અજામિલ – રમણલાલ સોની 2


અસામાન્ય છૂપ્યું સત્ય, અતિ સામાન્ય સત્યમાં,
સમજી ના શકે જે એ તો ભૂલેલો અસત્યમાં!

અજામિલ નામનો એક બ્રાહ્મણ કનોજ માં રહેતો હતો. તે સારા સ્વભાવનો અને સારા આચારવિચારવાળો હતો. શાસ્ત્રોનો પણ તેણે અભ્યાસ કર્યો હતો. ગુરુઓ, અતિથિઓ અને વૃઘ્ઘોને તે માન આપતો હતો.

ધીમેધીમે અજામિલ નીચ લોકોની સોબતમાં ભળતો ગયો. આ સોબતના પ્રતાપે તે ઘરમાંથી પૈસા ચોરતાં ને જુગાર રમતાં શીખ્યો. શરૂઆતમાંતો ચોરીછૂપે ચાલતું, પણ વખત જતાં એની શરમ જતી રહી. વઘારામાં એને દારૂની પણ લત લાગી. એની સ્ત્રી કંઈ કહે તો એને એ મારવા પીટવા લાગ્યો. આમ કરતાં થોડા વખતમાં તો એ સાવ દુષ્ટ બની ગયો. એના આચારવિચાર સંપૂર્ણ રીતે બદલાઈ ગયા. એ જૂઠું બોલતો, ચોરી કરતો, જુગાર રમતો, દારૂ પીતો, પશુપંખીઓની હત્યા પણ કરતો. થોડ વખત પછી એણે એની સ્ત્રીનો ત્યાગ કર્યો અને એક નીચ જાતિની સ્ત્રીને પરણ્યો.

આમ ઘણા વરસ વીત્યાં. અજામિલ ઘરડો થયો.એને એક નારાયણ નામનો દીકરો હતો. એ સૌથી નાનો હતો, તેથી તેને ખૂબ વાહલો હતો. નારાયણને સાથે લીઘા વગર એ ક્યાંય જતો નહિ. એ જાતે જે એને નવડાવતો, ખવડાવતો ને પીવડાવતો. એમ કરતાં અજામિલ મરવા પડ્યો. આવે વખતે પણ એ નારાયણને ભૂલ્યો નહિ. મરણ જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ અજામિલ ‘નારાયણ, આવ! નારાયણ, આવ!’ કરી એને પોતાની પાસે ખેંચવા મથવા લાગ્યો.

‘નારાયણ, નારાયણ’ કરતાં કરતાં એના મનમાં મોટો ફેરફાર થઇ ગયો. અનેક વર્ષો પહેલાં પોતે જે નારાયણ ભગવાનની પૂજા કરતો હતો તે એકદમ યાદઆવી ગયા. પછીતો એને એની પાછલી જિંદગી બઘી યાદ આવી. તે વખતે તે કેવો હતો અને આજે કેવો છે! એને પોતાના દુષ્કૃત્યોનો ખૂબ પસ્તાવો થયો.

બન્યું એવું કે માંદગી માંથી એ બચી ગયો. સાજો થયો, પણ એનું મન હવે સંસાર પરથી ઊઠી ગયું. એણે ઘરબારનો ત્યાગ કર્યો. એને જંગલમાં જઈ ઈશ્વરભક્તિમાં બાકીનો આવરદા પૂરો કર્યો.

૧. માણસના મનમાં અણઘારી રીતે કેવા મોટા ફેરફાર થઈ જાય છે એ આ દ્રષ્ટાંત પરથી જણાય છે. દુઃખ અને મરવાકાળ વખતે માણસની દ્રઢતાની કસોટી થાય છે.
૨. જન્મ કે કુળને લીઘે નહિ પણ ગુણ ને લીઘે માણસમાં, બ્રાહ્મણત્વ આવે છે.
૩. ગમે તેવા દુષ્ટને માટે પણ ઉદ્ઘારની તક છે જ; એ પણ ઘારે તો ગુણીજનોમાં સ્થાન મેળવી શકે છે. આપણા ઘર્મશાસ્ત્રોમાં આ મોટો દોષ છે. એમાં નિરાશાને સ્થાન નથી. નાસીપાસોને સ્થાન નથી. એમાં તો દેદીપ્યમાન ભવિષ્ય છે. માણસ ભૂતકાળ તરફ જોવાનું ભૂલી ભવિષ્ય તરફ જુએ, તો એવી નિરાશા દૂર થઈ જશે, ને ઊજમાળું હાસ્ય એના વદન પર ફરકતું થશે.

– રમણલાલ સોની (કથામંગલ : ભાગવતમાંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “અજામિલ – રમણલાલ સોની

 • Rajendra

  ખુબ જ સરસ છે, બાઈબલ કંઈક આવુ કહે છે કે “જે લોકો પ્રભુઈસુ ને નથિ માનતા એ તો જીવતે જીવતા મરેલો છે” કેમ કે તો પરમપિતા પરમેશ્વરને નહિ પર બીજા કોઈને જે સ્વર્ગ ના નહી પણ અન્યલોકની શક્તિ ને માને છે જે મોક્ષ આપનારી નહિ પરન્તુ ભટકાવનારી અને પિતાથી વિમુખ કરનારી શક્તિ છે કેમ કે એ વ્યક્તિ ના કર્મો જ એની ચાડી ખાય છે કે એ આસુરી વ્યક્તિ છે અને તે પરમેશ્વરની આગ્યા પ્રમાણે નથી જીવતો અને પરમેશ્વરની આગ્ય આ છે, ગાંધીજીના અગિયાર વ્રતો જે બાઈબલમાં આજથી પાંચ હજાર વર્ષ પહેલા પરમેશ્વર યહોવાએ મુસા નામના સન્તને પથ્થર ઉપર લખીને પાપી યહુદી લોકો માટે આપી હતી જે બાપુને સાઊથ આફ્રિકામાં બાઈબલમા મળી હતી.
  મહાત્મા ગાંધી પોતાના જીવનમાં અગિયાર મહાવ્રતોનું આચરણ કરી રાષ્ટ્રપિતા અને વિશ્વના મહામાનવનું પદ પામ્યા હતા.
  1)સત્ય :- હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.
  2)અહિંસા :- કોઈને જરા પણ દુઃખ ન આપવું.
  3)ચોરી ન કરવી :- કોઈ કામ જૂઠુ ન કરવું.
  4)વણજોતું સંઘરવું નહીં. :- (અપરિગ્રહ)
  5)બ્રહ્મચર્ય :- મર્યાદાઓ-સિદ્ધાંતઓ પાળી માનસિક બ્રહ્મચર્ય તેઓ પાળતા.
  6)સ્વાવલંબન :- જાતે જ બધાં કામ કરવા, શ્રમનિષ્ઠ બનવું.
  7)અસ્પૃશ્યતા :- જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનતા નહીં. ભંગી, હરિજન, પછાતને અપનાવી – અસ્પૃશ્યતા નાબુદી માટે ખૂબ ભોગ આપ્યો.
  8)અભય :- નીડર રહેવું, નીડર બનવું.
  9)સ્વદેશી :- દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
  10)સ્વાર્થ ત્યાગ :- કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.
  11)સર્વધર્મ સમાનતા :- જગતના બધા જ ધર્મો સમાન ગણી અભ્યાસ કરી, સંપૂર્ણ માન સર્વ ધર્મને આપવું.
  બાપુ આ વ્રતો નમ્ર પણે કાયમ આચરતા.જે આ નિયમો નથી માનતા એ જીવતે જીવતા મરેલો છે તો મોક્ષ નસીબ ક્યાંથી, બાકી, ચાર વર્ણ કરતા ચાર પ્રવ્રુત્તિના લોકો ચારો વર્ણમાં મલે છે તો વર્ણ વ્યવસ્થા ભરમાવનારી ને ખાઈ વધારનારી છે

 • અતુલ જાની (આગંતુક)

  સંસ્કાર અને સોબતની અસર ઘણી ઘેરી હોય છે. ભગવદગીતામાં ચાર વર્ણની વાત આવે છે તેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આ વર્ણ સહુના પોતપોતાના ગુણ અને કર્મ પ્રમાણે છે અને જન્મ કે કૂળ પ્રમાણે હરગીઝ નહીં.

  રમણલાલ સોની નું સાચા અધ્યાત્મને ઉજાગર કરવાનું કાર્ય ઘણું પ્રભાવશાળી રહ્યું છે.