે કોઈએ અહીંથી બહાર નથી નીકળવું.
તો પણ બહુ કાંઈ થશે એમ મેં માન્યું નહોતું. રાત્રે અમે જમીને સૂઈ ગયાં. સવારે ચત્તિસપુરના ગુરુદ્વારામાંથી આવતી મોટી ચીસો અમે સાંભળી. પાડોશીઓ દોડતાં દોડતાં ઘરની બહાર નીકળવા લાગ્યાં અને પોકારવા લાગ્યા, “ગુરુદ્વારા બચાવો, આગ ચાંપી છે ! ટોળુ આવ્યું છે !”
અમારી આખી વસાહત શીખોની હતી. ત્રિલોકપુરીમાં નહીં નહીં તોય ત્રણસો ઘરો હતાં, બહાર દોડભાગ કરી રહેલાંઓ બોલતા હતા કે એ લોકો આટલા નજીક આવી ગયા છે એટલે અહીં પણ આવવાનો સંભવ, આપણે સલામતી માટે બંદોબસ્ત કરવો જોઈએ. કોઈ કામ પર ગયું નહોતું. સૌ ઘેર જ હતાં, ચોક પાસે સૌ જમા થયાં અને કહેવા લાગ્યાં, “કંઈ ખરાબ બને તો આપણે પણ વળતો જવાબ આપીશું.” જાન બચાવવા તો કંઈ પણ કરવું પડે. લોકોના મનમાં હતું કે ચાલો આપણા જાન બચાવીએ. અમે ભેગાં થતાં હતાં ત્યારે હત્યારાઓ સામી બાજુ ઉભા હતા. અમે બાળકોને સામે ઉભા રાખ્યાં હતાં, તોફાન ત્રાટકવાનું હોય તેવો કોલાહલ મચ્યો હતો હવામાં.
ત્યાં પણ પોલીસ આવી પહોંચી. પોલીસ વચ્ચે ઉભી રહી એતલે અમને લાગ્યું કે એ સુલેહ કરાવશે. અમે માન્યું કે પોલીસ સૌને સહાયરૂપ બને છે એટલે અમને બચાવશે અને દંગલ નહીં થવા દે, પણ પોલીસોએ અમને ઘરની અંદર ચાલ્યા જવાનું કહ્યું. એમણે ટોળાને અને અમને નિયંત્રણમાં રાખ્યાં તો ખરાં પણ અમારા સરદારો ઘરમાં ભરાઈ જવા તૈયાર નહોતા કારણકે એમને દહેશત હતી કે હત્યારાઓ ઘરમાં જ અમને મારી નાખશે ને પછી ભાગી જશે. આમ અમારા સરદારો બહાર જ ઉભા રહ્યાં. પોલીસો અમને કહેતા રહ્યાં, “તમે અમારુ માનતા કેમ નથી? બધાં ઘરમાં ચાલ્યાં જાઓ નહીંતો અમે તમને બંદૂકે દેશું.” એટલે પછી મારા પતિને થયું કે આખરે આપણા ભાઈઓ જ છે, હિંદુ અને શિખ; આપણે પણ હિંદુ છીએ, તફાવત એટલો જ છે કે એ લાંબા વાળ ન રાખતા શિખો છે અને આપણે સરદાર છીએ. એમણે ભલે એવા ભેદભાવ રાખ્યા. આમ વિચારીને મારા પતિએ કહ્યું- “ચાલો ઘરમાં જતાં રહીએ. પોલીસ કહે છે તેમ કરીએ, એમનું નહીં માનીએ તો કદાચ પોલીસ જ આપણી ઉપર હુમલો કરશે.” અમે ઘરમાં ગયાં કે તરત પોલીસે એમને બોલાવ્યાં, પેટ્રોલ અને સળગતાં ટાયર અમારા ઘરોમાં ફેંકાયા. અમારી કેટકેટલી બહેનોની ઈજ્જત લુંટાઈ, લોકોને માર મારવામાં આવ્યો અને ઘણાંને જીવતાં જલાવી દેવામાં આવ્યાં.
એ બધો સમય અમે ઘરમાં જ રહ્યાં. ત્રણત્રણ વાર એ લોકો મારા પતિને શોધતા આવ્યા, પણ અમે એમને ખાટલા નીચે છુપાવેલા એટલે બે વાર એ લોકો પાછા ગયાં. ત્રીજી વાર આવીને એમણે આખા ઘરમાં શોધખોળ આદરી. ખાટલો મોટા પટારા જેવો હતો. એ ખોલીને પણ એમણે જોયું, અગાશીમાં પણ જોયું, ક્યાંય એ ન મળ્યાં. ટોળાને ખબર નહોતી કે એ ખાટલાની નીચે પડ્યાં છે. મારો દિકરો હરી પણ ત્યાં જ છુપાયો હતો, અગિયાર વાગે એ સૌ ફરી વાર આવ્યા, આ પહેલા ત્રણ વાર એ આવી ગયેલાં.
કેટલા આવ્યા એ વિશે તો હું નહીં કહી શકું, અમે ગણી પણ ન શક્યાં. આખી વસાહત માણસોથી ચિક્કાર હતી. દરેક ઘરમાં દસ પંદર દાખલ થતાં. એ કલાકો દરમ્યાન હું એટલી સૂનમૂન થઈ ગયેલી કે હું કોઈને ઓળખી પણ નહોતી શક્તી. મારા મનમાં એક જ ધૂન હતી કે અમારી જાન બચી તો લાખો કમાયા, મારા પતિ બચી જાય એટલે બસ, આ સંકટ ટળે એટલે બસ, અમારાં મન દહેશત અને ચિંતામાં ડૂબી ગયાં હતાં.
ચોમેર ઘરો બળતા હતાં, શું કરવું અને શું ન કરવું એની કોઈને ગતાગમ નહોતી, આ વખતે એમણે ટોર્ચથી શોધખોળ શરૂ કરી કારણકે અમે વીજળીનું જોડાણ જ કાપી નાંખ્યું હતું. એમણે ખાટલા નીચે ટોર્ચનો પ્રકાશ ફેંકીને ગોદડું જોયું, ખાટલા નીચે બેસી શકાય એવું નહોતું એટલે મારા પતિ ગોદડું ઓઢીને સૂતા હતાં, ગોદડું જોઈને કોઈક બોલ્યું, “આ શું છે?” ગોદડું ખેંચતા એમને જોઈને માણસો ઉત્તેજીત સ્વરે બોલવા લાગ્યા, “યાર અહીં છુપાયો છે, બહાર ખેંચી કાઢો એને ! બહાર નીકળ સરદારજી, બહાર નીકળ” બહાર નીકળીને એ ઉભા રહ્યાં, હાથ જોડીને બોલ્યા, ભાઈઓ તમારે જે જોઈએ તે લઈ લો પણ મારાં છ બાળકોને ખાતર મને છોડી દો” એમણે કહ્યું, “ના, બહાર ચાલ.”
ઘરની બહાર આવવાનું એમણે કહ્યું ત્યારે મારા પતિએ કહ્યું, “બહાર બહુ લોકો છે, તે મને મારી નાખશે.” માણસોએ કહ્યું, “ચાલ બહાર” એ લોકો બહાર નીકળ્યા કે તરત મારા પતિએ બારણું બંધ કરી દીધું પણ એમણે લાકડીઓ અને સળીયાઓથી બારણું તોડી નાંખ્યું, બારણાની ઈસ્ટાપડી નીકળી ગઈ, એ બારણા પાસે જ ઉભા હતાં. માણસોએ એમને ઈંટોથી માર્યા ત્યારે એ પાછળ ખાટલા પર પડ્યા અને બેભાન થઈ ગયાં. પઈ માણસો ઘરમાં ધસી આવ્યા, કેટલાક પાસે લોખંડના સળીયા હતાં તો બીજા પાસે ખાટકીના છરા હતાં. નિર્મમ બનીને એમણે મારા પતિની કતલ કરી. એ ઘણી ચીસો પાડતા રહ્યાં, બાળકોને અને મને પોકારતા રહ્યાં, પણ શું બની રહ્યું હતું એનું મને ભાન નહોતું. એક ક્ષણ તો એમ લાગ્યું કે કાંઈ જ નથી બની રહ્યું, પછી હું અંદર ગઈ, મરણતોલ માર મારી મારીને એ લોકો ચાલ્યા ગયા હતાં. એમની ચીસો સાંભળી ત્યાં સુધી ગુંડાઓને થયેલું કે એ હજી જીવતા હતાં. પણ એ બેભાન બની ગયા ત્યારે એમણે માની લીધું કે એ મરી ગયાં. દસ પંદર મિનિટ પછી એ ભાનમાં આવ્યા, અને ભાનમાં આવતાં જ અસહ્ય પીડાથી એ ચીસો પાડવા લાગ્યા, મને બોલાવવા લાગ્યા, હરીને બોલાવવા લાગ્યા. એ દીકરાનું સાચું નામ જસવંત છે પણ અમે તેને હરી કહેતાં. અમને વળગીને એ અમને ખેંચવા લાગ્યા અને અમે એમની ઉપર ઢળી પડવા લાગ્યાં. અમે કહેતા હતાં, “મૂંગા રહો, આટલી ચીસો ન પાડો, રડો નહીં, નહીંતર એ લોકો ફરી વાર આવશે અને ફરી વાર માર મારશે.” પણ એમની પીડા અસહ્ય હતી. પીડાથી એ ખૂબ અસ્વસ્થ હતાં.
અને એ લોકો ફરી વાર આવ્યા, કહેવા લાગ્યા, “આ કૂતરીનો હજી જીવે છે. વધારે ઠમઠોરીએ.” આવીને એ લોકોએ મને કહ્યું, “તું અહીંથી જતી રહે નહીંતો તારી ઉપર બળાત્કાર કરીશું.” મારી નવ દસ વર્ષની દીકરી મારી સાથે હતી. એની ઉપર અને મારી ઉપર એ લોકો બળાત્કાર કરશે એ બીકથી પછી મારા પતિને છોડીને મારે જતાં રહેવું પડ્યું. બાળકોને લઈને હું બીજા કોઈક ઘેર ચાલી ગઈ. મારા પતિની ભાળ પછી મને કોઈ દિવસ ન મળી. એ જીવે છે કે નહીં તેની જાણ પણ મને ન થઈ. આજ સુધી મને કશી જ ખબર નથી. એમનું શબ પણ હું જોવા પામી નથી.
એ અમારી વચ્ચેથી ચાલ્યા ગયાં, બસ ચાલ્યા ગયાં, અમે એ વિશે કાંઈ કરી શક્તાં નથી. બસ હવે તો બાળકોને માટે જીવું છું. મને લાગે છે કે ઘરમાંથી બહાર નીકળીને કામ કરવાનું જો મેં શરૂ ન કર્યું હોત તો મારી અત્યારે છે એટલીય કિંમત ન હોત. મારાં બાળકોનો ઉછેર ન થયો હોત અને એમને માટે રોટી, રોજી કે વ્યવસાય ન હોત. જો હું એમની બાજુએ અડીખમ ઉભી ન રહી હોત તો એ કેવી રીતે મોટાં થાત? કેવી રીતે એમના જીવન પાંગર્યાં હોત અને એ સૌ ઠરીઠામ કેમ થયાં હોત?
– ભક્તિ કૌર અનુ. વિનોદ મેઘાણી
( વિકૃત માનસ કેટલું નુકસાન કરી શકે તેનાથી આપણને સતત ચેતતાં રાખવા માટે કેટલીક સ્મૃતિઓ ધબકતા ઝખ્મોની જેમ મગજમાં સદા સળવળતી રહેવી જ જોઈએ. શ્રી વિનોદ મેઘાણી દ્વારા અનુવાદિત અને સંપાદિત પુસ્તક “તેજોમયી” મૌખિક ઈતિહાસને લગતી કાર્યશિબિરોમાં રજૂ કરાયેલી મહિલાઓની કેફિયતો પર આધારિત વૃત્તાંતોનું ધ્રૃજાવી દેનારું સંકલન છે. એકે એક પાને, એકે એક શબ્દે આપણા સમાજે સ્ત્રિઓને આપેલા હ્રદયદ્રાવક ઝખ્મોનો ચિતાર તેમાં છે. ૧૯૮૪ માં દિલ્હીમાં થયેલા શિખ વિરોધી હુલ્લડો દરમ્યાન ઘણાં શીખ બાળકો અને પુરૂષોને રહેંસી નાખવામાં આવેલા. આવી નિર્મમતાનો, આવી અમાનવીય હીનતાનો દાખલો ઈતિહાસમાં જડવો મુશ્કેલ છે. આ ઘટના ભોગવનારા શ્રી ભક્તિ કૌરની જે કેફિયત એ પુસ્તકમાં આપેલી છે તેનો એક ભાગ અહીં લીધો છે. સમાજને એક સુઘડ અને સ્વસ્થ વ્યવસ્થાતંત્રથી ચલાવવા આવી અમાનવીય ઘટનાઓ ન સર્જાય એ જ સૌના હિતમાં છે એ આ વૃતાંત પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.)
બિલિપત્ર
કેડી ભૂંસાઈ ગઈ છે
એ ગલીમાં ન જતાં
ત્યાં આત્માઓએ
ધારણ કર્યાં છે
મોતના કફન,
એ અસ્થિમાં ફેલાયો છે
ભારેલો અગ્નિ
કોઈને બોલાવો નહીં
કોઈને જગાડો નહીં
જો સાંભળવું જ હોય કાંઈક
તો સાંભળો
પેલા ઉજ્જડ ઝાડ પર
ઘુવડના ઘુઘવાટ
સુણો એમની દાસ્તાન
પણ
કોઈને એ સંભળાવશો નહીં
સૌ સૂઈ ગયાં છે.
– જમીલા નિશાત
ખૂબ જ કરુણ કહાણી.
આ પુસ્તક ક્યાંથી મેળવી શકાય
કોમી રમખાણોની સ્મ્રુતિ વાચીને એ ગોઝારા દિવસોની યાદ આવી ગઈ. અમે ત્યારે એક વર્ષ પહેલાજ દિલ્લીમા રહેવા આવ્યા હતા.ખુબ જ ઙરી ઙરીને એ દિવસો કાઢ્યા છે. ખરેખર સરદારોની હાલત જોઈને હૈયુ દ્રવી ઊઠતુ. ભગવાન આવા દિવસો ફરીથી કોઇને ન દેખાડે.