કોઇ દી સાંભરે નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુ તુ તુ ની હડીયાપાટીમાં
માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઇ ગઇ
હાલાંના સુર થોડા વેરતી ગઇ… કોઇ દી
શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા-
પારિજાતકની મીઠી સુગંધ લઇ
વાડીએથી આવતો વા,
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઇ… કોઇ દી
સૂવાનાં ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું;
માની આંખો જ જાણે જોઇ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં જ એ દગ ચોડતી ગૈ… કોઇ દી
કોઇ દી સાંભરે નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ
આવી કવીતાઓ ખુબજ ગમે છે. આભાર પાઠક
jhaverchand meghani ni kalam ne “maa” jevo vishay pachhi poochhvanu vali shu?