એક ચપટી અજવાળું – જીગ્નેશ અધ્યારૂ 12


( ઘણી રચનાઓ મારી ડાયરીમાંથી અક્ષરનાદ પર આવતા વર્ષો લગાડી દે છે, એ કદાચ એમની સાથે જોડાયેલ પ્રસંગ હોય કે તેની સાથે, અતૂટ રીતે સંકળાયેલી સર્જનની લાગણીઓ…. જો કે એ બધી રચનાઓ સરસ છે કે સર્જનની માપપટ્ટી પર ખરી ઉતરે છે એવો કોઈ દાવો નથી, આ વાર્તા પણ કાંઇક એમ જ લખેલી, વર્ષો થયાં, આજે અચાનક એક જૂના પ્રસંગના સ્મરણ રૂપે આ વાર્તા પાછી યાદ આવી અને હિંમત કરીને થોડાક સુધારા વધારા સાથે પોસ્ટ કરી છે, વાર્તા તત્વ તદન સાધારણ છે, પણ વિશેષતા ફક્ત એટલી કે પ્રસંગનો ઘણોખરો ભાગ સત્યઘટના પર આધારીત છે. – જીગ્નેશ અધ્યારૂ )

“પપ્પા, મમ્મીને આતલી તૈયાર કરીને ત્યાં લઈ જાવ છો?”

નાનકડી પિન્કીના અવાજે ભારેખમ અને ગમગીન વાતાવરણમાં સોપો પાડી દીધો. મનોજના પગ થંભી ગયા અને જાણે તેના ખભે, અંતિમયાત્રામાં જવા, પંચમહાભૂતમાં ભળવા જઈ રહેલી, નનામી માં હસતા મુખે સૂતેલો તેની વહાલસોઈ પત્ની હીનાનો નિષ્પ્રાણ દેહ પણ આંચકો ખાઈ થંભી ગયો. સવારથી અત્યાર સુધી તેને સાચવી રહેલી તેની માસી ભાવના, તેને અંદરના ઓરડામાં સૂવડાવીને જેવી હીનાના અંતિમ દર્શન માટે આવી કે પિન્કી પણ રોક્કળના અવાજે ઝબકી જઈને તેની પાછળ પાછળ આવી ગઈ. પોતાની મમ્મીને લાલ સાડીમાં, તૈયાર થઈને સૂતેલી જોઈને તેને આશ્ચર્ય થયું. મમ્મી સૌથી પહેલા ઉઠે અને સૌથી છેલ્લે સૂવે એવી તેની માન્યતા થી વિરુધ્ધનું દ્રશ્ય જોઈ તે અવાચક થઈ રહી.

“બેટા, મમ્મીને ભગવાને બોલાવી છે, એટલે એને ભગવાનના ઘરે મૂકવા જાઉં છું”, બોલતા મનોજના ગળે ડુમો ભરાયો અને આંખોમાંથી આંસુની વણઝાર ચાલી નીકળી. તેનો સાદ તૂટી ગયો અને આટઆટલા સબંધીઓની વાણી જેને ન રડાવી શકી, હીનાના મૃત્યુ પછી પોતાની બે વર્ષની પુત્રીનું કોણ એ વિચારે જેણે આંખમાં ઝાકળ જેટલુંય પાણી ન આવવા દીધું એ મનોજ પોતાની દિકરીના વચને, તેની સહજ પૃચ્છાએ હિંમત હારી ગયો. એક બે મિત્રોએ તેને ટેકો આપ્યો, પણ તે ઘૂંટણીયે બેસી પડ્યો અને તેની લાગણીના બંધો તૂટી ગયા. તે ચોધાર આંસુએ રડવા લાગ્યો. પિન્કીને તેણે હેતથી પાસે બોલાવી અને તેના માથે હાથ ફેરવવા લાગ્યો.

“પપ્પા, પપ્પા તમે પ્લીજ ન રડો ….. પ્લીજ પપ્પા, મારા પપ્પા તો નાઈસ બોય છે ને …..” પિન્કી પોતાના નાનકડા હાથે તેના પપ્પાની આંખોના આંસુ લૂછવા લાગી. પણ પિતાને પહેલી વખત રડતો જોઈને તેને પણ રડવું આવવા લાગ્યું. હાજર બધાંની આંખો છલકાવા લાગી.

“મનોજ, તારે આ પિન્કીને સાચવવાની છે, તું જ જો આમ ભાંગી પડીશ તો કેમ ચાલશે?” એક સબંધીએ મનોજને ઉદ્દેશીને કહ્યું.

મનોજે પોતાની જાત પર કાબૂ મેળવ્યો અને સ્વસ્થ થયો. કોઈક પાણી લઈ આવ્યું એટલે તે પીધું અને તરતજ પિન્કીને પોતાના એક હાથથી તેડીને બીજે ખભે તેણે હીનાની અર્થીને કાંધ આપી. અંતિમ યાત્રા દરમ્યાન, સ્મશાને ચિતા ગોઠવતી વખતે, અને અગ્નિદાહ આપતી વખતે પણ તેણે પિન્કીને પોતાની સાથે જ રાખી, જો કે તે તરતજ પિતાના ખભે સૂઈ ગઈ …… એ વાતથી અજાણ કે તેના પપ્પા પર શું વીતી રહી છે.

કહે છે કે સમય ભલભલા દુઃખોનો મલમ છે. ગમે તેવા ઝખ્મોને પણ સમય રૂઝાવી દે છે પણ હિનાના મૃત્યુથી પિન્કી અને મનોજને જે ઘા પડ્યો, એકલતાની જે ખાઈ રચાઈ તે સમયની સાથે વધારે ઉંડી થતી ગઈ. સંબંધીઓ થોડાક દિવસ પિન્કીની સારસંભાળ લેવા, તેની એકલતા અને નાની ઉંમર પર અફસોસ વ્યક્ત કરવા આવતા રહ્યા, અને જાણ્યે અજાણ્યે મનોજના ઘા ને ખોતરતા રહ્યા.

પણ હવે સમયની સાથે એ ઓછું થઈ ગયું. બધાં પોતાના જીવનમાં વ્યસ્ત થતા ગયા, હિનાને મનના કોઈ ખૂણામાં સંઘરી ભૂલતા ગયા. અને પંદર દિવસમાં તો એ ઘરમાં મહેમાનો, સબંધીઓની આવન જાવન તદ્દન પાંખી થઈ ગઈ.

પિન્કી ઘણી વખત ઉંઘમાં ઝબકી જતી અને મમ્મી મમ્મી બબડતી, પણ મનોજ તેને ખભે લઈને સૂવડાવી દેતો. તે હિનાને ખૂબ પ્રેમ કરતો, અને તે બંનેના પ્રેમ લગ્ન હોવાને લીધે હિનાના માતાપિતા પણ એકાદ વર્ષ સુધી તેમનાથી દૂર રહ્યાં હતા. તેઓ પણ લગભગ રોજ પિન્કીની સારસંભાળ લેવા આવતા, તો સામે પક્ષે મનોજના ઘરમાં તેના દૂરના કાકા સિવાય કોઈ ન હતું અને એ દૂરના કાકા કાયમ દૂર જ રહેતા. એટલે એકલતા મનોજને ઘેરી વળતી અને એ દુઃખ હળવું કરવા પોતાનો સમગ્ર પ્રેમ તેણે પિન્કી તરફ વાળ્યો.

“પપ્પા, મમ્મી ક્યારે આવશે? એને ત્યાં પિન્કી વગર દમતું હશે?” પિન્કી ઘણી વાર પૂછતી.

“ના બેટા, મમ્મીને કદી પિન્કી વગર ગમે? પણ ભગવાનજીને મમ્મી વગર નથી ગમતું, જેમ તું મારી દિકરી છે તેમ મમ્મી ભગવાનની દિકરી છે….. “

“પણ પપ્પા, મમ્મી પાછી ક્યારે આવશે? ભગવાનને કહોને કે પિન્કીને મમ્મી વગર નથી દમતું …. પ્લીજ મારે મમ્મી પાસે જવું છે.” પિન્કીનો અવાજ ઢીલો થઈ જતો.

“હા બેટા, આપણે ભગવાનને ચોક્કસ કહીશું….. ચાલ અત્યારે સૂઈ જા જોઉં, તારી મમ્મી તને કયું ગીત ગાઈને સૂવડાવતી?”

“સપનામાં મેં આજે પરીઓ જોઈ, મારી પિન્કી વહાલસોઈ, …. એ ગીત મમ્મી દાતી….” મમ્મીનું હાલરડું યાદ આવતાંજ પિન્કી ખુશ થઈ જતી.

“સપનામાં મેં આજે પરીઓ જોઈ, મારી પિન્કી વહાલસોઈ, હસતી પિન્કી ઝરતા ફૂલો, એને રડતી કદી ન જોઈ, મારી પિન્કી વહાલસોઈ…..” મનોજ તેને સૂવડાવતા પત્નિને યાદ કરી રહ્યો. ઘરમાં આવી રહેલા તેના સસરા દામોદરભાઈ આ દ્રશ્ય જોઈ રહ્યા અને પિન્કી સૂઇ ગઈ એટલે મનમાં કાંઈક નિશ્ચય સાથે તે મનોજ પાસે આવ્યા.

“મનોજ”, તેમણે મનોજને કાંઇક કહેવા ગળુ ખંખેર્યું, જાણે કે પોતાની જાતને એ વાત માટે તૈયાર કરી.

“હાં, કોણ?”, સૂતેલી પિન્કીના ચહેરા પર રહેલા આછા હાસ્યને જોતો મનોજ તદન અભાન અવસ્થામાં બોલ્યો.

“મનોજ, ઘણા દિવસથી વિચારતો હતો કે તને એક વાત કહું, પણ જીભ ઉપડતી નહોતી”

“બોલોને…. પણ પહેલા તમે બેસો” મનોજ તંદ્રામાંથી બહાર આવી રહ્યો હતો.

“બેટા, મને ખબર છે હીના માટે તારી લાગણી કેટલી ઉત્કટ છે, અને મને એ પણ ખબર છે કે તારા કે પિન્કીના જીવનમાં, આપણાં કોઇના પણ જીવનમાં એની ખોટ કોઇ પણ ભરપાઈ કરી શકે નહીં. લગ્ન પહેલા અને પછીની તમારી એકબીજા માટેની ભાવનાઓ મેં જોઇ છે અને મને ગર્વ છે કે હિનાએ તને જીવનસાથી તરીકે પસંદ કર્યો.” દામોદરભાઈ વાત કરતા કરતા વચ્ચે મનોજનો પ્રતિભાવ જોવા અટક્યા પણ તેના ચહેરા પર કોઇ ફેરફાર દેખાયો નહીં.

” મનોજ, પિન્કી હજી ખૂબ નાની છે, ને જિંદગીની મજલ ખૂબ લાંબી…. મારી એવી ઈચ્છા છે કે તું કોઈક સારી છોકરી પસંદ કરી બીજા લગ્ન કરી લે. પિન્કી હજી અણસમજુ છે, નાની છે, ત્યાં એ નવી માં સાથે ગોઠવાઈ જશે. અને તને પણ જીવનના લાંબા રસ્તા માટે એક સાથીદારની, એક હમસફરની જરૂરત પડશેજ ને?

તે મનોજનો પ્રતિભાવ જોવા થોડુંક થોભ્યા, પણ મનોજના ચહેરા પર કોઇ ફરક ન પડ્યો. તે એકીટશે પિન્કીને જોઇ રહ્યો હતો. દામોદરભાઈએ તેના ખબે હાથ મૂક્યો, ” મનોજ, હીના મારી એકની એક દીકરી હતી, જેમ પિન્કી તને વહાલી છે, એમ એ મને વહાલી હતી, એને મેં મારા જીવથી વધુ જાળવી હતી. એટલે તને આ વાત કહેતા મેં હ્રદય પર જે પથ્થર મૂક્યો છે એ મને જ ખબર છે, પણ જે જતી રહી તેના તરફના પ્રેમને લીધે હું તને અને પિન્કીને અન્યા તો ન કરી શકું ને?”

“પપ્પા, હું તમારો આશય સમજું છું,” મનોજ તેમના તરફ જોઇ બોલ્યો, “પણ મારા કે પિન્કીના જીવનમાં હીનાની જગ્યા કદી ખાલી નહીં થાય, એટલે અમારા બંને માટે હીના કદી દૂર નથી. કોઇ બીજા વિશે વિચારીને હું તેના પ્રત્યેના મારા પ્રેમને સ્વાર્થનું મહોરું પહેરાવવા માંગતો નથી. મારા જીવન સફરની એકમાત્ર મહેચ્છા પિન્કીને ઉછેરવાની, ભણાવવાની અને તેના જીવનને એક એવા મુકામ સુધી પહોંચાડવાની છે, જ્યાં જઈને તેને કદી એમ ન થાય કે તેની મમ્મી ન હોવાને લીધે તેને માં નો પ્રેમ નથી મળ્યો. એ હું આપીશ. અને મારા અને પિન્કી સિવાય આ જીવનમાં હવે બીજા કોઇને સ્થાન નથી. અમે બંને એકબીજાનો સહારો છીએ…” મનોજની આંખમાંથી એક આંસુ ટપક્યું અને પિન્કીના નાનકડા હાથમાં પડ્યું. પિન્કીએ મુઠ્ઠી વાળી લીધી…

*****

“પપ્પા,…” પિન્કીએ ઘરમાં આવતાની સાથે પપ્પાના નામની બૂમો પાડી ઘર ગજવી દીધું. “પપ્પા…..જલ્દી આવો…” તેણે ફરી બૂમ પાડી…

મનોજ બેઠકખંડમાં આવ્યો એટલે પિન્કી તેને વળગી પડી. “પપ્પા, આજે હું ખૂબ જ ખુશ છું. હું ડોક્ટર થઈ ગઈ એટલે નહીં પણ હું તમારી ઇચ્છાને પૂર્ણ કરી શકી એટલે…” તે ખૂબ ખુશ હતી. મનોજની આંખો પણ ચમકી ઉઠી,

“શું રિઝલ્ટ આવ્યું?” તેણે પિન્કીને પૂછ્યું…

“એઝ યૂઝૂઅલ, આઈ એમ યુનિવર્સિટી ફર્સ્ટ” પિન્કી ગર્વથી બોલી. તેની ખુશીનો આજે કોઇ પાર નહોતો.

“પપ્પા, તમે મને શું ગિફ્ટ આપશો?”

“તારે શું જોઇએ છે બેટા? મારું તો જે છે એ બધુંય તારૂ છે અને તું કશુંક માંગે અને હું ન અપાવું એવું થયું છે કદી?”

“પપ્પા ! આજે સાંજે હું તમને ડિનર પર લઇ જઈ રહી છું. હું અને તમે”

“પણ બેટા…”

“નો બહાના, આજે સાંજની બીજી બધી એપોઇન્ટમેન્ટસ કેન્સલ… ઇટ્સ અન ઓર્ડર…” પિન્કીએ આખરી ફરમાન આપી દીધું.

“ચાલો, હુકમનું પાલન તો કરવું જ રહ્યુંને!”…

સાંજે રેસ્ટોરાંમાં મીણબત્તીના મંદ પ્રકાશમાં જમવા માટે ઓર્ડર આપી દીધા પછી બંને વાત કરવા માટે શબ્દ શોધતા હતાં, એક અજબની ભારેખમ ખામોશી હતી.

“પપ્પા, મમ્મીને હજીય ખૂબ યાદ કરો છો ને? ખાસ કરીને આજે જ્યારે તમારા બંનેનું સપનું પૂરૂં થઈ ગયું છે ત્યારે?”

“એને ભૂલ્યો જ નથી બેટા, એટલે યાદ કરવાનો સવાલ જ નથી… અને કદાચ હીના હતી ત્યારે તને ખૂબ ભણાવવી અને ડૉક્ટર બનાવવી એ સપનું હશે પણ મારે તેની એ ઈચ્છા ગમે તે ભોગે પૂરી કરવાની જ હતી, અને મને ખાત્રી હતી કે હું કરી શકીશ.”

“મારાથી પણ છુપાવવું પડે એવું કોઇ આવરણ આપણી વચ્ચે કદી આવ્યું નથી… મને ખબર છે કે મેડીકલના મારા અભ્યાસે મારી પાસે તમને આપવાનો સમય જ નહોતો રહેવા દીધો, પણ એટલે આપણે દૂર થઇ જતાં નથી…” પિન્કી બોલતા થોડીક ભાવુક થઈ ગઈ, ” પપ્પા મને યાદ છે મારી બીમારી વખતે, મારો અકસ્માત થયો અને મારા હાથપગ છોલાઈ ગયા ત્યારે કે મારી એકેએક પરીક્ષામાં, દરેક વખતે મારાથી વધારે તમેં સહન કર્યું છે, યુનિવર્સિટી ફર્સ્ટ હું આવી પણ એ બધી મહેનત તમારી છે, એટલે આજે આ મારી સફળતા ગણું તો મારાથી વધુ કમભાગી કોઇ નહીં હોય. પપ્પા મારા માટે તમે ભોગ આપ્યો છે એમ કહી તમારા ત્યાગને હું જરાય નીચો પડવા દેવા માંગતી નથી, પણ મારી એક વિનંતિ છે, કે તમે કોઇ સારું પાત્ર જોઇને લગ્ન કરી લો. તમારૂં સ્વપ્ન પૂરૂં થઈ ગયું છે, હવે મારી આટલી વિનંતી માની લો તો મને ખરેખર આનંદ થશે.” બોલતા બોલતા પિન્કી હાંફી રહી.

“બેટા, તને લાગે છે કે તારી મમ્મીના ગયા પછી મને આવા અવસર નહીં મળ્યા હોય? પણ મારા માટે હીના કદી મરી નથી…. એટલે એ વાત તું કદી ન જ કરે તો સારું”

“પણ પપ્પા…”

જમવાનું આવ્યું એટલે થોડીક વાર વાત અટકી અને ફરી તંતુ સંધાયો

“છોડ એ વાત બેટા, જો કે મને એક વાતનું દુઃખ છે, કે તું હવે મારાથી વાતો છુપાવવા જેટલી મોટી થઈ ગઈ છે…”

“હું … મેં તમારાથી શું છુપાવ્યું”?

“તને ખબર છે તું ડોક્ટર સારી થઈશ પણ જો કદાચ અભિનયમાં ગઈ હોત તો ખૂબ ખરાબ અભિનેત્રી બનત, તને એ નથી આવડતું. મને કાલે તારી એક મિત્ર કહેતી હતી કે કોઇક ડોક્ટર અસિત મહેતાએ તને લગ્ન માટેનો પ્રસ્તાવ આપ્યો છે? અને તું એને એમ કહીને આવતી રહી કે એ બધી વાતો મારા પપ્પા સાથે કરવી? કેમ તારી જીંદગીના નિર્ણયો લઈ શકે એટલી કેળવણી મેં તને નથી આપી?”

“પપ્પા, ડો. અસિત મહેતા મારાથી એક વર્ષ સીનીયર છે અને આપણા શહેરના ખ્યાતનામ સર્જન ડો. જમનાલાલ મહેતાનો પુત્ર છે.”

“તો, તને શું કાંઈ વાંધો છે? કે પછી એ ગમતો નથી કે બીજું કોઇ ગમે છે? શું વાત છે એ તો મને કહે.”

મનોજ અટક્યો અને થોડુંક પાણી પીધું. મનમાં શબ્દો ગોઠવતો હોય એમ થોડીક ક્ષણો પિન્કીની સામે જોઇ રહ્યો, “આજે હીના જીવતી હોત તો આ બધી વાત એણે જ તને પૂછી હોત, પણ હું જ તારી માં અને બાપ બંને છું. એટલે જે હોય તે મને કહી દે દીકરા, મનમાં કોઇ ખટકો ન રાખ.”

“હા મને અસિત ગમે છે, એ ખૂબ સંસ્કારી અને સરળ છે, અમે ઘણી વખત મળ્યા છીએ, પણ હું લગ્ન માટે તેને હા નથી પાડી શક્તી, મારા લગ્ન પછી તમે કેવા એકલા થઈ જશો એ વિચારીને હું અત્યારથી ગભરાઊં છું, .. એટલે….”

“ના દીકરા, જો તું કહે તો હું આજે જ જમનાલાલ પાસે જઈશ અને તારા અને અસિતના લગ્ન માટે તેમને વાત કરીશ.”

“પણ પપ્પા તમે?”

“બેટા, ચકલીના માળામાંથી જ્યારે તેના બચ્ચાં ઉડી જવા પાંખો ફફડાવે છે ત્યારે ચકલી એમ નથી વિચારતી કે એણે બચ્ચાંઓને ક્યાં ક્યાંથી લાવીને ખવડાવ્યું, કે ક્યાંથી તણખલાં લાવીને માળો બનાવ્યો હતો, એ તો એમની ઉડાને ખુશ થાય છે, આ જીવનનું ચક્ર છે….. અને તારી ખુશી એ મારી ખુશી એટલે આ બાબતે હું કહું એ માનવું તારી ફરજ છે.”….

પિન્કીના લગ્નનું ભવ્ય આયોજન થયું અને મનોજે કોઇ કસર બાકી ન રહેવા દીધી. એક મધ્યમ વર્ગના નોકરીયાત માણસે પોતાની પુત્રી માટે જીવનની બધી મૂડી ખર્ચી નાખી. મનોજે મન કઠણ રાખીને કન્યાદાન આપ્યું અને લગ્ન રંગેચંગે પૂરા થયાં. પણ વિદાય વખતે એ ભાંગી પડ્યો. પિન્કી તેની વિદાય લેવા આવી ત્યારે એ હીનાના અદલ સ્વરૂપ જેવી લાગતી હતી.

“બેટા, જીવનભર મેં એક માં અને બાપ એમ બંનેની ફરજ અદા કરવાની પૂરી કોશિશ કરી છે. તારી માં તો તને મારા ખોળામાં મૂકીને ચાલી ગઈ પણ તેની ખોટ તને ન લાગે એવા બધાં પ્રયત્નો મેં કર્યા છે. તને ખૂબ ઉંચા મુકામે, એક સુખી જીવનના રસ્તે પ્રયાણ કરતી જોવી એવું અમારું સ્વપ્ન મેં પૂરું કર્યું એટલે આજે તારી માંને આપેલું મારું વચન પૂરું થયું બેટા, છતાંય જો કોઇ ભૂલ થતી હોય, કે ક્યારેય જાણ્યે અજાણ્યે મારાથી તારું મન દુભાયું હોય તો મને માફ કરજે.” મનોજની બધી કોશીશો વ્યર્થ કરતા તેના આંસુ આંખની પાંપણ પર તોરણની જેમ લટક્યાં.

પિન્કી તેને ભેટી પડી, બંને એક બીજાને વળગીને ખૂબ રડ્યાં “ખૂબ સુખી થજે અને બધાંને સુખી કરજે, બસ એ જ અમારા આશિર્વાદ” પિન્કી તેને ભેટી રહી. મનોજ તેને વળાવવા ગાડી સુધી આવ્યો અને જેવી ગાડી દેખાતી બંધ થઈ કે અચાનક મનોજ ફસડાઈ પડ્યો. કોઇક પાણી લઈ આવ્યું, કોઇક તેને હવા નાંખવા લાગ્યું, પણ મનોજની સ્થિર આંખોના આનંદને કોઇ ન પામી શક્યું.

પૂર્વમાં એક નાનકડો તારો ઉગી રહ્યો હતો.

– જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “એક ચપટી અજવાળું – જીગ્નેશ અધ્યારૂ