વહુનું વાસીદું – મકરન્દ દવે 7


સંધાય આવે ને જાય ઊલળતા હાથે,
એક વહુનું વાસીદું વહુને માથે.

શેડકઢાં દૂધ મારા સસરાને જમાડો
ને જેઠને જમાડો બાસુંદી
માખણનો પીંડો મારા પરણ્યાને પરોસો
ને સાસુને ચખાડો થીણું ઘી;

સૂકો એવો રોટલો ને ખાટી એવી છાસ, વીરા !
આવે મારે ઠોસરાની બાથે …

ઘંટીના પડ વચ્ચે આયખું ઘસાતું, વીરા !
ઊંડા કૂવાના નીર સીંચું;
માંનો ખોળો કાં મુને રોજ રોજ યાદ આવે
ક્યાં રે જઈ હું આંખડી મીચું ?

કોને પૂછું કે મારો આવો અવતાર વીરા !
ઘડ્યો હશે શેણે દીનાનાથે ?

સંધાય આવે ને જાય ઉલળતા હાથે,
એક વહુનું વાસીદું વહુને માથે.

– મકરન્દ દવે. (અરધી સદીની વાંચનયાત્રા – ભાગ ૩ માંથી સાભાર.)

એક વહુના મનની વ્યથા, એક પરણીત પરતંત્ર સ્ત્રીના હદયનો વલોપાત કવિએ ઉપરોકત રચનામાં સુપેરે આલેખ્યો છે. ઘરનાં બધાને જ્યારે મનગમતા ભોજન કરવા મળે છે ત્યારે વહુને ભાગે સુકો રોટલો અને ખાટી છાશ આવે છે. આયુષ્ય જાણે ઘંટીના બે પડ વચ્ચે પીસાઈ જતું લાગે છે અને તેને માનું વાત્સલ્ય યાદ આવ છે. પ્રભુએ આવો અવતાર આપ્યો તે બદલ કોને પુછવું એવી વ્યથા પણ તે અનુભવે છે. આ બધી વાત તે પોતાના ભાઈને સંબોધીને કહે છે. શ્રી મકરન્દ દવેની આ સુંદર કવિતા દરેક પરતંત્ર પરણીત સ્ત્રીના મનની વાત બની રહે છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “વહુનું વાસીદું – મકરન્દ દવે

  • nilam doshi

    આ કાવ્ય ઘણાં સમય પહેલા માણ્યું હતું. અહીં ફરી એકવાર..જોકે આજના સમયની વાત કંઇક અલગ ખરી …આજનો કવિ લખે તો કદાચ કંઇક અલગ જ લખે…
    આમ પણ હમણાં આ વિષય પર જ લખવાનું ચાલે છે..તેથી આ વિષય ભીતરમાં ઘૂઘવતો રહે છે

    જિગ્નેશભાઇ, સાસુ, .વહુ વિશેના અન્ય કાવ્યો જાણમાં હોય તો જરૂર કહેશો
    આભાર એડવાન્સમાં…..

  • "માનવ"

    “શેડકઢાં દૂધ મારા સસરાને જમાડો
    ને જેઠને જમાડો બાસુંદી
    માખણનો પીંડો મારા પરણ્યાને પરોસો
    ને સાસુને ચખાડો થીણું ઘી”

    વાહ વાહ….!

  • Bhajman Nanavaty

    વહુ કરે છે આપણા ઘરની વાત જો
    વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ…

    –ની યાદ આવી ગઇ!