સદગત માંને… – અશોકપુરી ગોસ્વામી 4


લાખ લાખ પરબોથી છીપાવી શકાય ના એવી તરસ મને લાગી
ખોબે ખોબે મારી માને પીવાની આજ ઓચિંતી ઝંખનાઓ જાગી.

ડૂમાનો ડૂચો તો એવો લાગ્યો, નથી ખોલવાનું જડતુંય બારું,
સૂરજનાં દેશમાં છે જીવવાનું તોય મારે ચારે દિશામાં અંધારૂ

જીવનની વાટમાં છે કાંટાને ઝાંખરા જાણે જંગલની કેડી,
કેડી થયેલી મારી માના તે હાથ જાણે હમણાં લેશે મને તેડી.

લોકોની આંખો તો દરિયો ને દરિયાનું પાણી તો કે રણ છે;
છત્રીસ વરસના મારા બત્રીસે દાંતે હજી દૂઝતું માનું ધાવણ છે.

ભર રે ઉનાળે મારી છાતીની અંદર હું ધોધમાર ચોમાસું વેઠું,
સદગત થયેલી મારી માવડીનું વહાલ આજ આળસ મરડીને થયું બેઠું.

– અશોકપુરી ગોસ્વામી

માતાના મૃત્યુ પછી તેમને, તેમના વહાલને અને સ્નેહભર્યા આલિંગનને યાદ કરતા, માની એક પુત્ર તરફની લાગણીઓને ખોબે ખોબે પીવાની તરસ જાગે ત્યારે કાંઇક આવી સુંદર રચના થતી હશે.. માં મૃત્યુ પામી છે, પણ હજી જીવનની વાટમાં આવતા વિઘ્નોથી માતા બચાવતી એવી યાદ અને માતાના અવસાનના અસહ્ય દુ:ખ વચ્ચે કવિને સતત માતાનું સ્મરણ થાય છે. વહાલને એક માણસની જેમ આળસ મરડીને બેઠું થતું બતાવાયું છે એ તેમના કવિત્વની અને માતા પ્રત્યેના તેમના અપાર સ્નેહની પરાકાષ્ઠા દર્શાવે છે.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 thoughts on “સદગત માંને… – અશોકપુરી ગોસ્વામી

  • Dipak

    સદગત માં…….
    સર્વ માનવ જગતના સ્‍પંદન નું શબ્‍દ રૂપાંતર
    અદભૂત ….
    અકથ્‍ય ને પણ કથ્‍ય ………

  • CHANDRAKANT PARIKH

    અશોક્ભાઈ,

    આપનુ કાવ્ય અદ ભુત છે. વાચિને નયન છ્લ્કાઇ ગયા અને માતાનિ યાદ આવિ ગઈ. આપનિ આ ક્રુતિ
    અમુલ્ય છે