{ સમય પસાર કરવા ખાતર જ ફક્ત જે સાહિત્ય ન વાંચતો હોય તેવો માણસ શ્રી સુરેશ જોષીને જાણતો હોય જ. ગુજરાતી સાહિત્યમાં નવી ‘ક્ષિતિજ’ નો ઉઘાડ સુરેશ જોશીથી થયો. ગુજરાતી ટૂંકી વાર્તાની વાત એમના વિના થઈ શકે નહીં. એમના પ્રવેશે વિવેચનની આબોહવા બદલી નાંખી, તો કવિ તરીકે તો તેમણે પોતાનામાંના કાવ્યપુરૂષને સિધ્ધ કર્યો છે. ‘ઉપજાતિ’, ‘પ્રત્યંચા’, ‘ઈતરા’, ‘તથાપિ’ જેવા એમના કાવ્યસંગ્રહો માણવાલાયક છે.
તેમની પ્રસ્તુત રચના ઈમેજ દ્વારા પ્રકાશિત “૬૦૦ વર્ષની ગુજરાતી કવિતાની ઝલક ઝાંખી, બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ” ની વિમોચન પ્રસંગની નિમંત્રણપત્રિકામાંથી સાભાર લેવામાં આવી છે. આ ૨૦૦૫ ની નિમંત્રણપત્રિકા છે. આ પત્રિકા અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખ (વાપી) નો ખૂબ ખૂબ આભાર. }
મળવા તો ગયો હતો સમુદ્રને
પણ મળી ગયો પવન !
આબાની પીઠ પર બેસીને, ઝૂલી ઝૂલીને
એણે આંબાને ખૂંધા કરી નાખ્યા છે,
કોણ જાણે કયા યુગની બારાખડીના પાઠ
એ મારી આગળ કરી જાય છે.
ભાંગેલા કૂવાની બખોલમાંના શિશુપીપળાના
એ રહી રહીને કાન આમળ્યા કરે છે,
બપોર વેળાએ બોરસલી નીચેના હીંચકા પર
એ એકલો બેસીને ઝૂલે છે.
મધરાતે કોણ જાણે શીય વાત કરીને
એ બધી બારીઓને ખડખડ હસાવે છે.
રાતે ઊંઘના આવરણને ખેંચી લઈને
એ ભાગી જાય છે.
સમુદ્રની ભરતીને મારામાં ઠાલવી દઈને
મારી ત્વચાનાં સાતેય પડને અબરખ જેવાં કરી દે છે
આકાશ અને સાગરને એકાકાર કરી દેવાના બગણાં
એ આખી રાત મારા કાનમાં ફૂંક્યા કરે છે
વર્ષો પહેલાના એક દિવસને અહીં ઉડાવી લાવી
મારી આંખમાં એ આંસુની ઝાંય વાળી દે છે.
– સુરેશ જોષી
(૩-૫-૧૯૨૧ – ૬-૯-૧૯૮૬)
બિલિપત્ર
તોફાનને દઈને અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે !
હોડીનું એક રમકડું, તૂટ્યું તો થઈ ગયું શું ?
મોજાંની બાળહઠ છે, સાગર ! ક્ષમા કરી દે !
– શૂન્ય પાલનપુરી
આ કાવ્ય વાંચીને ખુબ આનંદ થયો, જીગ્નેશ ભાઇ તમારો ખુબ ખબ આભાર
શ્રી જીગ્નેશ,
આજે સુરેશ જોશીને પ્રગટ કરીને તમે બહુ ઉપયોગી કાર્ય કર્યું છે. તમે બહુ યોગ્ય જ કહ્યું છે એમના અંગે. વિવેચન,વાર્તા, કાવ્ય વગેરેમાં તો એમણે દિશા જ નવી ચીંધી આપી હતી પરંતુ મને જે એમનું બહુ મોટું આકર્ષણ રહ્યું છે તે તો એમનું ગદ્ય !! સુરેશભાઈએ ગદ્યની જે લીલા બતાવી છે તે તો અનન્ય અને ગુજરાતીભાષા–સાહિત્યનું અમૂલ્ય ઘરેણું જ છે. (કેટલાય લેખકો એમના પેગડામાં પગ રાખીને લખવાનું શીખ્યા છે.)
ક્યારેક એ ગદ્યમાંથી પણ આચમન કરાવશો તો આભારી થઈશું.
શ્રી સુરેશ જોષીનું આ કાવ્ય રજૂ કરવા બદલ આપનો ખૂબ ખૂબ ખૂબ આભાર.
Very nice !
Beauti FUL