{ એકે એક શે’રમાં ખુમારી અને સ્વમાનની ઝલક આપતી આ સુંદર ગઝલ ખરેખર માણવાલાયક છે. ગઝલમાં જોમ અને ઉત્સાહનું વાતાવરણ છે. કવિની ધગશ કોઈ કિનારાઓમાં બાંધી ન બંધાય એવી ધસમસતી નદી છે. મૃગજળને ઘોળી ને પી જવાની તેમની ખુમારી અને રણને પાણી બતાવવાની વાત પણ તેમના કવિત્વનું ખૂબ સુંદર ઉદાહરણ છે. ક્યાંક રણને, ક્યાંક સાગરને, ક્યાંક સભાને તો ક્યાંક આખાય જગને કાંઈક કરી દેખાડવાની તમન્નાનો આવો સુંદર સાદ બીજે ક્યાંય સાંભળવો શક્ય છે?
પ્રસ્તુત ગઝલ, ગઝલની સાચી વિભાવનાને વરેલ ત્રિમાસિક, શ્રી શકીલ કાદરી સંપાદિત ‘શહીદે ગઝલ’ સામયિકના જૂન ૨૦૦૭ ના અંકમાંથી લેવામાં આવી છે. }
જાશું જઈને કાળની ગરદન ઝુકાવશું,
સંસાર પરથી જુલ્મની હસ્તી મિટાવશું.
જવાળાઓ ઠારશું ને ફૂલો ખિલાવશું,
જગને અમારા પ્રેમનો પરચો બતાવશું.
કમજોરથી અમે નથી કરતા મુકાબલો;
કોણે કહ્યું કે ‘મોતથી પંજો લડાવશું ?’
મૃગજળને પી જશું અમે ઘોળીને એક દી,
રણને અમારી પ્યાસનું પાણી બતાવશું.
ચાલે છે ક્યાં વિરોધ વિના કોઈ કારભાર ?
ભરશું જો ફૂલછાબ તો કાંટા ય લાવશું !
ડૂબેલ માની અમને ભલે બુદબુદા હસે,
સાગર ઉલેચશું અને મોતી લુંટાવશું.
આખી સભાને સાથમાં લેતા જશું અમે;
અમને ઉઠાડશો તો કયામત ઊઠાવશું.
બળશે નહીં શમા તો જલાવીશું તનબદન !
જગમાં અખંડ જ્યોતનો મહિમા નિભાવશું.
માથા ફરેલ શૂન્યના ચેલા છીએ અમે,
જ્યાં ધૂન થઈ સવાર ત્યાં સૃષ્ટિ રચાવશું.
– શૂન્ય પાલનપુરી
બિલિપત્ર
એ આવે છે, એ આવે છે, અરે આવ્યા ! અરે આવ્યા !
જરા યમદૂત ધીરજ ધર હવે પળવાર બાકી છે.
તમારા સમ કદી પણ હું તમારા સમ નથી ખાતો,
તમારા સમ તમારો બસ મને આધાર બાકી છે.
– શયદા
પ્રેરણાદાયી અને આશાવાદી શબ્દોથી ભરપુર રચના.
મૃગજળને પી જશું અમે ઘોળીને એક દી,
રણને અમારી પ્યાસનું પાણી બતાવશું.
આ પંક્તિ વધારે ગમી.
ડૂબેલ માની અમને ભલે બુદબુદા હસે, સાગર ઉલેચશું અને મોતી લુંટાવશું.
આખી સભાને સાથમાં લેતા જશું અમે; અમને ઉઠાડશો તો કયામત ઊઠાવશું.ઘણાંજ સુંદર ગઝલ્..’
welcome back and hope you feeling better now..