સરકારી કાયદાઓની ઉપર પણ કોઇપણ જંગલક્ષેત્રનો, તેના વન્યજીવનનો અને તેની સાથે સંકળાયેલા લોકોને લગતો પોતાનો આગવો કાયદો હોય છે. અમુક જંગલમાં આમ જ વર્તાય અથવા અહીં આવું ન જ કરાય એવી માન્યતાઓ અનુભવોથી ઘડાઇ હોય છે. અને એટલેજ જેમ કહેવાય છે કે અજાણ્યા પાણીમાં કૂદી ન પડાય તેમ અજાણ્યા જંગલોમાં પણ ભટકવા ન જ જવાય, કમસેકમ સુરક્ષાના પૂરતા ઉપાયો સિવાય તો નહીં જ.
તમે નહીં માનો પણ રાંચી થી ટાટાનગર (જમશેદપુર) વચ્ચે જ્યારે અમારું જમીનના ઉંડાણમાં તપાસણીનું કામ ચાલતું હતું ત્યારે ત્યાંના હાઇવે પર ચાની એક દુકાન કે હોટલ શોધવામાં નાકે દમ આવી જતો. ગેસ્ટહાઉસના લોકોને પૂછતા તેમણે અમને કહ્યું કે ત્યાં હાથીઓનો ખૂબ ત્રાસ છે. ટાટાનગરથી રાંચી જતા રસ્તે હાથીઓનું અભયારણ્ય આવે છે. અભયારણ્યને વાડ છે, પણ હાથીને કઇ વાડ રોકી શકે? ઉંચાઇમાં ઠીંગણા હાથીઓ વાડ તોડીને લગભગ રોજ રાત્રે આવે ત્યારે હાઇવે પરની બધી દુકાન – લારીઓ કે હોટલોને ભારે નુકશાન પહોંચાડીને જતા રહે. ઝૂંડમાં આવે અને ખૂબ તોફાન કરે, તોડફોડ કરે. તમે તેમનાથી બચો તો કઇ રીતે? એટલે ત્યાં લોકોએ હાઇવે પર હોટલ બનાવવાનુંજ માંડી વાળ્યું છે.
આ લાંબી પ્રસ્તાવનાનું કારણ એક પ્રસંગનો ઉલ્લેખ છે. વાત કાંઇક એમ હતી કે એક શનિ – રવિવારની અમારી પરિવાર સાથેની સફરમાં અમે સોમનાથ મહાદેવના દર્શન કર્યા પછી, સાસણગીરમાં બીજા દિવસે વહેલી સવારે સિંહદર્શન માટે જવાનું નક્કી કર્યું હતું. સાસણની બહાર, હાઇવે પર ત્યાંથી બે કિલોમીટર દૂર એક હોટલમાં રૂમ લઇ અમે રાત રોકાયા. સવારે છ વાગ્યે દેવળીયા પાસે સરકારી ટીકીટ લઇ અને જીપ્સી ભાડે કરી સિંહદર્શન માટે જવાનું નક્કી કર્યું. પ્રથમ જૂથ સવારે છ વાગ્યે જંગલમાં જાય છે, એટલે સાડા પાંચે નીકળવાનું નક્કી કરી અમે સૂઇ ગયા.
સવારે પાંચ વાગ્યે બધા ઉઠી ગયા. મેં અને મારી પત્નિએ, અમે ઘણી વખત ગીરમાં સિંહ – સિંહણ જોયા છે, એટલે રજાના દિવસે વહેલી સવારે જાગવાનો કંટાળો હતો, પરંતુ ઘરના બીજા બધા સભ્યો ખૂબ જ ઉત્સાહમાં હતાં. તૈયાર થઇ સાડાપાંચ વાગ્યે જેવા અમે અમારી ગાડીમાં બેઠા કે ખબર પડી કે આગળનું પૈડું પંચર થયેલું છે. અમને લાગ્યું કે અમારા ડ્રાઇવર એ પૈડું બદલે ત્યાં સુધી ખૂબ મોડુ થઇ જશે. આમ પણ શિયાળાની વહેલી સવાર હતી, એટલે ચાલતા જવાની મજા આવે, અને અંતર પણ બહુ ન હતું, ફક્ત દોઢ થી બે કિલોમીટર ચાલવાનું હતું. બધાના મત લેવામાં આવ્યા, બધા કહે ચાલવાની મજા આવશે, એ બહાને બધાની સાથે મોર્નિંગ વોક પણ થઇ જશે, એટલે અમારો સંઘ નીકળી પડ્યો.
હોટલથી દસેક ડગલા ગયા હોઇશું કે બધાને અહેસાસ થયો કે હવે આગળ છેક સુધી કોઇ લાઇટ નથી. રાત અમાસની હતી એટલે પ્રકાશ પણ ખૂબ ઓછો હતો, અને જેમ જેમ હોટલથી દૂર થતા ગયા, રસ્તો સ્પષ્ટ દેખાવા જેવો પ્રકાશ પણ ન રહ્યો. બે મોબાઇલની ટોર્ચલાઇટ શરૂ થઇ. મારા મોબાઇલની ટોર્ચ ખૂબ દૂર સુધી જઇ રહી હતી એટલે મેં આગળ ચાલી રસ્તો બતાવવાનું નક્કી કર્યું.
સમય પસાર કરવા મેં અમારા ગીરના અનેક અનુભવોમાંથી રાવલ નદીની આસપાસના નેસની મુલાકાતો અને રાત્રીભ્રમણ વિશે કહેવાનું શરૂ કર્યું. જો કે ત્યારે અમારી સાથે ગામના અને નેસના મિત્રો અચૂક હોય જ, જ્યારે આજે અમે ત્રણ પુરૂષો અને ત્રણ સ્ત્રિઓ ચાલતા જઇ રહ્યા હતાં, ગીરમાં કહે છે કે જ્યારે તમે ચાલતા જંગલમાં નીકળો તો ટોળામાં જ રહેવું અને પ્રતિબંધિત વિસ્તાર કે તેની આસપાસના વિસ્તારમાં એકલા, પરવાનગી વગર કે જાણકારના સાથ વગર ન ફરવું. આવી મુલાકાતોમાં અમારી સાથે ખેતરમાં નીલગાય ભગાડવા વપરાય તેવી મોટી ત્રણ ચાર ટોર્ચલાઇટો હોય. હું કહી રહ્યો હતો કે સિંહ આમ જ ક્યાંક આસપાસ ખાળીયામાં બેઠા હોય છે, અને જો નસીબ ખરાબ હોય તો ઝાડ પર કે ક્યાંક ખૂણે લપાઇને બેઠેલો ચિત્તો પણ તમારી રાહ જોતો હોય. ક્યાંકથી અચાનક આવતી નીલગાય તમને ઘાયલ કરી દે એમ પણ બને. આવી અનેક વાતો કરતા અમે લગભગ અડધો કિલોમીટર જેટલું અંતર કાપી નાખ્યું.
જો કે એક વાત મને હોટલ પર હતા ત્યારથી હેરાન કરી રહી હતી, અમારા પરમ મિત્ર માયાભાઇ અચૂક કહેતા કે જંગલમાં હોવ અને પહુડાના (હરણના) અવાજો ન સંભળાય તો માનવું કે સિંહ ક્યાંક નજીકમાં જ છે. અને આજે બરાબર એમ જ હતું, હોટલની આસપાસ ક્યાંય મને એક પણ હરણનો અવાજ ન સંભળાયો, નહીંતર ત્યાં જ્યારે રોકાઇએ ત્યારે હરણાના અવાજો અચૂક સંભળાયા કરે, એટલા સંભળાય કે આપણને થાય કે હવે આ બંધ થાય તો સારું, પણ આજે કાંઇક અલગ સંજોગ હતા. મનમાં થયું કે હોય કે સિંહ આટલામાં ક્યાંક હોય તો? આ હકીકત જાણ્યા વગર મારો આખો પરિવાર પાછળ પાછળ ચાલી રહ્યો છે, એ વિચારે ભયનું એક લખલખું પસાર થઇ ગયું. એટલે મોબાઇલની ટોર્ચ થોડીક વધુ ઉંચી કરી. બીજા બધાને થોડાક ડગલા પાછળ ચાલવાનુ કહ્યું, પણ પછી થયું સિંહ થોડો રસ્તા પરથી આવવાનો છે, એ તો આજુબાજુથી પણ આવી શકે. મને ચાલીને જવાના મારા પ્રસ્તાવની મૂર્ખામી પર ગુસ્સો આવ્યો પણ હવે પસ્તાવાનો વખત નહોતો. ચાલતા રહીએ અને પહોંચીએ એ જ હવે અંતિમ ધ્યેય બની રહ્યું, અને આગળ વધતા રહ્યાં.
અચાનક ઘણે દૂર કાંઇક હલનચલનનો ભાસ થયો. “બધા હાલ્યાચાલ્યા વગર ઉભા રહી જાઓ. આગળ કાંઇક છે. ” મારી એક જ સૂચનાએ બધા સૂનમૂન થઇ મારી તરફ જોઇ રહ્યા. અચાનક શું થયું હશે એવી ઉત્સુકતાએ અને ચિંતાએ બધા આગળ જોવા લાગ્યા, મેં ઇશારો કર્યો એટ્લે બધાએ રસ્તા પર આગળની તરફ ધ્યાન દઇને જોયું. એક મોટી સિંહણ, અમારાથી થોડેક જ આગળ રસ્તાની કિનારીથી રસ્તા તરફ ચડી રહી હતી, એ મારા મોબાઇલની ટોર્ચલાઇટના અજવાળાને લીધે અને અમારા અવાજને લીધે ઉભી રહી ગઇ. તેણે કાંઇક ઘૂરકીને અમારી તરફ જોયું.
“અરે બાપરે, હવે ?” ની પહેલી હળવી ચીસ મારી પત્નીની અને તેની પાછળ તરત બહેનની “ઓ બાપા, ફસાયા” ની વાત. “સશશશ…. ચૂપ રહેશો?” મેં કહ્યું. અમારામાંથી એક કહે, “ચાલો, આપણે પાછા જઇએ”. “ના, હમણાં હલશો નહીં, જ્યાં સુધી આ સિંહણ જુએ છે ત્યાં સુધી તો હરગીજ નહીં”, મેં ધીમેથી કહ્યું. આપણે એક કામ કરીએ, એક એક ડગલું કરીને બધા પાછળ ખસતા જઇએ અને…”
” હમણા બોલ્યા વગર ઉભા રહો, પેલીને જોયા કરો” મેં કહ્યું.
સિંહણ અમારી તરફ ચારેક ડગલા આગળ વધી, પછી આવા પાતળા લોકોથી તો મારો નાસ્તો પણ નહીં થાય એમ તેને લાગ્યું હશે એટલે પાછી પોતાની જગ્યા પર રસ્તાની વચ્ચે જઇને બેસી ગઇ. હવે શુ કરવું એવા વિચારમાં હું ફાંફાં મારવા લાગ્યો. દસેક મિનિટ આમ જ પસાર થઇ ગઇ અને મને પ્રથમ વખત શિયાળાની આટલી વહેલી સવારે પરસેવો વ્યાપી રહ્યો. અમારી પાછળ થોડેક દૂર એક નાનકડી હોટલના દરવાજાની પાસેની એક ટ્યૂબલાઇટની રોશની દેખાઇ. આ તરફ સિંહણની સાથે હવે તેના ત્રણ ચાર બચ્ચા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. સિંહણ બેઠી બેઠી તેનાબચ્ચાઓને જોઇ રહી હતી. આ તરફ અમે ધીરે ધીરે પેલી હોટલની રોશની તરફ વધ્યા, સિંહણે પોતાનું માથુ ઉંચુ કરી અમારી તરફ જોયું, પણ પછી અમને દૂર જતા જોઇ પાછી પૂર્વવત થઇ ગઇ. એટલે અમારામાં હિંમત આવી, અમે તે હોટલ પાસે પહોંચ્યા, અને તેનો મોટો દરવાજો ખોલી, અંદર જઇ, પાછો બંધ કરી દીધો. આ દરમ્યાન તે હોટલનો ચોકીદાર જાગી ગયો હતો. તેણે અમને મદદ કરી. સિંહણ હવે અમારી નજરોથી ઓઝલ હતી કારણકે આ હોટલ વળાંક પર હતી.
અમે ત્યાં ઉભા ઉભા અમારા ડ્રાઇવરને ફોન કર્યો. તેમણે પૈડું બદલી દીધું હતું, એટલે અમે તેમને એ હોટલ આવવા કહ્યું. જો કે તેમને આવતા ખાસ્સી વીસ મિનિટ થઇ. અમે ગાડીમાં બેઠા, જો કે સિંહદર્શન તો અહીં જ થઇ ગયા હતા અને ગભરાટના માર્યા બધાએ જંગલમાં જવાની મનાઇ કરી, પણ મેં તેમને જંગલનીએ મુલાકાત માટે તૈયાર કર્યા અને અમે ચાલી ગાડીમાં નીકળ્યા ફરીથી સિંહદર્શન કરવા. પણ જો પેલી સિંહણ અમારી તરફ આગળ વધી હોત તો?
(Photo courtsy : Internet)
અદભુત અનુભવ ! આવા રોમાંચક અનુભવો જીવનપર્યંત યાદ રહેતા હોય છે. આપની કલમને સલામ .
Wah ! Jignesh Bhai.
Tamari AA Information khub Helpfull banse.
Ame pan 24-dec. ni ratre AHMEDABAD thi JUNAGADH javana 6e.
Ane tyathi SASAN jaisu.
<<<<<<<>>>>>>
આવો જ અનુભવ જ્યારે મારા ફાધર કોડિનાર બાજુ હતા ત્યારે તેમને થયેલો અને એ વાતની યાદ આવી ગયી.
તારા જેવીજ હાલત મારી પણ ગીરમાં થયેલી જ્યારે મધ્ય રાત્રીમાં વરસતા વરસાદમાં અમારી ૧૦ ફુટ સામે દિપડો કુદેલો.
(ચોકના વડલે જવાના રસ્તે)
સિંહ દર્શન કેટલીવાર નિરાંતે કર્યા છે એ પ્રસંગોનું સ્મરણ થઇ આવ્યું..
“મજા નો છે તામરો અનુભવ”
– ભરત માલાણી
મજાનો રોમાન્ચક અનુભવ…
Really dangerous but so wonderful,
I mean, thrilling experience !!
મને તો તમારો અનુ ભવ વાંચીને (એ બાજુ જવાનો)ઘણા સમયથી પ્લાનીંગ કરી રહ્યા છીએ પણ જવાતું નથી નો રંજ થયો… હોપ કે અમને પણ આવો કોઇ અનુભવ થાય પણ પાછા પણ ફરી શકીયે એવી દુવા કરજો યાર.
દિલધડક,વાઁચતાઁ જ ધ્રુજારેી છૂટેછે.
આપનો અનુભવ વાંચીને મને પણ કંપારી આવી ગઈ.
વેરી ડેન્જરસ અનુભવ.અમે માણસા થી ભાદરવી પૂનમે સંઘ માં ચાલતા અંબાજી જતા હતા.આખા સંઘ માં અમે ચાર જ રજપૂતો હતા.આમતો દિવસે જ ચાલતા.દાંતા આગળ સંઘ રોકાયેલોઅને સવારે બધા નીકળવાના હતા.પણ દસેક માણસો રાતેજ નીકળવાના હતા,જેથી આમારી માણસાવાળા ની ધરમ શાળામાં યજ્ઞ અને ભોજન વિગેરેની વ્યવસ્થા કરી શકાય.રાતે દાંતા થી અંબાજી નો રસ્તો ડેન્જરસ હતો જેથી અમે રહ્યા બહાદુર રાજપૂતો એટલે બધાની વિનંતી થી અમે રાતે એલોકો જોડે ચાલી નીકળ્યા.પણ અમારામાંના એક જણે દિવસે દાલબાટી ને ઘી ખુબ ઝાપટેલું જેથી પેટ માં દુઃખાવો ઉપડેલો એટલે અમે એ ટુકડી થી થોડા એકલા પડી ગયા.તમારી જેમ સિંહ નહિ પણ રીંછો નું એક ટોળું અમને પણ ભટકયેલું.જંગલી રીંછો પણ ખુબજ ડેન્જરસ હોય છે.માતાજીનું નામ લઈને અમે ચારે જણા એવા ભાગેલા કે આવ અંબાજી ઢુંકડું.મારો પગનો દુઃખાવો,બીજા ભાઈનો પેટનો દુઃખાવો,એક ભાઈ ને પગમાં ફોલ્લા પડેલા બધું ભુલાઈ ગયેલું.તમારા લેખે પુરાણી યાદો તાજી કરી.થેંક્યું વેરી મચ.