દાસ્યભક્તિ – આનંદશંકર ધ્રુવ 2


{ આ અનોખા નિબંધમાં દાસ્યભક્તિનો મર્મ ખૂબ સુંદર અને અર્થદર્શક રીતે સ્ફૂટ થાય છે. દાસ્યભક્તિ નવધાભક્તિનો એક પ્રકાર છે. શ્રી આનંદશંકર ધ્રૃવ દ્વારા આલેખાયેલા આ નિબંધમાં ધર્મભક્તિ અને ધર્મતત્વ વિચારણા શબ્દરૂપ પામી છે. દાસ્યભક્તિ એટલે માત્ર શરણાગતિનો ભાવ નહીં, એમાં વિશુધ્ધ હ્રદયનો પ્રેમ પણ ભળેલો હોય છે. કૃષ્ણભક્તિમાં રત યોગીઓ કેટલા યત્ન અને તપથી તેમને મેળવે છે જ્યારે મીરાં તેમના પ્રતિ ઉત્કટ ભક્તિભાવ અનુભવે છે, પ્રેમમાર્ગ દ્વારા તેમને પામવાનો યત્ન કરે છે, પ્રાપ્ત કરે છે એ વાતનું પ્રતિપાદન મીરાંના જ એક પદ દ્વારા કર્યું છે. પ્રેમલક્ષણા ભક્તિનો આ આવિર્ભાવ ખૂબ ઉત્કટ આલેખન બની રહે છે. }

मने चाकर राखोजी – (टेक)

चाकर रहसुं बाग लगासुं, नीत उठ दरशन पासुं,
वृंदावनकी कुंजगलिनमें, तारी लीला गासुं…. मने.

हरे हरे सब बाग बनाऊं, बिच बिच राखो बारी,
साँवलिया के दरसन पासुं, पहिर कसुम्बी सारी…. मने.

योगी आया योग करणको, तप करणे सन्यासी,
हरि भजनको साधु आवे, वृंदावन के वासी…. मने.

मीरां के प्रभु गहरण्गभीरा, ह्रदय धर्योजी धीरा,
आधी रात प्रभु दरसन दे हे, प्रेम नदी के तीरा….. मने.

બંગાળાના સુપ્રસિદ્ઘ કવિ અને નાટકકાર દ્રિજેન્દ્રલાલ રૉયના પુત્ર બાબુ દિલીપકુમાર રૉય બંગાળી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભાગ લેવા અત્રે (બનારસ) આવ્યા હતા. એઓ સુન્દર શૈલીમાં બહુ મધુર કંઠે ગાઈ શકે છે – યુરોપમાં પણ ફરી આવ્યા છે અને ત્યાંના સંગીતનો પણ પરિચય ધરાવે છે. એમણે અમારે ત્યાં (યુનિવર્સિટીમાં) સંગીતના બે જલસા કર્યા, તેમાં બહુ જ મધુર ભાવથી અને અસરકારક રીતે એમણે ઉપરનું કાવ્ય ગાયું હતું.

કાવ્ય અને સંગીત એકબીજાથી સ્વતંત્ર કલા હોઈને પણ જ્યારે પરસ્પર સંશ્લેષથી એકનિષ્ઠતા બલ્કે એકરૂપતા પામે છે, ત્યારે એનો રસ કાંઈક જુદો જ બને છે. આવા અસાધારણ રસનો સાક્ષાત્કાર આ પ્રસંગે એમને થયો હતો.

આ કાવ્ય ગુજરાતીમાં પ્રસિદ્ઘ થયેલા મીરાં પદસંગ્રહમાં છે કે નહિ એ મને યાદ નથી. પણ બાબુ દિલીપકુમારે કહ્યું કે એ રાજપૂતનામાંથી એકઠાં કરેલાં મીરાંના પદમાંનું એક છે.

“ચાકર રાખો ને (વા, રાખોજી)” – એ ટેકમાં ” पुरुषभूषण देही दास्यम ” એ ભાગવતના ગોપિકાગીતનો પ્રતિધ્વનિ શ્રવણે પડે છે, બાકીના ભાવ અને કલ્પના તદન સ્વત્રંત છે.

આ કાવ્યમાં કર્મ યોગ અને ભક્તિયોગનો સમન્વય કરવાનો ઉપદેશ રહેલો છે. પરંતુ, આમ કહેવામાં હું કાવ્યના રસને સુકવી નાંખતો નથી. પુષ્પે પુષ્પે વનસ્પતિશાસ્ત્રનાં સત્યો શોધનાર વનસ્પતિશાસ્ત્રી પુષ્પની રમણીયતા બલ્કે પુષ્પનું વાસ્તવિક જીવન સમજી કે અનુભવી શકે ખરો? એક કવિ કહે છેઃ

” The mind has a thousand eyes
And the heart but one;
yet the light of a whole life dies
when love is done.”

પ્રેમ એ જ દ્રષ્ટિનું તેજ છે. દ્રષ્ટિ આંધળી જ સમજવી. વિજ્ઞાનશાસ્ત્રી ભલે હજારો, નાંનાં-મોટાં હો, જો એમાં પરચૂરણ સત્યો શોધે, પણ એની આંખમાં વસ્તુ માટે પ્રેમ નહિ હોય તો એને વસ્તુનું આત્મભૂત સત્ય જડશે જ નહિ. આ પ્રેમનું – અને તેથી કવિ કલ્પનાનું – ગૌરવ. અને તેથી જ કવિની ભારતી તે બ્રહ્માની સૃષ્ટિથી ચઢિયાતી એટલું જ નહિ, પણ એ ‘ધરા અને પશ્યતી’ વાણી તે તત્વવિચારાત્મકની ‘વૈખરી’ વાણીથી જુદી જ અને ઊંચી. છતાં પ્રેમમાં જે દ્રષ્ટિનું તેજ પ્રગટ થાય છે તે સત્યનાં હજારો કિરણોનું બનેલું હોય છે. એ કિરણોનું એકીકરણ એ પ્રેમનો ધર્મ; એ તેજનું પૃથ્થકરણ એ દ્રષ્ટિનો ધર્મ. કવિ કલ્પનાનો અને તત્વ વિચારનો સંબંધ પણ એ જ તરેહનો છે. કવિ મિથ્યા કલ્પનાના ઘોડા દોડાવે છે એમ નથી; પણ ઊલટું, કવિ જ તત્વનું પૂરેપુરું દર્શન, યથા-અર્થ અનુભવ કરાવી શકે છે. તત્વ જે સામાન્ય લોકદ્રષ્ટીથી પરોક્ષ રહે છે, અને કવિ રસ અલંકાર ગુણ ભાવ વગેરે અલૌકિક સામગ્રી વડે મૂર્તિમંત કરીને અપરોક્ષ અનુભવ યોગ્ય બનાવે છે. કવિ કલ્પના એ જ તત્વાનુભવની ખરી ભાષા છે; બીજી રીતે કહીએ તો, તત્વ એ આત્મા છે, અને કવિ કલ્પના એ એનું શરીર છે- એ શરીરમાં જ એ આત્મા પ્રકાશે છે, અચેતન લોકવાણીમાં એ પ્રકાશી શકતો નથી. પણ લૌકિક વાણી એક કામ કરે છેઃ એ શરીર અને આત્માનો શો સંબંધ છે એ વિષે એ વાતચીત કરી શકે છે. આ લેખ એવી જ થોડીએક સૂચક વાતચીત કરવા માટે લખાયેલો છે. બાકી, વસ્તુદર્શન તો મીરાંના પદમાં જ કરી લેવું, આ લેખમાં એ મળશે નહિ.

પ્રભુમાં પ્રેમની મૂર્છા ખાવી એ (યોગની પરિભાષામાં) નિર્વિકલ્પ સમાધિ. પરંતુ એ તો જેને આવે તેને જ આવે, ” यमेवैष वृणुते तेन लभ्य ” મનુષ્ય યત્નથી એ ઘારી આણી શકાતી નથી; સામાન્ય મનુષ્ય તો માત્ર એ માટે યોગ્યતા સંપાદન કરવા કંઈક યત્ન કરી શકે – અને એવો એક યત્ન તે ‘દાસ્યભક્તિ’. તેમાં પણ હનુમાન ઉપર પ્રભુએ દાસ્યભક્તિ જેવો બોજ નાંખ્યો હતો તેઓ એ સામાન્ય મનુષ્ય ઉપર નાંખતો નથી. સામાન્ય મનુષ્ય તો પ્રભુને ‘બાગ લગાવે’ તો બસ છે. આ સંસાર રૂપી વાડીમાં મનુષ્યે બાગવાનનું કામ કરવાનું છેઃ જમીનને ગોડીને પોચી અને સમથળ કરવાની છે, ઝાંખરા અને કાંટા કાઢી નાંખવાનાં છે, ઝાડને પાણી પાઈને ઉછેરવાનાં છે. પુષ્પ વીણવાનાં છે, માળા ગૂંથવાની છે, પભુને ચઢાવવાની છે. રૂપક કાઢીને બોલીએ તો, મનુષ્યને પુષ્કળ પ્રેમ, પ્રયાસ અને ચતુરાઈથી આ સંસારને સુંદર બનાવવાનો છે, અને પ્રભુના ચરણે ચઢાવવાનો છે. મારી જાતને હું સુંદર અને શુદ્ઘ બનાવું અને પ્રભુને અર્પણ કરું – કારણકે એવું જ અર્પણ એ સ્વીકારે છે – એટલું પણ બસ નથી. મારી જાતને શુદ્ઘ અને સુંદર બનાવવાની સાથે, આ સંસારને પણ શુદ્ઘ અને સુંદર બનાવું એવી મારી અભિલાષા અને કૃતિ હોવી જોઈએ. અને તે પણ પ્રભુને અર્થે જ, જેણે સંસાર સુધાર્યો એણે પ્રભુની સેવા કરી જ – કારણકે સંસારમાંથી બહાર અને જુદો કોઈ ઈશ્વર નથી એમ કહેવામાં આવે પણ વસ્તુતઃ આમ કહેનાર નિરીશ્વરવાદી આ સંસારનુ સ્વરૂપ સમજવામાં ભૂલ કરે છે. સંસાર પથ્થરની શીલા જેવો નથી કે જેમાં થઇ તત્વનું પ્રતિબિંબ ન પડી શકે કે જેની પાર જોઈ શકાતું ન હોય. એ તો નિર્મળ કાચના જેવો છે, જેને પર તત્વનું પ્રતિબિંબ ઝીલતો કરવો વા જેની પાર પર તત્વ નું દર્શન કરવું એ આપણા હાથમાં છે. જે મનુષ્ય ‘સંસારમાં સરસો’ રહીને પણ, મન ‘મારી’ – પરમાત્માની – ‘પાસ’ રાખે છે, તે જ જીવનનું પરમ અને સંપૂર્ણ પ્રયોજન સિદ્ઘ કરે છે. બાગવાનનો આનંદ માત્ર બાગમાં મજૂરી કરવામા જ સમાપ્ત થવો ન જોઈએ. બાગમાં ફૂલ જોઈ, બાગના ધણી પાસે જઈ એનાં દર્શન કરવાની પણ એની ઈચ્છા હોવી જોઈએ.

મીરાં કહે છે ‘ चाकर रहसुं, बाग लगासुं, ‘ પણ તેની જ સાથે ‘ नित दरशन पासुं, ‘-નિત્ય ઊઠીને પ્રભુના દર્શન પામીશું એ અભિલાષા વિના જીવન નીરસ છે, મજૂરી છે, ઉદ્દેશ રહિત અને આંધળું છે.

ગોપીઓએ પ્રભુનાં ગાન ગાઈને વૃન્દાવનની કુંજગલીઓને પ્રભુની ‘બંસરી’ સમાન કરી મૂકી હતી. તે જ પ્રમાણે, મીરાં પણ આ સંસારરૂપી વૃન્દાવનની કુંજગલીઓમાં – જ્યાં પરમાત્મા ભક્તને મળવાને ઉત્સુકૌત્સુક નિત્ય ફર્યા કરે છે – પ્રભુની લીલા ગાવા ઈચ્છે છેઃ ‘ तारी लीला गासुं ‘ એવી અભિલાષાના આનંદમાં રાચે છે.

ભક્ત આ સંસારરૂપી સકળ વનને લીલુંછમ – રસભર્યું- વૃક્ષોની ઘટાથી છવાયેલું- બનાવવા ઈચ્છે છે, અને એમાં વચ્ચે વચ્ચે કુંજમાં બારીઓ રાખીને ‘ શામળિયા’નાં દર્શન પામવા ઈચ્છા કરે છે. સંસારી જીવન દુઃખ અને વૈધવ્યનું જીવન નથી. સુખ અને સૌભાગ્યનું જીવન છે; માટે મીરાં ‘ पहिर कसुम्बी सारी ‘ કસુમ્બી સાડી પહેરીને પ્રભુનાં દર્શન કરવાની ઉત્કંઠા ધરે છે.

યોગી યોગની ક્રિયાઓથી, તપસ્વીઓ તપથી, સંન્યાસીઓ ત્યાગથી – પ્રભુને પામવા મથે છે. પણ શ્રીકૂષ્ણે ભગવદગીતામાં કહ્યું છે તેમ ‘ अव्यक्ता ही गति र्दुःखं देहवन्दिरवाप्यते ‘ અવ્યક્તનો માર્ગ એ શુખ અને શીતળ છાયાનો માર્ગ નથી. તેથી वृंदावन के वासी – આ સંસારમાં રહેનારા – સાધુજન હરિજનથી પરમાત્માને પામવા માંગે છે. આવી જાતના સાધુ સાથે બેસીબેસીને, લોકલાજ ખોઈને ભજનકિર્તન કરીને મીરાંએ પ્રભુ મેળવ્યા હતા.

પણ આમ ભક્તિરસથી કૃતાર્થ બનેલી મીરાં ‘હદયનાથ’ને હદયમાં અનુભવતી છતી, એની ‘પરાત્પર’ તાને વિસરતી નથી. એનો પ્રભુ હદયમાં સ્વંયપ્રકાશ હોઈને પણ ‘ગહરગંભીર’ – ઘેરો અને ઊંડો છેઃ ” तं दुर्दर्श गुढमनुप्रविष्टं गृह्यहितं गृह्यरेष्ठं पुराणं. ” ઈત્યાદિ શ્રુતિમાં વર્ણવેલી એની ‘દુર્દર્શતા’ એ સારી પેઠે સમજે છે. પણ એ ‘દુર્દર્શ’ને હદયસરસો લાવીને અપરોક્ષ કરવાની રીતિ પણ એને હાથ લાગી છે. જેણે પ્રભુને ખરા હદયથી હદયનાથ કરીને માન્યઓ છે તેને મીરાં કહે છે તેમ – ‘ आधी रात प्रभु दरसन दे हे, प्रेम नदी के तीरा. ‘

આ સંસારરૂપી શ્યામ રજનીમાં -અડધી રાતે પ્રભુ પ્રેમ નદીને તીરે દર્શન દે છે. પ્રભાત થતાં સૂર્યનાં કિરણોથી રાત્રિ ભેદાય એમાં તો નવાઈ જ શી? પણ અંધકારગાઢી રાત્રિમાં પણ કૃષ્ણચંદ્ર એના ભકતજન આગળ પ્રગટ થાય છે- ચંદ્રવત એમનો શીતળ પ્રકાશ પાથરે છે, અને પ્રેમથી એમને રાસ રમાડે છે. સંસારને અંતે (વિદેહ) મુક્તિ ભલે હો; પણ સંસારના મધ્યમાં પણ જીવનમુક્તિ મળી શકે છે. ચોતરફ ઘોર અજ્ઞાનથી ગાજતા આ સંસારમાં રહીને પણ, કયા ભક્તે ખરા પ્રેમથી પ્રભુ શોધ્યો અને એને એ મળ્યો નહિ?

(આપણો ધર્મ)

– આનંદશંકર ધ્રુવ (જન્મ – ઈ.સ. ૧૮૫૯, મૃત્યુ ઈ.સ. ૧૯૪૨)

બિલિપત્ર –

યમુના-નીરઆ કે સાગર-તીરા
વ્રજવિલાસિની, મોહનગોપિની, વરણમાલા,
દ્રારિકાવાસિની, નિજ-વિલોપિની મરણજ્વાલા
એ જ તો રાધા, એ જ તો મીરાં !
– મકરન્દ દવે


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “દાસ્યભક્તિ – આનંદશંકર ધ્રુવ

  • jjugalkishor

    આનંદશંકરભાઈનો ગ્રંથ ‘આપણો ધર્મ’ એ ગુજરાતીમાં પ્રગટ થયેલા બહુમૂલ્ય ગ્રંથોમાંનો એક છે.

    દાસ્યભક્તિ અંગેનું આ લખાણ બહુ સરસ છે. આજના જમાનાને એમાં સ્વાતંત્ર્યની હાનિ લાગે એવું બને !! પણ ભક્તિ એ કોઈના દ્વારા કોઈની ગુલામી નથી પણ સ્વેચ્છાએ કોઈ આરાધ્યને સમર્પિત કરેલો એક ઉર્ધ્વ ભાવ છે. દાસ્યમાં લાસ્યનો અનુભવ કરનારની ભક્તિની ઉંચાઈ માપી શકાતી નથી.

    ધન્યવાદ.